Saturday, July 20, 2024
Homeમનોમથંનસરકારની બિનઅસરકારકતા

સરકારની બિનઅસરકારકતા

ભારત દેશની શૈક્ષણિક અને રાજનૈતિક દશાની ભૂંડી તસ્વીર પ્રસ્તુત કરતી એક લોકવાયકા ઘણાં સમય પહેલા સાંભળી હતી. જેમાં કહેવાય છે કે ક્લાસરૃમમાં આગળની હરોળમાં બેસતા વિદ્યાર્થીઓ તેજસ્વી હોય છે. તેવો ડૉક્ટર-એન્જિનીયરીંગ જેવા વ્યવસાયમાં કારકિર્દી બનાવે છે. વચ્ચેની હરોળના વિદ્યાર્થીઓ સીવિલ સર્વિસિસમાં જાય છે અને સરકારી અધિકારીઓ બને છે. જેઓે આગળની હરોળમાં બેસતા તેજસ્વી વિદ્યાર્થીઓ પર અંકુશ મેળવે છે. છેલ્લી હરોળમાં બેસતા મસ્તીખોર વિદ્યાર્થીઓ ડોબા હોય છે અને ખાસ ભણી શકતા નથી તેથી રાજકારણમાં જોડાય છે. તેઓે વચ્ચેની હરોળવાળા વ્યવસ્થાતંત્રના સરકારી અધિકારીઓ ઉપર અંકુશ મેળવે છે. અને જે ખૂબ ઓછુ ભણેલા હોય છે અથવા સ્કૂલ ક્યારેય ન ગયા હોય, તેવા લોકો આશ્રમો ખોલે છે બાબા કહેવાય છે, લોકોને યોગ અને જીવન જીવવાની કળા જેવા ‘ચાવીરૃપ જ્ઞાન’ અર્પણ કરે છે. આ બાબાઓ ડૉક્ટર, એન્જીનીયર, વ્યવસ્થાતંત્રના અધિકારીઓ અને રાજકારણીઓ તમામને અંકુશમાં રાખે છે.

આ લોકવાયકામાં ભલે થોડી અતિશ્યોક્તિ હોય પરંતુ ઘણું તથ્ય તો જરૃર છે. હાલમાં જ શ્રી રવીશંકરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને આ લોકવાયકાની યથાર્થતા સાબિત કરી છે. દિલ્હી રાજ્યમાં યમુના નદીના કિનારે શ્રી રવીશંકરે કાર્યક્રમ યોજવાની હિંમત દેખાડી. એમ તો ત્યાં પર્યાવરણને લગતી સમસ્યાઓ વધી જવાના ખતરાને કારણે સરકારી કાર્યક્રમોનું પણ આયોજન કરવાની સખ્ત મનાઈ છે. છતાં રવીશંકરે કાર્યક્રમની તૈયારીઓ આરંભી દીધી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અંદાજ મુજબ કાર્યક્રમને કારણે લગભગ ૧૦૦ કરોડનો નુકસાન થવાનો અંદાજ હતો. છતાં ફકત પાંચ કરોડનો નજીવો દંડ ફટકારવામાં આવ્યો. કોઈપણ દેશહિતને સમજનાર વ્યક્તિ હોત તો આ કાર્યક્રમને જ સ્થગિત કરી દીધો હોત અને શરમનજક પરિસ્થિતિમાં મુકાઈ જતો. પરંતુ જીવન જીવવાની કળા શીખવતા રવીશંકરે એક નવી કળા શીખવતા દંડ નહીં ભરવાનો દમ ભર્યો અને જેલ ભેગા થઈ જવાની તૈયારી બતાવી. આની અસર છેક સંસદ સુધી થઈ. સંસદમાં હોબાળો થતા રવીશંકરે ૨૫ લાખ ભરવાની તૈયારી દેખાડી અને કોર્ટે પણ નમતુ જોખી બાકીની રકમના હપ્તા કરી નાંખ્યા.

આશ્ચર્યની બાબત છે કે આ સમગ્ર કાર્યક્રમ વિવાદાસ્પદ હોવા છતાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓએ હાજરી આપી. કાર્યક્રમને કારણે પર્યાવરણની એસીતેસી કરતા અને એનજીટીના હુકમનો સરેઆમ ઉલંઘન કરતા લોકોને સબક શીખવાડવાને બદલે દિલ્હી સરકારે અને કેન્દ્ર સરકારે સહકાર આપ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. કાર્યક્રમમાં પાકિસ્તાન જીંદાબાદના વિવાદિત નારાઓ પણ ગુંજ્યા અને સંસ્કૃતિના નામે કેટલીક અસંસ્કૃતિક બાબતો પણ થઈ તેવા સમાચારો પણ પ્રાપ્ત થયા છે.

ગયા મહીને જેએનયુમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવવાના ખોટા આરોપસર સરકાર અને મીડિયા અને કહેવાતા રાષ્ટ્રવાદીઓએ એટલો હોબાળો કર્યો કે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદના મુદ્દે ચર્ચાઓ થવા લાગી. રાષ્ટ્રવાદના ઝંડાધારકો જો ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારાથી એટલા ઉગ્ર અને રોષે ભરાતા હોય તો તેમને શ્રી રવીશંકરનો પણ એ જ તિવ્રતાથી વિરોધ કરવો જોઈએ. પરંતુ એવું કંઇ થયું નહીં. કદાચ એટલા માટે કે શ્રી રવીશંકર ‘સાંસ્કૃતિક’ કાર્યક્રમ કરી રહ્યા હતા અને આ તેમની સંસ્કૃતિનો જ એક ભાગ હોય. અને હા જો આવો કોઈ કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષ દ્વારા કે વિશિષ્ટ સમુદાયનો હોત તો અસહિષ્ણુંતાનો કોઈ પાર ન રહ્યો હોત. રાષ્ટ્રવાદનો દમ ભરતા લોકો અને સરકારે પોતાનો દંભ અને બેવડી નીતિ છોડી દેશહિતના કાર્યોની દિશામાં કામ કરવાની જરૃર છે.
બીજી એક ઘટના બની વિજયમાલ્યાના ભાગી જવાની આમ તો દેશના લોકો કાળો ધન પાછો આવશે તેની રાહ જોતા જોતા લગભગ નિરાશ થઈ ગયા. પરંતુ દેશની બહુમતિ જનતાને મોદી સરકારમાં એટલો તો વિશ્વાસ હતો કે આ સરકાર અસરકારક ગવર્નન્સ તો જરૃર પુરૃ પાડશે. પરંતુ આ દિશામાં પણ લોકોને નિરાશા જ મળી છે. ઘણાં સમયથી વિજયમાલ્યા પર કાનુની શકંજો કસવાનો તખ્તો રચાતો હતો. પરંતુ તેને પકડવું એટલું આસાન ન હતું. છતાં જ્યારે પાણી નાકની ઉપર ગયું તો ન છુટકે તેને પકડવા માટે હાથપગ મારવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધી ખૂબ મોડુ થઈ ગયું હતું. માલ્યા દેશ છોડીને જતા રહ્યા. મોદી સરકારમાં આ લલિત મોદી પછી બીજી વ્યક્તિ છે જેને પકડવામાં અને પૈસા કઢાવવામાં સરકારે સરેઆમ નિષ્ફળતા મેળવી છે. દેશની સુરક્ષા વ્યવસ્થા એટલી પોકળ અને રાજનૈતિક બની ગઈ છે કે જે વ્યક્તિ પાસે પ્રથમ હરોળની તમામ બેંકોના ૯૦૦૦ કરોડ નિકળતા હોય કે જેમાં આમ નાગરિકોની બચતના પૈસા હોય છે, તેને વસુલ કરવાની કોઈ ગંભીરતા દેખાતી નથી. આ ઉપરાંત બે મહિના પહેલા રાષ્ટ્રીયકૃત બેંકોએ ૧૧૪૦૦૦ કરોડ રૃપિયાની લેણી રકમ એનપીએ (નોન પર્ફોમિંગ અસેટ) તરીકે રાઈટ ઑફ કરી નાંખ્યા તેની પણ કોઈ ખાસ નોંધ નહીં લેવામાં આવી. સુપ્રિમ કોર્ટે સ્વંય કાર્યવાહી કરતા બેંકોને નોટીસ પાઠવી કે ૫૦૦ કરોડ કે તેથી વધુની રાઈટ ઑફ થયેલી લૉનની વિગતો આપવામાં આવે.

એવી આશંકા સેવાઈ રહી છે કે મૂડીવાદીઓને આ આડકતરો નફો પહોંચાડવામાં આવી રહ્યો છે. જ્યારે ખેડૂતોને ૫૦,૦૦૦ના દેવા માટે આત્મહત્યા કરવી પડી રહી છે. આ પરિસ્થિતિ એક એવા દેશની છે કે જ્યાં ક્યારેક ‘જય જવાન જય કિસાન’નો સુત્ર અપનાવવામાં આવ્યો હતો.! વર્તમાન સરકારનો સુત્ર કદાચ ‘જય મુડીવાદી જય રાષ્ટ્રવાદી’ હશે.

સરકારની અસરકારકતાની ચાડી ખાતી ત્રીજી ઘટના છે હરિયાણામાં જાટોેના આંદોલનની. ફેબ્રુઆરીમાં શરૃ થયેલ આંદોલને ૩૦ જેટલા જીવ લીધા અને લગભગ ૨૦,૦૦૦ કરોડનું અંદાજિત નુકસાન કર્યું. હમણાં ૧૫મી માર્ચે મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે જાટોને આરક્ષણ મામલે જલ્દીથી ફેંસલો કરે. જાટોએ ટ્રેનના પાટાઓ પર ધરણા દીધા, સરકારી મિલ્કતોને નુકસાન પહોંચાડ્યું, રાષ્ટ્રીય ધોરી માર્ગોને રોકી લીધા વિ. અને આ આંદોલનકારોના આવા પગલાથી સરકારે શું પગલા લીધા? કેટલા જાટ નેતાઓની ધરપકડ કરી? હકીકત આ છે કે રાજ્ય સરકારે કોઈ અસરકારક પગલા લીધા નથી કેમ કે આ દેશની પરંપરા આ બની ગઈ છે કે કોઈ પણ નિર્ણય પક્ષને થનારા રાજકીય અને આર્થિક ફાયદા કે નુકસાનને જોઈને લેવામાં આવે છે. આમ નાગરિકોને શું કનડગત થાય છે તેમના રોજીંદા જીવનમાં શું ફેર પડે છે દેશના ભવિષ્ય પર શું અસરો થશે? આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી છબી ખરડાશે કે ચમકશે? આ પ્રશ્નો પર કોઈ વિચાર કરવામાં આવતો નથી. નાગરિકો અને દેશની કોઈ ચિંતા કોઈપણ રાજકીય પક્ષને નથી. ચિંતા ફકત સત્તા હાંસલ કરવા માટે કે ટકાવી રાખવા માટેની હોય છે. ચિંતા ફકત પોતાના વજૂદ અને અસ્તિત્વની હોય છે. ચિંતા બીજાની વિચારધારા સાથે લોકો સંમત ન થઈ જાય તેની હોય છે.

આવી ચિંતા રાખનારી સરકાર બિનઅસરકારક જ સાબિત થશે. તેમાં કોઈ બેમત નથી. ખરેખર તો આવી સરકારો દેશના સારા ભવિષ્ય માટે ચિંતાજનક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments