ગુજરાતમાં એક સાથે ઉત્સવોનો માહોલ જામી ઉઠયો. ઉતરાયણમાં સામાન્ય જનતા ઉંચા આભમાં પતંગો ચઢાવવામાં મસ્ત થઈ જ્યારે સરકારી બાબુઓ પોતાના આકાઓની વાહવાહી સાથે વાઈબ્રન્ટ સમિટના ઉત્સવમાં રાજકરણીઓની ફીરકી પકડી આંકડાઓ રૃપી દોર વડે પોતાની વાહવાહીભરેલી ખૂશામતખોરીના પતંગોને આંકડાઓની માયાજાળમાં ઊંચે આંબવાની મથામણમાં વ્યસ્ત રહી ઉજવણી કરી.
ઉતરાયણમાં પતંગો ચગાવવાની સાથે ઉંઘિયા જલેબીની મસ્તી અને વાઈબ્રન્ટ સમિટમાં ઉંચા આંકડાઓની માયાજાળની પરિકલ્પના વચ્ચે બર્ડફ્લુના ચકરાવામાં સામાન્ય જનમાનસ ફેર-ફુદરરડી ફરવા લાગ્યુ. મુદ્દાની વાત જોઈએ તો બર્ડફ્લુના નામે સરકારના પશુપાલન ખાતા દ્વારા હજારોની સંખ્યામાં મરઘાઓના બ્લડટેસ્ટ કર્યા વગર જ મારી નાખવામાં આવ્યા. બીજી બાજુ વાઈબ્રન્ટ સમિટમાં જોર દઈને બોલાવાયેલા મહેમાનોની સરભરામાં એ જ હજારો મરઘાઓની મેજબાની ઉડાવવામાં આવી. જ્યારે ત્રીજા પડખે જોઈએ તો આપણા જ કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા ઉતરાયણ નિમિત્તે પતંગની દોર દ્વારા કપાઈને મરી કે ઇજાગ્રસ્ત ન થાય તે માટે માટીના ઘર, ઘાસના માળા, તાત્કાલિક પક્ષી સારવાર કેન્દ્ર, આ ઉપરાંત અન્ય જરૂરી સગવડો પક્ષીઓની હત્યા ન થાય તે માટે ઉભી કરવામાં આવી. જીવદયા પ્રેમીઓ દ્વારા શેસિયલ મીડિયાનો પણ બહોળો ઉપયોગ કરી પક્ષીઓ બચાવવાની દર્દભરી અપીલો કરવામાં આવી. આ ઉતરાયણ દરમ્યાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જઈ ખૂદ આપણા મુખ્યમંત્રીએ લોકોને જીવદયા દાખવી પક્ષીઓને બચાવવાની અપીલ ટીવીચેનલો સામે કરી હતી. જ્યારે સામે પક્ષે તેમના જ કેટલાક વિભાગો દ્વારા આ સંદર્ભે કોઈ જાંચપડતાલ કર્યા વગર હજારો મરઘાઓનો કાંતો બર્ડફ્લુના નામે કાંતો મહેમાનોની મેજબાનીના નામે કતલ કરવામાં આવ્યા હતા.
આ બધી ગંભીર ચર્ચાઓમાં સામાન્યજન જાણે ભૂલભૂલૈયામાં ભૂલો પડયો હોય તેમ આવાચક થઈ સમજવાની મથામણો કરવા લાગ્યો કે, આ કઈ પ્રકારની પરિસ્થિતિ વળાંક લઈ ઉભી થવા પામી છે કે એક બાજુ જીવદયા પ્રેમીઓ દ્વારા એક એક પક્ષીને બચાવવા તાત્કાલિક સારવાર કેન્દ્રો સહિતની વ્યવસ્થાઓ ઉભી કરી પતંગ રસિયાઓને કોઈ પક્ષીને હાનિ ન પહોંચે તેની દર્દભરી અપીલ કરવામાં આવે છે અને તે જ પ્રદેશમાં બીજીબાજુ સરકારના પશુપાલન ખાતા દ્વારા બર્ડફ્લુના નામે હજારો મરઘાઓનો બ્લડટેસ્ટ કર્યા વગર માત્ર શંકાના આધારે મારી નાખવામાં આવે છે. જ્યારે સરકારના જ બીજા એક વિભાગ દ્વારા વાઈબ્રન્ટ સમિટમાં પક્ષીઓ બહારથી બોલાવાયેલા મોટા મોટા માલેતુજારોની ખૂશામતખોરી માટે હજારો મુરઘાઓ કાપી ‘ચિકનરેસીપી’ની લિજ્જત માણવામાં આવે છે. હરીફરીને ગોળગોળ કુદરડી ફરી પાછા હતા ત્યાંના ત્યાં જ કશું જ. સમજી ન શકાય તેવી વિમાસણભરી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. ખરેખર આ પરિસ્થિતી જોતા એક બાજુ હસવું આવે ત્યાં આ ખસેલી પરિસ્થિતિ જોઈને એટલી જ ભારોભાર દુઃખની ગ્લાની પણ ઉભી થવા પામે છે. આ તો કેવું નિંભર અને આયોજનવિહીન તંત્ર કે એક જ સમયે એક જ પરિસ્થિતિમાં બે મૂઢાની વાત અને બેધારી તલવારની રમત.*