Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસ્ત્રી ઉત્થાનની વાસ્તવિક્તા

સ્ત્રી ઉત્થાનની વાસ્તવિક્તા

સામાન્ય રીતે ઇસ્લામમાં સ્ત્રીઓના સ્થાનની વાત આવે ત્યાં એવી ગેરસમજ ઉભી થાય છે કે સ્ત્રીઓને ઇસ્લામમાં સંપૂર્ણ આઝાદી નથી મળતી, તેમનું શોષણ થાય છે અને સ્ત્રીઓને પુરૃષોની ગુલામ બનાવીને રજૂ કરવામાં આવે છે. આથી ઇસ્લામ અને સ્ત્રીઓની ઉન્નતિ જેવા શબ્દો આશ્ચર્ય ઉપજાવે એવું છે. ઇસ્લામ સ્ત્રીઓને કઈ દૃષ્ટિથી જુએ છે અને તેમાં સ્ત્રીઓનો દરજ્જો શું છે તે જાણતાં પહેલા કેટલીક પાયાની વાતો જાણવી જરૂરી છે.

આજે સ્ત્રીઓની આઝાદી માટેના બે પ્રકારના દૃષ્ટિબિંદુઓ જોવા મળે છે અને આ બંનેમાં સામાન્ય રીતે મતભેદ પ્રવર્તે છે જે ફક્ત વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ તફાવત જોઈ શકાય છે.

પ્રથમ દૃષ્ટિબિંદુ પશ્ચિમી સંસ્કૃતિનો છે જે મુખ્યત્વે ‘જ્યુડો ક્રિશ્ચિયન’ માંથી ઉદ્ભવતી વિચારધારા છે. જેની જડો બિનસાંપ્રદાયિકતાની ક્રાંતિ પછી “એરા ઓફ એનલાઈટમેન્ટ” ના યુગમાં વધારે મજબૂત જોવા મળે છે. બીજો દૃષ્ટિબિંદુ ઇસ્લામિક વિચારધારાનો છે જેનો દાવો છે કે તેમાં પ્રવર્તતા સિધ્ધાંતો, નિયમો અને વિચારસરણી ઈશ્વર તરફથી વહી મારફતે અવતરિત થયેલ છે. આ એવી વિચારધારા છે જે દરેક યુગમાં મનુષ્યજાતિ માટે માર્ગદર્શન છે જે કોઈ ખાસ સમૂહ કે ભૌગોલિક સ્થળ માટે મર્યાદિત નથી. પશ્ચિમની બિનસાંપ્રદાયિકતા અને આઝાદીની વિચારધારા પ્રમાણે જગતમાં પ્રવર્તતી વિચારસરણી, કલ્પનાઓ, સંસ્કૃતિ એ જ મનુષ્ય માટે ઉત્તમ છે. અમેરિકન લેખક ફ્રાન્સીસ ફુકાયામા પોતાના પુસ્તક “ધ એન્ડ ઓફ ટાઈમ”માં લખતા કહે છે કે આઝાદીનો ફક્ત આ જ મત જે બિનસાંપ્રદાયિક છે મનુષ્ય માટે ઉત્તમ છે જે પછી બીજો કોઈ માર્ગ મનુષ્યજાતિની પ્રગતિ માટે ફળદાયી નથી. જો કે તે પોતાના પુસ્તકમાં લખે છે કે જગતમાં ફક્ત એક ઇસ્લામની વિચારધારા એવી છે જે બિનસાંપ્રદાયિકતાની વિચારસરણીથી અસંમત છે.

આ વિરોધાભાષી અભિપ્રાયોમાં મહત્વની ચર્ચા સ્ત્રીઓ વિષે જોવા મળે છે. સ્ત્રીઓનું સ્થાન શું છે ? શું સ્ત્રીઓ માટે એક સંસ્કૃતિમાં ઉન્નતિ અને બીજામાં અધોગતિ છે ? પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે ફક્ત તેની વિચારધારા માં જ સ્ત્રીઓની પ્રગતિના દ્વાર ખુલ્લાં છે જ્યાં દિનપ્રતિદિન તેમના અધિકારોમાં અભિવૃધ્ધિ જોવા મળે છે. જ્યારે ઇસ્લામ એવું માને છે કે તે જ ફક્ત એવું તંત્ર છે જ્યાં સ્ત્રીઓ અને પુરૃષને તેમના અધિકારો આપવામાં આવ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિએ તોે આઝાદીનો ફક્ત ઢોંગ રચ્યો છે.

ઇસ્લામમાં સ્ત્રીઓના સ્થાન વિષે ચર્ચા કરતા પહેલા પશ્ચિમી સંસ્કૃતિમાં સ્ત્રીઓના સ્થાન વિષે કેટલીક વાતો જાણવી હિતાવહ છે. પશ્ચિમી સંસ્કૃતિ પોતાને ગ્રીક સંસ્કૃતિની વારસદાર માને છે જેનું અસ્તિત્વ ઈસુ ખ્રિસ્તના પૂર્વે જોવા મળે છે. આથી પશ્ચિમી સંસ્કૃતિના ઘણા વિચારો એરિસ્ટોટલ, પ્લેટો જેવા લેખકોના પુસ્તકોમાં જોઈ શકાય છે. આ લેખકો પ્રમાણે સ્ત્રી શું હતી અને તેઓ સ્ત્રીઓનું શું મૂલ્ય આંકતા હતા, તેનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે સ્ત્રીઓના સ્થાન વિષેના તેમના વિચારો આ છે કે સ્ત્રી જાતિ નથી અને તેની પ્રકૃતિ પણ મનુષ્યની પ્રકૃતિ કરતા અલગ છે. આથી સ્ત્રી પ્રાકૃતિક રીતે જ Deficient છે.જે ભરોસાને લાયક નથી. એવું કહી શકાય કે ગ્રીક સંસ્કૃતિ પ્રમાણે એક Elite વર્ગને બાદ કરતાં સ્ત્રીઓ ગુલામ અને જાનવરથી પણ બદતર છે.

એરિસ્ટોટલનો આ મત થોડા ઘણા અંશે કેથોલિક ચર્ચમાં પણ જોવા મળે છે. સંત થોમસ એકવયનસ પ્રમાણે સ્ત્રી એ શેતાનનો ફંદો છે. આદમ અને હવ્વાના પ્રસંગમાં પણ ગ્રીક સંસ્કૃતિ વિષે આપણે અજાણ નથી. મનુષ્યને સ્વર્ગમાંથી નિકાળવાવાળી સ્ત્રી જ છે, તેમની સાથે સાવચેતીથી વર્તવું કારણ કે તે પાપની પોટલી છે. પ્રોટેસ્ટન્ટની વિચારધારામાં ફેરફાર પછી યુરોપે પોતાને કેથોલિક ચર્ચની બંધનમાંથી આઝાદ કરાવ્યું જેણે “એજ ઓફ એનલાઈટમેન્ટ” તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં ઘણા ધાર્મિક બંધનોમાંથી મુક્તિની ચળવળ ચલાવવામાં આવી જેમાં કેટલીક વૈજ્ઞાનિક કલ્પનાઓ જેમકે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, બ્રહ્મવિદ્યા સંબંધિ કલ્પનાઓ વિગેરે જેની ઝલક માર્ટિન લ્યુથરના પુસ્તકોમાં જોવા મળે છે અને કેટલાંક સામાજિક વિચારોમાં ફેરફાર આવ્યાં, જેમાં સ્ત્રીઓના સ્થાન વિષે પણ ચર્ચાઓ થઇ. પરંતુ હજી સુધી સ્ત્રીઓના સ્થાન વિષે કંઇક મોટો ફેરફાર નહોતો થયો. જેમ કે ફ્રેંચ લેખક રૃસોહ, વોલ્ટેપર વગેરે પ્રમાણે સ્ત્રી એક બોજો છે અને તેથી જ રૃસોહ પોતાની બુક “ીદ્બૈઙ્મી” કે જે સ્ત્રીઓના શિક્ષણ પર આધારિત છે લખે છે કે તેમની માટે શિક્ષણ અલગ હોવું જોઈએ કારણ કે સ્ત્રીઓ તે સમજવા અસમર્થ છે જે પુરૃષો સમજી શકે છે.

આ સંસ્કૃતિ છે જે પશ્ચિમની વિચારધારાઓની શૃંખલામાં જોવા મળે છે. તે પછી આપણે જોઈએ છે કે ૧૮૦૦ ઈ.સ. માં સ્ત્રીઓ અને પુરૃષોએ આ વિચારોમાં બદલાવ માટેના કેટલા લેખો પ્રકાશિત કર્યા અને અહીંથી ફેેમિનિસ્ટ ચળવળનો પ્રારંભ થયો છે. મેરી વોલ્સન ક્રાફટ દ્વારા લખાયેલ “વિન્ડીકેશન ઓફ ધ રાઈટ્સ ઓફ ધ વુમન” એ પ્રથમ પુસ્તકોમાનું એક છે. ત્યારપછી સ્ત્રીઓને કેટલા અધિકારો મળે છે. જેમાં સૌથી પહેલા એક કાનૂની અધિકાર છે જેમાં સ્ત્રીઓને માલ-મિલકત રાખવાનો અધિકાર આપવામાં આવ્યો. યુરોપમાં અને યુ.એસ.એ.માં ૧૮૦૦ના અંતિમ દાયકાઓમાં જ સ્ત્રીઓને આ અધિકાર આપવામાં આવ્યો. ઔદ્યોગિક ક્રાંતિએ આ ચળવળને એક નવો આવેગ આપ્યો. કોલસાની ખાણોમાં કલાકો સુધી કામ કરતી સ્ત્રીઓને આ ચળવળ પછી પુરૃષોની જેમ વળતર મળવા લાગ્યું.

એ પછી પશ્ચિમી સંસ્કૃતિમાં એવી ક્રાંતિ આવી જેણે બીજા વિશ્વયુધ્ધ પછી સ્ત્રીઓ માટે અકે નવી ફેમિનિસ્ટ ચળવળ ચલાવી. જેમાં સ્ત્રીઓને સામાજિક, રાજકીય, આર્થિક રીતે કાયદાઓમાંથી સંપૂર્ણ મુક્તિ અપાવવાની વાત કરવામાં આવી. આ આઝાદી ફક્ત કાનૂની નહીં પણ સમાજના નૈતિક મૂલ્યોથી પણ મુક્તિ હતી. જેમાં પુરૃષો અને સ્ત્રીઓ સંપૂર્ણ રીતે “સેકસ્યુઅલી” આઝાદ હતાં. આ ચળવળ પ્રમાણે એવું માનવામાં આવ્યું કે લગ્ન, ઘર વગેરેના બંધનો સ્ત્રીઓની આઝાદીમાં રૃકાવટ છે આથી તેમાંથી તેઓને મુક્તિ આપવામાં આવે.

છેવટે ૧૯૯૦માં પશ્ચિમે એક નવી ચર્ચાને વેગ આપ્યો, હવે ચર્ચા ‘સેક્સ’થી હટીને જેન્ડર પર થવા માંડી. જે The edge of extremes નામના પુસ્તકમાં જોવા મળે છે. જેના લેખક (એરિક હોબ્સબોમ) પ્રમાણે પુરૃષ અને સ્ત્રી વચ્ચે કોઈ ફરક નથી અને લિંગની ભિન્નતા એ ફક્ત પર્યાવરણની ઉપજ છે. જો પર્યાવરણને બદલવામાં આવે તો પુરૃષ અને સ્ત્રી એકબીજાની ભૂમિકા બજાવી શકે છે. આપણે ફક્ત શિક્ષણ અને લોકોનું વલણ બદલવાની જરૃર છે. આમ પશ્ચિમી સંસ્કૃતિમાં છેલ્લા ૨૫૦૦ વર્ષમાં પ્રવર્તતી સ્ત્રીઓના સ્થાન માટેની ચર્ચામાં એક એ છે જેને સ્ત્રીઓને તેના મનુષ્ય તરીકેના સ્થાનથી જ વંચિત કરી દીધી હતી. જ્યારે બીજી એ છે કે જ્યા “સેક્સ” વચ્ચે કોઈ પણ પ્રકારની ભિન્નતા ને નકારી ને જેન્ડર, પર્યાવરણ અને લોકમતની વાતો થાય છે.

હવે બીજા દૃષ્ટિબિંદુ તરફ વળીએ, કે જે ઇસ્લામની વિચારધારા પ્રમાણે છે. આ એવી વિચારધારા છે જેની શ્રધ્ધા, માન્યતાઓ અને કાનૂન ઈશ્વર તરફથી અવતરિત થયેલ છે. આથી તેની સાર્થકતા અને સચ્ચાઈમાં કોઈ શક નથી. મુસ્લિમોની એવી શ્રધ્ધા છે કે મનુષ્યને ઈશ્વરે પેદા કર્યો છે તેના વિષે ફક્ત તે જ જાણે છે કે તેની માટે સારૃ-નરસું શું છે અને આથી જ તેઓ એક “કોડ ઓફ લૉ” ના પાબંદ છે. જે તેમની શ્રધ્ધાની અભિવ્યક્તિ છે. હવે ઇસ્લામમાં “વુમનહૂડ” શું છે ? ઇસ્લામીક સંસ્કૃતિનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે તે ગ્રીક સંસ્કૃતિ અને ફ્રેંચ વિચારધારાઓથી ઉલટું પુરૃષ અને સ્ત્રીને એક જ મનુષ્યજાતિ તરીકે જુએ છે. પુરૃષ અને સ્ત્રીના માનવ સ્વભાવમાં કોઈ ફરક નથી. પુરૃષ અને સ્ત્રીને મનુષ્ય તરીકેનો દરજ્જો ઇસ્લામે ૧૪૦૦ વર્ષ પહેલા આપ્યો. આ એક ક્રાંતિકારી વિચાર છે જે પશ્ચિમમાં છેલ્લા ૧૦૦ વર્ષમાં જ જોવા મળે છે.

કુઆર્નમાં ઇર્શાદ છે કે “લોકો અમે તમને એક પુરૃષ અને એક સ્ત્રી માંથી પેદા કર્યા અને પછી તમારી કોમો અને કબીલા બનાવી દીધા જેથી તમે એક બીજાને ઓળખો, હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (સંયમી) છે.” (૪૯ઃ૧૩). જે દર્શાવે છે કે સ્ત્રી અને પુરૃષ એકજ આદમ અને હવ્વાની સંતાન છે. એ જ રીતે હ. મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે “Women are the twin halves of men” એટલે કે એકજ સત્વ, એકજ મૂલ્ય અને તેના બે ભાગ પુરૃષ અને સ્ત્રી. જે પશ્ચિમી સંસ્કૃતિની તદ્દન વિરોધાભાસી છે. જ્યાં સ્ત્રીઓને પુરૃષોની ભાગીદાર ગણવામાં નહોતી આવતી.

હવે આગળ જતાં પ્રશ્ન એ થાય કે મનુષ્યનો જીવનધ્યેય શું છે ? તે શા માટે આ દુનિયામાં મોકલવામાં આવ્યો અને અહીંથી તેને ક્યાં જવાનું છે ? ઈશ્વરીય સંદેશ પર આધારિત ઇસ્લામી માન્યતા પ્રમાણે પૃથ્વી પર મનુષ્ય જાતિને કે જે પુરૃષ અને સ્ત્રીના રૃપમાં છે ફક્ત ઈશ્વરની બંદગી કરવા માટે મોકલવામાં આવ્યાં છે અને આ જ ઇસ્લામી સંસ્કૃતિ અને વિચારધારાનો મહત્વનો મૂળ પાયો છે. બીજી બાજુ અમેરિકન સંસ્કૃતિની માન્યતા ફક્ત કેટલાક બુદ્ધિજીવીઓના લેખો પર, સ્વાતંત્ર્યની ઘોષણાપત્ર પર, યુ.એસ.એ.ના બંધારણ પર, રાજાશાહી અને લોકશાહીની વિચારધારા પર આધારિત છે. એટલે એવું કહેવું ખોટું નહીં હોય કે તે ફક્ત એક રાજકીય વિચારધારા ધરાવે છે. કદાચ થોડા ઘણા અંશે તેમાં ખ્રિસ્તી ધર્મના વિચારોનો સમાવેશ ભલે હોય પણ છેવટે તેનું સત્વ એક રાજકીય વિચારધારા પર આધાર રાખે છે જ્યારે ઇસ્લામિક વિચારધારાનું સત્વ ધર્મ પર આધારિત છે.

ઇસ્લામનો અર્થ થાય છે કે ઈશ્વર સામે સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જવું આથી ઇસ્લામમાં સ્ત્રી અને પુરૃષ એક માત્ર ધ્યેય રાખે છે અને તે એ છે કે એ વાતનો એકરાર કરવો કે ઈશ્વર ફક્ત એક છે. પુરૃષ અને સ્ત્રી બંને માટે નમાજ, રોઝા, ઝકાત અને હજ કરવી ફરજીયાત છે. બંને માટે સામાજિક મુલ્યો અને આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે.
હ. મુહમ્મદ (સ.અ.વ.)ના જન્મના ૫૦ વર્ષ પહેલા ફ્રાંસમાં કેટલાક “બિશપ” ભેગા મળીને સ્ત્રીઓ વિષે ચર્ચા-વિચારણા કરે છે, કે સ્ત્રીઓ આત્મા ધરાવે છે કે નહીં ? શું તેઓ ઈશ્વરની પૂજા કરી શકે? અને જો કરી શકે તો શું તેઓ સ્વર્ગમાં જશે? અંતે એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ આત્મા ધરાવે છે. પરંતુ તેણી ફક્ત ઈશ્વરની પૂજા માટે નહીં પણ પુરૃષની સેવા માટે પેદા કરવામાં આવી છે. જ્યારે કે ઇસ્લામ સ્ત્રીઓને પુરૃષોને સમર્પિત થવા નહીં પણ પુરૃષ અને સ્ત્રી બંનેને ઈશ્વરને સમર્પિત થવા આજ્ઞા આપે છે. આથી કુઆર્નમાં કેટલાક સ્થળોને છોડતાં પુરૃષ અને સ્ત્રી બંનેને સાથે સંબોધિત કરવામાં આવ્યા છે અને સાથે જ પુરૃષ અને સ્ત્રી બંનેને પોતાના કાર્યો માટે જવાબદાર ગણાવ્યા છે. જેના આધારે તેઓ ઇનામ કે સજાને પાત્ર બનશે.
આમ ઇસ્લામમાં ત્રણ મુદ્દાઓ મુખ્ય છે.

(૧) પુરૃષ અને સ્ત્રી બંને એકજ મનુષ્ય જાતિમાંથી પેદા કરવામાં આવ્યા છે. અને બંનેના મનુષ્ય તરીકેના અધિકારો સમાન છે.
(૨) બંનેનો આ જગતમાં મોકલવાનો ઉદ્દેશ્ય એક જ છે.
(૩) બંનેને તેમના કર્મો પ્રમાણે સમાન વળતર મળશે.
આમ એવું કહી શકાય કે ઇસ્લામ ગ્રીક અને પશ્ચિમી સંસ્કૃતિ તેમજ તેમની રાજકીય અને સામાજિક વિચારધારાઓને તોડે છે. સ્ત્રીઓના કેટલાંક આધિકારો જેમકે તે તેમની સંપત્તિની પોતે માલિક છે અને જેમ ઈચ્છે તેમ ખર્ચી શકે છે. એ સાથે જ યુધ્ધોની સંધિઓમાં ભાગ લેવો વિગેરે એવા અધિકાર છે જે ઇસ્લામે ૧૪૦૦ વર્ષ પહેલા આપેલા છે અને પશ્ચિમમાં તેની ઉપર છેલ્લા કેટલાક દાયકાઓથી જ અમલ થાય છે. એ જ રીતે વ્યક્તિગત અને સામૂહિક વિધિઓ જેમકે ઈદની નમાજ, હજ્જ વગેરેમાં પુરૃષોની જેમ સ્ત્રીઓ પણ સામેલ થઇ શકે છે. સામાજિક કરારોમાં પણ સ્ત્રી અને પુરૃષના સમાન હક્કો અને ફરજો છે. જેમ કે કુઆર્નના ફરમાન પ્રમાણે બંને એકબીજાના સાથી છે જેઓ સમાજમાંથી બુરાઈઓ દૂર કરે છે. નમાજ પઢે છે, ઝકાત આપે છે અને આવા લોકો માટે સમાન વળતરનો વાયદો છે.

હવે જેન્ડર તરફ વળીએ જ્યાં પશ્ચિમે હદ વટાવી દીધી છે અને એવો વિચાર આપ્યો છે કે પુરૃષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભિન્નતા નથી. જેન્ડર એક એવી પરિભાષા છે જે બાયોલોજી પ્રમાણે સેક્સની જેમ નર અને માદા માટે ઉપયોગમાં નથી આવતી પરંતુ એવું માનવામાં આવે છે કે નર અને માદાના સામાજિક લક્ષણોમાં ભિન્નતા એ તેમના ઉછેર, કેળવણી, સંસ્કૃતિ અને પર્યાવરણના લીધે જોવા મળે છે. પુરૃષ અને સ્ત્રીમાં તેમની બનાવટમાં, વિચારોમાં કે કાર્યોમાં કોઈપણ પ્રકારની ભિન્નતા નથી અને તે માટે તેઓ “જેન્ડર”ની પરિભાષાનો ઉપયોગ કરે છે અને આ ગ્રીક સંસ્કૃતિની પ્રતિક્રિયા છે જ્યાં સ્ત્રીઓને મનુષ્ય જાતિમાં સામેલ કરવામાં નહોતી આવતી. ઇસ્લામ ચોક્કસથી એવું માને છે કે પુરૃષ અને સ્ત્રી મનુષ્યજાતિમાં સામેલ છે. આથી બંને સમાન છે પરંતુ લૈંગિક રીતે બંનેમાં ભિન્નતા જોવા મળે છે. પણ શું તેનો મતલબ એ છે કે પુરૃષ ઉચિત છે અને સ્ત્રી અનિષ્ટ અને પાપી છે? તેનો ઉત્તર કુઆર્નમાંથી મળે છે જેમાં અલ્લાહ રાત્રિ અને દિવસના કાર્યોનો ઉલ્લેખ કરતા ફરમાવે છે “તે અલ્લાહ છે જેણે રાત્રિને પેદા કરી જ્યારે તે છવાઈ જાય છે અને તે જ છે જેણે દિવસને બનાવ્યો જ્યારે તે પ્રકાશિત થાય છે અને તે જ છે જેણે નર અને માદાને પેદા કર્યા” અહીં રાત્રિ અને દિવસના ભિન્ન કાર્યો દર્શાવ્યા છે તો શું એનો મતલબ એવો છે કે રાત્રિ ઉત્તમ છે અને દિવસ અનિષ્ટ ? નહીં, પરંતુ રાત્રિનું પોતાનું આગવું મહત્વ છે અને એ જ રીતે દિવસનું પોતાનું. જેમ કે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે કે ફક્ત રાત્રિ જ હોય અને દિવસનું અસ્તિત્વ ન હોત તો માનવશરીરમાં કેટલા અંતઃસ્ત્રાવોનું પુનઃનિર્માણ અશક્ય બની જાય અને માનવ જીવનનો અંત આવે. એ જ રીતે સ્ત્રી અને પુરૃષોની કામગીરી ભિન્ન છે અને આજ ઇસ્લામ અને પશ્ચિમ વચ્ચેનો એક સળગતો વિવાદ છે. જેમ કે આગળ ઉલ્લેખ થયો તેમ પશ્ચિમ સ્ત્રી અને પુરૃષ વચ્ચે કોઈ ભિન્નતાને સ્વીકારતુ નથી. જ્યારે કે ઇસ્લામિક વિચારસરણી એ સ્ત્રી અને પુરૃષોની એક અર્થબધ્ધ ભૂમિકા નક્કી કરી દીધી છે. અને આ ભૂમિકા પ્રમાણે જ ઈશ્વરે તેમને જવાબદારીઓ પણ સોંપી છે.
યુ.એન. સ્ત્રીઓના સ્થાનને બહાલ કરવા માટે ઘણી કોન્ફરન્સનું આયોજન કરે છે. પરંતુ સ્ત્રીઓના શોષણના મૂળભૂત પ્રશ્નો તો હજી ઉભા જ છે. પછી ભલે ભૌતિક રીતે સ્ત્રીઓ ગમે એટલી પ્રગતિ કરી હોય. તે ક્યાંય સુરક્ષિત નથી રહી. સ્ત્રી ભ્રુણહત્યા હજી પણ સળગતો પ્રશ્ન છે. સ્ત્રીઓ પર થતા અત્યાચારની ઝલક વુમન કમિશન રીપોર્ટમાં જોવા મળે છે. જ્યારે કે ઇસ્લામે ફક્ત ૨૩ વર્ષની મુદ્દતમાં એક એવી ક્રાંતિ આણી કે જે અરબની ભૂમિમાં બાળકીઓને જીવતી દાટી દેવાતી હતી ત્યાં ઇસ્લામ આવતાની સાથે જ આ હીન કૃત્યનો અંત આવે છે.

બાળકીઓના ઉછેર અને કેળવણીને જન્નતની જમાનત ગણાવતા લોકો એ જન્નતને પામવા કટિબધ્ધ થઈ જાય છે. જે ફક્ત માત્ર મુસલમાનોનું જીવનધ્યેય છે. આમ માનસિકતા બદલવાની તાતી જરૃર છે.

ઉદાહરણ રૃપે એક સ્ત્રીનો માતા તરીકેનો સ્વભાવ કે જે કોઈ સંસ્કૃતિની ઉપજ નથી પરંતુ પ્રાકૃતિક રીતે આ સ્વભાવ ધરાવતી સ્ત્રી તેના બાળકોને સારી રીતે ઉછેરી શકે છે. માતા અને બાળક વચ્ચે એક પ્રાકૃતિક, માનસિક અને શારિરિક બંધન હોય છે. આથી તેની ઉપર બાળકોની જવાબદારી પુરૃષો કરતા વધી જાય છે. એ જ રીતે પુત્રોની તેની માતા તરફની જવાબદારી તેમના પિતા કરતા વધારે છે. જેમકે મુહમ્મદ (સ.અ.વ.)ની હદીસમાં જોવા મળે છે. જ્યાં તેઓ માતાની કાળજીને પિતા કરતાં ત્રણ ગણુ વધું મહત્વ આપે છે. આમ તેમના પ્રાકૃતિક ભિન્નતા પ્રમાણે તેમના જવાબદારીઓ અને ફરજો પણ ભિન્ન છે.
પરંતુ એનો મતલબ એ નથી કે ઇસ્લામે બંનેને એકબીજાના વિરોધાભાસી અને સ્પર્ધક બનાવ્યા છે જે આજે પશ્ચિમી સંસ્કૃતિમાં જોવા મળે છે. જ્યાં પુરૃષ અને સ્ત્રી વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. મનુષ્ય ફક્ત દિવસ કે ફક્ત રાત્રિમાં નથી જીવી શકતો તેમ પુરૃષ અને સ્ત્રી પણ એકબીજાના પૂરક છે જે ફક્ત એક ધ્યેય ધરાવે છે. જેની માટે તેઓ અહીં મોકલવામાં આવ્યા છે. પુરૃષ અને સ્ત્રીની આ પૂરકતા જ તેમની આ દુનિયા અને પરલોકમાં સફળ બનાવવા માટે જરૂરી છે.

Email : saluengineer@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments