Tuesday, June 25, 2024
Homeકેમ્પસ વોઇસસ્ત્રી શિક્ષણ અને સમાજ

સ્ત્રી શિક્ષણ અને સમાજ

સ્ત્રી અને શિક્ષણ લેખકોના ફેવરિટ વિષય રહ્યા છે. ઘણા આ બંનેને જોડીને લખે છે તો ઘણા અલગ કરીને… અને માત્ર લેખો જ શું કામ? પ્રવચનો, સેમિનારો, કવિતાઓ દ્વારા આ ટોપિક પર અનેક લોકોના વિચારો, મંતવ્યો બહાર આવતા રહ્યા છે. વિદ્વાનો ઘાંટા પાડીને કહે છે કે આપણે “બેટી ભણાવ” અભિયાન ચાલુ કરવું જોઈએ છતાં અમુક વ્યક્તિઓના બહેરા કાનો સુધી જાણે આ વાત પહોંચતી જ નથી? કારણકે આપણે સમજીએ છીએ કે, સ્ત્રી એટલે અબુધ-અબળા, સ્ત્રી એટલે પઝલ, સ્ત્રી એટલે પગની પાનીએ બુદ્ધિ, ધરાવતું પાત્ર એન્ડ મચ એન્ડ મેની મોર… જોકે, આ સિવાય પણ સ્ત્રી કંઇક છે જે મારી, તમારી, આપણી આસપાસ જીવે છે. જરા સમય લઈને અવલોકન તો કરો!!!

સ્ત્રી એ છે કે, જે એકસાથે પ્રાચિન અને અર્વાચિન યુગને જીવે છે. એ ૮૦ વર્ષના સાસુને, ૨૮ વર્ષના દિકરાને અને ૩ વર્ષના પૌત્રને એક સમયે ખુશ રાખી શકે છે અને એને મજા આવે છે. કોઈ કંટાળો નથી, કોઈ ફરિયાદ નથી. કારણકે એ બચપણથી આ બધું જોતી, શીખતી આવે છે. તમને ખબર છે સ્ત્રીનો સૌથી મોટો ગુણ ક્યો છે? અનુકુળ થવાનો.. એ અનુકુળ થઈ શકે છે માણસો સાથે, સમયે સાથે, સંજોગો સાથે. આગળ વધતી જાય છે બિલકુલ નદીની જેમ ખાડા-ટેકરાને ધ્યાનમાં લીધા વિના! એ તમામ મોરચે એકસાથે લડી શકે છે, જીતી શકે છે! એક ગામઠી સ્ત્રી પણ મલ્ટી ટાસ્કિંગ છે જે એકસાથે અનેક જગ્યાએ પહોંચી વળે છે. હવે જે સ્ત્રીમાં આટ-આટલા ગુણ હોય અને તમે કેળવણીના આપો તો પછી આપણો સમાજ પાછળ ના રહે તો જ નવાઈ…!!! કારણકે શિક્ષણ એટલે… જન્મથી મરણ સુધી તમામ પ્રકારના જ્ઞાન, સંસ્કૃતિ અને શિસ્તનો સરવાળો.

સાચું શિક્ષણ એ છે કે જે માત્ર સત્યનું દર્શન નથી કરાવતું એનો અમલ કરાવે છે એ પણ પુર્ણ રીતે ધ્યેયની પ્રાપ્તિ સુધી. શિક્ષણ એ અભ્યાસ માટે હોય તો એ વિદ્યા છે, આજીવિકાના સાધન તરીકે હોય તો એ કળા છે.

શિક્ષણ પ્રાપ્ત કરવાના ત્રણ માઈલસ્ટોન છે. વધુ અભ્યાસ કરવો, નિરીક્ષણ અને અનુભવ કરવો અને વધુ વાંચન કરવું. શિક્ષણ એટલે વ્યક્તિનો સમાજોપયોગી વિકાસ કરવા માટેની સીડી. જેનો ઉદ્દેશ માત્ર જ્ઞાન સુધી જ સીમિત નથી પણ વ્યવહારમાં અમલ કરવા માટે પણ છે. શિક્ષણ એ છે જે તમને ભૂતકાળમાં જીવી ગયેલ મહાનુભૂતો સાથે એના વિચારો દ્વારા એ સમયમાં લઈ જઈ શકે છે.

સો બ્રધર એન્ડ સિસ્ટર્સ…. પ્લીઝ એટેન્શન ઓન વુમન એજ્યુકેશન. કારણકે જો તાર્કિક રીતે પણ વિચારીએ તો સ્ત્રી સમજાનો ૫૦% ભાગ છે અને એ ભાગને આપણે સદીઓથી ઇગનોર કરતાં આવ્યા છીએ. આમ, આપણે ૫૦% નુકસાની ભોગવીએ છીએ અને હવે આજના યુગમાં આપણને આટલી નુકસાની ભોગવવી પોસાય એમ જ નથી. ક્યાં સુધી આપણા સમાજના પુરૃષો જ બધી જવાબદારીઓ ઉપાડીને ચાલશે? ક્યા સુધી સ્ત્રીઓ માત્ર રસોડા સુધી સીમિત રહેશે? અરે એકવાર એને પણ જવાબદારી આપીને જુઓ એ ૧૦૦% ખરી ઉતરશે. પાંચ ટાઈમ નમાઝ પઢનારી એજ્યુકેટેડ સ્ત્રી સવાર સવારમાં બાળકોને સ્કૂલ માટે તૈયાર કરે છે, પતિ માટે નાસ્તો પણ બનાવે છે અને સાસુ-સસરાની સેવામાં પણ હાજર રહે છે અને એ સાથે મેઇલ પણ ચેક કરે છે.!!!

છતા મૂળ વાત જાણે એમ છે કે લોકો સ્ત્રીશિક્ષણના ફાયદા જાણતા હોવા છતાં ધર્મના અધકચરા જ્ઞાનને લીધે બાળકીઓને ભણાવતા નથી. પણ શું શિક્ષણ મેળવવા માટે આપણે ધર્મને અવગણવો પડે છે? થોડા સમય પહેલા એવા સમાચાર વાંચ્યા હતા અને એ વિષે મે લખ્યું પણ હતું કે એક મદરેસા ઓનલાઈન ઇ-લર્નિંગથી પોતાના વિદ્યાર્થીઓને હદીસ અને ફિકહ શીખવે છે. તો શું આ ભાવિ મૌલવીઓ ધર્મની વિરૂદ્ધ છે? શું કુઆર્નમાં ક્યાય એવું વર્ણન છે કે ટેકનોલોજીથી અલિપ્ત રહેવું? બીજી માન્યતા એવી છે કે સ્ત્રી વધુ આગળ વધશે તો તે ઇસ્લામને છોડી દેશે. ઘરના વડીલોની ઇજ્જત કરવાનું છોડી દેશે અને આધુનિક રંગે રંગાઈ સ્વછંદ બની જશે. આ સાવ ખોટું છે. એમ નહીં કહું. કારણકે ઘણીવાર એવું બનતું હોય છે પણ જો ઘરના વડીલોના માર્ગદર્શનમાં તેઓ પ્રગતિદર્શક કાર્યો કરશે તો ઇન્શાઅલ્લાહ એવું નહીં જ બને.

આવી જ પ્રગતિની એક નવી દિશા આપણી ટ્રેડીશન ફોલો કરીને, પોઝીટીવીટી સાથે, સમાજને સાથે લઈને સકીના યાકુબીએ શોધી કાઢી છે.

ચાલો મળીએ એ શિક્ષિકાને જેનું નામ સકીના યાકુબી છે. સકીના અફઘાનિસ્તાનમાં શિક્ષિકા છે અને એક મજબુત વુમન રાઈટ્સ એડવોકેટ છે. અફઘાનિસ્તાન એવી ભૂમિ છે જ્યાં સ્ત્રીઓનું ભણતર તાલીબાનોના કાળા નિયમો મુજબ નિષેધ છે. સકીના સુપેરે સમઝે છે કે જો પોતાના લોકો અને સમાજને આગળ ધપાવવો હશે. વિશ્વ સાથે કદમ મિલાવવા સક્ષમ બનાવવો હશે. તો એકમાત્ર સચોટ રસ્તો છે એજ્યુકેશન અને એટલે જ સકીના શરૃ કરે છે, “અફઘાન ઇન્સ્ટીટ્યુટ ઓફ લર્નિંગ”, જે અફઘાનિસ્તાન સહિત પાકિસ્તાનમાં પણ સ્ત્રી શિક્ષણની શરૃઆત કરે છે. એક નવી ખુમારી અને ઉર્જા સાથે! અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા રૃઢીચુસ્ત દેશોમાં એક નારી લાવી શકે છે આવો બદલાવ. કોણ છે આ માથાભારે(?) સકીના યાકુબી? – માથે પરંપરાગત હેડ-સ્ટાફ અને સંપૂર્ણ ઇસ્લામિક ડ્રેસ કોડ ધારણ કરનાર ટીપીકલ રીલીજીયસ નારી કે પછી સમાજ બદલનારા રીલેબીયલ ફેમીનીસ્ટીક?

સકીના યાકુબી કહે છે, મારૃ ધ્યેય છે બદલાવ – પ્રગતિ માટે અને એમાં મારા ઇસ્લામિક વસ્ત્રો મને સમજાના આગોવાનો સુધી પહોંચવા, એમની સાથએ મળીને કામ કરવા મદદ કરે છે કારણકે લોકોને એવું સમજાવવું ખુબ જરૂરી છે કે હું સંસ્કૃતિ, ધર્મ કે પરંપરા બદલવાની વાત નથી કરતી.

સકીના ઉદાહરણ આપે છે અફઘાનિસ્તાનના રેફ્યુજી કેમ્પસનું, જ્યાં આશ્રિતોને ભણતા કરવાનું કપરૃં કામ એ માત્ર ઇસ્લામિક ટ્રેડીશન ફોલો કરીને જ સરળતાથી કરી શકી. સકીનાએ રેફ્યુજી કેમ્પના ઇમામને મળીને કહ્યું કે, હું ઇસ્લામની ચુસ્ત ફોલોવર છું અને હું માનું છું કે સ્ત્રીઓ અને બાળકોના આ દયાજનક પરિસ્થિતિ સુધારવા એમને જરૃર છે તમારા ગાઈડન્સ સાથે સાથે એજ્યુકેશનની. ઇમામ સંમત થયા અને તે અઠવાડિયે બે વાર સકીનાની સ્કૂલમાં ઇસ્લામિક ક્લાસ લેવા જાય છે. ઇમામના કુઆર્નના વર્ગોમાં નિયમિત આવતા રેફ્યુજી કેમ્પના બધા જ સભ્યો ધીમે ધીમે મેથ્ય, સાયન્સ, લેન્ગવેજ, કોમ્પ્યુટર – આ દરેક વિષયોના વર્ગો નિયમિત ભરતા, ભણતા થઈ ગયા અને હવે આખો રેફ્યુજી કેમ્પ શીખે છે, ભણે છે અને નવી દિશા મેળવે છે.

આમ સદીઓથી ચાલી આવતી સંસ્કૃતિ, પ્રથા, રીતી-રીવાજો અને પરંપરાનું પાલન કરીને પણ એક નવા રસ્તે બદલાવ લાવી શકાય છે! અને માટે ખાસ સ્ત્રીઓનું શિક્ષણ સશક્તિકરણ ખુબ જરૂરી છે. એ સ્ત્રીઓ જેઓ સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ કરે છે તેઓ જ ઇસ્લામિક ટ્રેડિશન ફોલો કરવાની સાથે ટેકનોલોજી અપનાવી સમાજમાં આમુલ પરિવર્તન હકારાત્મક રસ્તે લાવી શકે છે અને નવી પેઢીમાં આધુનિક કરણના સાચા અર્થ સાથે ઇસ્લામનું સિંચન કરી શકે છે અને એના માટે ‘નારી સશક્તિકરણ’ની સાથેસાથ ‘નર જાગૃતિ’ની પણ ખાસ્સી જરૃર છે.

(kbalapriya@yahoo.in)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments