Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસહકારાત્મક અભિગમ

હકારાત્મક અભિગમ

બે મહાપુરૃષોના આ બે સૂત્રો મને બહુ ગમે છે. એક તો બીજી સદીમાં થઈ ગયેલો રોમન રાજા અને ફિલસૂફ માર્કસ ઓરેલિયસે કહ્યું હતું “આપણે જેવું વિચારીએ છીએ એવું આપણું જીવન બને છે.” અને બીજું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડનો વડાપ્રધાન, ઇતિહાસકાર, લેખક, અને ચિત્રકાર રહી ચુકેલા વિન્સટન ચર્ચિલનું આ વાક્ય “અભિગમ એક નાનકડી બાબત છે પરંતુ જીવનમાં એ મોટો પ્રભાવ પાડે છે.”

અભિગમ અર્થાત એટીટયુડ એટલે શું? કોઇ પણ વસ્તુ બાબત કે માણસો વિશે માનસિકતાની સ્થિતિને અભિગમ કહેવામાં આવે છે. તમે કોઇપણ વસ્તુ કે પરિસ્થિતિમાં શું જુઓ છો એના કરતા કેવી રીતે જુઓ છો એ મહત્વનું છે. તમે શું સાંભળો છો એ મહત્વનું છે. તેમ શું વિચારો છો એના કરતા કેવી રીતે વિચારો છો એની મહત્વતા છે. અભિગમ હકારાત્મક કે નકારાત્મક અથવા તો એક વસ્તુ માટે બંને હકારાત્મક-નકારાત્મક પણ હોઇ શકે છે. નકારાત્મક અભિગમ ધરાવનારાઓને બંધુ જ ખોટું અને અર્થહીન દેખાય છે. હકારાત્મક અભિગમમાંથી જીવનની કૃતજ્ઞતા અને આનંદ મળે છે. નકારાત્મક અભિગમથી નિરાશા, ગુસ્સો અને ભય પ્રકટ થાય છે. હકારાત્મક અભિગમથી કોઇ કાર્ય પૂર્ણ થાય કે લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે કાર્યક્ષમતા અને સંતોષ મળે છે.

જીવનની ઘણી બધી પરિસ્થિતિઓ આપણા કાબુ બહાર હોય છે. આપણે એને બદલી શકતા નથી પરંતુ જૂજ પરિસ્થિતિઓ એવી હોય છે જેને આપણે બદલી શકીએ છીએ. જેવી પરિસ્થિતિ આવે એનો સ્વિકાર કરવો જોઇએ. કોઇ પણ પરિસ્થિતિમાં આપણે નિરાશ થઇએ, કડવાશ કે ગુસ્સામાં જીવીએ અથવા તો પરિસ્થિતિનો તાગ મેળવવા ઊંડા ઉતરીએ, એની સામે પ્રતિકાર કરીએ અને સમસ્યામાંથી બહાર નીકળીએ અને નવેસરથી જીવવાનું શરૃ કરીએ. આ બધું આપણે પરિસ્થિતિને કેવા અભિગમ સાથે સ્વિકારીએ છીએ એના ઉપર આધાર રાખે છે. હકારાત્મક અભિગમનો અર્થ એવો નથી કે દરેક વખતે આપણે સ્મિત કરતા રહીએ અને સુખદ દેખાવવાનો પ્રયતન કરીએ. જીવનની પરિસ્થિતિઓને આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ એ મહત્વનું છે. દરેક બાબતને હકારાત્મક અને આશાવાદી માનસિકતા સાથે જુઓ છો, એ તમને તો લાભ કરાવે જ છે પરંતુ બીજા લોકો ને પણ એનો લાભ થાય છે.

જીવનમાં સફળ થવું હોય તો હકારાત્મક વિચારો અને અભિગમ તથા ખંતપૂર્વક પરિશ્રમ કરવા જેવી બાબતો અનિવાર્ય છે. અડધા ભરેલા પાણીના ગ્લાસમાં નિરાશાવાદીને ગ્લાસ અડધો ‘ખાલી’ લાગે છે તો આશાવાદી માણસને અડધો ‘ભરેલો’ લાગે છે. આપણા હાલના વડાપ્રધાન તો એક ડગલું આગળ વધીને એવું પણ વિચારતા હતા કે, અડધો ગ્લાસ પાણીથી અને અડધો ગ્લાસ હવાથી ભરેલો છે, અર્થાત્ ગ્લાસ આખો ભરેલો છે! આ માનસિકતા થોડી ઉચ્ચ પ્રકારની ગણાય પરંતુ વિશ્વના મોટાભાગના લોકો આટલી ઉચ્ચ હકારાત્મક માનસિકતા કેળવી શકતા નથી, કદાચ એ જરૂરી પણ નથી. સામાન્ય માણસ માટે માત્ર હકારાત્મકતા જ પૂરતી છે.

જીવનમાં સફળ થવું હોય તો હકારાત્મક વિચારોની સાથે સાથે સંગત પણ એવા હકારાત્મક લોકોની કરવી જોઇએ, જે દુર્ભાગ્યે આપણા સમાજમાં લઘુમતીમાં છે. આપણે ત્યાં બહુમતી નકારાત્મક વિચારસરણી ધરાવનાર લોકોની છે. થોડા દિવસ પહેલાં જ એક એન્જિનીયર મિત્ર મળી ગયો. અત્યારે એ ખાનગી કંપનીમાં કામ કરે છે અને નોકરી છોડી પોતાની કન્સલટન્સી શરૃ કરવી છે, પરંતુ એના માતાપિતા અને સંબંધીઓ એને એમ કરતા રોકી રહ્યા છે. એમને અત્યારે મળતો પગાર વધુ સલામત લાગે છે. છોકરો કન્સલટન્સી શરૃ કરશે અને કામ નહીં મળે તો આટલા પૈસા પણ ઘરમાં નહીં આપે એવી નિરર્થક બીક એ મિત્રના સારા ભવિષ્યમાં અડચણરૃપ થઈને ઊભી છે. અમે એને સ્વાભાવિક રીતે જ પાનો ચઢાવતા કહ્યું. આજ વાત અમે એને આજથી પાંચ વર્ષ પહેલા પણ કહી હતી. જે કંઇ કરવું હોય અત્યારથી કરવા માંડ – નોકરી છોડીને સ્વતંત્રતાપૂર્વક પોતાની કન્સલટન્સી શરૃ કર. હિંમત ના પડતી હોય તો અમારી સાથે ભાગીદારીમાં આવ. એ મિત્રને અમે પાંચ વર્ષ પહેલાં એ પણ કહ્યું હતું કે તું અત્યારે નોકરી છોડીને પોતાનો ધંધો શરૃ નહીં કરે તો આગલા ૫-૭ વર્ષ સુધી પણ તુ નોકરી જ કરતો હોઇશ. એ મિત્ર આજ દિન સુધી નોકરી કરી રહ્યો છે. એ અને એના ઘરવાળા જો અભિગમ નહીં બદલે તો બીજા ૫-૭ વર્ષ પણ એ થોડા રૃપીયાની નોકરી જ કરતો હશે.

જીવનમાં તક ઓળખતા આવડવી જોઇએ. જે લોકો તકનો લાભ લઈ, જોખમ ઉઠાવી કોઇ કામધંધામાં કૂદી પડયા એ લોકો જ સફળ થઈ શકયા. સલામત નોકરીઓ કરનારા આવા જોખમ લઈ શકતા નથી, પરિણામે તેઓ વર્ષો સુધી એક જ ઘરેડમાં કામ કરતા કરતાં જ નિવૃત્ત થઈ જાય છે અને બીજા આગળ વધી ગયેલા મિત્રોની ઈર્ષ્યા કરતા કરતાં પોતાના નસીબને દોષ આપતાં રહે છે, અને બાળકો તથા પૌત્રોને એ મિત્રોની કહાણીઓ બેદિલીથી સંભળાવતા રહે છે. એમાં પાછી ઇર્ષ્યા કરતા પોતાની અણઆવડત અને જોખમી નિર્ણય ન લઈ શકવાની અશક્તિની લાચારી વધારે હોય છે. આ જ માણસોએ ભૂતકાળમાં થોડું પણ હકારાત્મક અભિગમ કેળવી હિંમત દાખવી હોત તો તેઓ પણ કદાચ સફળ થઈ શકયા હોત. આમાં દોષ માત્ર એમનો જ નથી હોતો. એમના માતાપિતા સમાજ અને આજુબાજુના પર્યાવરણનો પણ હોય છે. આપણે ભારતીયો યુરોપિયનો અને અમેરિકનોથી ઘણી બાબતોમાં પછાત છીએ. એમાં એક બાબત આ હકારાત્મક અભિગમની પણ છે. આપણે એમનાથી સાવ પાછળ છીએ.

માનસશાસ્ત્રીઓ કહે છે તમે જેવું વિચારો છો એવા બનો છો. (પહેલા ફકરામાં આપણે માર્કસ ઓરેલિયમનું વર્ણન કર્યું – એણે પણ આવું જ કહ્યું હતું) જીવનમાં જેણે પ્રગતિ કરી એ બધા જ લોકો હકારાત્મક, આશાવાદી વિચારસરણી ધરાવતા હતા, પોતાના કાર્યમાં કુશળ હતા અને પોતાની ક્ષમતાઓમાં એમને વિશ્વાસ હતો. તેઓ જે કોઇ કામ કરતાં એમાં ઓતપ્રોત થઈ જતા. આવા સફળ પુરૃષોનાં ઘણા બધા ઉદાહરણો આપણી સમક્ષ છે. આ બધા જ સફળ લોકોમાં ઘણી બધી બાબતો અલગ હશે પરંતુ એક વાત બધામાં સમાન હતી. હકારાત્મક અભિગમ. જીવનમાં સફળ થવા માટે હકારાત્મકતા ખૂબ જ આવશ્યક છે. એમ માત્ર હું જ નથી કહેતો પરંતુ હાર્વડ બિઝનેસ સ્કૂલનાં એક અભ્યાસમાં પણ આની પુષ્ટિ થઈ છે. આ અભ્યાસ મુજબ ધંધામાં સફળતા માટે ચાર બાબતો મુખ્ય છે. માહિતી, બુદ્ધિ, કાર્યકુશળતા અને અભિગમ. મજેદાર વાતતો આ છે કે આ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે માહિતી, બુદ્ધિ અને કાર્યકુશળતાનો ફાળો માત્ર ૭ ટકા છે જ્યારે કે એકલો અભિગમનો ફાળો ૯૩ ટકા છે. ધંધામાં જે વાત સત્ય છે એ જીવનમાં પણ સત્ય છે.

હોકીમાં ધ્યાનચંદ, ફુટબોલમાં પેલે, મારાડોના કે રોનાલ્ડો, બોકસિંગમાં મુહમ્મદ અલી, ક્રિકેટમાં સચિન તેંડુલકર, ડોન બ્રેડમેન કે બ્રાયન લારા, કાર રેસીંગમાં શુમાકર, સ્કવોશમાં જહાન શેરખાન, ટેનિસમાં ફેડરર કે નાડાલ અને સ્વીમીંગમાં માઈકલ ફેલ્પ્સ જેવા ખેલાડીઓ એમના સમકાલીનોથી અલગ તરી આવ્યા. શા માટે ? રમત વિશેના એમના હકારાત્મક અભિગમના કારણે. એના પ્રત્યે એમની ધૂન, લગન, સખત પરિશ્રમ, સતત પ્રકટીસ અને નકારાત્મકતા ઉપર ધ્યાન ન આપવાની આવડતના કારણે. નહિ તો નિયમો, સાધનો કે મેદાન તો બધા માટે સરખા જ છે ને ? લૂ હોલ્ટંજ નામક ફૂટબોલ કોચના શબ્દો છે “આવડત તમે શું કરી શકો છો એ દર્શાવે છે. પ્રેરણા તમે શું કરવા ધારો છો એ અને અભિગમ તમે કેટલંું સરસ કરો છો એ દર્શાવે છે.”

મનોવૈજ્ઞાનિકો કહે છે કે અભિગમને બદલી પણ શકાય છે. આ એક માનસિક પ્રક્રિયા છે. બેરી ફાર્બરે ‘ડાયમંડ પાવર’માં અભિગમ સુધારવાના ૭ ઉપાયો દર્શાવ્યા છે.

(૧) દરરોજ પ્રેરણા મળે એવું કશુંક વાંચો.

એક જ દિવસમાં આખુ પુસ્તક વાંચી નાખવું જરૂરી નથી. સવારે અને રાત્રે માત્ર ૧૫-૧૫ મીનીટ કોઇ પ્રેરણાત્મક પુસ્તક કે લેખ વાંચો એ મહત્વનું છે. કંઇ નહિ તો પ્રેરણાત્મક સૂત્રો જ વાંચો.

(૨) દરેક સારા વાચનમાંથી પ્રેરણાત્મક સૂત્ર અલગ કાગળ ઉપર લખી લો

એને કાપીને તમારી સામેના બોર્ડ ઉપર કે દિવાલ ઊપર ચોંટાડી રાખો. જ્યારે પણ એના ઉપર દૃષ્ટિ પડે તો વાંચો અને પ્રેરણા મેળવો.

(૩) તમારી આજુબાજુના લોકોનું નિરિક્ષણ કરો.

તેઓ જીવન અને કાર્ય પ્રત્યે કેવો અભિગમ ધરાવે છે એ જાણવાનો પ્રયત્ન કરો તમને એ પ્રેરણા આપે છે પ્રોત્સાહન કરો તમને એ પ્રેરણા આપે છે પ્રોત્સાહન આપે છે કે પછી હતોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે એ સમજો. એના માટે એક સાદી રીત બહુ ઉપયોગી છે. જે જે લોકોને મળો એનું એક લીસ્ટ બનાવો. જે લોકો તમને આગળ વધવા પ્રોત્સાહન અને પ્રેરણા આપે એમને ‘પોઝીટીવ’ લોકોની યાદીમાં સામેલ કરો. જે લોકો તમને ‘ના કરીશ’ ‘ના થાય’, ‘જોખમ ના લે’, ‘નહીં કરી શકીશ’, ‘કરવા જેવું નથી’, ‘કરવાનો પ્રયત્ન જ ના કરતો’, જેવા નકારાત્મક વિચારો થોપતા હોય એવા નિરાશાવાદીઓને ‘નેેગેટીવ’ લોકોની યાદીમાં સામેલ કરો. પોઝીટીવ લોકોને સતત મળતા રહો, એમની વાતો સાંભળો, એમની સાથે ચર્ચા કરો, તમે પોતે પણ હકારાત્મક ઊર્જાથી ભરાઇ જશો અને સારા કાર્યો કરવા પ્રેરાશો. નેગેટીવ લોકોને મળવાનું બને ત્યાં સુધી ટાળો, એમનું કહ્યું માનશો નહિં.

(૪) જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે વિચારો

કે બીજા લોકોએ આ મુશ્કેલી કેવી રીતે દૂર કરી હતી? એમણે શું કહ્યું હતું? એમના કાર્યો અને વિચારોથી પ્રેરણા લો. (નોર્મન કઝીન્સને એવી બીમારી લાગુ થઇ હતી કે બધા જ ડૉકટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. એમણે જણાવી દીધું હતું કે આ બીમારીનો કોઇ ઇલાજ નથી. નોર્મન કઝીન્સે હકારાત્મક અભિગમ, પ્રેમ, શ્રદ્ધા, આશા અને હાસ્ય દ્વારા આ બીમારી ઉપર ફતેહ મેળવી અને સાજા થયા.) ઈશ્વરે તમને આપેલી બક્ષિસોનો વિચાર કરો. જે છે એના માટે એનો આભાર માનો. જે નથી એનો વિચાર કરી દુઃખી ન થાવ.

(૫) પુસ્તકો, મેગેઝિનો અને ફિલ્મો સમજી વિચારીને પસંદ કરો.

આપણે ડીજીટલ અને માહિતી યુગમાં જીવી રહ્યાં છીએ. જ્યાં માહિતીનો અખૂટ ખજાનો છે, આંગળીના ટેરવે માહિતી મળી શકે છે પરંતુ એનો અર્થ એવો નથી કે દરેકે દરેક (ફાલતુ, કચરા જેવી) માહિતીને પણ સાચી માની લેવી. ખરાબ ફિલ્મો, પુસ્તકો અને મેગેઝિનો તમને બગાડી શકે છે એનાથી વિરૂદ્ધ સારી ફિલ્મો, પુસ્તકો અને મેગેઝિનો તમને હકારાત્મક બનાવવામાં ઉપયોગી થઇ શકે છે.

(૬) હકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોની સંગતમાં બેસો.

ન હોય તો શોધી કાઢો. આવા લોકો ન મળે તો નકારાત્મક વિચારસરણી વાળા લોકોની વચ્ચે તો બેસસો જ નહિ. એના કરતા એકલા બેસજો, નિરાંતે વિચારજો. બની શકે તો સારા પુસ્તકોને મિત્રો બનાવજો. એ તમને નહીં બગાડે.

(૭) દૃષ્ટિકોણ બદલો. તમારી જાત વિશે જ વિચારવાને બદલે

તમારી આસપાસના લોકોનો વિચાર કરો. માર્ક ટ્વેઈન નામના અમેરિકન હાસ્ય લેખકે કહ્યું હતું કે “તમારે પ્રસન્ન થવું હોય તો તમારી આસપાસના લોકોને પ્રસન્ન કરો.” બીજાની મદદ કરો. નિઃસ્વાર્થ સેવા કરો. બીજા લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરો તમે પણ આગળ આવશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments