Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસહદ મર્યાદાભંગની સજા - બની ઇસરાઈલને

હદ મર્યાદાભંગની સજા – બની ઇસરાઈલને

અંતીમ નબી હઝરત મુહમ્મદ સ.અ.વ.થી આશરે ૧૪૦૦ વર્ષ અગાઉ અલ્લાહ તઆલાએ માનવજાતને પોતાનો સંદેશ ફરીથી પહોંચાડવા માટે હઝરત મુસા અ.સ.ને ધરતી ઉપર અવતરીત કર્યા હતા. તેમનો જન્મ બની ઇસરાઈલની કોમમાં થયો હતો જેઓ અગાઉ થઈ ગયેલા નબી હઝરત યાકુબ અ.સ. (જેમનું બીજું નામ ઇસરાઈલ પણ હતું)ની ઉમ્મતમાંથી હતી. હઝરત યુસુફ અ.સ.ના શાસનકાળમાં તેઓ મીસર દેશમાં આવીને સ્થાયી થયા અને હઝરત યુસુફ અ.સ.ના જરીએ અલ્લાહે તેમને મીસર દેશની હુકુમતનો કાર્યભાર પણ અતા ફરમાવ્યો. તેમને સન્માનીત જીવન મળ્યું અને અલ્લાહની અનેક નેઅમતો તેમને પ્રાપ્ત થઈ. પણ અલ્લાહની તે કૃપાઓને તેમણે ‘અલ્લાહની કૃપા’ સમજવાના બદલે પોતાની અક્કલ હોશીયારી, પોતાનું શક્તિસામર્થ્ય અને પોતાના અધિકારત્વની ઉપજ સમજીને તેમણે અલ્લાહતઆલાની શરણાગતિમાંથી પોતાની જાતને લગભગ આઝાદ કરાવી લીધી. તેઓ અલ્લાહની કૃપાઓને ભુલી ગયા. મીસર આવતાં અગાઉ મદીયનના પ્રદેશમાં તેઓ મુફલીસી અને તંગદસ્તીભર્યું જીવન જીવતા હતા. તે હાલતને તેઓ ભુલી બેઠા અને ઇલાહી કાનુનમર્યાદાઓનો આડેધડ ભંગ કરીને મનેચ્છાપૂર્વક જીવવા લાગ્યા. તેમણે એમ સમજી લીધું હતું કે જે સુખ સમૃદ્ધિમાં તેઓ આળોટી રહ્યા છે તેને કોઈ છીનવી શકે એમ નથી. તેમના પ્રભુત્વને કોઈ લલકારી શકે એમ નથી અને મીસરદેશની સત્તાધૂરાથી તેમને કોઈ હટાવી શકે એમ નથી. કોઈપણ નબીની ઉમ્મતમાં જ્યારે આવા અતિરેકભર્યા વિચારો છવાઈ જાય છે ત્યારે તેની પડતીની શરૃઆત થવા લાગે છે. અલ્લાહની કુદરતનું આ કામ એટલી મંદ ગતિએ થાય છે કે એમાં ફસાતા જતા લોકોને ખ્યાલ સુદ્ધાં આવતો નથી કે શું થવા જઈ રહ્યું છે. અંતીમ સમય સુધી તેઓ એમ જ સમજતા રહે છે કે તેઓ જે કરી રહ્યા છે તે બરાબર છે. અલ્લાહની હદમર્યાદાઓની ઉવેખના કરવામાં ધીરેધીરે તેમની હાલત કેવી થઈ જશે તેની કોઈ કલ્પના સુદ્ધાં તેમને આવતી નથી.  અને જ્યારે અલ્લાહ દ્વારા સજાનું છેલ્લુ ચરણ પુરૃં થઈ જાય છે ત્યારે જ તેમને ખબર પડે છે કે તેઓ પડતીની કઈ ખાઈમાં ધકેલાઈ ગયા છે! પણ પછી, ‘રાંડયા પછીનું ડહાપણ’ કંઈ કામ આવતું નથી. એવા લોકોની માનસિકતાનો ચિતાર આપતા સૂરઃ કહફમાં અલ્લાહ તઆલાએ કહ્યું,

“હે નબી ! આમને કહો, શું અમે તમને બતાવીએ કે પોતાના કર્મોમાં સૌથી વધુ નિષ્ફળ અને નિરાશ લોકો કોણ છે ? તેઓ કે દુનિયાના જીવનમાં જેમની બધી દોડધામ અને કોશિશો સીધા માર્ગથી ભટકેલી રહી અને તેઓ સમજતા રહ્યા કે તેઓ બધું જ બરાબર કરી રહ્યા છે. આ તે લોકો છે જેમણે પોતાના રબની આયતોને માનવાનો ઇન્કાર કર્યો અને તેની હજૂરમાં રજૂ થવાનો વિશ્વાસ ન કર્યો. તેથી તેમના બધા જ કર્મો વ્યર્થ થઈ ગયા, કયામત (પુનર્જીવન)ના દિવસે અમે તેમને કોઈ વજન નહીં આપીએ.” (સૂરઃ કહફ – ૧૦૩ થી ૧૦૫)

બની ઇસરાઈલે અલ્લાહની આયતો સાથે આવો જ બેજવાબદારી ભર્યા વ્યવાર કર્યા. ધન-સંપત્તિ, શક્તિસામર્થ્ય અને સત્તાના મદમાં તેઓ ભાનભુલા બની ગયા. અલ્લાહની હદોને તોડવામાં તેઓને કોઈ ક્ષોભ થયો નહીં. પરીણામે સત્તાપલટા દ્વારા રાજસત્તા ઉપરની તેમની પ્રભાવિતતા ખતમ થઈ ગઈ. સત્તાધિકાર ઉપર ત્યાંની ‘કીબ્તી’ કોમ કબજો જમાવવામાં સફળ થઈ ગઈ અને એના ફીરઔની શાસકોએ બની ઇસરાઈલના લોકોનું જીવવું હરામ કરી દીધું. ધીરે ધીરે અત્યાચારોની લગામો કસીને આખરે તેમને પોતાના ગુલામ બનાવી લીધા. અબ્દુલ્લાહ યુસુફ અલી દ્વારા લીખીત કુઆર્નના અંગ્રેજી અનુવાદમાં સુરઃ દુખાનની આયતો નંબર ૩૦ અને૩૧ ઉપરની વિવરણ નોંધ નંબર ૪૭૧૧માં લખ્યું છે કે “The Israelites were held in bondage and their hard taskmasters placed every indignity on them.” (ઇઝરાઈલીઓને ગુલામીની જંજીરોમાં જકડી દેવામાં આવ્યા અને તેમની પાસે વેઠ કરાવનાર સમુદાયે તેમને અપમાનીત કરવામાં કોઈ મણા રાખી નહીં.)

માનવતાને શરમાવે એવા એ અત્યાચારી લોકો કેવા હતા? સૂરઃ દુખાનની આયત નંબર ૩૧માં ફીરઔન અને તેના સહયોગીઓના બારામાં કહ્યું કે “જે હદથી વધી જનારાઓમાં મોખરાનું સ્થાન ધરાવતો હતો.” અબ્દુલ્લાહ યુસુફ અલીએ આ આયતનો અનુવાદ આ પ્રમાણે કર્યો છે (The – Bani Israil – inflicted by Pharaoh, far he war arrogant even amoing in ordinate transgressors) વિવરણ નોંધ નંબર ૪૭૧૨માં વિવરણ કરતાં લખાયું છે કે, અનેક પ્રકારની વિદ્રોહીતાએ અને ઇલાહી કાનુનોના બેધડક ઉલ્લંઘનો છતાં અલ્લાહ તઆલાએ બની ઇસરાઈલને હઝરત મુસા અ.સ.ના જરીયે આ અમમાનિતતા ભરી ગુલામીમાંથી આખરે મુકતી અપાવી અને અનેક કૃપાઓ અને નેઅમતો ધરાવતા પ્રદેશમાં તેમને સ્થાયી કર્યા જ્યાં હઝરત દાવુદ અને હઝરત સુલૈમાન અ.સ. જેવા પયગમ્બરોના સમયમાં તેમણે ભવ્ય હુકુમતો પણ કાયમ કરી. પણ આ બધું તેમને આકસ્મિત રીતે મળી ગયું ન હતું. અલ્લાહના ફેંસલા અનુસાર અલ્લાહના નિર્ધારીત પ્લાન મુજબ થયું હતું. પણ સદીઓની જીલ્લતભરી ઝિંદગી પછી તેમને આ જે સન્માન અપાયું હતું તેના અર્થ હરગીઝ એવો ન હતો કે તેઓ જેમ ફાવે તેમ કરી છુટવા માટે મુક્ત હતા. અલ્લાહના નઝદીક વ્હાલા-દવલાંની રીતભાતને કોઈ અવકાશ નથી. હા, અલ્લાહ કોમોને અને વ્યક્તિઓને (સુધરવા તરફ વળવા માટે) મોકો જરૃર આપે છે. પણ જો તેઓ આ તકનો લાભ ઉઠાવીને વ્યક્તિગત તથા સામુહિક સુધારણાનો માર્ગ ન પકડે તો પછી તેમને સન્માનભર્યા એ પદ ઉપરથી હટાવી દેવામાં આવે છે અને તેમની જગાએ અન્ય કોમોને નિયુક્ત કરી દેવાય છે.

બની ઇસરાઈલ અંબીયાઓના વારસો હતા અને પેઢી દર પેઢી ચાલી આવતી નબુવ્વત પદવીઓ મારફતે તેમને ખૂબ તૌબાની તક આપવામાં આવી પરંતુ તેઓ આ વાતને સમજી શકયા નહીં. મુકતી અને આઝાદીએ તેમને સ્વછંદતા તરફ વાળી દીધા, ઉદ્દુંડ અને નિર્ભય બનાવી દીધા. તેઓ હંમેશા અલ્લાહની હદ મર્યાદાઓને વંળોરતા રહ્યા. નબીઓનું કહ્યું પણ માન્યું નહીં. નબીઓને પણ જલીલ કર્યા અને ઘણા નબીઓને તો કત્લ કરી દીધા! (ઇન્નાલીલ્લાહ) આ ઐતિહાસીક ઘટનાક્રમ ઉપરથી વિદાય લેવાને ચૌદ સદીયો વીતી ગઈ છે. વિશ્વભરની ઉમ્મતે રસુલ ઉપર નજર નાંખીશું તો તેમની હાલત દર્દનાક છે. સુઃખ સમૃદ્ધિ અને ૫૭ જેટલા દેશોની હુકુમતો તેમની પાસે હોવા છતાં તેઓ પીડા અને યાતનાઓના કગાર ઉપર પહોંચી ગયા છે. આપસી ખુનખરાબાએ તમામ હદો તોડી નાંખી છે. અલ્લાહની હદો નિર્ભયપણે તુટે છે અને ભાગ્યે જ કોઈને કોઈ ચિંતા થાય છે! ઉમ્મતે રસુલે અરબી સ.અ.વ.નો હાલ તે સમયની અપમાનીત બની ઇસરાઈલની કોમ જેવો અત્યંત ઝડપથી થતો જઈ રહ્યો છે. શું હજી પણ આપણી આંખો નહીં ખુલે??? *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments