Thursday, October 10, 2024
Homeબાળજગતહાથીઓની વહેંચણી અને ન્યાય

હાથીઓની વહેંચણી અને ન્યાય

ઘણાં સમય પહેલાંની વાત છે. એક માણસ હતો તે હાથીઓનો વેપાર કરતો હતો. તેના ત્રણ દીકરા હતા. જ્યારે તે મૃત્યુ પામ્યો તો તેની પાસે ૧૭ હાથીઓ હતા. મરતાં પહેલાં તે એક કાગળમાં પોતાના દીકરાઓને લખીને ગયો હતો કે હાથીઓની વહેંચણી આ રીતે કરવી.

મોટા દીકરાને કુલ હાથીઓમાંથી – ૧/૨ આપવા

વચલા દીકરાને કુલ હાથીઓમાં – ૧/૩ આપવા

નાના દીકરાને કુલ હાથીઓમાંથી – ૧/૯ આપવા

અને જ્યાં સુધી આ વહેંચણી ન થઈ જાય મોટો દીકરો હાથીઓની સંભાળ રાખે.

જ્યારે વહેંચણી થવા લાગી તો મુશ્કેલી એ ઊભી થઈ કે ૧૭ હાથીઓમાંથી ૧/૨ એટલે કે અર્ધો હિસ્સો કેવી રીતે થાય. ૧૭ હાથીઓનો ૧/૨ એટલે કે એક હાથી કેવી રીતે વહેંચવો તે મુજબ ૧/૩નો ભાગ ભાગ પણ પડતો ન હતો. તેમાં એક હાથી ઓછો પડતો હતો. અને ૧૭નો ૧/૯ મુજબ પણ સરખો ભાગ પડતો ન હતો દરેક ભાગમાં હાથીઓની વહેંચણી થતી જ ન હતી.

કાઝી સાહેબે છોકરાઓના બાપનો કાગળ વાંચ્યો. ઘણી વાર સુધી વિચાર્યું. પછી એક હાથી બહારથી મંગાવ્યો. હવે કુલ ૧૮ હાથીઓ થઈ ગયા. કાઝીએ ૧૮નો ૧/૨ એટલે અર્ધો ભાગ મોટા દીકરાને આપી દીધો. આ રીતે તેને ૯ હાથી મળ્યા. પછી કાઝીએ ૧૮નો ૧/૩ ભાગ કાઢ્યો અને આ રીતે ૬ હાથી વચલા દીકરાને મળ્યા. અને છેલ્લે ૧૮નો ૧/૯ ભાગ એટલે કે ૨ હાથી સૌથી નાના દીકરાને મળ્યા. આથી મોટા દીકરાને ૯, વચલા દીકરાને ૬ અને નાના દીકરાને ૨ હાથી અને કુલ ૧૭ની સંખ્યા પૂરી થઈ ગઈ.

હવે ૧૮ હાથીમાંથી એક બચી ગયો જે કાઝી સાહેબે જ્યાંથી મંગાવ્યો હતો ત્યાં પાછો મોકલી આપ્યો. જે લોકો આ વહેંચણી જોયા આવ્યા હતા તેઓ કાઝી સાહેબની સમજબૂઝથી ખૂબ જ ખુશ થયા અને તેમની ખૂબ પ્રશંસા કરી કે તેમણે એક વિકટ સમસ્યાનું કેવું સમાધાન શોધી આપ્યું.!

પરંતુ હવે જુઓ – તે મોટા દીકરાને હવે લાલચ ઊભી થઈ. તેણે વિચાર્યું કે જો હાથીઓની વહેંચણી આ રીતે ન થાત તો આ તમામ હાથી તેને જ મળતા. તેણે કાઝી સાહેબની વહેંચણીને માન્ય ન રાખી. તેણે કહ્યું ૧૭ હાથીઓની જ વહેંચણી થવી જોઈએ તેમાં એક હાથી બહારનો કેમ ઉમેરવામાં આવ્યો?

મોટા દીકરાની આ લાલચ કાઝી સાહેબ સમજી ગયા કે તે બીજા ભાઈઓનો હક મારી ખાવા માંગતો હતો. હવે કાઝીએ છોકરાઓના બાપનો કાગળ ફરીથી વાંચ્યો. તેમાં તો સાફ-સાફ ૧/૨, ૧/૩ અને ૧/૯ સ્પષ્ટ લખ્યું હતું. કાઝી સાહેબ થોડી વાર વિચારતા રહ્યા પછી બોલ્યા, સારૃં હવે કાલે વહેંચણી થશે.

બીજા દિવસે વહેંચણી જોવાવાળા ઘણાં માણસો ભેગા થઈ ગયા. બધા વિચારી રહ્યા હતા કે જોઈએ તો ખરા… કાઝી સાહેબ આજે કઈ રીતે હાથીઓની વહેંચણી કરે છે. હવે કાઝી સાહેબ એક નદીના પુલ પાસે ગયા અને હુકમ કર્યો કે તમામ હાથી અહીં પુલ પાસે લાવવામાં આવે. હાથીઓને પુલ પાસે લાવવામાં આવ્યા. ત્યારે કાઝી સાહેબ ત્રણે દીકરાઓથી વાયદો લઈ લીધો કે આજે જે વહેંચણી થશે તે તમામને મંજૂર રહેશે, હવે કોઈ આને રદ નહીં કરે. તે પછી તેમણે એક હાથી પુલના ઉપર ઊભો કરી દીધો અને બે હાથી પુલના નીચે ઊભા કરી દાધા. પછી કહેવા લાગ્યા કે જુઓ તમારા બાપે  મોટા દીકરાને ૧/૨ હાથી આપ્યા છે જેનો અર્થ છે એક હાથી ઉપર અને બે નીચે. આ જુઓ એક હાથી ઉપર છે અને બે નીચે છે ને! મોટો દીકરો આ હાથી લઈ જાય. આમ મોટા દીકરાને ૩ હાથી મળ્યા.

હવે કાઝી સાહેબે એક હાથી પુલના ઉપર અને ત્રણ નીચે ઊભા કરી દીધા અને કહ્યું જુઓ ૧/૩ થઈ ગયા. એટલે કે આ ચાર હાથી વચલો દીકરો લઈ જાય. અને છેલ્લે કાઝી સાહેબે એક  હાથી પુલના ઉપર અને ૯ હાથી પુલના નીચે ઊભા રાખ્યા અને આમ ૧/૯ મુજબ એક અને નવ મળી ૧૦ હાથી નાના દીકરાને આપી દીધા. આમ હવે નવી વહેંચણીમાં મોટા દીકરાને ૩ હાથી, વચલાને ૪ અને સૌથી નાનાને ૧૦ હાથી મળ્યા.

આ અનોખી વહેંચણી જોઈને લોકો તો દંગ રહી ગયા અને લોભ-લાલચમાં ઘેરાયેલો મોટો દીકરો તદ્દન નિરાશ થયો. પણ હવે શું થઈ શકે? આ અંતિમ ચુકાદો હતો જે બધાએ માન્યા વગર છૂટકોે ન હતો. આમ કહેનારે સાચું જ કહ્યું છે કે, “અતિશય લોભ થાય છે જે માણસને છેવટે ડુબાડી જ દે છે.” /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments