ક્યાંક ખૂનામરકીનો બજાર ગરમ હોય છે. લોકોના માથા પર શેતાન સવાર થઈ જાય છે. તેઓ એકબીજાના લોહી તરસ્યા હોય છે, સંપત્તિ અને સન્માનને કચડે છે. એવામાં જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને આશ્રય પૂરો પાડે છે, તેને વરુઓના સકંજાથી બચાવી લે છે તો એવી જ વ્યક્તિને માન આપવામાં આવે છે, તેની પ્રશંસા કરવામાં આવે છે, ફૂલો વરસાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે “હજી માનવતા જીવીત છે.”
માનવ અધિકાર ઘોષણા (Human Rights Charter)ને મંજૂર થયાને સાત દાયકા ગુજરી ગયા. તેના પર વિશ્વના બધા જ દેશોએ સહી કરી છે. તેઓએ ધર્મ, રંગભેદથી ઉપર ઊઠી બધા મનુષ્યોના મૂળભૂત અધિકારોની સુરક્ષાની ખાતરી આપી છે. સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના બીજા ઘણાં પેટા વિભાગો સતત દેખરેખ કરી રહ્યા છે કે ક્યાંક આ અધિકારોનું હનન તો નથી થઈ રહ્યું? એવામાં બર્માના મુસ્લિમો ઉપર રક્તપાતના જે ભયંકર સમાચારો મળી રહ્યા છે તે અત્યંત ચિંતાની વાત છે. જે રીતે બર્માના સૈન્ય દળો અને ત્યાંના બૌદ્ધ ઉગ્રવાદીઓ મુસ્લિમોના પ્રાણ અને તેમની સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે, અત્યંત ઘાતકી રીતે પોતાની જંગલિયતના નિશાન બનાવી રહ્યા છે. વૃદ્ધો અને યુવાનો, ચારિત્ર્યવાન મહિલાઓ અને નિર્દોષ બાળકોની નિર્મમ રીતે હત્યા કરી રહ્યા છેે. તેમના મૃત શરીરને કાપી અને બાળી રહ્યા છે. આ જોઈને અને સાંભળીને જીભ ઉપર સ્વયંભૂ રીતે આ વાકય આવે છે: “હૈવાનિયત જીવિત છે.”.
બર્મામાં જે પણ થઈ રહ્યું છે તે માનવતાને શરમાવે તેવું છે. નિર્દોષો, ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની હત્યા કરવી આમેય બૂરી છે પરંતુ હત્યા કર્યા બાદ તેઓના મૃત શરીરના ટુકડા-ટુકડા કરવી હૈવાનિયતની પરાકાષ્ઠા છે.
આહ!!! ૨૧મી સદીનો મનુષ્ય એટલી હદે અધોગતિ પામ્યો છે ?
દરેક મનુષ્ય જે પોતાને મનુષ્ય સમજે છે, જરૂરી છે કે આ પરિસ્થિતિ ઉપર દુઃખ વ્યક્ત કરે અને તેની અભિવ્યક્તિ પણ કરે. તે કોઈ પણ વિસ્તારનો હોય, કોઈ પણ જાતિથી સંબંધ ધરાવતો હોય, કોઈ પણ ધર્મને માનનાર હોય, સેક્યુલર હોય, નાસ્તિક હોય, કોઈ પણ હોય, પરંતુ તે મનુષ્ય છે તો જરૂરી છે તે તડપી ઊઠે.
દરેક મનુષ્ય પોતાની હેસિયત અને તાકાતથી આ જુલમને રોકવા, જુલમીનો હાથ પકડવા અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે જવાબદાર છે. બધા જ દેશોના શાસકોની આ જવાબદારી છે કે તેઓ બર્માની સરકાર ઉપર દબાણ નાખવા માટે બધા જ રાજદ્વારી પગલાં ભરે. આ જ રીતે બધા જ દેશોની જનતાની જવાબદારી છે કે તેઓ પોતાના દેશમાં બર્માની એમ્બેસી પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના માધ્યમથી બર્માની સરકાર ઉપર દબાવ પેદા કરે.
દરેક મનુષ્યની જવાબદારી છે કે આ અવસરે પોતાની માનવતાનું ઉદાહરણ આપી અને બર્મામાં હૈવાનિયતનો જે તાંડવ ઊભોે થયો છે તેના પ્રત્યે વિરોધ વ્યકત કરે. /
mrnadvi@yahoo.com