(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો :૨૨)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. સોગંદ છે મજબૂત કિલ્લાવાળા આકાશના,
૨. અને તે દિવસના જેનો વાયદો કરવામાં આવ્યો છે,
૩. અને જોવાવાળાના અને જોવામાં આવનારી વસ્તુના
૪. કે માર્યા ગયા ખાડાવાળા.
૫. (તે ખાડાવાળા) જેમાં ખૂબ તેજ સળગતા ઈંધણની આગ હતી.
૬. જ્યારે કે તેઓ તે ખાડાના કિનારે બેસેલા હતા
૭. અને જે કંઈ તેઓ ઈમાન લાવનારાઓ સાથે કરી રહ્યા હતા તેને જોઈ રહ્યા હતા.
૮. અને તે ઈમાનવાળાઓથી તેમની દુશ્મની તે સિવાય કોઈ કારણે ન હતી કે તેઓ તે અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા જે સર્વશક્તિમાન અને પોતાનામાં સ્વયં પ્રશંસિત છે,
૯. જે આકાશો અને ધરતીના રાજ્યનો માલિક છે, અને તે અલ્લાહ બધું જ જોઈ રહ્યો છે.
૧૦. જે લોકોએ ઈમાનવાળા પુરુષો અને સ્ત્રીઓ પર અત્યાચાર કર્યો અને પછી તેનાથી તૌબા (ક્ષમા અને પશ્ચાતાપ) ન કરી નિશ્ચિતપણે તેમના માટે જહન્નમ (નર્ક)ની યાતના છે અને તેમના માટે બળવાની સજા છે.
૧૧. જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કર્મો કર્યા, નિશ્ચિતપણે તેમના માટે જન્નતના બાગ છે જેના નીચે નહેરો વહેતી હશે, આ છે ભવ્ય સફળતા!
૧૨. હકીકતમાં તમારા રબ (પ્રભુ)ની પકડ ખૂબ જ સખત છે.
૧૩. તે જ પહેલી વાર પેદા કરે છે અને તે જ ફરી વાર પેદા કરશે.
૧૪. તે ક્ષમા આપનાર છે, પ્રેમ કરનાર છે,
૧૫. અર્શ (સિંહાસન)નો માલિક છે, પ્રતિષ્ઠિત અને ઉચ્ચ છે.
૧૬. અને જે કંઈ ઇચ્છે કરી નાખનાર છે.
૧૭.શું તમને લશ્કરોના સમાચાર પહોંચ્યા છે ?
૧૮. ફિરઔન અને સમૂદ (ના લશ્કરો)ના ?
૧૯. પરંતુ જેમણે ઇન્કાર (કુફ્ર) કર્યો છે તેઓ ખોટું ઠેરવવામાં લાગેલા છે,
૨૦. જો કે અલ્લાહે તેમને ઘેરાવામાં લઈ રાખ્યો છે
૨૧. (તેમના ખોટા ઠેરવવાથી આ કુઆર્નનું કાંઈ નથી બગડતું) બલ્કે આ કુઆર્ન ઉચ્ચ કોટિનું છે,
૨૨. તે લોહ (પાટી)માં (અંકિત છે) જે સુરક્ષિત છે.