Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસઅવિરત સંઘર્ષના ૭૫ વર્ષ

અવિરત સંઘર્ષના ૭૫ વર્ષ

લેખક : અભયકૂમાર

મોટાભાગે એ જોવા મળ્યું છે કે જમાઅતો (સંગઠનો) દરરોજ બને છે, પણ તે પરસ્પર લડાઈ અને અંગત હિતો ને સ્વાર્થોની ભેંટ ચડી જાય છે. જ્યારે આપણે આ કડવી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જમાઅતે ઇસ્લામી હિંદના ઇતિહાસ અને તેની કારકિર્દી પર નજર નાંખીએ છીએ તો એ કહ્યા વગર રહી શકતા નથી કે આ સંગઠન કંઈક અલગ જ પ્રકારનું છે. જમાઅતના અરકાન અને કારકુનાન માટે આ ખાસ પ્રકારે પ્રસન્નતાનુ કારણ છે કે તેમના પ્રિય સંગઠને પોતાના સફરના ૭૫ વર્ષ પૂરા કર્યા છે.
યાદ રહે કે ૧૯૪૧ના વર્ષમા જમાઅતે ઇસ્લામીની રચના લાહોરમાં થઈ હતી. સ્થાપનામાં સૈયદ અબુલઆ’લા મૌદૂદીની મહત્ત્વની ભૂમિકા હતી. તેમની ગણના વિશ્વના સૌથી મોટા ઇસ્લામી ચિંતકોમા થાય છે. તેઓ ઇસ્લામને જીવનના દરેક ક્ષેત્રમાં સ્થાપિત કરવાના આગ્રહી હતા. દેશના ભાગલાએ જમાઅતના પણ બે ભાગ પાડી નાંખ્યા પછી ૧૯૪૮માં જમાઅતે ઇસ્લામી હિંદની નવરચના અમલમાં આવી. જમાઅતે ઇસ્લામી હિંદના પ્રથમ અમીર મૌલાના અબુલલૈસ ઇસ્લાહી નદવી હતા અને માનનીય સઆદતુલ્લાહ હુસૈની વર્તમાન અમીર છે. સાચું પૂછો તો જમાઅતની આ મોટી સફળતાનો યશ જમાઅતના અસંખ્ય અરકાન-કારકુનાનના ફાળે જવો જોઈએ જેમણે ખૂબ જ ઓછા-ટાચા સાધનો સાથે અને તદ્દન ખામોશીથી પોતાને ગ્લેમરથી દૂર રાખીને જમાઅતના કામને અંજામ આપતા રહ્યા. સ્વતંત્ર ભારતમાં જમાઅત ઉપર બે વખત પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો અને તેના મોટા આગેવાનોને જેલમાં પણ મોકલી દેવાયા. જમાઅતની ઓફિસો પર રેડ પણ પાડવામાં આવી, પણ આ બધી સમસ્યાઓ અને મુસીબતોમાંથી પસાર થઈને જમાઅતના અરકાન પોતાના મિશન તરફ આગળ વધતા રહ્યા. આ તે જ પ્રયત્નોનું પરિણામ છે કે આજે જમાઅત દેશવ્યાપી સ્તરે સર્વત્ર ફેલાઈ ચૂકી છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં તેની અસરો મોટાપાયે વર્તાઈ રહી છે અને તેની સંલગ્ન સંસ્થાઓ ગામો અને મોહલ્લાઓ સુધી કાર્યરત્‌ છે.
જમાઅતે ઇસ્લામી હિંદના વિરોધીઓ પણ એ વાત સ્વીકારે છે કે જમાઅતના અરકાન અને કારકુનાન પોતાના કામોને આયોજનબદ્ધ પદ્ધતિથી અંજામ આપે છે. તેમની તર્બિયત એટલી સારી હોય છે કે તેઓ અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી. તેઓ લાગણીના પ્રવાહમા ખેંચાઈ જતા નથી. સખત ભાષાનો ઉપયોગ કરવાથી દૂર રહે છે. અને પોતાના વિરોધીઓને તર્ક અને દલીલના આધારે રાજી કરવાનો પ્રયત્ન કરે છે. જમાઅતના કેડરની ખૂબીઓ માત્ર ઇસ્લામ અને મુસ્લિમ સમાજ સુધી સીમિત નથી, બલ્કે તેઓ બીજી સમસ્યાઓ અને પ્રશ્નો કે વિષયો વિષે પણ જ્ઞાન ધરાવે છે. એમ કહી શકાય કે જમાઅત મુસલમાનોના ભણેલા-ગણેલા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા લોકોને એ ગેરસમજણ છે કે જમાઅતે ઇસ્લામી સ્થગિતતાની શિકાર છે. સાચી વાત એ છે કે જ્યાં જમાઅત ઇકામતે દીન (દીનની સ્થાપના)ના પોતાના મિશન પર કાયમ અને અડીખમ છે ત્યાં તે આધુનિક ટેકનિકને અપનાવવામાં પણ કયારેય પાછીપાની કરતી નથી. જ્યાં તેનો અકીદો (આસ્થા) ઇસ્લામી મૂલ્યો પર આધારિત એક સમાજનું નિર્માણ કરવાનો છે, ત્યાં તે સેક્યુલર અને ડાબેરી લોકો સાથે પણ વિવિધ સ્ટેજ પર ભાગ લે છે. દીનની તબ્લીગ અને પ્રચાર-પ્રસાર માટે જનસેવાના કામો પણ કરે છે. મીડિયાથી લઈને માનવ અધિકારોના ક્ષેત્રે પણ તે કામ કરી રહી છે. સિવિલ સોસાયટીમાં તો તેણે ઘણું કામ કર્યું છે. આ કોઈ સામાન્ય વાત નથી કે આજે સેંકડોની સંખ્યામાં જમાઅતથી સંલગ્ન સંસ્થાઓ કામ કરી રહી છે. જમાઅતની કમાલ એ છે કે તે આ બધા દરમ્યાન એકરૂપતા જાળવવામાં સફળ થઈ છે. જમાઅતે ઇસ્લામી હિંદ પોતાનું કામ આધુનિક પદ્ધતિ સાથે જાણે પ્રોફેશનલ રીતે કરે છે. જમાઅતથી બીજા સંગઠનો, જો કંઇ શીખવા માંગે તો ઘણું શીખી શકે છે.
પરંતુ આ અસંખ્ય ખૂબીઓ છતાં જમાઅતે ઇસ્લામી હિંદ પર જાત જાતના સંગીન આરોપો લગાવવામા આવે છે. સૌથી પ્રથમ આરોપ એ છે કે જમાઅત મુસલમાનોની ‘કોમવાદી સંસ્થા’ છે. અમુક તો એમ પણ કહે છે કે જેમ હિંદુ કોમવાદી સંગઠનો કામ કરે છે, એ જ રીતે જમાઅત પણ કામ કરે છે. મને લાગે છે કે જમાઅતને કોમવાદી સંગઠન કહેવું કોઈ પણ રીતે જાઇઝ નથી. જમાઅતની વિચારસરણીથી મતભેદનો અર્થ એ નથી કે આપણે તેને ‘કોમવાદી’ કહેવાનું શરૂ કરી દઈએ! ભારતમાં કોમવાદી સંસ્થાઓ એ છે જે લોકોને ધર્મના નામે વિભાજિત કરે છે અને હિંસાનો સહારો લે છે. પરંતુ જમાઅતે ઇસ્લામી હિંદ મુસલમાનોનું એક ઉદારમતવાદી લિબરલ સંગઠન છે જેમાં વિવિધ વૈચારિક પંથ (મકતબે ફિક્ર)ના મુસલમાનો જમાઅતના અરકાન-કારકુનાન અને દીનના દાઈ (આવાહ્‌ક)ની હૈસિયતથી સામેલ છે. જમાઅતની તરફથી પોતાના અરકાન પર એક વિશેષ ડ્રેસકોડ કે પછી એક ખાસ મસ્લક(પંથ)નું જ અનુસરણ કરવા બાબતે કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી. જે લોકો જમાઅતને કોમવાદી કહી રહ્યા છે તેઓએ કયાંક તો જમાઅતને નજીકથી જોઈ નથી અથવા પછી એક ખાસ રાજ્કીય મકસદના આધીન જમાઅત પર કોમવાદી હોવાનો તદ્દન આધારહીન આરોપ લગાવી રહ્યા છે. ઘણી વખત મુસ્લિમ સંગઠનોને ડરાવવા માટે એ અફવા ફેલાવવામાં આવે છે કે મુસલમાનોની ફલાણી જમાઅત કોમવાદી છે. આજ સુધી કોઈ એ વાત સાબિત નથી કરી શક્યું કે જમાઅતે ઈસ્લામી હિંદે ધાર્મિક નફરત ફેલાવવાની કોઈ કોશિશ કરી હોય અથવા પછી કોમવાદી હિંસાચારની અગ્નિમાં તેલ રેડયું હોય. અમુક પૂર્વગ્રહ ધરાવતા લોકો તો ત્યાં સુધી કહે છે કે જમાઅતે ઇસ્લામી હિંદ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહી છે અથવા તે એક રાષ્ટ્રવિરોધી વિચારધારાને ઉત્તેજન આપે છે. આ બધા આરોપો તદ્દન નિરાધાર છે, ખોટા છે. ભારતીય મુસલમાનોએ દેશની આઝાદી અને તેના નિર્માણમાં કોઈપણ બીજા સમૂહની તુલનામાં ઓછી કુર્બાનીઓ ને ભોગ નથી આપ્યા. જ્યારે પણ દેશની સ્થિતિ નાજુક બની ત્યારે દેશની તમામ મિલ્લતના સામાજિક અને ધાર્મિક સંગઠનોએ પ્રિય વતનની એકતા અને સાર્વભૌમિકતાને મજબૂતી પ્રદાન કરી છે. જે પણ સંગઠન લઘુમતીઓના હક્કો માટે લડે છે, તેને એક ખાસ ધ્યેય આધીન કોમવાદી કહી દેવામાં આવે છે જેથી તેની વાતોને દબાવી દેવાય પરંતુ હિંસાવાદી અને ઉપદ્રવી તત્વો શું જાણે કે ભારતનું બીજું નામ જ વિવિધતામા એકતા છે. ઉગ્રવાદી વલણ ધરાવતા લોકોને કોણ સમજાવે કે જયારે દેશના તમામ ધર્મના લોકોને સમાન હક્કો મળશે ત્યારે દેશ વધારે મજબૂત બનીને સામે આવશે. બીજી બાજુ જ્યારે દેશના કમજોર અને વંચિત વર્ગોને ન્યાય નહીં મળે તો દેશની એકતા અને સાર્વભૌમિકતા નબળી પડી જશે.
જમાઅતની આ સફળતાને આ લેખક બિરદાવીને પોતાની શુભેચ્છા વ્યકત કરે છે પણ તે સાથે આ પ્રસંગે અમુક વાતો કહેવાની પણ અનુમતિ ચાહે છે. પ્રથમ વાત તો એ કે જમાઅતે મુસ્લિમ સંસ્થાઓ દરમિયાન પરસ્પરની ગેરસમજણોને દૂર કરવા માટે પણ કામ કરવું જોઈએ. અફસોસની વાત એ છે કે મુસલમાનોની સંસ્થાઓમાં લોકશાહી મૂલ્યોની ખૂબ ખોટ છે. જ્યાં ઇસ્લામનો સંદેશ ચર્ચા-વિચારણા અને સલાહ-મસલતનો અને લોકશાહીનો છે ત્યાં મુસ્લિમ સંસ્થાઓ પરસ્પર વિભાજિત છે. બીજી વાત એ છે કે મુસલમાનો મિલ્લતની એકતાને મજબૂત કરવાના પ્રયત્નો જરૂર કરે. પરંતુ આ અમલ માત્ર મુસલમાનો વચ્ચે સિમિત ન રહે બલ્કે તેના સાથે તેમણે મઝલૂમો અને વંચિતો વચ્ચે પણ એકતા પેદા કરવા તરફ પણ કામ કરવું પડશે. ધર્મના નામ પર અન્યાય થઈ રહ્યો છે, પરંતુ જાતિવાદ અને અસ્પૃશ્યતાની અસમાનતાની વર્ણવ્યવસ્થા પણ લોકોને બરબાદ કરી રહી છે. બિરાદરીઓની અસમાનતા પણ વધી રહી છે. એક મસ્જિદમાં તમામ મુસલમાન નમાઝ પઢે છે, પરંતુ મસ્જિદથી બહાર આવતાં જ તે મુસલમાનો માલિક અને નોકરોમાં વહેચાઈ જાય છે. જમાઅતે મુસલમાનોના કમજોર અને પછાત વર્ગો અને મહિલાઓને પોતાના નેતૃત્વમાં આગળ લાવવા જોઈએ. તેણે દલિતો, આદિવાસીઓ, પછાતો અને અન્ય વંચિત સમુદાયોને પીઠબળ પૂરું પાડીને તેમની પાછળ ચાલવા માટે તૈયાર થવું પડશે. માત્ર એમ કહી દેવું કે ફલાણો આગેવાન પછાત વર્ગમાથી આવે છે અને જમાઅતે સામાજિક ન્યાયનું મિશન પૂરું કરી લીધું છે, પૂરતું નથી. મુસલમાનોએ એ વાત સમજવાની જરૂરત છે કે જાતિવાદી વ્યવસ્થા, આર્થિક અસમાનતા, લિંગભેદ માત્ર બિનમુસ્લિમ સમાજની બીમારી નથી, બલ્કે આ અસાધ્ય રોગ મુસલમાનોમાં પણ તેમની ભૂલોથી ફેલાઈ ચૂકયો છે.
જમાઅતના આલિમો મારા કરતાં વધારે જાણે છે કે ઇસ્લામે નમાઝ અદા કરવાની સાથોસાથ ગરીબ, મિસ્કીન, અને વંચિતોની મદદ કરવાની વાત કહી છે અને નિષ્પક્ષતા અને સમાનતા ઇસ્લામનું બીજું નામ છે. પરંતુ આ તાલીમાત પર ચાલવા ઘણી બધી મુસ્લિમ સંસ્થાઓ તૈયાર નથી. મુસલમાન સંસ્થાઓએ એ સમજવું પડશે કે જ્યાં સુધી તેઓ પોતાની સંસ્થાઓમાં કમજોર વર્ગોને જગા નહીં આપે ત્યાં સુધી તેઓ કયા મોઢે રાજ્યથી મુસલમાનો માટે તેમના વાજિબ પ્રતિનિધિત્વની વાત કરી શકે છે. પૂર્વગ્રહ, અહંકાર અને ભેદભાવની બીમારીથી લડયા વગર મુસ્લિમ સંસ્થાઓ પોતાની નિર્ધારીત મંઝિલ સુધી પહોંચી શકતી નથી.
જો મુસ્લિમ સંગઠનો આ સમસ્યાઓ અને પ્રશ્નો પર વિચાર કરે, તો તેમને કોમવાદી સંગઠનો સાથે રાત્રીના અંધકારમાં મળવા વિવશ નહીં થવું પડે.
(લેખક, જે.એન.યુ.થી ઇતિહાસમાં પી.એચ.ડી. છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments