આ એક સત્ય છે અને ખૂબ જ હૃદયદ્રાવક છે કે આપણા દેશમાં વારંવાર એવું વાતાવરણ સર્જવામાં આવે છે કે લોકોનો એક વર્ગ બુદ્ધિ અને વિવેકને ત્યજીને હુલ્લડો અને તોફાનોમાં ભાગ લેતો થઈ જાય છે, અને તેને કારણે ભાંગફોડની એક પરંપરા શરૃ થઈ જાય છે. હુલ્લડો અને તોફાનોરૃપી અગ્નિ જ્યાં ભભૂકી ઊઠે છે મોટેભાગે તે જગ્યા સુધી એ સીમિત ન રહેતાં દૂર-દૂરના સ્થળોને પણ પોતાની જવાળાઓમાં લપેટી લે છે.
આ પરિસ્થિતિ કોઈ એક ધર્મ વિશેષ માટે નથી. બધા જ ધર્મોના અનુયાયીઓ માટે તે ચિંતાનો વિષય બની ગઈ છે. આને કારણે લોકોનો ધર્મ ઉપર વિશ્વાસ ઓછો થતો જઈ રહ્યો છે, તેથી દેશના વિચારશીલ અને ગંભીર લોકો એવું વિચારવા માટે વિવશ છે કે ધર્મ એક ઝનૂન, ઉન્માદ અને પાગલપણું છે. તે કેવળ ભાંગફોડ તથા લડાઈ-તોફાનોનું માધ્યમ છે. આનાથી મનુષ્યના કલ્યાણની આશા રાખી શકાય નહીં, અને એનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. શક્ય છે કે ધર્મ વિરુદ્ધ આ એક ષડયંત્ર તથા તેને બદનામ કરવાની રીત પણ હોય. એટલે હવે ધાર્મિક લોકોએ ગંભીરતાથી વિચારવું પડશે અને આવી આફતોથી બચવા ઉપાયો શોધવા પડશે.
આ પરિસ્થિતિના નિર્માણના અનેક કારણો હોઈ શકે છે. તેમાંનું એક કારણ ધર્મ રાજકારણીઓનું હથિયાર બની ગયુ છે. દેશનું નેતૃત્વ એક ઘણી મોટી વાત છે, એમાં કોઈ વિવાદ નથી. ધર્મનું નેતૃત્વ પણ એક સીમિત અર્થમાં એવા લોકોના હાથમાં નથી કે જેઓ નિઃસ્વાર્થપણે અને નિષ્ઠાપૂર્વક ધર્મ સાથે સંકળાયેલા છે. તેનું નેતૃત્વ વ્યવહારમાં આજે એવા લોકો કરી રહ્યા છે, જેમને ધર્મ સાથે કશી લેવા-દેવા નથી અને જેમનું જીવન ધર્મના શિક્ષણ વિનાનું છે. તેઓ પોતાના નિમ્ન પ્રકારના સ્વાર્થો માટે જૂઠાણાં અને દગાબાજીથી કામ લઈ રહ્યા છે. તેઓ પારકાંઓને જ નહિ, પણ પોતાના લોકોને પણ છેતરતાં અને દગો દેતાં ખચકાતાં નથી. નિર્દોષ અને નિર્બળ વ્યક્તિઓ તેમના અત્યાચારોનો ભોગ બને છે. તેમનું શોષણ કરવામાં તેમને જરાય સંકોચ થતો નથી. આવા જ લોકો હુલ્લડો અને તોફાનોમાં બધાથી આગળ હોય છે. તેમને ધર્મ સાથે કોઈ સંબંધ નથી, બલ્કે પોતાના સ્વાર્થો માટે તેઓ સક્રિય છે અને તેમણે ધર્મને આ માટેનું માધ્યમ બનાવી રાખ્યું છે.
હુલ્લડોનું બીજું એક કારણ છે કે આપણી બહુમતી વસ્તીનો મોટો ભાગ પોતાના જ ધર્મ, તેના તકાદાઓથી અને તેના શિક્ષણથી અજાણ છે. ધર્મ સાથે તેમનો માત્ર ભાવનાત્મક લગાવ છે. આ જ કારણે તેમને ધર્મના નામે સહેલાઈથી એકઠા કરી શકાય છે. તેમની આ ધાર્મિક ભાવનાનો સ્વાર્થી લોકો લાભ ઉઠાવી રહ્યાં છે. ધાર્મિક સૂત્રોચ્ચાર કે નારાબાજીથી તેઓ લોકોને ભરમાવીને પોતાનું કામ કાઢી લે છે. સામાન્ય લોકો માટે આ બાબત સમજવી અઘરી છે. તેઓ સમજી શકતા નથી કે કોણ ધર્મની બાબતમાં નિષ્ઠાવાન છે અને કોણ ધર્મના નામે તેમનું શોષણ કરે છે.
આ બધા જ હુલ્લડો કે તોફાનો ધર્મના નામે થાય છે. તેથી નિઃસ્વાર્થ ધાર્મિક લોકો, સમૂહો અને શુભ-ચિંતકો જવાબદારી વધી જાય છે. તેમનું પ્રથમ કર્તવ્ય એ છે કે ધર્મની છબીને બગડતી અટકાવે. દેશના સામાન્ય અને વિશિષ્ટ લોકોને બતાવવાની તેમની જવાબદારી છે કે ધર્મ અત્યાચાર અને જંગલિયત ફેલાવવા માટે નથી, બલ્કે તે અત્યાચાર અને જંગલિયત અટકાવવા અને દૂર કરવા માટે આપણને પ્રદાન થયો છે. ધર્મ ઘૃણા અને શત્રુતાનો નહિં, બલ્કે ભાઈચારા અને પ્રેમનો પાઠ શીખવાડે છે. તે જુલ્મ અને અન્યાયને મિટાવી ન્યાય અને ઇન્સાફને સ્થાપિત કરવા માગે છે. આપણે આ દલીલ જીવનના બધા જ ક્ષેત્રોમાં પ્રસ્તુત કરવાની છે કે જગતના કોઈ ધર્મએ હત્યા અને ખુનામરકી, બળાત્કાર અને લૂંટફાંટને યોગ્ય ગણ્યાં નથી. કોઈ ધર્મએ એવો પાઠ શીખવ્યો નથી કે નિર્દોષ લોકોની નિર્દયી હત્યાઓ કરવામાં આવે, માસુમ બાળકોના ગળા કાપવામાં આવે, આબાદ ઘરોને બાળી મૂકવામાં આવે, રસ્તે જતા અજાણ્યા અને નિર્દોષ લોકો ઉપર હુમલાઓ કરવામાં આવે, તેમને ખંજર ભોંકવામાં આવે, કે ગોળીએ દેવામાં આવે, નિઃશસ્ત્ર અને નિઃસહાય મુસાફરોને તેમના નિર્ધારિત સ્થળે પહોંચવા દેવામાં ન આવે, બલ્કે તે પહેંલા જ તેમને મારી નાંખવામાં આવે. માણસ માણસાઈનો પોષાક ત્યજીને પશુ બની જાય, તેની પશુતાને કારણે યુવાન સ્ત્રીઓ વિધવા બને, તેમની પવિત્રતા કે શાલીનતાના પહેરવેશના લીરેલીરાં કરી નાખવામાં આવે, નિર્દોષ અને ભોળાં બાળકો અનાથ અને નિરાધાર બની જાય, વૃદ્ધ માતા-પિતાઓ જીવનનો આધાર ખોઈ બેસે. જે વ્યક્તિનો ધર્મની સાથે ભલે ને નામ માત્રનો સંબંધ હોય, તેનાથી આવી જંગલિયતની આશા રાખી શકાય નહીં. આવા વ્યક્તિનું હૃદય તો આ પ્રકારનાં ઘૃણાસ્પદ કૃત્યો આપણા ધર્મપ્રધાન દેશમાં પણ બને છે એમ જાણીને ધ્રુજી ઊઠે છે.
આ નિવેદન માત્ર શાબ્દિક નથી, બલ્કે આપણા રોજિંદા વ્યવહાર સાથે તેનો ગાઢ સંબંધ હોવાથી સાચી વાત એ છે કે ધર્મના સાચા અનુયાયીઓને હુલ્લડો અને લડાઈ-ઝઘડાઓનો અંત લાવવા માટે કટિબદ્ધ થવાનું આ આગ્રહભર્યું નિવેદન છે. આપણે દેશમાં ચાલતા અત્યાચારોનો અંત આણવા મક્કમ થવું પડશે. જે લોકો તોફાનો કરે અને કરાવે છે, ષડયંત્રો રચે છે અને તોફાનોમાં સામેલ થઈ કાળા-કલંકિત કૃત્યો કરે છે, તેમનાં કાળા ચહેરાઓ ઉપરથી નકાબ ઉતારીને લોકો સમક્ષ તેમને ખુલ્લા કરવાની જરૃર છે. આ એવા લોકો છે, જેઓ પોતાના સ્વાર્થ ખાતર આંધળા થઈ જાય છે, તેમનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. તેમને તેમના અપરાધી કૃત્યોની સજા મળવી જ જોઈએ. તેમને સમાજથી એકલા-અટુલા પાડી દેવા જોઈએ અને તેમને ધર્મના આવા દુરૃપયોગની છૂટ આપવી ન જોઈએ. સામાન્ય લોકોને તેમની દગાબાજી અને દંગલબાજીથી મુક્ત કરીને યોગ્ય દોરવણી આપવી જોઈએ, નહિં તો ધર્મના ધ્વજવાહકોને ઇતિહાસ કદી માફ નહીં કરે. ઇતિહાસ કહેશે કે ધર્મના નામે લોકો પશુતા દાખવતા રહ્યા અને આ ધર્મધુરંધરો મૂક પ્રેક્ષક બની રહ્યા. આનાં કરતાં મોટું બીજું કયું દુર્ભાગ્ય હોઈ શકે છે કે ધર્મનું નેતૃત્વ ઉન્માદ ફેલાવનારાં ઝનુની લોકોના હાથમાં હોય, તેઓ ધર્મના નૈતિક મૂલ્યોની અવહેલના કરીને તેની છબી બગાડતા રહે, અને ધર્મના પ્રચારકો આવા લોકોનો સામનોય પણ ન કરી શકે?
નૈતિક શિક્ષણ બધા ધર્મોની પૂંજી છે. દ્વેષ, ઈર્ષા, ઘૃણા, લોભ, અહંકાર જેવા રોગોમાંથી મુક્તિ પામી પવિત્રતા, શાલીનતા, સત્યાચરણ, સદાચાર, સત્યનિષ્ઠા, ઉચ્ચ આદર્શો, લોકોના જાનમાલનું રક્ષણ, આતિથ્ય-સત્કાર અને સાદગી જેવા ગુણોથી સંપન્ન થઈને નાના બાળકો પ્રત્યે પ્રેમ, વડીલોનું સન્માન, નિર્બળો તેમજ દુઃખી અને જરૂરતમંદ લોકોની સહાય, લોકોના અધિકારોનું રક્ષણ, જુલ્મી લોકોને અત્યાચાર કરતા રોકીને નબળા લોકોને મદદ કરવી વગેરે અનેક ઉચ્ચત્ નૈતિક મૂલ્યો છે, જેના વિષે કોઈ ધર્મમાં ક્યાંય કોઈ મતભેદ નથી. ધર્મોના પાયાના સિદ્ધાંતો આ જ છે. તેના વિના કોઈ ધર્મની કલ્પના કરવી પણ શક્ય નથી. માણસના માણસ સાથેના અને વ્યક્તિના સમાજ સાથેના સંબંધોને સુગ્રથિત કરનારાં આ મૂલ્યો છે. તેના વિના કોઈ ધાર્મિક ગોષ્ઠી પણ સંબંવ નથી. ધાર્મિક લોકોએ આ નૈતિક ગુણોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
એમાં કોઈ સંદેહ નથી કે ધર્મો વચ્ચે મતભેદો છે. તેનો એક લાંબો ઇતિહાસ પણ છે. એક જગ્યાએ એકેશ્વરવાદ છે, તો બીજી જગ્યાએ અનેકેશ્વરવાદ છે. ક્યાંય આકાશની જ્ઞાનની કલ્પના છે, તો ક્યાંક કઠોર સાધના અને ઇચ્છાઓના નિગ્રહને કારણે માણસને મળતી સંચેતનાની વાતો છે. ક્યાંય પરલોકવાદ છે, તો કેટલીક જગ્યાએ જન્મ અને પુનર્જન્મના સિદ્ધાંતોની વાત છે. કેટલાક સ્થળે ઇશ્વર વચ્ચેનું અંતર દરેક સ્થિતિમાં યથાવત રહે છે. અમુક લોકોના મતે આ મતભેદોનું સમાધાન શક્ય નથી. વધારામાં ધર્મનો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે તેના કારણે સંઘર્ષો અને યુદ્ધો પણ થયાં છે.
આનાથી વિપરીત, કેટલાક લોકોનું માનવું છે કે ધર્મો વચ્ચેનો મતભેદ પાયાનો નહીં, ગૌણ છે. ધ્યેય બધાનું એક જ છે, માત્ર રસ્તા જુદા-જુદા છે. તેઓ મતભેદોને અવાસ્તવિક ગણે છે, તેને યથાયોગ્ય ગણતા નથી. પણ ખરી વાત એ છે કે ધર્મો વચ્ચે મતભેદ તો છે, અને તે પણ પાયાના મતભેદો છે. તેમનામાં આસ્થા અંગે પણ મતભેદ છે. આનો ઇન્કાર થઈ શકે એમ નથી. મતભેદોને અંશિક અને પાયા વગરના કહી અવગણી શકાય નહીં. આ બધા મતભેદ હોવા છતાં એક હકીકત તારવી શકાય છે કે ધર્મના બારણા કોઈના માટે બંધ નથી. એ જ રીતે ધાર્મિક વર્ગના લોકો માટે પણ બંધ નથી. અલબત્ત, તે અંગે બે બાબતો પ્રત્યે ધ્યાન આપવું પડશે.
(૧) પ્રથમ તો બધા જ ધર્મો માટે સન્માનની ભાવના ઊભી કરવી પડશે. કોઈ વ્યક્તિ કોઈ ધર્મનું અપમાન ન કરે. તેના શિક્ષણમાં ભેળસેળ ન કરે. તેમાં એવી વાતો સામેલ ન કરે જેનો તેની સાથે કોઈ સંબંધ ન હોય. તે ધર્મની સન્માનનીય વ્યક્તિઓ, વડીલો, ધર્માત્માઓ અંગે અપશબ્દ ન કહે. તેમનાં શિક્ષણની મશ્કરી ન કરે. ધર્મો વચ્ચેના મતભેદોને હઠાગ્રહપૂર્વક ખતર કરી દેવા કે પોતાની સંસ્કૃતિને બીજી સંસ્કૃતિ ઉપર લાદવાનો પ્રયત્ન ન કરે. બળજબરીથી લાદેલી પરિસ્થિતિ માનવ-સ્વભાવને સ્વીકાર્ય નથી. ધર્મપરાયણતા એવી વસ્તુ છે કે તે બીજાઓ ઉપર લાદી શકાય નહીં. તે સ્વયંસ્કુચિત હોય છે. સ્વયં ઇશ્વરે પોતાની પ્રાર્થના-ઉપાસના માણસ ઉપર લાદી નથી, તો મનુષ્ય કઈ રીતે લાદી શકે?
(૨) બીજું એ કે આસ્થા અને આચરણની સ્વતંત્રતા એ દરેકનો વ્યક્તિગત અને પાયાનો હક છે. આ હકનો સ્વીકાર કર્યા પછી જ ધાર્મિક લોકોએ પોતાનાં મતભેદો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખુલ્લા મનથી પરસ્પરના વિચારોને ગંભીરતાપૂર્વક સમજવા જોઈએ. કોઈપણ સંજોગોમાં તથ્યોને વિકૃત કરીને, સંબંધિત ઘટનાઓને મારી-મચડીને રદ બાતલ કરી દેવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સમસ્યાઓને નિષ્ઠાથી ઉકેલવાની ભાવના હોય અને ન્યાયપૂર્વક ઉપાયો શોધવામાં આવે તો બધી સમસ્યાઓનો ઉકેલ શક્ય છે. આશ્ચર્યજનક (અને ધાર્મિક વ્યક્તિઓ માટે શરમજનક) બાબત એ છે કે મોટા-મોટા રાજકીય વિવાદોના સમાધાન ચર્ચા-વિચારણાથી શક્ય બને છે, પણ ધાર્મિક જગતમાં આની સંભાવના નથી?
આ બાબતમાં છેલ્લી વાત એ છે કે ધર્મ માટે એમ માની લેવામાં આવ્યું છે કે તેનો સંબંધ અંગત અને વ્યક્તિગત છે. સામૂહિક જીવન તેનાથી મુક્ત છે અને તેણે મુક્ત રહેવું જોઈએ. તે માટે એવી દલીલ કરવામાં આવે છે કે ધર્મ વ્યવહારિક નથી અને સામૂહિક જીવનનો ભાર ઉપાડવાની તેનામાં શક્તિ નથી. એવું પણ કહેવામાં આવે છે કે ધર્મના માર્ગમાં વિઘ્નરૃપ વધારે પડતા ધાર્મિક વિવાદો સામૂહિક જીવન માટે ખૂબ હાનિકારક છે. વળી, વિવાદો પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે ધર્મ લોકો વચ્ચે સુમેળ સાધી શકે અને એકબીજાને નજીક લાવી શકે. ધાર્મિક વિવાદ તો લોકોને એક-બીજાથી દૂર લઈ જશે. આ તર્કહીન અને અસ્વભાવિક વાતને ધાર્મિક લોકોએ પણ વ્યવહારમાં સ્વીકારી લીધી છે. અમારી દૃષ્ટિએ આ પ્રકારનો તર્ક ધર્મ વિરૂદ્ધ કાવતરું છે. ધર્મની ભૂમિકા પૂજાપાઠ અને ઉપાસના સુધી જ સીમિત હોય અને સમાજ-સુધારણા અને લોકકલ્યાણની સમસ્યાઓ સાથે જો તેનો સંબંધ ન હોય તો તેમાં કોઈને શું રસ પડે? ધાર્મિક વાતોને સમાજ-સુધારણા કે લોકકલ્યાણ સાથે ખરેખર કોઈ સંબંધ નથી? ધર્મ-વિરોધી તત્ત્વો તો આ જ ઈચ્છે છે કે ધર્મ તેનું આકર્ષણ ખોઈ બેસે અને તે અનુસાર બની જાય. મજાની વાત એ છે કે એક તરફ એમ કહેવામાં આવે છે કે ધર્મને સામાજિક જીવન સાથે કોઈ સંબંધ નથી અને બીજી તરફ એમ પણ કહેવામાં આવે છે કે નૈતિક મૂલ્યો જરૂરી અને મહત્વના છે ! ધર્મ વિના નૈતિક મૂલ્યોની વાત કેવી રીતે સંભવ છે ? ધર્મનો સામૂહિક જીવન સાથેનો સંબંધ તૂટી ગયા પછી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તેનો પ્રભાવ નૈતિક જીવન ઉપર પડે અને નૈતિક મૂલ્યો સમાજમાં કાયમ રહે.
ધર્મનું મૂળ, તેનો વિવાદ અને જીવન સાથે તેનો સંબંધ વિશે ઇસ્લામનો પોતાનું એક વિશિષ્ટ દૃષ્ટિબિંદુ છે. તે એ કે મનુષ્ય ઇશ્વરના માર્ગ (ધર્મ) અને તેના નિર્દેશ અને માર્ગદર્શન વગર કદી રહી શક્યો નથી. ધરતી ઉપર તેનો પ્રથમ દિવસથી જ તેને ધર્મની મહામૂલી ભેટ મળેલી છે. આ ધર્મ (ઇસ્લામ) શરૃઆતથી એક જ રહ્યો છે. તેમાં મતભેદ થયા, પણ તેનું કારણ મનુષ્યની ઇચ્છાઓનું અને મનોકામનાઓનું અનુકરણ હતુ. ઇશ્વર તરફતી તેનાં દૂતો અને સંદેષાઓ ઇતિહાસના દરેક યુગમાં આવતા રહ્યા અને એ જ મૂળ ધર્મ તરફ પરત ફરવા લોકોને આહ્વાન કરતા રહ્યા.
કુઆર્ન, એક તરફ એ મૂળ શિક્ષણને દર્શાવે છે, જે ઈશદૂતોના માધ્યમથી દુનિયામાં આવતું રહ્યું છે, અને બીજી તરફ એ મૂળ શિક્ષણમાં સમયાંતરે સ્વાર્થી લોકોએ જે ફેરફારો અને વધારા-ઘટાડા કર્યા અને તેની દિશા બદલી નાખવામાં આવી તેના તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે. કુઆર્નની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઇશ્વર અને માનવીના આધત્મિક સંબંધને મજબૂત કરવાની સાથે-સાથે એ પણ બતાવે છે કે મનુષ્ય જીવનપર્યત ઇશ્વરની ઇચ્છાને આધીન રહી શકે છે. તેના માટે કુઆર્ન પ્રાર્થના-ઉપાસના અને નૈતિક શિક્ષણથી લઈને સામાજિક, રાજકીય, આર્થિક જીવન ઉપરાંત મનુષ્યની સભ્યતા અને તેના સાંસ્કૃતિક જીવનનો પણ ચિતાર આપે છે. ટૂંકમાં, તે માનવ-જીવનના દરેક ક્ષેત્રમાં માનવીના અધિકારો અન કર્તવ્યોના વિભાજનની વાતને સામાજિક-ન્યાય અને સમાનતાના પાયા ઉપર અડગ રહીને કરે છે. તેનો દાવો છે કે તે ઇશ્વર તરફથી આવનારો અંતિમ દીન (ધર્મ) છે, અને તે પોતાના મૂળ સ્વરૃપમાં આજે પણ સુરક્ષિત છે. કુઆર્નનો આ દાવો નિઃસંદેહ ખૂબ મોટો છે. જગત માટે તે એક એવો મોટો પડકાર છે, જેને કોઈ ટૂંકી દૃષ્ટિની ભેદભાવપૂર્ણ અને પૂર્વગ્રહયુક્ત ધારણાને કારણે રદ કરી દેવા યોગ્ય નથી. તેના ઉપર ગંભીરપણે વારંવાર વિચાર કરવાની જરૃર છે.