ઇતિહાસની અટારીએથી ………………………… પ્રશિક્ષણના પગલાં
અલ્લાહના અંતિમ રસૂલ હઝરત મુહમ્મદ સલ્લ.એ નબુવ્વત મેળવવાથી લઈને હિજરત સુધીના પોતાના પવિત્રજીવનનો સમયગાળો મક્કામાં સતત સંઘર્ષમાં પસાર કર્યો. જેથી ત્યાં તૌહીદ (એકેશ્વરવાદ)ની આસ્થાનો પાયો નાંખી શકાય. આ જમાનામાં આપ સલ્લ.ના સાથી મુસલમાનોએ પણ ખૂબ જ સંકટોનો સામનો કર્યો. તેમને ધુત્કારવામાં આવ્યા, તકલીફો પહોંચાડવામાં આવી અને આનું એકમાત્ર કારણ એ હતું કે તેઓ કહેતા હતા કે અમારો રબ અલ્લાહ છે. જેથી મુસલમાનો મદીના હિજરત કરી જવા વિવશ થઈ ગયા. હિજરત પછી અલ્લાહે આ મુસલમાનોને એ વાતની પરવાનગી આપી કે તે તેમના પાસેથી પોતાના હક્ક પાછા મેળવી લે જેમણે તેમના હક્ક છીનવી લીધા છે. અને જેમણે તેમનો માલ છીનવી લીધો છે તેમના પાસેથી તે પાછો મેળવે. કુઆર્ન કહે છે, “પરવાનગી આપી દેવામાં આવી તે લોકોને જેમના વિરૂદ્ધ યુદ્ધ કરવામાં આવી રહ્યું છે, કેમકે તેઓ મજલૂમ (ઉત્પિડીત) છે અને અલ્લાહ ચોક્કસ તેમની મદદ કરવાનું સામર્થ્ય ધરાવે છે.” (સૂરઃહજ્જ-૩૯)
અને પછી બદ્રના રણમેદાનમાં બે પક્ષો વચ્ચે જબરદસ્ત યુદ્ધ થયું. એક પક્ષ ઈમાનવાળાઓનો હતો જેઓ પોતાના દીન અને અધિકારોનું રક્ષણ કરી રહ્યા હતા અને બીજી તરફનો પક્ષ ઇન્કાર કરનારાઓનો હતો જેઓ અત્યાચારી હતા, જેમણે લોકો ઉપર જુલ્મ અને પીડા આપવાનું કામ કર્યું હતું અને તેમની ધન-સંપત્તિ હડપ કરી લીધી હતી.
આ મહત્વના યુદ્ધમાં કયાદત અને તરબીયતના સંદર્ભે ઘણા મોટા સબક અને દૃષ્ટાંતો છૂપાયેલા છે, જે અલ્લાહે પોતાના આ સૈન્ય અને તમામ મુસલમાનોને આપ્યા છે કે જેથી તેઓ એક નમૂનો બની જાય અને આવનારા દરેક યુગના આગેવાનો તેનું અનુકરણ કરે.
બદ્રના મેદાન તરફ જતા મુસલમાનોની હાલત એ હતી કે એક ઊંટણી ઉપર ત્રણ જણા વારા મુજબ સવાર થતા હતા. અલ્લાહના રસૂલ સલ્લ. પોતે, મુરશદ બિન અબી મુરશદ અને અલી બિન અબુતાલિબ રદી. એક જ ઊંટણી ઉપર વારા મુજબ સવાર થતા હતા. આ બંને સહાબાએ અલ્લાહના રસૂલ સલ્લ.થી દરખાસ્ત કરી કે આપ જ ઊંટણી ઉપર બેસી રહો, અને અમે બંને પોતાનો વારો છોડી દઈએ છીએ. પરંતુ અલ્લાહના રસૂલ સલ્લ.એ કહ્યું, “હું તમારા બંને કરતા ચાલવાની વધુ તાકત ધરાવું છું અને હું તમારા બંને કરતા વધારે બદલો આપનારથી નિસ્પૃહ નથી.”
આમ જે નેતૃત્વ કરનાર હોય છે તેનામાં આ ખાસિયતો હોય છે. તે પોતે તાકતવર અને હિંમતવાળો હોય છે. પોતાની ફોજ માટે ધીરજ, સહનશક્તિ અને યુદ્ધ કૌશલ્યમાં દૃષ્ટાંતરૃપ હોય છે. હઝરત અલી રદી. અલ્લાહના રસૂલ સલ્લ.નો આ ગુણ વર્ણવતા કહે છે કે, જ્યારે યુદ્ધ શરૃ થઈ જતું અને ઘમસાણ થઈ જવા લાગતું તો અમે લોકો અલ્લાહના રસૂલ સલ્લ.ના સંગાથમાં આશ્રય લેતા. આપ સલ્લ. તમામ લોકોમાં સૌથી વધારે રૃઆબદાર દેખાતા અને અમારામાંથી કોઈપણ આપ સલ્લ. કરતા વધારે શત્રુઓથી સમીપ ન જઈ શકતો. એટલા માટે કમાન્ડરની કમજોરી અને પાછીપાનીથી વધારે કોઈપણ ચીજ લશ્કરની હિંમતને તોડી નાંખવાનું કારણ નથી બની શકતું.
કાઈદ અને કમાન્ડર પોતાને પોતાના સૈન્યથી અલગ કે મોટો નથી સમજી શકતો… કેમકે નેતૃત્વ કોઈ મોભો નથી બલ્કે આ તો એવી જવાબદારી છે જે બીજાઓ કરતા કાઈદથી વધારે ભોગ અને બલિદાન માગે છે ત્યાં સુધી કે લશ્કર તેના આ પદથી અને તેની શૂરવીરતાથી સંતુષ્ટ થઈ જાય છે.
બદ્રમાં યુદ્ધ શરૃ થતા પહેલાં
અલ્લાહના રસૂલ સલ્લ.એ સૈન્ય સમિતિના સભ્યોને ચર્ચાવિચારણા કરવા ભેગા કર્યા. કેમકે મક્કાના કુરૈશથી સૌ પ્રથમ જબરદસ્ત સંઘર્ષ થવાનો હતો અને આ સંઘર્ષથી નિપજનારા પરિણામોના આધારે જ ઇસ્લામી દા’વતના ભવિષ્યના સંદર્ભમાં મહત્વના નિષ્કર્ષો પ્રાપ્ત થવાના હતા. આ યુદ્ધ મુસલમાનો માટે મહત્વનું પૂરવાર થવાનું હતું. જેમાં ઊંટો અને બીજી સાધન સામગ્રીની જરૂરત હતી. આ તે મુહાજિરોનો અધિકાર હતો જે મક્કાવાસીઓએ તેમનાથી છીનવી લીધો હતો અને હવે આ ઘર્ષણ એક જબરદસ્ત યુદ્ધમાં પરિવર્તિત થઈ ચૂક્યંત હતું.
મુસલમાન સૈન્ય વધારે પડતું અન્સાર (મુહાજિરોને મદીના આગમન વખતે મદદ કરનારા) લોકો ઉપર આધારિત હતું. આ લોકોએ અલ્લાહના રસૂલ સલ્લ.ના મદીના આગમન પહેલાં મક્કામાં જઈને ઉકબા નામક સ્થળે અલ્લાહના રસૂલ સલ્લ.થી શપથ લીધા હતા કે, અલ્લાહના રસૂલ સલ્લ. જ્યાં સુધી તેમના શહેરમાં રહેશે, તેઓ આપ સલ્લ.ની મદદ અને રક્ષા એવી રીતે કરતા રહેશે જેવી રીતે પોતાના પરિવારની રક્ષા કરે છે. પરંતુ હવે અલ્લાહના રસૂલ સલ્લ. તેમના શહેરથી બહાર યુદ્ધ માટે જઈ રહ્યા હતા તો ત્યારે અન્સારનું શું વલણ રહેશે? આ વાત પણ આપ સલ્લ. જાણતા માગતા હતા.
આ તમામ બાબતોના ખુલાસા માટે અલ્લાહના રસૂલ સલ્લ.એ સૈન્ય સમિતિના સભ્યોને ભેગા કર્યા જેથી તેમનાથી ચર્ચાવિચારણા થાય.
યુદ્ધ અગાઉ ચર્ચાવિચારણા
અલ્લાહના રસૂલ સલ્લ.એ યુદ્ધ પહેલાં લોકોથી જાણવા માંગ્યુ કે આપ સલ્લ.ને મદદ કરવા સંબંધે તેમનું શું વલણ છે તો મુહાજિરો (મક્કાથી આવેલા નિરાશ્રિતો) તરફથી મિકદાદ બિન ઉમરુ રદી.એ ઊભા થઈને ઘોષણા કરી કે, હે અલ્લાહના રસૂલ સલ્લ.! અલ્લાહ તઆલાએ આપને જે કંઇ હુકમ આપ્યો છે તે મુજબ કરી નાંખો, અમે આપ સલ્લ.ના સાથે છીએ. ખુદાના સૌગંધ અમે કદાપી તે વાત નહીં કહીએ જે બની ઇસરાઈલે પોતાના પયગંબર હઝરત મૂસા અ.સ.ને કહી હતી કે, “તમે અને તમારો અલ્લાહ જઈને લડો, અમે તો અહીં બેસ્યા છીએ.” બલ્કે અમે તો એમ કહીશું કે, આપ અને આપનો અલ્લાહ જઈને લડો અને અમે પણ આપના સાથે લડીશું. તે મહાન હસ્તિના સૌગંધ જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે. જો આપ સલ્લ. બરકુલગમાદ (એક અતિ દૂરનું સ્થળ) સુધી પણ અમને લઈ જશો તો અમે ત્યાં પણ આપ સલ્લ.ના સંગાથે જઈને લડીશું.
અલ્લાહના રસૂલ સલ્લ. અન્સારોનો મત જાણવા માંગતા હતા. એટલા માટે અન્સારના સરદાર સઅદ બિન મઆઝ રદી. ઊભા થયા અને કહ્યું, આપ સલ્લ. કદાચ અમારો મત શું છે તે જાણવા માંગે છે. આપ સલ્લ.એ કહ્યું, “હા” હઝરત સઅદે કહ્યું, હે અલ્લાહના રસૂલ સલ્લ.! અમે આપના ઉપર ઈમાન લાવ્યા છીએ અને આપ સલ્લ.ને સ્વીકાર્યા છે અને અમે એ જાણી ચુક્યા છીએ કે આપ સલ્લ. જે કંઇ લઈને આવ્યા છો તે સત્ય છે. અમારા અનુમોદન અને અનુસરણથી અમે આ સ્વીકારને સાબિત પણ કરી દીધો છે. એટલા માટે હે અલ્લાહના રસૂલ સલ્લ.! આપ સલ્લ. એ જે ચીજનો ઇરાદો કરી લીધો છે તેને તેના અંજામ સુધી પહોંચાડી દો. તે મહાન હસ્તિના સૌગંધ, જેણે આપ સલ્લ.ને સત્ય સાથે અવતરિત કર્યા છે, જો આપ સલ્લ. સમુદ્રમાંથી પણ પસાર થઈ જવાની આજ્ઞા આપશો તો અમે આંખો અને શિષ નમાવીને આપની આજ્ઞાને માથે ચડાવીશું અને અમારામાંથી એક વ્યક્તિ પણ પાછો નહીં ફરે. શાયદ અલ્લાહ તઆલા અમારા દ્વારા આપ સલ્લ.ને એ વસ્તુ બતાવવા ચાહે છે જેનાથી આપ સલ્લ.ની આંખો ઠંડી થાય. આ ચર્ચા વિચારણા અને અન્સાર તથા મુહાજિરોના જવાબોથી સંતુષ્ટ થઈ ગયા પછી આપ સલ્લ.એ લશ્કરને કૂચ કરવાની આજ્ઞા આપી.
આમ આ તદ્દન અલ્પ સાધન સામગ્રી અને યુદ્ધ સંરજામ સાથે મુસલમાનોનું લશ્કર બદ્ર નામક સ્થળે પહોંચ્યું જ્યાં બંને લશ્કરો વચ્ચે યુદ્ધ થવાનું હતું. બદ્રમાં પહોંચ્યાના બીજા દિવસે સવારે અલ્લાહના અંતિમ પયગંબર સલ્લ.ના નેતૃત્વમાં સત્ય અને અસત્યના આ પ્રથમ યુદ્ધનો આરંભ થયો.
યુદ્ધના આરંભ સાથે જ મક્કાના સૈન્યના ત્રણ સરદારો જેમાં સેનાપતિ ઉતબા બિન રબીયા, શૈબા બિન રબીયા અને વલીદ બિન ઉતબા આગળ નીકળી આવ્યા અને તેમણે મુસલમાનોના ત્રણ યુદ્ધવીરોને મુકાબલાનું આમંત્રણ આપ્યું તો અલ્લાહના રસૂલ સલ્લ.એ ત્રણ અન્સાર સહાબીઓને તેમનો સામનો કરવા મોકલ્યા પણ તેમના સેનાપતિ ઉતબાએ મદીનાવાસીઓથી લડવાની ના પાડી અને કહ્યું કે અમારો સામનો કરવા કુરેશના લોકોને જ મોકલો. અલ્લાહના રસૂલ સલ્લ.એ આ પડકાર સ્વીકારીને પોતાના જ કબીલા બનુ હાશિમના ત્રણ શ્રેષ્ઠ યોદ્ધાઓ હઝરત હમઝા, હઝરત અલી અને હઝરત ઉબેદા રદી.ને આગળ કરતાં કહ્યું, હે બની હાશિમ! આવો અને રણમેદાનમાં જઈને પોતાના હક્ક માટે લડો જેના માટે અલ્લાહે તમારા નબીને મોકલ્યો છે. આ લોકો અલ્લાહના નૂર અને પ્રકાશને ઓલવી નાંખવા માટે અસત્યનો અંધકાર લઈને આવ્યા છે.
આ પ્રથમ મુકાબલામાં મક્કાના ત્રણે શ્રેષ્ઠીઓ માર્યા ગયા અને મુસલમાનોના પક્ષે હઝરત ઉબેદા રદી. શહીદ થયા. તે સાથે જ ઘમાસણનું યુદ્ધ શરૃ થઈ ગયું અને શસ્ત્રવિહોણા મુસલમાનોને પોતાના કમાન્ડર અલ્લાહના રસૂલ સલ્લ.ના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત થયો અને મક્કાના અસત્યવાદીઓ પોતાની ૭૦ લાશો અને ૭૦ યુદ્ધ કેદીઓ યુદ્ધના મેદાનમાં મુકીને એવી રીતે ભાગ્યા કે પાછા વળીને પણ ન જોયું.
આ હતું અલ્લાહના રસૂલ સલ્લ.નું નેતૃત્વ. આપ સલ્લ. પોતાની અને પોતાના નજીકના લોકોની કુર્બાની આપતા હતા. પોતાના સગાવ્હાલાંને હોદ્દાઓ અને પદ આપવા માટે બચાવીને નહોતા રાખતા બલ્કે અલ્લાહના દીન ખાતર જાનનું બલિદાન આપવા માટે તેમને મેદાનમાં પહેલાં ઉતારતા હતા. આ યુદ્ધમાં પણ જેઓને સૌ પ્રથમ મોકલવામાં આવ્યા તેમાં એક હમઝા સગા કાકા હતા અને અલી તેમજ ઉબૈદા સગા કાકાઓના દીકરાઓ હતા. બલ્કે હઝરત અલી. રદી. તો આપ સલ્લ.ની છત્રછાયામાં જ મોટા થયા હતા. આ રીતે અલ્લાહના રસૂલ સલ્લ.એ કુર્બાની અને ત્યાગ આપવાના સંબંધે પોતાનું અને પોતાના નજીકના સગાવ્હાલાંનું દૃષ્ટાંત કાયમ કરીને બીજાઓ માટે નમૂનો પૂરો પાડ્યો છે.
યુદ્ધ પુરૃં થઈ ગયું અને મુસલમાનો વિજયી થયા, સાથે ઘણા યુદ્ધકેદીઓ હાથમાં આવ્યા. આપ સલ્લ. એ ચર્ચાવિચારણા માટે લોકોને એકઠા કર્યા. જેમાં આગળ પડતા સહાબા રદી. હાજર રહ્યા કે જેથી કેદીઓ વિષયક ચર્ચા કરી શકાય. આ સંબંધે આ મિટિંગમાં બે ભિન્ન મત ઊભા થયા. એક જૂથનો મત એ હતો કે યુદ્ધ કેદીઓને કતલ કરી દેવામાં આવે જેથી તેઓ બીજીવાર યુદ્ધ કરવા સામે ન આવે. જ્યારે કે બીજા જુથનો મત એ હતો કે તેમના સાથે નરમ વ્યવહાર કરવામાં આવે. છેવટે એ નક્કી થયું કે તેમના પાસેથી મુક્તિદંડ લઈને છોડી દેવામાં આવે.
બદ્રના યુદ્ધ બાબતે અલ્લાહના રસૂલ સલ્લ.એ આપના સાથીઓને કહી દીધું હતું કે જો કોઈનો મુકાબલો અબુલબખ્તરી બિન હિશ્શામથી થાય તો તેમને કતલ ન કરે અને જો કોઈનો મુકાબલો અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબથી થાય તો તેમને પણ કતલ ન કરે કેમ કે તેઓ પોતાની અનિચ્છાથી યુદ્ધમાં શામેલ થાય છે. અબુલબખ્તરીના કતલથી આપ સલ્લ.એ એટલા માટે મના ફરમાવી હતી કે તેઓ મક્કામાં અલ્લાહના રસૂલ સલ્લ.ને સતાવવામાં ક્યારેય શામેલ ન હતા, ન ક્યારેય કોઈ પ્રકારની તકલીફ પહોંચાડી અને આપ સલ્લ.ના કબીલા બનુહાસિમના બહિષ્કારની જે સંઘિ મકકાવાળાઓ દરમિયાન થઈ હતી તેને તોડી નાંખવાના પણ ભરપૂર પ્રયાસો કર્યા હતા. અને અબ્બાસ આપના સગા કાકા હતા અને મક્કામાં રહીને આપને સહાયભૂત થવાના પ્રયત્નો કરતા રહ્યા હતા.
આમ અલ્લાહના રસૂલ સલ્લ.એ આપણને એ પાઠ ભણાવ્યો છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ જ કેમ ન હોય આપણે ઉપકાર કે ભલાઈને ન ભુલીએ. ભલાઈ અને સદ્ભાવના માટે સતત પ્રયત્નશીલ રહીએ અને લોકોના સારા અખ્લાકનો શ્રેષ્ઠ અખ્લાક સાથે પ્રતિભાવ આપીએ. કેમકે અલ્લાહ તઆલાએ પોતાના અંતિમ રસૂલ સલ્લ.ને શ્રેષ્ઠ અખ્લાકને પરિપૂર્ણ કરવા જ અવતરિત કર્યા હતા.