Thursday, December 26, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસકુઆર્ન : આત્મશુદ્ધિની પ્રથમ સીડી

કુઆર્ન : આત્મશુદ્ધિની પ્રથમ સીડી

તિલાવત – તઝકીયાની પ્રથમ સીડી

અહીં આ વાત સ્પષ્ટ થઇ કે તઝકીયા માટે અલ્લાહના કલામને સાંભળવુ અને તેની અસર ગ્રહણ કરવી જરૂરી છે. જેમને પોતાના મનની પવિત્રતાની ચાહના છે, તેમના માટે કેટલાક સહેલા ઉપાયો બતાવવામાં આવ્યા છે.

(૧) કુઆર્નને ઊંચા અવાજથી તિલાવત કરવાની આદત બનાવવવામાં આવે. તજવીદની સાથે તિલાવત કરવાથી એક ખાસ પ્રકારનું સૌંદર્ય ઉત્પન્ન થાય છે.
શબ્દોનો જેર, જબર સંગીતમય ઉતાર-ચઢાવનો પ્રભાવ માણસના મનને મુગ્ધ કરે છે.
(૨) કુઆર્નની તિલાવત માટે માનસિક અને આત્મિક એકાગ્રતા જરૂરી છે ત્યારે જ તે તિલાવત લાગણીઓ દિલી આકર્ષણ જે પ્રભાવિત કરે છે તેનાથી જ દિલની ભાવનાઓમાં ગરમી અને જોશ પેદા થાય છે.

(૩) દરરોજ કુઆર્નની તિલાવત કરતા રહો. જેમ-જેમ તેની તિલાવત વધતી જાય તેની માત્રા અને અભ્યાસક્રમમાં વધારો કરી શકાય છે.

(૪) રાત્રિના શાંત એકાંતમાં મુખ્યત્વે તહજ્જુદ વખતની તિલાવતથી આનંદજનક અસરો અંકિત થાય છે. જેને માણસ પોતાની જિંદગીની પૂંજી સમજે.

(૫) મધુર સૂર અને લયબદ્ધ તિલાવત તો એક આનંદમય વાતાવરણ પેદા કરી દે છે. આની તિલાવતમાં દાઊદ અલૈ. જેવી તાસીર હોય તો પક્ષીઓ અને પર્વતો પણ આપનો સાથ આપતા નજર આવશે.

(૬) દરેક નમાઝ જમાઅત સાથે અદા કરવી જોઇએ પરંતુ જહરી નમાઝોમાં સારી કિરઅત સાંભળવા માટે કોઇ દૂરની મસ્જીદમાં જવું પડે તો આમ કરવું એ કિરઅતના શોખને વધારી દેશે.

(૭) રેકોર્ડ પ્લેયર, સીડીઝ, મોબાઇલ-ફોન, કોમ્પ્યુટર વગેરે માધ્યમ દ્વારા સારી મધુર કિરઅત સાંભળવાનો ખુદ પોતાનો પણ નિયમ બનાવો અને ઘરનું વાતાવરણ પણ એ રીતનું બનાવો કે જેમાં દરેક સમયે કુઆર્નની તિલાવતની સુરાવણીઓ ગુંજતી રહે.

(૮) કુઆર્નના જે ભાગની તિલાવત અથવા શ્રવણ તમે કરી રહ્યા છો તેની સંક્ષિપ્ત સમજૂતિ પણ ધ્યાનમાં હોય તો અસરમાં ઘણી તિવ્રતા આવે છે.

(૯)જે આયતો દિલ ઉપર અસર પહોંચાડનારી અનુભવાય તેની તિલાવત વારંવાર કરતા રહો.

(૧૦) કુઆર્નના તે સ્થાનો જે આપની લાગણીઓને અને મુગ્ધતાને આકર્ષિત કરે તે આયતોને કંઠસ્થ (હિફ્ઝ) કરવાની કોશિષ કરવી જોઇએ.

તાલીમના માધ્યમથી તઝકિયા

તાલીમ એ સફળતા માટેનો એક ચાવીરૃપ અમલ છે. માનવી હોય કે પશુ દરેક પ્રાણી તાલીમ દ્વારા જ શીખે છે અને કેળવાય છે. વ્યક્તિત્વ ઘડતરમાં તાલીમનો બહુ જ પ્રભાવ છે. આપણે જે કંઇ વિચારીએ છીએ વાચન કરીએ છીએ, શ્રધ્ધા ધરાવીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, રીત-ભાત અને વ્યક્તિગત સદાચરણ કરીએ છીએ એ સૌમાં તાલીમનો મહત્વનો રોલ છે. કહેવામાં આવે છે કે ‘90% of the behaviour is immitated’ અર્થાત્ – માણસ જે કંઇ પણ આચરણ કરે છે, તેનો ૯૦ ટકા ભાગ અનુકરણ દ્વારા શીખે છે. તાલીમથી આચરણમાં પરિવર્તન આવે છે. તાલીમ અભ્યાસ અને અનુભવથી પ્રાપ્ત કરી શકાય છે અને માનવીના વ્યક્તિત્વમાં જે પરિવર્તન પ્રગટ થાય છે તે દૃઢ અને સ્થાયી હોય છે. તાલીમ મેળવવા માટે ન તો ઉંમરની બાધ છે કે ન સ્થળનું બંધન. જીંદગીની વિવિધ પરિસ્થિતિઓમાં તાલીમની પરંપરા ચાલુ રહે છે. આમ દરેક સ્થિતિમાં તાલીમ વ્યક્તિત્વના પરિવર્તનમાં ઘણુ અગત્યનું પાત્ર અદા કરે છે.

ગ્રંથની તાલીમ – નબીએ કરીમ (સ.અ.વ.)ના પદનું ફરઝ

તાલીમની આ જ અગત્યતાના કારણે અલ્લાહતઆલાએ માનવીઓની સાચી તાલીમ માટે શિક્ષકો મોકલ્યા. તેમાં નબીએ કરીમ (સ.અ.વ.) અંતિમ શિક્ષક છે. કુઆર્ન ફરમાવે છે, “અમે તમારા વચ્ચે સ્વયં તમારામાંથી એક પયગંબર મોકલ્યા છે. જે તમને અમારી આયતો સંભળાવે છે. તમારી જીંદગીઓને સુસજ્જ કરે છે, તમને કિતાબ અને ડહાપણની તાલીમ આપે છે અને તમને એ વાતો શિખવાડે છે જે તમે જાણતા ન હતા.” (૨ઃ૧૫૧)

મુહમ્મદ (સ.અ.વ.)એ આપનો પરિચય આ પ્રમાણે આપ્યો છે, “હું શિક્ષક બનાવીને મોકલવામાં આવ્યો છું.” માણસાઇને સુશોભિત કરવાના કાર્યમાં આયતોની તિલાવતને અલ્લાહતઆલાએ પ્રથમ માધ્યમનું સ્થાન આપ્યું છે. જેના દ્વારા માણસ સીધો અલ્લાહતઆલાથી કલામ સાંભળે, વાતો શીખે, આજ્ઞાઓ ગ્રહણ કરે અને પોતાના વ્યક્તિત્વને સુશોભિત કરે. અલ્લાહના કલામથી વધુ અસરકર્તા કલામ અને તાલીમનું માધ્યમ બીજુ હોઇ શકે છે? પરંતુ જીંદગીના કેટલાક કાર્યો એવા છે જેમાં માણસ સ્વયં કોઇ નિર્ણય સ્થાપિત કરી શકતો નથી. તેને માર્ગદર્શનની જરૂરત પડે છે. ફકત પુસ્તકથી જ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું શક્ય હોત તો આજે દુનિયાભરમાં યુનિવર્સિટીઓ અને શિક્ષણ કેન્દ્રો, શિક્ષકો, વ્યાખ્યાન કર્તાઓ અને અધ્યાપકોની જરૂરત ન હોત. એટલા માટે જ અલ્લાહતઆલાની આયતોની તિલાવતની સાથો સાથ આપ (સ.અ.વ.)એ કિતાબની તાલીમ પણ આપી. કિતાબનો એક મતલબ છે કુઆર્ન મજીદ. કિતાબનો એક અર્થ પદ્ધતિ અને નિયમ પણ છે. આથી આપ (સ.અ.વ.)એ સહાબાએ કિરામ રદી. દ્વારા આખા જગતના માનવીઓને અલ્લાહની કિતાબના ફરમાનો અને નિયમોની તાલીમ આપી. આપ (સ.અ.વ.)એ સહાબાએ કિરામ રદી. દ્વારા આખા જગતના માનવીઓને અલ્લાહની કિતાબના ફરમાનો અને નિયમોની તાલીમ આપી. આપ (સ.અ.વ.)થી વધારે ન કોઇએ કુઆર્નને સમજયુ છે ન જ કોઇના માટે એ શક્ય છે.

હિકમત તેરી કનીઝ, તફક્કુર તેરા ગુલામ
સમજા હે કિસને મ્આનીએ કુઆર્ન તેરે બગૈર

અલ્લાહની કિતાબની તાલીમ આપ (સ.અ.વ.)ના પદના ફરજો પૈકી હતી. “અમે આપની તરફ આ કિતાબ એટલા માટે નાઝિલ કરી છે કે આપ લોકો સમક્ષ અલ્લાહની નાઝિલ કરેલ આયતોની સમજૂતીનું વર્ણન કરો.”

મુહમ્મદ (સ.અ.વ.)એ વ્યક્તિનું પરિવર્તન કર્યું

આપ (સ.અ.વ.) એક નિષ્ણાંત શિક્ષક હતા. માનસિક્તાના જાણકાર હતા. માનવ-સ્વભાવ અને શોખનો ખ્યાલ રાખીને તાલીમ આપતા. જેથી લોકોની આત્મશુધ્ધી થાય. આપ (સ.અ.વ.) પ્રભાવશાળી શિક્ષક હતા. આપ (સ.અ.વ.)ની તાલીમમાં આત્મિયતા, દયા, સહનશીલતા, ગંભીરતા અને સુગમતા પ્રાપ્ત થાય છે. આપ (સ.અ.વ.) લોકોની સમજશક્તિનો ખ્યાલ રાખતા હતા અને એ પ્રમાણે વાત કરતા કે તઝકીયાની સફરમાં માણસ બં મંઝીલો આગળ વધી જતો હતો. આપ (સ.અ.વ.)ની તાલીમમાં ફકત તત્વજ્ઞાન જ ન હતું કે ન તેમાં વૈચારિક કે વ્યર્થ વાતો હતી. કિતાબની તાલીમ એ પ્રકારની હોય કે વ્યક્તિનો વિકાસ સ્વંય વ્યક્તિ અનુભવવા લાગે અને સમાજ પણ અનુભવે. આપ (સ.અ.વ.)ની તાલીમથી કેવી રીતે વ્યક્તિ અને સમાજનો તઝકીયા (આત્મશુધ્ધી) થયો. તેનો અંદાઝ આ તકરીરથી થઇ શકે છે, જે હઝરત જાફર રદી.એ ફરમાવી હતી, “હે બાદશાહ! અમે લોકો એક અજ્ઞાની કોમ હતા, મૂર્તિઓને પૂંજતા હતા, મુડદાલ ખાતા હતા, વ્યભિચાર કરતા હતા, પાડોશીઓને સતાવતા હતા, ભાઇ-ભાઇ ઉપર અત્યાચાર કરતો હતો, જોરાવર લોકો નબળા લોકોના હક હડપ કરી દેતા હતા. એવા સમયમાં અમારામાં એક વ્યક્તિ પેદા થયો, જેની શરાફત (સજ્જનતા) અને સચ્ચાઇ અને દયાનતથી અમે લોકો પ્રથમથી જ જાણકાર હતા, તેણે જ અમને ઇસ્લામનું આમંત્રણ આપ્યું અને એ શીખવાડ્યું કે અમે પત્થરોની પૂજા છોડી દઇએ, સાચુ બોલીએ, ખૂના-મરકીથી અટકી જઇએ. અનાથોનો માલ ન ખાઇ જઇએ. પાડોશીઓને આરામ પહોંચાડીએ, પવિત્ર સ્ત્રીઓ ઉપર બદનઝરીનો આરોપ ન લગાવીએ, નમાઝ પઢીએ, રોઝા રાખીએ, ઝકાત આપીએ, અમે તેના ઉપર ઇમાન લઇ આવ્યા. શિર્ક (ખુદાની સાથે અન્યને પૂજનીય માનવું) અને મૂર્તિ પૂજા છોડી દીધી અને તમામ દુષ્કર્મોથી અટકી ગયા. આ અપરાધના વિરોધમાં અમારી કોમ અમારા જાનની દુશ્મન બની ગઇ છે. અને અમને વિવશ કરે છે કે અમે પાછા પથભ્રષ્ટ થઇ જઇએ.” (સીરતુન્નબી જિલ્દ-૧ પાન. ૧૦૪).

કિતાબની તાલીમથી તઝકીયા કેવી રીતે થાય છે તેનું સુંદર દૃષ્ટાંત ઉપરોક્ત તકરીર છે જેમાં વ્યક્તિઓ અને સમાજમાં ફેલાયેલી બુરાઇઓનું વર્ણન છે. આપ (સ.અ.વ.)ની તાલીમથી આ બુરાઇઓ નષ્ટ થઇ ગઇ અને વ્યક્તિ અને સમાજ એ બુરાઇઓથી પવિત્ર બની ગયા. આપ (સ.અ.વ.)ની પ્રશિક્ષણની રીત એટલી નિરાલી હતી કે લોકો વારો નક્કી કરીને આપની બેઠકોમાં હાજર થતા. કોઇ હાજર ન રહી શકતો, તો બીજાથી જાણકારી પ્રાપ્ત કરી લેતો કે આપ (સ.અ.વ.)એ શું તાલીમ આપી. આપ (સ.અ.વ.) તાલીમના માટે સામાન્ય અને ખાસ લોકોની બેઠકો કરી, તથા સ્થાયી રીતે ‘સુફ્ફા’ નામી દર્સગાહ (પાઠશાળા) ચાલુ કરી. જુમ્આના ખુત્બાઓ દ્વારા કિતાબની તાલીમનો ફર્ઝ નિભાવ્યો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને જવાનો, ગામડીયા અને શહેરીજનો દરેકને આપ (સ.અ.વ.)એ તેની સમજશક્તિ પ્રમાણે તાલીમ આપી અને તેમની જીંદગીઓમાં પરિવર્તન આણી દીધું.
દુનિયાના કાર્યોની પણ તાલીમ આપી

આપ (સ.અ.વ.) વિશે કુઆર્નમાં ફરમાવ્યું છે કે તે તમને એ વાતો શીખવાડે છે જે તમે નહોતા જાણતા. આપ (સ.અ.વ.) એ ફકત તે સમસ્યાઓ અને ફરમાનોની તાલીમ નથી આપી જેને સામાન્યજન સમુદાયમાં દીની સમસ્યા કહેવામાં આવે છે. પરંતુ જીંદગીના અન્ય કાર્યોના વિશે પણ આપ (સ.અ.વ.)એ તાલીમ આપી છે. હઝરત અબુઝૈદ ઇમરાન અન્સારી રદી.થી વર્ણન છે કે રસુલુલ્લ્લાહ (સ.અ.વ.)એ અમને ફજરની નમાઝ પઢાવી અને મિમ્બર ઉપર ચઢ્યા. પછી તકરીર ફરમાવી. અહી સુધી કે ઝોહરનો સમય થઇ ગયો તો મિમ્બર પરથી ઉતરીને ઝોહરની નમાઝ પઢાવી. પછી મિમ્બર પર ચઢીને ફરીથી તકરીર ફરમાવી. અહીં સુધી કે અસરનો સમય થઇ ગયો તો મિમ્બર પરથી ઉતરીને અસરની નમાઝ પઢાવી, પછી ફરીથી મિમ્બર પર ચઢ્યા, અહીં સુધી કે સૂર્ય આથમી ગયો તો આપ (સ.અ.વ.)એ અમને ભૂતકાળમાં બનેલા બનાવો અને ભવિષ્યમાં બનનારા બનાવો વિશે બતાવ્યું. આથી અમારા પૈકી સૌથી વધુ જાણકાર તે છે જે હુઝુર (સ.અ.વ.)ની આ વાતોને વધુ યાદ રાખવાવાળો હોય. હઝરત અબુઝર રદી. ફરમાવે છે, રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અમને એવી સ્થિતિમાં લાવી દીધા કે કોઇ પક્ષી વાતાવરણમાં તેની પાંખો હલાવે છે તો તેનાથી પણ અમે જ્ઞાન પ્રાપ્ત કરી લેતા હતા.

રસુલુલ્લાહે (સ.અ.વ.) સહાબાએ કિરામ રદી.ને દરેક વસ્તુની તાલીમ આપતા હતા. આપ (સ.અ.વ.)એ તેમના દુનિયાના કામો અથવા આખેરતમાં કામે આવનારી વસ્તુઓમાં કોઇ નાની કે મોટી ચીજ એવી નથી છોડી જેની તાલીમ અમને ન આપી હોય. હઝરત સલમાન ફારસી રદી.ની રિવાયત છે, ફરમાવે છે કે તેમને પૂછવામાં આવ્યું કે તમને તમારા નબી (સ.અ.વ.) એ દરેક વસ્તુની તાલીમ આપી છે એટલે સુધીકે સંડાસ જવાની પણ? તેમણે જવાબ આપ્યો કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અમને આ વાતની મનાઇ ફરમાવી છે કે પેશાબ અથવા સંડાસ કરતી વખતે કિબ્લા (અલ્લાહના ઘર તરફની દિશા) તરફ મોઢુ રાખીને બેસીએ અને જમણા હાથથી શૌચક્રિયા કરવાથી મનાઇ ફરમાવી છે.

ગુનાહનો એહસાસ

ગુનાહના એહસાસથી અગણિત માનસિક સમસ્યાઓ પેદા થાય છે અને લોકો માનસિક રોગો સુધ્ધામાં સપડાઇ જાય છે. આપ (સ.અ.વ.)એ એનો સહેલો ઉપાય આ બતાવ્યો કે “દરેક માણસ ગુનાહનું પુતળુ છે. તેમાં સારો ગુનેગાર તે છે જે પોતાના ગુનાહોથી તોબા (માફી માગવી) કરી લે છે.” આપ (સ.અ.વ.)એ આ પણ ફરમાવ્યું, “ગુનાહથી તોબા (માફી માગવી) કરવા વાળો બિલ્કુલ એવો છે કે તેણે ક્યારેય ગુનો કર્યો જ ન હોય.”

લઘુતાગ્રંથીનો એહસાસ

લધુતાગ્રંથીનો એહસાસ કમતરી એક એવો રોગ છે જેમાં માણસ પોતાને બીજાઓ સાથે સરખામણી કરીને પોતાને હલકો સમજે છે અને આળસ, ચિડિયાપણુ, ઇર્ષ્યા અને વહેમમાં ગ્રસ્ત થઇ જાય છે. ક્યારેક મોટા બનવાનું ભૂત સવાર થઇ જાય છે, બનાવટી વાળ બનાવવા, મેકઅપ કરવો, મોટાઈ કરવી, એ બધા લઘુતાગ્રંથીનો એહસાસ લક્ષણો હોય છે. આપ (સ.અ.વ.)એ આની પણ સુધારણા ફરમાવી દીધી. આપે ફરમાવ્યું, “કોઇ અરબીને કોઇ અજમી (નોન અરબી) ઉપર અને કોઇ અજમીને કોઇ અરબી ઉપર અને કોઇ ગોરાને કોઇ કાળા ઉપર અને કોઇ કાળાને કોઇ ગોરા ઉપર કોઇ શ્રેષ્ઠતા નથી, માણસને શ્રેષ્ઠતા તેના સત્કાર્યોથી પ્રાપ્ત થાય છે. આ યાદ રાખો કે તમે સૌ આદમની સંતાન છો અને આદમને માટીમાંથી બનાવવામાં આવ્યો છે.”

ફજરની નમાઝ બાદ આપ (સ.અ.વ.) નમાઝીઓ તરફ મોઢુ ફેરવીને બેસતા. લોકોને એમના સ્વપ્નો પુછતા અને એ સ્વપ્નોનું ફળ બતાવતા. શાદી-વિવાહ, તલાક અને ખુલાઅની સમસ્યાઓનો નિકાલ કરતા. શહેરની વ્યવસ્થા અને બંદોબસ્તની તાલીમ આપતા. મતલબ કે એવા ઘણા બધા કાર્યોની પણ આપ (સ.અ.વ.) એ તાલીમ આપી છે કે જે સામાન્ય રીતે સામાન્ય જીવનના કાર્ય-વર્તુળમાં સમાવિષ્ઠ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments