વર્તમાનની શાળા કે શિક્ષણ પ્રણાલી આપણી રચનાત્મક ક્ષમતાઓની હત્યા કરી દે છે, પ્રતિભાઓ પર અંકુશ લગાવી દે છે, અને વિદ્યાર્થીઓમાં મૌજૂદ ઇનિશિએટિવ (પહેલ કરવાના) આત્માને સંપૂર્ણ રૃપથી નષ્ટ કરી દે છે.
એવું નથી કે હું સંપૂર્ણપણે શિક્ષાની જ વિરુદ્ધ છું, બલ્કે મને તો લાગે છે કે મફત શિક્ષણ જ માત્ર એવું શસ્ત્ર છે કે જેની મદદથી મનુષ્યોએ ઇતિહાસમાં સંપૂર્ણપણે સફળતાઓ પ્રાપ્ત કરી છે.
હું જો કોઈ વસ્તુની વિરુદ્ધ છું તો તે વર્તમાન શિક્ષણ-પ્રણાલી છે. હું આ વાતની વિરુદ્ધ છું કે શિક્ષણને માત્ર એ વસ્તુનું નામ સમજી લેવામાં આવે કે એક જ વિચારધારાને ખજાનાની જેમ એક જ સ્થાન ઉપર એકત્ર કરી એક જ રંગે રંગીને એક જ ઢબથી ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવે. હું આ વાતની પણ વિરુદ્ધ છું કે શિક્ષણને એક જ બંધ ઓરડામાં વિદ્યાર્થીઓના મન-મસ્તિષ્કમાં ઠાંસી દેવામં આવે.
આ વિચાર એક એવા વ્યક્તિગત અનુભવથી શરૃ થાય છેે જે મેં થોડાક પાતળા-દૂબળા પાઠયપુસ્તકો અને ઘણાં બધા સૌહાર્દપૂર્ણ સુખદ અન્ય પુસ્તકોના અધ્યયન વખતે અનુભવ્યું. (મેં સ્વયં પોતાની ઇચ્છાથી આ પુસ્તકોનું અધ્યયન શરૃ કર્યું.) આ પુસ્તકોના અધ્યયન દરમ્યાન આ વાત અંગે ભારે આશ્ચર્ય થયું કે વર્તમાન શૈક્ષણિક સંસ્થાનો વિશાળ માનસિકતા ધરાવતા નેતાઓ, વૈજ્ઞાાનિકો અને રચનત્મક વ્યક્તિત્વો કેવી રીતે પેદા કરી શકે છે.!
આથી એ જ સમયથી મને લાગવા માંડયું કે આપણી શિક્ષણ-વ્યવસ્થા આપણી પ્રતિભાઓની હત્યા કરી દે છે, આપણી રચનાત્મક ક્ષમતાઓ ઉપર આરંભથી જ બ્રેક લગાવી દે છે, અને આપણી બુદ્ધિઓને માત્ર એક એવા બીબામાં ઢાળી દેવામાં આવે છે કે જે શૈક્ષણિક સંસ્થાનોને અનુકૂળ હોય.
બીજી બાજુ આપણા વિદ્યાલયોમાં શિક્ષણ પ્રાપ્ત કરનારા લોકો સમજે છે કે તેઓ સમગ્ર વિશ્વની તમામ વાતો જાણે છે, જ્યારે કે વાસ્તવમાં તેમનું મહત્ત્વ માત્ર એક નકલ (copy)ની જેમ છે અને તેઓ થોડી ઘણી જાણકારી સિવાય કશું નથી જાણતા.
આપણા ગ્રેજ્યુએટ સમજે છે કે જે કાંઈ તેમણે ભણ્યું છે તેના સિવાય બધી વસ્તુઓ એવી જ છે કે જાણે સીધા માર્ગથી ભટકી જવું. જો ધ્યાન આપવામાં આવે તો હાલમાં જે લોકો પણ આપણી શિક્ષણ સંસ્થાઓમાં સ્નાતક સ્તરનું ભણતર કરી રહ્યા છે તેમાંની ઘણી મોટી સંખ્યા એવા લોકોની છે જેમનામાં પ્રતિભાઓની પણ કમી છે અને પોતાનું સમગ્ર જીવન આ જ પ્રતીક્ષામાં વ્યતીત કરી દે છે કે કોણ તેમને નોકરીના તક આપશે? પરંતુ આની સાથો સાથ કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જેઓ શાળા કે શિક્ષણ પ્રણાલીમાં રહેલ વ્યવસ્થાનો વિરોધ કરી દે છે અને એ “પોપટો”ના ઝુંડમાંથી અલગ થઈ જાય છે, જેઓ હંમેશાં એક જ ગીત ગણગણતા રહે છે, અને એવી વિશાળ આર્થિક સંસ્થાઓનો પાયો નાખે છે જેઓ લાખો-કરોડો લોકોને રોજગાર આપે છે.
જો તમે સંશોધકો, સ્વયં-શિક્ષિતો અને વૈજ્ઞાાનિકોની જીવની ઉપર દૃષ્ટિપાત કરશો તો તમારી સમક્ષ આ વાત સ્વયં જ સ્પષ્ટ થઈ જશે કે આવા લોકો બહુ જ ઓછા હોય છે કે જેઓ ઔપચારિક શિક્ષણથી આગળ વધીને કંઈક પ્રાપ્ત કરે છે. પરંતુ આગળ જતાં આવા જ લોકો રચનાત્મક ક્ષમતાઓના ગુરૃ કહેવાયા છે.
હું સમજું છું કે શાળા-શિક્ષણ પ્રણાલીનું કામ માત્ર આટલું જ છે કે તે બાળકોને આ શીખવાડી દે કે તેઓ કેવી રીતે આપમેળે ભણવા લાગે, તેઓ પોતે પોતાની ક્ષમતાઓ, વિચારો અને પ્રવૃત્તિઓને કેવી રીતે વિકસિત કરે અને પોતાની માહિતી કે જ્ઞાાન (Knowledge)ને વધારે. જો આ રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવે તો આશા છે કે બાળક વિદ્યાલયનો પ્રેમી થઈ જશે, તેમજ પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાનો અભ્યાસ ચાલુ રાખશે, અને તે વિદ્યાલયથી નીકળવાના તુરંત બાદ પોતાની શિક્ષણ-યાત્રા પૂરી નહીં કરે. જ્યારે શૈક્ષણિક સંસ્થાનો બાળકોને કંટાળાજનક તથા બળજબરીપૂર્વકની પદ્ધતિ-પ્રણાલી મુજબ જ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે તો તે પુસ્તકો તથા જ્ઞાાન-સાધનો, બલ્કે શાળાઓથી જ ઘૃણા કરવા લાગે છે અને આનાથી પણ આગળ વધીને તે પોતાના સ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવ્યા પછી પણ એક એવી અજ્ઞાાનતામાં પ્રવેશ કરી જાય છે જે તેના જીવનમાં અંતિમ સમય સુધી સામેલ હોય છે.
આથી હું સમજું છું કે આપણી શિક્ષણ-વ્યવસ્થા તદ્દન સ્વતંત્ર તથા વિશાળ હોય કે જેમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવે કે કયા વિદ્યાર્થીની શી ક્ષમતા છે અને કયા વિદ્યાર્થીની ઇચ્છા કઈ તરફ આકર્ષિત છે. શિક્ષણ-સંસ્થાનોની ભૂમિકા ફકત આ વાત સુધી જ સીમિત હોય કે તે શિક્ષણના સાધનો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી તેમને લખતાં, વાંચતા, ગણતા અને ભાષાઓમાં નિપૂણ બનાવી શકે, જેમની મદદથી તેના અનુભૂતિના આધુનિક સાધનો સહેલાઈથી ખુલી શકે. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓની આ પણ જવાબદારી છે કે તે વિદ્યાર્થીઓને ભણાવીને અનુભવ કરવાની ભરપૂર આઝાદી આપે. તેની ક્ષમતાઓ, પ્રવૃત્તિઓ અને ભૌતિક સ્વભાવો મુજબ તેની પ્રકૃતિનો ખરો ઉપયોગ કરી તેનું પોષણ કરે.
વર્તમાનમાં આપણી શિક્ષણ સંસ્થઆઓ માત્ર વૈચારિક ગૂંગળામણનું સ્થળ બનીને રહી ગઈ છે. તેમના તમામ પ્રયાસો માત્ર આ વાત ઉપર થાય છે કે તે કેવી રીતે પ્રતિભાઓની હત્યા કરી દે, સમજવા-વિચારવાના તમામ માર્ગો બંધ કરી દે અને આ વાતનું આશ્વાસન આપે કે તે થોપવામાં આવેલ અભ્યાસક્રમથી બહાર નીકળવા નહીં દે.
વિખ્યાત ફ્રાંસિસી ચિંતક ક્લાઉડ એડ્રિયન કહે છે કે “લોકો તો બુદ્ધિમાનોને જન્મ આપે છે, પરંતુ શિક્ષણ-સંસ્થઆઓ તેમને મૂર્ખ બનાવી દે છે.” પિકાસો કહે છે કે “બાળકો તો જન્મથી જ કલાકાર હોય છે, અને આપણે તેમને પ્રતિભાઓમાં બદલી નાખીએ છીએ.” અને આરબના વિખ્યાત જાણકાર શૈખ અલી-તંતાવી કહે છે કે “આપણે બાળકોને બરબાદ કરી નાખીએ છીએ કે જ્યારે આપણે તેમનાથી એવા પુસ્તકો યાદ કરવાની માગણી કરીએ છીએ, જેમને તેમના લેખકોએ પોતે યાદ કર્યા નથી.”
સૌ પ્રથમ આપણા મસ્તિષ્કમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે આપણા વિદ્યાલય રચનાત્મક ક્ષમતાઓને મારી નાખવામાં આવે છે, જ્યારે કે વર્તમાન સમયમાં આ જ તો અજ્ઞાાનતાને ખતમ કરવા અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. આપણા બાળકોને આ જ લખતાં, વાંચતા અને પાયાના કૌશલ્ય પ્રતિ જાણકારી આપે છે, પરંતુ કેટલાક એવા કારણો પણ છે જે આપણા વિદ્યાર્થીઓમાં નકારાત્મક ભૂમિકાને વધારે છે. ઉદાહરણ રૃપે કેટલીક વાતો આ છે ઃ
(૧) “માત્રા”ના સંદર્ભમાં ઃ તમો જરા અનુમાન કરો કે વિદ્યાર્થી કેટલા પુસ્તકો પોતાના વિદ્યાલયોમાં ભણે છે અને કેટલા પુસ્તકો તેના વિદ્યાલયોની બહાર પ્રકાશિત થાય છે? તમે જરા ધ્યાન આપો કે કેવી રીતે તેને કેટલાક પાઠયપુસ્તકો દ્વારા નિર્ધારિત વિચારોને ભણવા માટે મજબૂર કરવામાં આવે છે, જ્યારે કે તેની પાસે એટલો વધારે સમય હોય છે કે તે અન્ય જાણકારીઓ કે જ્ઞાાન પણ મેળવી શકે છે. મારી સમજ મુજબ વિદ્યાલયની અંદર સ્વતંત્ર વર્ગો આરંભીને અને બાળકોના ૮૦ ટકા શાળાના દિવસોને જાણકારી-જ્ઞાાન, ભણતર અને વૈશ્વિક આભાસી પુસ્તકાલયોમાં સંશોધન માટે નિર્ધારિત કરવા જોઈએ.
(૨) બાળકો પ્રાકૃતિક રીતે જ ક્રિએટીવ હોય છે. તેઓ ભૂલો કરવા અને પ્રશ્નો પૂછવામાં ડરતા નથી. પરંતુ શિક્ષણ-સંસ્થાઓ ધીમે ધીમે તેમની આ ક્ષમતાઓને મિટાવી દે છે અન તેમને સમજાવી દેવામાં આવે છે કે ભૂલ કરવાનો અર્થ નાપાસ (કે નિષ્ફળ) થવું અને મુશ્કેલ પ્રશ્નો પૂછવાનો મતલબ અભ્યાસક્રમના વિદ્રોહી બનવાનો છે. આનો ઉકેલ પણ આ જ છે કે બાળકોને ભરપૂર પ્રશ્નો કરવા, પોતાની ક્ષમતાઓ અને જાણકારીઓ (માહિતી, જ્ઞાાન)ને વધારવાની આઝાદી આપવામાં આવે.
(૩) આધુનિક મનોવિજ્ઞાાન સૂચિત કરે છે કે બુદ્ધિમત્તાના છ કારણો હોય છે, જ્યારે કે શિક્ષણ-સંસ્થાઓ તમામ વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં બંધ કરી એક જ પ્રકારની બુદ્ધિ પર વિશ્વાસ કરી તેમની પરીક્ષા લે છે. (આથી જ જણાય છે કે એડિસન, ન્યૂટન અને આઈન્સટાઈન જેવા પ્રતિભાશાળી શિક્ષણની વિરુદ્ધ હતા). આ વાતનું સમાધાન પણ આ વાતમાં છે કે તમામ બાળકોને એવા નાના નાના સમૂહોમાં વ્હેંચી દેવામાં આવે કે જેમની ક્ષમતાઓ અને બુદ્ધિ એક જેવી હોય, અને દરેક સમૂહને આ વાતની અનુમતિ પ્રાપ્ત હોય કે તે પોતાના વિશેષ ક્ષેત્રમાં આગળ વધે અને પછી અંતે એ મુજબ જ તેમની પરીક્ષા લેવામાં આવે.
અને હા! ફરી એક વાર, વાસ્તવમાં ક્રિએટીવ તો એ જ છે જે ઔપચારિક શિક્ષણ (Traditional Education)ના પ્રભુત્વથી મુક્તિ મેળવી લે.
(લેખક જામિયા મિલ્લિયા ઇસ્લામિયા, નવી દિલ્હીમાં અરબી વિભાગમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. તેમનાથીarmsarwar@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.)