Friday, March 29, 2024
Homeલાઇટ હાઉસઇમામુલ હિંદ : મૌલાના અબુલકલામ આઝાદ રહ.

ઇમામુલ હિંદ : મૌલાના અબુલકલામ આઝાદ રહ.

ગુલશન પરસ્ત હું, મુઝે ગુલ હી નહીં અઝીઝ

કાંટો સે ભી નિબાહ કિયે જા રહા હું મૈં

“એક મુસલમાનથી એવી આશા રાખવી કે તે સત્યને જાહેર ન કરે અને અત્યાચારને અત્યાચાર ન કહે, એ બિલ્કુલ એ જ પ્રમાણે છે કે તે ઇસ્લામી જિંદગીથી અલગ થઈ ગયો. જો તમે કોઈ વ્યક્તિને આ કહેવાનો અધિકાર ધરાવતા નથી કે તે પોતાનો ધર્મ છોડી દે તો નિશ્ચિત રૃપે એક મુસલમાનથી આ પણ માંગ કરી શકતા નથી કે તે અત્યાચારને અત્યાચાર ન કહે. કારણ કે બંને બાબતોનો અર્થ એક જ છે. આતો ઇસ્લામી જિંદગીનો એક ભાગ છે, જેને અલગ કરી દીધા પછી તેની સર્વશ્રેષ્ઠ વિશેષતા સમાપ્ત થઈ જાય છે. ઇસ્લામે મુસ્લિમ ઉમ્મતનો પાયો જ એ વાત ઉપર રાખ્યો છે કે તે દુનિયામાં સત્ય અને વાસ્તવિકતાના સાક્ષી બને. એક સાક્ષીનું આ ફર્ઝ બને છે કે તે જે કંઇ જાણે છે તેને જાહેર કરે, ઠીક એવી જ રીતે એક મુસલમાનનું પણ આ ફર્ઝ છે કે જે સત્ય અને વાસ્તવિકતાનું જ્ઞાાન તેને આપવામાં આવ્યું છે તેને હંમેશા જાહેર કરતો રહે. અને આ ફર્ઝને અદા કરવાના માર્ગમાં આવનાર કસોટીઓ અને મુશ્કેલીઓથી ડરે નહીં. ખાસ કરીને જ્યારે એવું બને કે જુલ્મ અને અત્યાચારનું સામ્રાજ્ય અસ્તિત્વમાં આવી જાય અને અન્યાય તથા શક્તિ દ્વારા સત્યના અવાજને રોકવામાં આવે ત્યારે આ ફર્ઝની અદાયગીની તિવ્રતા વધારે પ્રમાણમાં આવશ્યક અને અનિવાર્ય બની જાય છે. કારણ કે તાકાતના ડરથી લોકોનું ચૂપ રહેવું સ્વીકાર્ય કરવામાં આવે અને બે વત્તા બે ને ચાર એટલા માટે કહેવામાં ન આવે કે એવું કહેવાથી માનવ શરીર આપત્તિમાં સપડાઈ જશે, તો સત્ય અને વાસ્તવિકતા હંમેશા ભયમાં આવી જાય છે અને સત્યને પ્રગટ થવાની અને તેના અસ્તિત્વનો માર્ગ બાકી નહીં રહે. સત્ય અને વાસ્તવિકતાનો નિયમ ન તો શક્તિના સમર્થનનો મોહતાજ છે કે ન તે એટલા ખાતર બદલી શકાય છે કે આપણ શરીર ઉપર શું વિતી રહ્યું છે, તે તો વાસ્તવિકતા છે, ત્યારે પણ વાસ્તવિકતા છેે જ્યારે તેને જાહેર કરવાથી આપણને ફૂલોની સેજ પ્રાપ્ત થાય અને ત્યારે પણ વાસ્તવિકતા છે જ્યારે તેની જાહેરાતથી આપણા શરીરને ભડકે બળતી આગમાં હોમી દેવામાં આવે. આપણને ફકત કેદ કરવામાં આવે તેનાથી આગમાં ઠંડક અને બરફમાં ગરમી પેદા થઈ શકતી નથી.”  (મૌલાના અબુલકલામ આઝાદ)

જન્મ અને બાળપણ:

મુહિયુદ્દીન અહમદ (અબુલકલામ આઝાદ) ૧૧ નવેમ્બર ૧૮૮૮ના દિવસે પવિત્ર મક્કા શહેરમાં પેદા થયા હતા. તેમનું ખાનદાન શૈક્ષણિક યોગ્યતાના લીધે ઘણું પ્રખ્યાત હતુ. તેમના દાદા-પરદાદાઓ મોગલ બાદશાહોના દરબારમાં ઘણા હોદ્દાઓ ઉપર નિયુક્ત થયેલા હતા. અબુલકલામે માતા-પિતાની દેખરેખ હેઠળ જ શિક્ષણ પ્રાપ્તિની શરૃઆત કરી અને ઉર્દુ, અરબી અને ફારસી ભાષાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. બીજા શિક્ષકોથી ઇતિહાસ, ફિલોસોફી, ગણિત, તર્કશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વિજ્ઞાાનશાસ્ત્ર અને ઇસ્લામીયાત જેવા વિષયોમાં જ્ઞાાન પ્રાપ્ત કર્યું. બાળપણથી જ અબુલકલામને શિસ્તની તાલીમ આપવામાં આવી હતી. સવારમાં વહેલા ઉઠવું, રાત્રે વહેલા સુઈ જવું, સમયે જમી લેવું વગેરે. થોડા મોટા થયા તો ઇબાદત પ્રત્યે એટલા બધા પ્રમાણમાં રુચિ પેદા થઈ કે પિતાજી સાથે તે પણ બે વાગે તહજ્જુદ માટે ઉઠવા લાગ્યા. પછી પુરી જિંદગી પર્યંત આ નિયમ બની ગયો. વિવિધ પ્રકારની જે રમતો તે સમયના બાળકોમાં પ્રચલિત હતી તેના પ્રત્યે અબુલકલામ અપરિચિત હતા. ખુદ તેમની બહેનનું વર્ણન છે કે બાળપણમાં મૌલાનાને જોઈને એવી અનુભૂતિ થતી હતી કે જાણે કોઈ અશક્ત ખભા અને નાનકડા શરીર ઉપર કોઈ મોટા ફિલોસોફર (તત્વચિંતક) અને અલ્લામાનું મગજ જોડી દેવામાં આવ્યું હોય.!

પત્રકારિત્વના ક્ષેત્રમાં:

મૌલાના આઝાદને વાંચવાનો શોખ ગાંડપણની હદ સુધી હતો. પોતાના બધા જ પોકેટ ખર્ચથી તે પુસ્તકો ખરીદી લેતા હતા અને દીપકના પ્રકાશમાં જ મોડી રાત સુધી વાંચવામાં તલ્લીન રહેતા હતા. આ બહોળા વાંચનના કારણે તેમના વિચારોમાં અદ્ભૂતતાની સાથે સાથે ઊંડાણ ઉત્પન્ન થયુ. બાર વર્ષની આયુમાં શાયરીઓ કહેવા લાગ્યા હતા. આટલી નાની વયે શાયરીઓની એક પત્રિકા ‘નીરંગ આલમ’ આઠ મહિના પ્રકાશિત કરી. બીજા જ વર્ષે ‘અલસબાહ’ ચાલુ કરીને ચાર મહિના સુધી પ્રકાશિત કરતા રહ્યા. આ દરમ્યાન તેમણે ‘ખદન્ગે નઝર’નું સંપાદન પણ કર્યું. તેમના વિદ્વતાપૂર્ણ લેખો અને નિબંધો ‘મખઝન’, ‘અહસનુલ અખબાર’, ‘મારકાએ આલમ’ જેવા ગર્વપાત્ર મેગેઝીનો અને સમાચારપત્રોમાં નિયમિત રૃપે છપાતા રહ્યા. સપ્ટેમ્બર ૧૯૦૩માં ‘લિસાને સિદ્ક’ ચાલુ કર્યું. જે મે-૧૯૦૫ સુધી પ્રકાશિત થતુ રહ્યું. તેના લેખો એટલા બધા લોકપ્રિય થયા કે આગળના વર્ષે એપ્રિલ-૧૯૦૪માં જ્યારે આપ અંજુમને હિમાયતે ઇસ્લામના જલ્સામાં સામેલ થયા તો લોકો દાંતોમાં આંગળી નાંખવા લાગ્યા કે શું આ ફુટડો નવયુવાન અબુલકલામ આઝાદ છે.!

૧૯૦૫માં અલ્લામા શિબ્લીની ઇચ્છા પર ‘અન નદવા’ સાથે સંબંધિત થયા. ‘વકીલ’ અને ‘દારૃલ સલ્તનત’માં પણ કામ કર્યું. પરંતુ ૧૯૧૨માં તેમણે શરૃ કરેલું ‘અલ હિલાલ’ હિંદુસ્તાનમાં પત્રકારત્વના ક્ષેત્રમાં માઈલસ્ટોનનું સ્થાન ધરાવે છે. આ પ્રથમ મેગેઝીન હતું જેમાં ફોટાઓનું પ્રકાશન થયું અને જે ટાઈપ હતું. થોડા જ સમયમાં તેની પ્રકાશનની સંખ્યા ૧૧ હજારથી વધુ થઈ ગઈ. અલ-હિલાલના માધ્યમથી અબુલકલામ આઝાદે મુસલમાનોની નૈતિક બદહાલી પર સખત ટીપ્પણી કરી. દેશના રાજકારણમાં મુસલમાનોની ઉપેક્ષા વૃત્તિ માટે કોમને આડેહાથ લીધી અને આઝાદીની લડાઈમાં મુસલમાનોને જેહાદ કરવાની અપીલ કરી. તેમની આગ ઝરતી સાચી સાચી વાતો, લોકપ્રિયતા અને પરિણામથી ભયભીત અંગ્રેજ હકુમતના ગળામાં ઉતરી શકી નહીં. તેથી હકૂમતે અલ-હિલાલ ઉપર જાત જાતની પાબંદીઓ લગાડી. પરંતુ મૌલાનાએ તેમની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં મેગેઝીનને ચાલુ રાખ્યું. આથી હકૂમતે લાચાર થઈને મેગેઝીનના અગ્નિ ઝરતા લેખો, તેની લોકપ્રિયતા અને તેનાથી થતી અસરોથી ભયગ્રસ્ત થઈને નવેમ્બર ૧૯૧૪માં મેગેઝીન ઉપર કાયદેસર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ અબુલકલામનો જોશ ઠંડો પાડવા પામ્યોે નહીં. એક વર્ષની અંદર  જ તેમણે એક બીજા પ્રેસની સ્થાપના કરીને ‘અલ હિલાલ’ના પ્રકારનું ‘અલ બલાગ’ નામથી બીજુ મેગેઝીન ચાલુ કર્યું.

યે કેન્ચિયાં હમેં ઉડને સે ખાક રોકેંગી

કિ હમ પરોં સે નહીં હોંસલો સે ઉડતે હૈં

જો કે ‘અલ બલાગ’નું આયુષ્ય ફકત પાંચ માસ જ રહ્યું અને પછી મૌલાના રાજકારણમાં પ્રવૃત થઈ ગયા. પરંતુ પત્રકારિત્વથી તેમનો નાતો સંપૂર્ણપણે તૂટયો નહીં. ‘અકદામ’, ‘પયગામ’, ‘અલ- જામિયા (અરબી)’ અને ‘અલ હિલાલ’ના બીજા દૌર સાથે તે ફરી-ફરીને સામાન્ય જનતામાં જાહેર થતા રહ્યા અને પોતાની ઝલક દેખાડતા રહ્યા.

રાજકારણ:

મૌલાના આઝાદ લખે છે કે “અમારા અકીદામાં દરેક તે વિચાર જે કુઆર્ન સિવાય બીજા કોઈ શ્રોતથી પ્રાપ્ત કરવામાં આવ્યો હોય તે સ્પષ્ટપણે કુર્ફ છે. અને રાજકારણ પણ તેમાં સામેલ છે.” આથી પવિત્ર રાજકીય વિચારસરણી સાથે મૌલાના આઝાદ રાજકારણના ગંદા કળણમાં કુદી પડયા અને રાજકારણની ગંદકીઓથી શક્ય તેટલી હદે પોતાના દામનને સ્વચ્છ જ રાખ્યો. સૌથી પ્રથમ તે સર સૈયદી માર્ગ પ્રમાણે રાજકીય સન્યાસની માન્યતા ધરાવતા હતા. પછી ૧૯૦૮ના ‘ઇન્કિલાબ’ના દોરમાં તે પણ સશસ્ત્ર બળવાના સમર્થક બની ગયા. પાછળથી તે ‘અહ્યાએ ઇસ્લામ’ની તરફ આકર્ષિત થયા. તેમણે ‘હિઝ્બુલ્લાહ’ના નામથી એક દીની પાર્ટીની પણ રચના કરી હતી. અંતે ઇસ્લામી ઓળખની સુરક્ષાની સાથે સાથે કોમની એકતાના નિયમો સાથે દેશની આઝાદી તેમનો મુખ્ય ધ્યેય બન્યો. તેમની ખતરનાક પત્રકારિત્વની પ્રવૃત્તિના પરિણામે અંગ્રેજ હકૂમતે માર્ચ ૧૯૧૬માં તેમને રાંચીમાં કેદ કરી દીધા. જેમાંથી મૌલાના ડિસેમ્બરમાં જ બહાર આવી ગયા. ૧૮ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ એમ.કે. ગાંધી સાથે તેમની મુલાકાત થઈ. એક જ મુલાકાતમાં તે બંને મહાન હસ્તીઓમાં ભાઈચારાનો એવો સંબંધ જોડાઈ ગયો કે તે આજીવન કાયમ રહ્યો. ગાંધી, આઝાદ અને હકીમ અજમલ ખાને રોલેટ એક્ટના કાળા કાયદા અને બ્રિટિશ હકૂમતના વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અસહકાર અને બહિષ્કારનો પ્રોગ્રામ બનાવ્યો. અને સમગ્ર દેશમાં આંદોલન શરૃ કરી દીધું. ગાંધી અને મૌલાના આઝાદે દેશભરમાં પ્રવાસો ખેડીને લોકોને આઝાદી માટે બલિદાન આપવા માટે જાગૃત કર્યા. ખિલાફતે તેહરીક પણ સાથે સાથે ચાલુ હતી. જેમાં મૌલાના આઝાદનો ફાળો કોઈ થઈ પણ ઓછો ન હતો. જુદા જુદા પ્રદેશોની અને અખિલ હિંદ ખિલાફતની કોન્ફરન્સ મૌલાના આઝાદના પ્રમુખ સ્થાનમાં આયોજીત થઈ. મૌલાના આઝાદ અને બીજા આગેવાનોના અભિપ્રાયથી ખિલાફત તેહરીક અને અસહકારની લડત દ્વારા હિંદુ અને મુસ્લિમ એકતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવામાં આવ્યા.

ફેબ્રુઆરી ૧૯૨૦ સુધી મૌલાના આઝાદનો આ આશય હતો કે તમામ મુસલમાનોને એક માળામાં પરોવી દેવામાં આવે અને તેમને સમજાવવામાં આવે કે ઈમામ વગરની તેમની જિંદગી અણ ઇસ્લામી અને તેમનું મૃત્યુ અજ્ઞાાનતાનું મોત હશે. જ્યારે તમામ મુસલમાનો એક ઈમામનો સ્વીકાર કરીને અમારતે શરિયાહ કાયમ કરી દે તો તે ઈમામ હિંદુઓ સાથે કરાર કરીને અંગ્રેજો વિરુદ્ધ જેહાદનું એલાન કરે અને આ રીતે હિંદુસ્તાનીઓની સંગઠિત શક્તિથી અંગ્રેજોનો પરાજય થશે. પરંતુ મોટા મોટા આલીમો પણ ઈમામ માટે મૌલાના આઝાદના નામને જ આગળ ધરવા લાગ્યા. પરંતુ મૌલાના વિચક્ષણ દીર્ઘદૃષ્ટિએ આ માપી લીધું કે ક્યાંક આ ઈમામતની ચળવળ જે હિંદુસ્તાનના મુસલમાનોને સંગઠીત કરવા માટે ઉઠી છે તે તેમને વધારે ટુકડાઓમાં વિભાજીત ન કરી દે. આથી તેમણે નમ્રતાપૂર્વક લાચારી દર્શાવી અને મિલ્લી એકતાનું આ સ્વપ્ન ફળીભૂત થઈ શક્યુ નહીં.

૧૯૨૧નું વર્ષ બહુ જ સંઘર્ષમય રહ્યું. ડિસેમ્બરમાં મૌલાના આઝાદને ગિરફતાર કરવામાં આવ્યા. કેસ ચાલ્યો, મૌલાનાનું નિર્ભયતાપૂર્વકનું નિવેદન “કૌલે ફેસલ”ના નામથી ખૂબ જ પ્રસિદ્ધ થયું. અંગ્રેજ અદાલતની આંખોમાં આંખો નાંખીને મૌલાનાએ કહ્યું, “મારે કહેવું પડશે કે ગત્ વર્ષોમાં ૧૪૪૦ (A)ના ઉલ્લંઘન સિવાય કોઈ કાર્ય કર્યું નથી.” આખા વર્ષની કેદ પછી ૬ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ આપ મુક્ત થયા. આઝાદીની ચળવળ માટેનો આ મોટો અફરા-તફરીનો સમય હતો. અસહકારની ચળવળના પરિણામે ગાંધીનું આઝાદીનું સ્વપ્ન અધુરૃ જ રહી ગયું. બેચેની અને વ્યાકૂળતાએ વર્ગ વિગ્રહના તોફાનોનું રૃપ ધારણ કરી દીધું. કોંગ્રેસ ખુદ બે ટુકડાઓમાં વિભાજીત થઈ ગઈ. આવી નિરાશાજનક પરિસ્થિતિમાં મૌલાના આઝાદે પોતાના મનોબળને મક્કમ રાખ્યુ. કોંગ્રેસમાં મતભેદ પ્રવતતો હોવા છતાં પણ તેને એક ઝંડા નીચે સંગઠીત રાખવામાં સફળતા પ્રાપ્ત કરી. આ સેવાના બદલામાં તેમને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. આના અગાઉ કે આના પછી કોઈ પણ આટલી નાની વયમાં કોંગ્રેસનો પ્રમુખ નથી બની શકયો. આવી નિરાશાજનક પરિસ્થિતિમાંથી મૌલાના આઝાદે કોંગ્રેસને આઝાદીની ચળળળની આગેવાનીના સ્થાન સુધી પહોંચાડી દીધી. જમીની સ્તરના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. સામાન્ય પ્રજાજનોથી સંબંધ સ્થાપિત કર્યો. ૧૯૨૭માં સાયમન કમીશનના બહિષ્કારની ચળવળો આમ જનતામાં પ્રચાર-પ્રસાર કરવા માટે દક્ષિણ ભારતનો પ્રવાસ ખેડયો. ૧૯૩૯માં તે ફરીથી એકવાર કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા અને બીજા વિશ્વયુદ્ધની ભયંકર પરિસ્થિતિમાં સ્વતંત્રતા ચળવળની આગેવાની કરી. સુભાષચંદ્ર બોઝની ક્રાન્તિકારી આઝાદ હિંદ ફોજની ચળવળ, જવાહરલાલ નહેરૃનો સમાજવાદ, ગાંધીનો સત્યાગ્રહ વગેરેની વચ્ચે એક મૌલાનાનું જ વ્યક્તિત્વ હતું જે મધ્યમમાર્ગ ઉપર કાયમ અને તેના જ પ્રચારક હતા. મુસ્લિમ લીગના મામલામાં પણ મૌલાના આઝાદનું વલણ પણ અફરા-તફરીથી બિલ્કુલ સાફ હતું. નહેરૃની માફક તે આ સમસ્યાને પોતાના અહમનો પ્રશ્ન બનાવીને જીન્નાહ અને મુસ્લિમલીગને નીચુ દેખાડવાની પોલીસીના વિરુદ્ધ હતા. તે હિંદુસ્તાનમાં એક પ્રમાણિક સરકારની સ્થાપનાના ઇચ્છુક હતા જેમાં સંરક્ષણ, વિદેશખાતુ અને સંદેશવ્યવહાર સિવાય તમામ અધિકારો રાજ્યોના પાસે હોય. મૌલાના આઝાદનો આ મત સ્વીકારવામાં આવ્યો હોત તો દેશને વિભાજનની દર્દનાક દુર્ઘટનાથી બચાવી શકાયો હોત. કેબીનેટ મિશન પ્લાન પર કોંગ્રેસને લીગ વચ્ચે સમજૂતિ પણ સધાઈ ગઈ હતી. પરંતુ બિલ્કુલ અંતિમ સમયે પરિસ્થિતિથી સંતોષ માનીને મૌલાના આઝાદે કોંગ્રેસના પ્રમુખ પદ માટે ઉભા રહેવાની ના પાડી દીધી અને નહેરૃનું નામ આગળ કર્યું, જે ચૂંટાઈ ગયા. આ તેમની એક સૌથી મોટી રાજકીય ભૂલ સાબિત થઈ. નહેરૃના એક બિન જવાબદાર ભર્યા અખબારી નિવેદને કોંગ્રેસ અને લીગની એકતાને ભસ્મ કરી દીધી. મૌલાના આઝાદ એક તરફ નહેરૃ, પટેલ, ગાંધી અને માઉન્ટબેટનના વિરોધમાં અખંડ હિંદુસ્તાન માટે એક હારી ગયેલી જંગ લડતા રહ્યા તો બીજી તરફ તેમણે પાકિસ્તાનના નિર્રથક વિચારના વિરોધમાં મુસલમાનોને ધમકાવ્યા. પરંતુ જમાના એ જમાનાથી આગળનું વિચારનારની એક પણ ન સાંભળી અને વિભાજનની દુર્ઘટના બનીને રહી.!

આપની શૈક્ષણિક અને પત્રકારિત્ર્વની વિશેષતાઓના કારણે આપને આઝાદ હિંદુસ્તાનના પ્રથમ શિક્ષણપ્રધાન બનાવવામાં આવ્યા. બીજા શિક્ષણના નિષ્ણાંતો સાથે મળીને તેમણે બાળકો માટે પ્રાથમિક શિક્ષણનો એક રાષ્ટ્રીય પ્રોગ્રામ બનાવ્યો. તદ્ઉપરાંત અભણોને પ્રોઢશિક્ષણ દ્વારા ભણવા માટે રુચિ પેદા કરી તે માતૃભાષામાં શિક્ષણ આપવાના આગ્રહી હતા. તેમના અભિપ્રાયથી પંચવર્ષીય યોજનામાં શિક્ષણને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. આપના અવસાન સુધી પુરા ૧૧ વર્ષ શિક્ષણ પ્રધાનનું પદ સંભાળ્યું.

લેખન કાર્ય:

મૌલાના આઝાદની જિંદગી એક રાજનીતિજ્ઞાની હતી. વળી તેમની જિંદગીન નવ વર્ષ આઠ માસ જેલમાં વિત્યા. તેમ છતાં મૌલાનાએ પ્રસંશાપાત્ર ગ્રંથરચનાઓનો ખજાનો છોડી ગયા છે. જેમાં તર્જુમાનુલ કુઆર્ન (ચાર ખંડ), ગુબારે ખાતિર, તઝ્કિયા અલહુર્રિયત ફિલ ઇસ્લામ, જેહાદ ઔર ઇસ્લામ, ઇસ્લામ અને નેશનાલિઝમ, કુઆર્ન કા કાનૂને ઉરૃજ વ ઝવાલ, ઇન્ડિયા વીન્સ ફ્રીડમ વિગેરે સામેલ છે. તદ્ઉપરાંદ તેમના લેખો અને પ્રવચનોના સેંકડો સંગ્રહો છપાઈને પ્રગટ થઈ ચૂક્યા છે.

૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮ના દિવસે આ જ્ઞાાન અને વિદ્યાના સમુદ્ર, દિર્ઘદૃષ્ટા, રાજનીતિજ્ઞા, પત્રકાર, આયોજનકાર, કાયદાશાસ્ત્રી અને સાચા અર્થમાં ઈમામુલ હિંદે મોતના ફરિશ્તાને ‘લબ્બૈક’ કહ્યું. અલ્લાહતઆલા તેમના ઉપર પોતાની રહમતોની વર્ષા કરે. આમીન.!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments