પાછલા થોડા દિવસોમાં સચીન તેંડુલકરની ૨૦૦મી અને આખરી ટેસ્ટ મેચ મીડિયામાં અત્યંત ચર્ચાસ્પદ રહી. જે સચીનમય વાતાવરણ સર્જાયું હતું તેની તક સરકારે પણ ઝડપી લીધી અને સચીનને ભારત રત્નનું સર્વોચ્ચ બિરૃદ અર્પણ કરવાની ઘોષણા પણ કરી નાખી. આ ઘોષણાની સાથે જ વિવાદનો નવો મધપૂડો છંછેડાઇ ગયો કે શું સચીન ખરેખર એટલો મહાન છે કે એક એવું બિરૃદ જે ભારતના શ્રેષ્ઠ નાગરિકોને તેમના જીવનભરની વિશેષ ઉપલબ્ધીઓને અનુલક્ષીને અપાતુ હતું તે સચીનને માત્ર ચાલીસ વર્ષની ઉંમરે આપી દેવામાં આવે ? જો સચીન આ બિરૃદ માટે યોગ્ય છે તો મહાન હોકી ખેલાડી ધ્યાનચંદ કેમ નહી ? ભારત રત્નનું રાજકીયકરણ કરી રહેલી સરકાર તો આવા પ્રશ્નોનો જવાબ આપે અથવા ન આપે પણ તટસ્થતાથી આ પ્રકરણનું વિશ્લેષણ કરવું અનિવાર્ય છે.
સૌપ્રથમ તો સરકારની દલીલ સમજવા જેવી છે કે સચીનને ભારત રત્ન માટે કેમ કાબિલ ગણવામાં આવ્યો. એન.ડી.ટી.વી.ની એક ચર્ચાગોષ્ઠીમાં સરકાર વતી બોલતા શશી થરૃરે જણાવ્યું કે સચીન લોકોના મનોમષ્તિષ્ક પર છવાયેલો છે. એક રમતવીર માટે ચાલીસની ઉંમર એટલે કારકિર્દીની સમાપ્તિ હોય છે અને તેથી જ સચીનને અત્યારે બિરૃદ આપવામાં કશું પણ અયોગ્ય નથી. સચીનની તરફેણમાં જે બીજી દલીલો છે તેમાં મુખ્યત્વે તેમની ક્રિકેટ ક્ષેત્રે બેનમૂન ઉપલબ્ધિઓ અને તેમનું ઉમદા વ્યક્તિત્વ છે. ૧૬ વર્ષની કુમળી વયે ક્રિકેટમાં પર્દાપણ કરનાર સચીન ૨૪ વર્ષો સુધી લગાતાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રીય રહ્યા અને નીતનવા વિક્રમો સ્થાપતા ગયા.
નેવુના દાયકાની ભય ઉપજાવે તેવા વિવિધ બોલિંગ એટેક્સ સામે નીડરતા સાથેના પડકારો, શારજાહમાં એકલા હાથે ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમ સામે ઝઝુમતો, પોતાની લેગ સ્પીન વડે ચીપકુ ભાગીદારીઓને તોડતો, ધોની સેના જે વિશ્વ કપ જીતી તેમાં શાંત ભાગીદારી નોંધાવતો એવા સચીનના કેટલાય સ્વરૃપો જોવાયા. નિઃસંદેહ સચીન જેટલી સફળતા બીજા કોઇ ક્રિકેટરના ભાગે નથી આવી અને તેમને મળેલી પ્રસિદ્ધિઓનો પૂરા હકદાર પણ તેમને ગણી શકાય. પરંતુ જે હરખઘેલી પ્રજા સચીનના પ્રેમમાં તેને ગોડનું ઉપનામ આપી બેસે છે તે ભૂલી જાય છે કે સચીન પણ માનવ માત્ર છે અને તેની કારકિર્દીમાં ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા છે. સચીનને શરૃઆતથી જોનારાઓને માલૂમ હશે કે શરૃઆતના વર્ષોમાં જે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું તેના ભાગે ઘણી બધી હારો અને નિરાશાઓ પણ લાગી હતી. સચીનને ગોડ કહેનારા એવી દલીલ ન કરી શકે કે એકલે સચીન શું કરે કારણ કે ભગવાનને કોઇના સહારાની જરૃર નથી પડતી. આ ઉપરાંત સચીન એવો મેચ વીનર પણ ન હતો કે તદ્દન વિપરીત સંજોગોમાં તેણે ટીમને હારના કગારેથી કાઢી જીત તરફ ધકેલી હોય. તેની મેચ ટર્નીંગ ઇનીંગ્ઝ તો આંગણીના વેઠે ગણાય તેટલી જ મળશે. આ ઉપરાંત સચીન કપ્તાન તરીકે પણ સાવ નિષ્ફળ રહ્યો હતો. આ બધું લખવાનો ઉદ્દેશ્ય સચીનની ઉપલબ્ધિઓને ઓછી આંકવાનો નહીં પરંતુ માત્ર વાસ્તવિક્તાપૂર્વક ચકાસણી કરવાનો છે.
હવે અસલ પ્રશ્ન પર આવીએ કે કોઇની મહાનતા સ્થાપિત કરવા માટેના પરિબળો ક્યા હોવા જોઇએ. જો ભારત રત્ન જેવા સર્વોચ્ચ બિરૃદને સામે રાખીએ તો મુખ્યત્વે ચાર પરિબળો ગણતરીમાં લેવા જોઇએ. પ્રથમ છે વ્યક્તિની નિયત અને ઇરાદાઓ કે જેની સાથે તે પોતાના કાર્યો અંજામ આપે છે. બીજું તેણે જે કાર્યો કર્યા તેમા તેણે મેળવેલી સફળતા. ત્રીજું તેણે જે કાર્યો કર્યા તેનો રાષ્ટ્ર પર અથવા તેના છેવાડાના માણસ પર પડેલો પ્રભાવ. ચોથું તેનું અંગત જીવન અથવા તેનો સદાચાર.
હવે સચીનની મહાનતાની કસોટી આ ચાર બાબતો સામે રાખીને કરવા જેવી છે. સચીને જે ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી બનાવી તેમાં તેની નિયત કે ઇરાદો શું હતો. સચીનના કેસમાં ક્રિકેટ તેનું ઝનુન હતું અને ક્રિકેટમાં જ તેને આનંદ અને ચેન મળતું હતું. તેના માટે ક્રિકેટ કોઇ સેવા કે દેશપ્રેમ માટેનું સાધન ન હતું પરંતુ સફળ કારકિર્દીનો એક દ્વાર હતો. આવું કરવામાં સચીન જરાય ખોટો હતો એવું કહેવામાં નથી આવી રહ્યું પરંતુ તેને ત્યાગ કે બલિદાન ગણવો પણ મુર્ખામી ગણાશે. જો સચીન માટે ક્રિકેટ માત્ર સેવા હોત તો તે જાહેર ખબરોમાં ચમકીને કરોડો કમાવા માટેના અવસરો શોધવા માટે સતત તૈયાર ન રહેતો હોત. હા દોલત અને શોહરત સાથે દેશની સેવા કરવાનો મોકો મળ્યો અને તેમાં તેણે ગર્વ પણ લીધો તે બાબત અહીં નકારવામાં નથી આવી રહી.
હવે બીજું પાસું જોઇએ કે જેમાં વ્યક્તિએ કરેલા કાર્યોને કેટલી સફળતા મળી. સચીન આ પરિબળમાં પૂરો ઉતર્યો ગણાય અને તેણે ક્રિકેટ જગતમાં જે પણ શક્ય સિદ્ધીઓ હતી તે બધી મેળવી. તેણે કરેલા રનોના ઢગલા, વિશ્વકપમાં જીત અને શ્રેષ્ઠ ટેસ્ટ ટીમના સદસ્ય બની તેણે પોતાનું કૌશલ્ય બતાવ્યું. ઉપર જણાવ્યું તેમ તેના માટે બધો સમય સાનુકુળ પણ ન હતો પરંતુ એકંદરે તેણે સફળતાઓ જરૃરથી મેળવી.
હવે ત્રીજી બાબતની ચકાસણી કરીએ કે તેના કાર્યોથી રાષ્ટ્રને અથવા છેવાડાના માણસના જીવન પર શું અસર થઇ ? આ પરિબળ એવું છે કે સચીનના મરણીયા ચાહકો પણ વિશેષ કંઇ કહી શકે તે સ્થિતિમાં નથી. એવી દલીલો જરૃરથી થઇ શકે કે સચીને લોકોને મનોરંજન પુરું પાડ્યું. સચીને આખા રાષ્ટ્રને અમુક ઘડીઓ માટે એક બનાવી દીધું. સચીને લોકોના જીવનમાં તો થોડોગણો પણ તનાવ દૂર કર્યો. પરંતુ આ બધી મનને ફોસલાવાની દલીલો છે. આ શ્રેણીમાં તો એક બે નહીં પણ સચીન હજારોની સામે ઉણો ઉતરે. એક ડૉ. વર્ગિસ કૂરીયનનો દાખલો લઇએ તો તેમણે શ્વેત ક્રાંતિમાં સિંહફાળો આપી ભારતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબિત કર્યો. તે જ રીતે એમ.એસ.સ્વામીનાથને હરિયાળી ક્રાંતિ સર્જી ભારતને અનાજ ઉત્પાદન ક્ષેત્રે સશક્ત બનાવ્યું હતું. આ પ્રકારના લોકોની સિદ્ધીઓ સામે સચીનની સિદ્ધીઓ વામણી ગણાય. જો એ લોકો ભારત રત્ન માટે યોગ્ય ન હોય તો સચીન તેનાથી કોસો દૂર ગણી શકાય.
ચોથી બાબત છે સદાચારની. તો અહીં કહી શકાય સચીન હંમેશાથી નિર્વિવાદ રહ્યો છે અને તેનું વ્યક્તિત્વ મનમોહક પણ છે. સફળતાના નશામાં તે ક્યારેય ચૂર નથી થયો અને તેના કારણે જ તેના વિશ્વભરમાં ખૂબ મોટી સંખ્યામાં ચાહકો પણ છે.
પરંતુ એકંદરે સચીનની કારકિર્દી જોવામાં આવે તો સચીન તેંડુલકર એવી મહાન વ્યક્તિ નથી જેવી મીડિયા અને તેના પછી સરકારે તેને બનાવી દીધી. પરંતુ જ્યારે તેણે સર્વોચ્ચ નાગરિકનું બહુમાન મેળવી જ લીધું છે તો તેના માટે અવસર છે કે તે મહાન વ્યક્તિને છાજે તેવું બાકીનું જીવન વ્યતિત કરે. તેની પાસે આગવી ઓળખ છે અને તેના માટે દેશમાં નવી પહેલ કરવી. બીજાઓ કરતા થોડી ઓછી કપરી હશે. સચીન આવનારા દિવસોમાં રાષ્ટ્રની અને માનવતાની સાચી સેવા કરે તેવા કામનાઓ સાથે તેને ખૂબ ખૂબ અભિનંદન.