Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમોક્ષ પ્રાપ્તિનો એકમાત્ર રસ્તો ઇસ્લામ છે

મોક્ષ પ્રાપ્તિનો એકમાત્ર રસ્તો ઇસ્લામ છે

ઇકબાલ મુલ્લા સાહેબ જમાઅતે ઇસ્લામી હિંદના દા’વત વિભાગના સેક્રેટરી છે. હિન્દુસ્તાનભરમાં પ્રવાસ ખેડીને તેમણે ઇસ્લામનો સંદેશ પહોંચાડવાના અથાગ પ્રયત્નો કર્યા છે. તેમના પ્રયત્નના ભાગરૃપે હાંસલ કરેલ તેમના અનુભવોની ચર્ચા કરવા માટે ‘યુવાસાથી’ના મેનેજર રાશિદ હુસૈન શેખે એક ઇન્ટરવ્યૂ લીધો હતો જેને ‘યુવાસાથી’ના વાચકો માટે અત્રે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.

પ્ર. આપનો સંક્ષિપ્ત પરિચય ?

ઉ. મારૃં નામ મુહમ્મદ ઇકબાલ અબ્દુલ કાદર મુલ્લા છે. મૂળ વતન ગદગ શહેર (કર્ણાટક) છે. મારો જન્મ ૧૯૪૯માં થયો છે. શિક્ષાણ બી.એસ.સી., એમ.એ. સુધીનું છે. વિદ્યાર્થી કાળથી જ જમાઅતે ઇસ્લામી હિંદ (કર્ણાટક)ના વિદ્યાર્થી સમુદાય સાથે જોડાયેલ હતો. ૧૯૭૧માં જમાઅતનો સદસ્ય બન્યો. ત્યારબાદ વિવિધ પદે જમાઅતમાં જવાબદારી અદા કરી. ૧૯૮૩માં એસ.આઇ.ઓ.નું પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય સલાહકાર સમિતિનો સદસ્ય બન્યો. ૧૯૯૦થી મેં ૨૦૦૩ સુધી કર્ણાટક અને ગોવાના પ્રાદેશિક અમીરની જવાબદારી અદા કરી છે. જૂન ૨૦૦૩થી કેન્દ્રીય જમાઅતે ઇસ્લામી હિંદના દા’વત વિભાગના સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું.

પ્ર. એસ.આઇ.ઓ., ગુજરાત “ઇસ્લામ સૌના માટે” અભિયાન મનાવી રહી છે આ વિશે આપનો શું મત છે?

ઉ. એસ.આઇ.ઓ., ગુજરાતનું આ અભિયાન પ્રશંસીય પગલું છે. એસ.આઇ.ઓ., ગુજરાતની દા’વતની ભાવના મિલ્લતના વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે જ નહીં પરંતુ વૃદ્ધો અને વિદ્વાનો માટે પણ અનુસરણને પાત્ર છે. હકીકતમાં ઇસ્લામ તમામ વ્યક્તિઓ માટે તેમના પેદા કરનાર અલ્લાહ તઆલાનું મનપસંદ દીન (ધર્મ) છે. ઇસ્લામ મુસ્લિમ સમુદાયનું ધર્મ નથી. આ દીન તમામ મનુષ્યોનું પ્રાકૃતિક દીન છે. ઇસ્લામ બધા માટે કોઇ સૂત્ર નથી પરંતુ સૌથી મોટી હકીકત છે. આ હકીકત તમામ માનવજાત સુધી પહોંચાડવું દરેક મુસ્લિમ પર ફરજિયાત છે. દીનની દા’વત આપવી ફકત એસ.આઇ.ઓ. કે કોઇ ધાર્મિક જમાઅતની જવાબદારી નથી. હઝરત મુહમ્મદ સ.અ.વ. ઉપર પૂરો ઇસ્લામ છેલ્લા અંક સ્વરૃપે સમગ્ર માનવજાત માટે અવતરિત કરવામાં આવ્યો. હઝરત મુહમ્મદ સ.અ.વ. છેલ્લા રસૂલ હોઇ દરેક વ્યક્તિ સુધી ઇસ્લામના સંદેશને પોતાની વાણી, વર્તન અને આચરણ દ્વારા પહોંચાડવાની જવાબદારી દરેક મુસ્લિમની છે. ઇસ્લામ દા’વતનો ધર્મ છે.

પ્ર. ઇસ્લામની વિશેષતા શું છે ?

ઉ. ઇસ્લામ મૂળભૂત રીતે પ્રાકૃતિક દીન છે, તેથી પ્રકૃતિની આવશ્યક્તાઓને પૂરા કરવાના સાધનો ઇસ્લામમાં મોજૂદ છે. ઇસ્લામ દુનિયાની દરેક વ્યક્તિને ઉદ્દેશે છે, પોતાના અસ્તિત્વથી લઇને દુનિયાભરમાં ફેલાયેલી નિશાનીઓ પર ચિંતન-મનન દ્વારા ઇસ્લામે પ્રસ્તુત કરેલ હકીકતોને સ્વીકારવાની દા’વત આપે છે. ઇસ્લામમાં બળજબરી નથી ચિંતન-મનન પછી દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. તે ઇચ્છે તો ઇસ્લામ સ્વીકારે અથવા તો નકારી દે. બન્ને પરિસ્થિતિમાં પરિણામની જવાબદારી તેના પર જ છે. ઇસ્લામ રંગ, જાતિ, વર્ણ, ભાષા, રાષ્ટ્ર અને કુટુંબ કે કબીલાનું મહત્ત્વ ઓળખ માટે સ્વીકારે છે. પરંતુ તેના આધારે મનુષ્ય અને મનુષ્ય વચ્ચે તફાવતને સ્વીકારતો નથી. જેમ કે મોટો-નાનો, સજ્જન-દુર્જન, ઊંચ-નીચ વગેરે.

મનુષ્યનો આદર અને તેનું સન્માન, મનુષ્યો વચ્ચે સમાનતા અને સામાજિક ન્યાય, એક મનુષ્યજાત અને રહેમ એકંદરે ઇસ્લામ ફકત ધર્મ નથી પરંતુ એક સંપૂર્ણ જીવનવ્યવસ્થા છે. જીવન વ્યવસ્થા થવાની પરિસ્થિતિ દુનિયાના કોઇપણ ધર્મ કે ફિલસૂફીમાં જોવા મળતી નથી છતાં એવા દાવાઓ કરવામાં આવ્યા છે.

પ્ર. ઇસ્લામનું મૂળ કઇ બાબતો પર છે ?

ઉ. ઇસ્લામનો પાયો છે અલ્લાહનું એક હોવું. આ ધારણામાં અનેકેશ્વરવાદ (શિર્ક)નો પૂરો ઇન્કાર છે. એટલે અલ્લાહનો અસ્તિત્વ તેના લક્ષણો તેના હક્કો અને મિલ્કતોમાં તેનો કોઇ ભાગીદાર નથી. દુનિયામાં જીવતા તમામ સજીવોનો તે એક જ સર્જન કરનારો, પાળનારો હોવાની સાથે સાથે માર્ગદર્શક અને કાયદો ઘડનારો પણ છે. તેની આ હેસિયતમાં પણ તેનો કોઇ ભાગીદાર નથી. મનુષ્ય માટે જરૂરી છે કે આ બાબતોમાં તે અલ્લાહને ઇશ્વર તરીકે સ્વીકારે અને કંઇ પણ કહ્યા વગર તેની બંદગી અને ઉપાસના કરે.

ઇસ્લામનો બીજો પાયો ઇશદૂતત્વ (રિસાલત) પર અને હઝરત મુહમ્મદ સ.અ.વ.ને અંતિમ ઈશદૂત કે પયગંબર તરીકે સ્વીકારવા પર છે. દરેક પયગંબર અલ્લાહના ઈશદૂત હતા જે દુનિયામાં મુહમ્મદ સ.અ.વ. પહેલાં દુનિયાના જુદા જુદા સ્થળોએ મોકલવામાં આવ્યા. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ જે માર્ગદર્શન આપ્યું તે કુરઆન અને સુન્નત સ્વરૃપે સુરક્ષિત છે. મુહમ્મદ સ.અ.વ. હવે દરેક મનુષ્યો માટે ક્યામત સુધી પયગંબર કે ઈશદૂત છે. તમામ પયગંબરોની સાથે હઝરત મુહમ્મદ સ.અ.વ. પર ઈમાન લાવવું અને તેમની આજ્ઞા પર પાલન કરવું દુનિયાની સફળતા, શાંતિ અને સલામતિ અને ન્યાયને હાંસલ કરવા માટે અત્યંત જરૂરી છે. પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરવાનો આ એકમાત્ર રસ્તો છે.

ઇસ્લામનો ત્રીજો પાયો પરલોક પર ઈમાન છે. એટલે એક દિવસ એવો આવશે જ્યારે તમામ મનુષ્યોને ભેગા કરીને તેમના જીવનના આચરણ અને કાર્યોનો હિસાબ લેવામાં આવશે. આ દુનિયામાં જેઓ ઈમાન લાવ્યા અને સારા આચરણ કરતા રહ્યા તેઓ અલ્લાહની પ્રસન્નતા અને સ્વર્ગ મેળવશે, અને જેઓએ ઈમાન લાવવાથી ઇન્કાર કર્યો અને અલ્લાહની ઇચ્છા વિરૂદ્ધ જીવન પસાર કર્યું તેઓ અલ્લાહની વિમુખતા અને નર્ક મેળવશે. નીચે જણાવેલ ઇસ્લામના મૂળભૂત મૂલ્યો ખૂબ મહત્ત્વ માંગી લે છે.

પ્ર. જીવન, મૃત્યુ અને દુનિયા વિશે ઇસ્લામની વિચારધારા શું છે ?

ઉ. જીવન વિશે ઇસ્લામની વિચારધારા ઇશ્વરીય વાણી (વહી) પર આધારિત છે. જીવન, મૃત્ય અને દુનિયા વિશે ફિલસૂફીઓએ, બુદ્ધિજીવીઓએ અને વિજ્ઞાનીઓએ હંમેશાં ચિંતન-મનન કર્યું અને પોતપોતાની વિચારધારા રજૂ કરી. આ તમામમાં સર્વ સંમતિ જોવા નથી મળતી. તેઓ એકબીજાની વિરૂદ્ધ અને વિમુખ છે. તેનાથી ઊલટું મનુષ્યના ઇતિહાસમાં રસૂલ અને પયગંબર આવ્યા અને તેઓએ અલ્લાહ તરફથી ઇશ્વરીય જ્ઞાનના આધારે જે વિચારધારા રજૂ કરી તે દુરસ્ત અને મનમસ્તિષ્કને અપીલ કરનારા હૃદયને સંતુષ્ટ કરે છે. તેઓએ રજૂ કરેલ વિચારધારાના આધારે એક સંપૂર્ણ વિચાર અને આચાર, જીવન-સિદ્ધાંત, એક સભ્યતા અને સંસ્કૃતિની રચનાનું સ્વરૃપ ઘડાય છે. આ વિચારો અંધાધુંધી અને વૈચારિક અસંતુલનથી પર છે. જીવન વિશે ઇસ્લામી વિચારધારા નીચે મુજબ છેઃ
જીવન અને તમામ સજીવોનો સર્જનહાર અલ્લાહ છે. જીવન તેના તરફથી એક અમાનતની રીતે બક્ષવામાં આવ્યું છે. આ જીવન એમ તો સંક્ષિપ્ત અને સ્થાયી છે પરંતુ જો સર્જનહાર પર ઈમાન અને તેના માર્ગદર્શક મુજબ વિતાવવામાં આવે તો મૃત્યુ પછી કાયમી જીવનમાં સર્જનહારની પ્રસન્નતા અને સ્વર્ગ મળશે. જો મનુષ્ય તેનાથી વિતરીત વલણ અપનાવે છે તો સજાને પાત્ર છે અને મૃત્યુ પછી સર્જનહારની વિમુખતા અને નર્કની વેદનાનો ખતરો તેના માટે હશે.

દુનિયાના જીવનમાં સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ આ સ્વતંત્રતા પણ મર્યાદિત છે. મનુષ્યને બિલ્કુલ છૂટ આપવામાં નથી આવી આ રીતે જીવન એક પરિક્ષા છે. જીવનમાં સર્જનહાર અને માલિક અલ્લાહ છે. મનુષ્યને છૂટ નથી કે તે તકલીફો અને મુશ્કેલીઓ અથવા તો નાસીપાસ થવાની સ્થિતિમાં પોતે જ પોતાનું ઢીમ ઢાળી દે (આપઘાત કરવું હરામ છે) માટે, જીવનદાતા અલ્લાહ જોવા ઇચ્છે છે કે મનુષ્ય કેવા આચરણ કરે છે. મૃત્યુ અટલ અને સાચું છે. દરેક મનુષ્યને મૃત્યુનો સ્વાદ ચાખવો છે. કોઇ પોતાના મૃત્યુને ટાળી શકતું નથી. મૃત્યુ આ દુનિયાના જીવનનો અંત છે તો બીજી બાજુ હંમેશના જીવનની શરૃઆત. માટે, દરેક વ્યક્તિએ જીવનમાં જ ઈમાન અને સારા આચરણનો ઢગલો કરી લેવો જોઇએ, કે જેથી મૃત્યુ પછી સફળતાની સમીપ થઇ શકે અને મૃત્યુ પહેલાં મર્યા પછીની જિંદગીમાં સફળતાની તૈયારી કરી લે. કારણ કે જિંદગી બંદગી વગર ક્ષોભજનક છે ! ક્ષોભજનક છે.

બ્રહ્માંડ વિશે ઇસ્લામનો કેન્દ્ર બિન્દુ વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે મન-મસ્તિષ્કને સંતુષ્ટ કરનારો છે. ઇસ્લામ મુજબ બ્રહ્માંડ કોઇ અનાયાસે જ ઘટી ગયેલી ઘટના નથી, નહીં કે અહીંના નિયમો અને સિદ્ધાંતો એમને એમ બની ગયા છે. પરંતુ આનો એક સર્જનહાર છે. એ જ આ ભવ્ય બ્રહ્માંડનો માલિક (કર્તા-હર્તા) પણ છે અને આને પળેપળ ચલાવી રહ્યો છે. આ બ્રહ્માંડમાં એક જબરદસ્ત વ્યવસ્થા, સંગઠન અને આયોજન જોવા મળે છે. તેથી આનો જરૃર કોઇ વ્યવસ્થાપક અને આયોજક હશે અને તે અલ્લાહ છે. આમ કોઇપણ રીતે જોવો બ્રહ્માંડ અલ્લાહ વગર નથી. આનો એક સર્જનહાર, સર્વોચ્ચ પ્રબંધક, સર્વોચ્ચ વ્યવસ્થાપક અને સર્વોચ્ચ સત્તાધીશ છે.

આટલું મોટું બ્રહ્માંડ અસ્થાયી છે. આ સદંતર વિસ્તરી રહ્યું છે અને એક નિશ્ચિત દિવસે અલ્લાહના હુકમથી વિખેરાઇ જશે. એટલે કે ક્યામત આવી પડશે. તે જ અંતિમ દિવસ છે. ઇસ્લામની બ્રહ્માંડ અને ક્યામત અંગેની વિચારધારા આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે.

ઇસ્લામ બ્રહ્માંડ વિશે મહત્ત્વની હકીકતો વર્ણવે છે અને આ કે બ્રહ્માંડમાં ‘ભૌતિક કાયદાઓ’ કામ કરી રહ્યા છે. આ દુનિયા જે બ્રહ્માંડનો એક હિસ્સો છે આચરણની જગ્યા છે. (આચરણ સ્વરૃપે) બદલો લેવાની જગ્યા નથી. ક્યામત પછી જે વ્યવસ્થા અસ્તિસ્તમાં આવશે તે બદલાની જગ્યા હશે. જ્યાં ‘નૈતિક કાયદો’ કામ કરશે. આ દુનિયામાં આચરણના નૈતિક પરિણામો દરેક રીતે સામે આવતા નથી તેથી અંતિમ દિવસ (આખિરત)નું આવવું અત્યંત જરૂરી છે. જ્યાં નૈતિક રીતે આચરણની કસોટી થશે અને સફળતા કે નિષ્ફળતાનો ફેંસલો સંભળાવવામાં આવશે.

પ્ર. મુસ્લિમો એમ સમજે છે એમમાત્ર ઇસ્લામ તમામ સમસ્યાઓનું નિરાકરણ છે, જ્યારે બીજા ઘણા ધર્મો દુનિયામાં મોજૂદ છે. આ વિશે આપનો મત શું છે ?

ઉ. ઇસ્લામ સિવાય બીજા ધર્મોના શિક્ષણ પર દૃષ્ટિપાત કરતાં માલૂમ પડે છે કે તેમાં મનુષ્ય જીવનના દરેક હિસ્સામાં કોઇ સૈદ્ધાંતિક માર્ગદર્શન નથી. કેટલીક નૈતિક શિક્ષાઓ અને ઉપદેશો જરૃર મળે છે. નૈતિકતાનું નિઃશંકપણે મહત્ત્વ છે પરંતુ સમગ્ર જીવનમાં એ જ બધું નથી. આ ધર્મો મુજબ આદર્શ જીવનને ત્યજી દેવું, એકલા અને જીવન સંબંધો છોડીને રહેવું એવી શિક્ષાઓ પણ જોવા મળે છે. સ્વભાવિક છે કે આ રીતની શિક્ષાઓના પરિણામે વ્યક્તિત્વ-વિકાસ, સમાજનું નિર્માણ અને એક પ્રબંધકારી રાજ્યની સ્થાપના શક્ય નથી. આ ધર્મોના આદર્શ જીવનના ખ્યાલને અપનાવ્યા પછી શહેરી જીવન, સમાજ અને સભ્યતા ટકી શકતા નથી. આની સામે ઇસ્લામી શિક્ષાઓ જ્યાં બંદાને તેના અલ્લાહ સાથે જોડે છે ત્યાં જ બંદાના સંબંધો બીજા બંદાઓ સાથે (પત્ની, માતા-પિતા, બાળકો અને નજીકના સંબંધીઓ) મજબૂત પાયા પર જોડે છે. આના પરિણામે જ મનુષ્યનું વ્યક્તિત્વ તેની આત્મ-શુદ્ધી અને કેળવણી પૂરી રીતે શક્ય બને છે.

પ્ર. લોકો કહે છે કે આજના જમાનામાં ઇસ્લામ બંધ-બેસતું નથી. આપ શું કહેશો ?

ઉ. દરેક ધર્મમાં માનનારા આવો દાવો કરી શકે છે એમનો ધર્મ આજના જમાનામાં બંધ બેસે છે અને સમસ્યાઓનો ઉકેલ પ્રસ્તુત કરે છે. ઇસ્લામનો દાવો છે કે એકમાત્ર તે જ મનુષ્યની દરેક સમસ્યાઓનો ઉકેલ છે અને આજના જમાનામાં બંધ બેસે છે.
ઇસ્લામનું માર્ગદર્શન ફકત આજથી ૧૪૫૦ વર્ષ પહેલાંના મનુષ્યો માટે ન હતું, બલ્કે ઇસ્લામના સિદ્ધાંતો અને મૂળભૂત માર્ગદર્શન દરેક જમાના માટે તેમજ ક્યામત સુધી છે. આધુનિક યુગમાં પણ જીવનના પેચીદા અને જટીલ સમસ્યાઓના ઉકેલ માટે સૈદ્ધાંતિક માર્ગદર્શનના પ્રકાશમાં કુઆર્ન અને સુન્નતે રસૂલ સ.અ.વ.ના વર્તુળમાં રહેલા ઉકેલ શોધવાની શક્યતાઓ મોજૂદ છે. ઇસ્લામ મનુષ્યની સફળતા, આર્થિક વિકાસ, ખુશાલી, શાંતિ અને સલામતી, ન્યાય તેમજ મૃત્યુ પછીના જીવનની સફળતા પર પ્રકાશ પાડે છે. ઇસ્લામની મૂળભૂત માન્યતા, ઇબાદતો, નૈતિકતા અને સમાજ, રાજનીતિ, શિક્ષણ અને સંસ્કૃતિ બધાની ધૂરા છે. માટે મનુષ્ય ભલે આજથી ૧૦૦૦ વર્ષ પહેલાંનો હોય કે આજથી હજારો વર્ષ પછીનો જ્યાં સુધી તે ‘મનુષ્ય’ છે ત્યાં સુધી તે ઇસ્લામનો ઋણી છે અને ઇસ્લામ તેની આવશ્યક્તા છે. તે ઇસ્લામથી પર થઇને સફળ થઇ શકતો નથી.

પ્ર. કેટલાક લોકો કહે છે કે બધા જ ધર્મો સરખા છે, એક ઇશ્વર સુધી પહોંચવાના જુદા જુદા માર્ગો છે, આખરે બધા એક જ સમુદ્રમાં વિલીન થઇ જાય છે. શું આ માન્યતા સાચી છે ?

ઉ. આપણા દેશમાં શાંતિ અને સલામતીની ખૂબ જ દયનીય પરિસ્થિતિ, ભૌતિકવાદ, ઉપભોગતાવાદ, સામાજિક અને નૈતિક દૂષણોના પરિણામે ધર્મ અને ધાર્મિક શિક્ષાઓ અને મૂલ્યો તરફ ઝુકાવ વધી રહ્યો છે. લોકોમાં એહસાસ પણ ઉભરાયો છે કે ફકત રાજનૈતિક વિચારધારા અને ભૌતિક ચીજવસ્તુઓથી મનુષ્ય સુઃખ અને શાંતિ અને આત્મ પ્રસન્નતા મેળવી શકતો નથી. આ બધા માટે ધાર્મિક શિક્ષણની જરૃર છે. તેથી ધાર્મિક માન્યતાઓની ચર્ચા (Inter Faith Dialogue), ધર્મોની ચર્ચા (Inter Religious Dialogue) અને ધાર્મિક સરખામણી અધ્યયનના કાર્યક્રમોમાં સામાન્યતઃ પ્રયત્નો હોય છે કે તમામ ધર્મોને સાચા અને સરખા માનવામાં આવે. સત્ય શોધની જિજ્ઞાસા ઓછી જ હોય છે. ‘બધા જ ધર્મો સરખા’ની ફિલસૂફીને એકમાત્ર હકીકત બનાવીને રજૂ કરવામાં આવે છે. શું બધા જ ધર્મો સાચા છે ? શું તમામ ધર્મો ખરેખર અલ્લાહે આપ્યા છે ? આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સંબંધ સત્યની શોધથી છે અને આ મનુષ્યની જવાબદારી છે. આજે આપણા દેશમાં નાના-મોટા ધર્મો જોવા મળે છે. તેમના પર ચિંતન કરતાં માલૂમ પડે છે કે કેટલીક નૈતિક શિક્ષાઓ અને મૂલ્યો સિવાય ધર્મોમાં અલ્લાહ વિશે બુનિયાદી ખ્યાલો, ઇશદૂતત્વ, આખિરત, મોક્ષ, સ્વર્ગ, નર્ક વગેરેમાં ઘેરા વિરોધાભાસ અને ખેંચતાણ જોવા મળે છે. એક જ સમયે બધા ધર્મોને કેવી રીતે સાચા માની શકાય. તેમાંથી કોઇ એક જ સાચો હોઇ શકે.

પ્ર. કહેવામાં આવે છે કે ઇસ્લામનો પાયો ૧૪૦૦ વર્ષ પહલાં નંખાયો હતો. શું આ વાત સાચી છે ?

જ. ઇસ્લામની શરૃઆત હઝરત મુહમ્મદ સ.અ.વ.થી નથી થઇ. ઇસ્લામ ૧૪૦૦ વર્ષ પહેલાંના ધર્મ નથી. પરંતુ દુનિયાના પહેલા માનવની શરૃઆતથી જ છે. ઇસ્લામના સંદેશને સમયાંતરે લોકોમાં પહોંચાડવા તેમજ તે સંદેશ મુજબ જીવી બતાવવા માટે હઝરત આદમ અલૈ.થી લઇને અંતિમ પયગંમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. સુધી એક લાખથી વધારે પયગમ્બરો અલ્લાહની મરજી અનુસાર ધરતી પર આવતા રહ્યા પરંતુ તેમની શિક્ષાઓ સુરક્ષિત રહી શકી નહીં. આજે કુઆર્ન સિવાય કોઇ ધર્મગ્રંથ સુરક્ષિત નથી. આ દાવો નથી પરંતુ હકીકત છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઇસ્લામ અલ્લાહ તરફથી મનુષ્યજાત માટે પસંદગી પામેલ અધિકૃત દીન (જીવન-વ્યવસ્થા) છે. કોઇ પયગમ્બર આ ધર્મનો પાયો નાખનાર નથી. વધારામાં કોઇ પયગમ્બરે પોતાના તરફથી કોઇ ધર્મને બનાવીને અલ્લાહના નામે રજૂ નથી કર્યું. દા.ત. હઝરત ઈસા અલૈ. ખ્રિસ્તી અને હઝરત મૂસા અલૈ. યહૂદી ધર્મના પાયા નાખનાર નથી. તેઓ બીજા પયગમ્બરો જેવા કે હઝરત ઈબ્રાહીમ અલૈ., હઝરત ઇસ્માઇલ અલૈ., હઝરત ઇસ્હાક અલૈ., હઝરાત યાકૂબ અલૈ., હઝરત દાઊદ અલૈ. વગેરેની જેમ ઇસ્લામ અને ફકત ઇસ્લામના પયગમ્બર (સંદેશવાહક) છે.

પ્ર. કેટલાક ટીકાકારો એમ પણ કહે છે કે ઇસ્લામ બીજા ધર્મોને સન્માન આપવાનું શીખવાડતો નથી. આપ શું કહેશો?

ઉ. ધર્મ અને ધાર્મિક વડાઓનો સન્માન કરવો જોઇએ. પરંતુ અલ્લાહ તરફથી જે ધર્મ આવ્યું છે તેની શોધ અને જિજ્ઞાસા જરૂરી છે. આ દરેક મનુષ્યની દુનિયાની તેમજ આખિરતની નજાતનો મુખ્ય પ્રશ્ન છે, જોવા જઇએ તો ખરેખર મુખ્ય પ્રશ્ન તો આ જ છે. બીજા પ્રશ્ન તો ગૌણ અને બીજા નંબરની હૈસિયત ધરાવે છે.

પ્ર. આપણો દેશ કેટલાક અનૈતિક દૂષણોમાં જકડાયેલ છે, જેમકે ભ્રષ્ટાચાર, શરાબ, સ્ત્રીઓનું શોષણ, કાનૂન ભંગ, વગેરે વધી રહ્યાં છે. ઇસ્લામ આને કઇ રીતે રોકી શકે છે ?

ઉ. અરબમાં ઇસ્લામના વિસ્તરણ પછી ઇસ્લામ દુનિયાના જુદા જુદા દેશોમાં ખૂબ જ ઝડપથી વિસ્તર્યું. ઇતિહાસમાં ખોટા ન ઠેરવી શકાય તેવી સાબિતી મોજૂદ છે કે તમામ મનુષ્યની નૈતિક સુધારણા, આર્થિક સફળતા, વિકાસ, શાંતિ અને સલામતી, ન્યાય અને સમાનતા હાંસલ કરવામાં ઇસ્લામ ધર્મ જેટલી સફળતા બીજા કોઇ ધર્મને મળી નથી.
હવે જુઓ ઇસ્લામ કેવી રીતે સામાજિક દૂષણો અને બીજી મોટી સમસ્યાઓને ઉકેલે છે. આધુનિક યુગમાં સરકારો કરોડો રૃપિયા ખર્ચ્યા પછી પણ આ દૂષણોને દૂર કરવા અને સમસ્યાઓને ઉકેલવામાં સફળ નથી.

અરબમાં શરાબનો રિવાજ હતો. શરાબ પીવું ખોટું પણ ન હતું. અરબનો પ્રખ્યાત કવિ ઉમરા-ઉલ-કૈસ શરાબ પીને વ્યભિચાર કરે છે અને શાન સાથે તેની કવિતા સ્વરૃપે લખીને કાસ્બાની દીવાલ પર લટકાવી દે છે. તેમની કોમી સંસ્કૃતિમાં શરાબ પીવું, પીવડાવવું અને મહેમાનોને પેશ કરવું સામેલ હતા. ઇસ્લામે પહેલાં તો તેમની અક્કલમાં ઠસાવ્યું કે શરાબ એક બહુ મોટું દૂષણ (ઉમ્મુલ ખબાઇષ) છે. પછી છેલ્લી વાર તેના અવૈધ (હરામ) હોવાનો ખુલ્લો હુકમ આવ્યો. જ્યારે મદીનામાં મુહમ્મદ સ.અ.વ. તરફથી શરાબને હરામ ઠેરવ્યાનું એલાન કરવામાં આવ્યું તો એક મહેફિલમાં મુસલમાનો શરાબ પી રહ્યા હતા. આ એલાનને સાંભળીને મોઢે આવેલા શરાબના પ્યાલાને હટાવી દીધા અને શરાબને છોડી દીધું. મદીનાની ગલીઓમાં શરાબ વહેવડાવી દેવામાં આવ્યું. આ પછી શરાબનું પીવું ખતમ થઇ ગયું. આ રીતે જુગાર, વ્યભિચાર અને બીજા ગંભીર દૂષણો ખતમ થઇ ગયા. એક મહત્ત્વનું સામાજિક દૂષણ ઊંચ-નીચ, અસમાનતા અને જુલ્મ અને શોષણ હતું. માલિક અને ગુલામ, શેઠ અને નોકર, શક્તિશાળી અને દુર્બળ, મોટો અને નાનો એમ વહેંચણીએ સામાજિક એક્તાને તબાહ કરી દીધું હતું અને જુલ્મ અત્યાચાર અને શોષણની જુદી જુદી રીતો અમલમાં હતી. ઇસ્લામી શિક્ષા છે કે તમામ મનુષ્યો એક અલ્લાહના બંદા અને એક મા-બાપની સંતાન અને એક-બીજાના ભાઇ છે. ઇસ્લામમાં અલ્લાહની નજરમાં તે મોટો છે જે ઇમાનવાળો અને અલ્લાહથી સૌધી વધુ ડરનારો છે.

પ્ર. ‘યુવાસાથી’ના વાચકો માટે આપનો સંદેશ ?

ઉ. મુસ્લિમ વાચકો ઇસ્લામને પૂરા જીવનમાં અપનાવીને ઇસ્લામની ઓળખ બની દીનની દા’વતની ફરજને પોતાના જીવનનું ધ્યેય બનાવે, પોતાની નૈતિકતા સારા સંબંધો અને નિઃસ્વાર્થ સેવા દ્વારા દેશના વિદ્યાર્થીઓ અને નવયુવાનોમાં ઇસ્લામના સંદેશને પહોંચાડે, વધારામાં તેમની ગેરસમજોે અને ખોટા ખ્યાલોને દૂર કરી પ્રેમથી તેમને સાચા રસ્તે ચાલવાની દા’વત આપે.
મુસ્લિમ વિદ્યાર્થીઓ સિવાયના બીજા વાચકો માટે સંદેશો છે કે ઇસ્લામને મુસ્લિમોનો કોમી, જાતીય કે કૌટુંબિક ધર્મ ન સમજે. ઇસ્લામ બધા માટે છે. આ રીતે કુઆર્ન અને હઝરત મુહમ્મદ સ.અ.વ. બધા માટે છે. જ્યારે તમે અલ્લાહના ચાંદ, સૂરજ, હવા, પાણી અને પ્રકાશથી ફાયદો મેળવો છો અને એમ નથી વિચારતા કે મુસ્લિમો પણ આનાથી ફાયદો મેળવે છે તો અમે કેમ મેળવીએ? એવી જ રીતે અલ્લાહનું માર્ગદર્શન એટલે કે ઇસ્લામથી પણ ફાયદો મેળવો. તમારી વચ્ચે જુદા જુદા કારણોસર ઇસ્લામ વિશે ગેરસમજો પ્રવર્તે છે. તમે કુઆર્ન અને હઝરત મુહમ્મદ સ.અ.વ.ના જીવનનું અધ્યયન કરશો તો નિઃશંકપણે ગેરસમજો માન્યતાઓ દૂર થઇ જશે. આ જીવન ફકત એક જ વાર મળ્યું છે. મૃત્યુ આવે તે પહેલાં સમજી-વિચારીને પોતાની મરજીથી સ્વતંત્ર રીતે ફેંસલો કરી શકો છો. મોક્ષનો એકમાત્ર રસ્તો આ જ છે. મૃત્યુ પછી તમે કોઇ ફેંસલો કરી શકશો નહીં, બલ્કે ત્યાં અલ્લાહનો ફેંસલો જ આખરી ફેંસલો હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments