“સબ કા સાથ સબ કા વિકાસ”ના નારા સાથે ૨૦૧૪માં સત્તા હાંસલ કરનાર ભાજપાને “આપ”ના વિકાસના કાર્યોના કારણે જ હારનો સામનો કરવો પડયો. ૨૦૧૪થી સતત “ભાગલા પાડો અને રાજ કરો” વાળી અંગ્રેજોની કાર્યપદ્ધતિને અનુસરીને ભાજપાએ ૨૦૧૭ સુધી દેશના લગભગ ૧૯ રાજ્યોમાં કબ્જો જમાવ્યો હતો. પરંતુ ૨૦૧૮થી ભાજપની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ અને પૂડ્ડુચેરીમાં તેણે સત્તા ગુમાવવી પડી. દિલ્હીમાં ૨૦૧૩થી “આપ”ની સરકાર હતી. “આપ” સરકારને પાડવા ભાજપ પાસે ભ્રષ્ટાચાર, વીજળી, પાણી, રોડરસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દા ક્યાંય હતા નહીં. કારણકે આ તમામ મુદ્દે દિલ્હીની જનતા પાસે કેજરીવાલનો પાંચ વર્ષનો રિપોર્ટ કાર્ડ હતો. જેમાં તેણે ઉત્કૃષ્ટ કામગીરી અંજામ આપી હતી. તેથી હિંદુ-મુસ્લિમ અને પાકિસ્તાન કરવા સિવાય કોઈ રણનીતી ભાજપ પાસે હતી નહીં
સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ તરફથી કેજરીવાલને આતંકવાદી, પાકિસ્તાની, મુસ્લિમ તરફી, ૮મી ફેબ્રુઆરીએ ભારત-પાક જંગ, દેશ કે ગદ્દારો કો ગોલી મારો… અને શાહીન બાગ વગેરે શબ્દો સાથે સતત ટાર્ગેટ કરવામાં આવતું રહ્યું. પરંતુ દિલ્હીની જનતાને જે આર્થિક ફાયદાઓ વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દેખાઈ રહ્યા હતા, તેં પડછાયાની અંદર જ અતાર્કિક અને બેબુનિયાદ દલીલો દટાઈ ગઈ.
કેજરીવાલ ૬૨ બેઠકો સાથે દિલ્હીના સિંહાસન પર ફરી સ્થાપિત થયા. પરંતુ ભાજપનો વોટશેર અને બેઠકોની સંખ્યામાં અંશત: વધારો નોંધાયો. જે કદાચ ભાજપ માટે આસ્વાસનરૂપ હશે.
જીતની ખુશી દરમિયાન “આપ”ના પ્રવક્તા તરફથી આ જીતને સાચા રાષ્ટ્રવાદની જીત તરીકે ઓળખાવવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલને હનુમાન ચાલીસા સંભળાવવા માટે આગ્રહ કરવામાં આવતા તેણે ગાઈ સંભળાવ્યું હતું. કેટલાક ટીવી શોમાં “આપ”ના પ્રવક્તાઓ પોતે સાચા હિન્દુવાદી અને રાષ્ટ્રવાદી છે અને ભાજપા રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી હોવાનો ઢોંગ કરે છે એવું કેહતા પણ સાંભળવામાં આવ્યા છે. આ વૃતાંતો (Narratives) ખુબજ ગંભીર અને ચિંતાજનક છે.
ભાજપ દ્વારા પીવડાવવામાં આવેલ કોમવાદી અફીણની અસર એટલી ઊંડી અને ઘાતક છે કે તેના ઉચ્ચારણ સિવાય કોઇ ચૂંટણી પ્રચાર થઈ શકતો નથી. દેશમાં લોકશાહી મૂલ્યો, બિનસાંપ્રદાયિકતા, માનવ મૂલ્યો, વિકાસ અને મૂળભૂત હકકો નાં સુર બુલંદ કરવાની તાતી જરૂર છે. જેમાં ધાર્મિક કટ્ટરતા અને તુષ્ટીકરણનાં રાજકારણને કોઈ સ્થાન નહીં હોય.