“કોરોના મહામારીના લીધે દુનિયાભરમાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થઇ છે. આ મહામારીનો પ્રકોપ ભારતમાં પણ બહુ વ્યાપક પ્રમાણમાં થયો છે. અર્થવ્યવસ્થાની હાલત કથળતી જઈ રહી છે. ગરીબ લોકો તો પરેશાન છે જ સાથે જ મધ્યમ-વર્ગની પરિસ્થિતિ પણ દયનીય છે. આરોગ્ય વ્યવસ્થા ઉપર પહેલા પણ ઘણા-બધા સવાલો ઊઠતા રહ્યા છે પરંતુ કોવિડ-૧૯ના લીધે આરોગ્ય વ્યવસ્થા પણ ખુલ્લી પડી ગઇ છે. ટૂંકમાં આ મહામારીની પરિસ્થિતિએ વ્યક્તિગત અને સામાજિક ક્ષેત્રથી જાેડાયેલ દરેક વસ્તુને પ્રભાવિત કરી છે” … મારા એક મિત્રે બહુ ગુસ્સા અને દુઃખની લાગણી સાથે તત્કાલીન પરીસ્થિતિ પર પોતાના વિચારો મૂક્તાં આ બધુંુ કહી દીધું. હજુ એ પોતાના ગુસ્સાને ઠંડો કરવા માટે વર્તમાન પરિસ્થિતિ પર વધુ ટિપ્પણી કરવાનો જ હતો કે હું તેની સામે એક પ્રશ્ન ઊભો કરી દીધો. “હવે માથું પછાડીને શું કરશો, પ્રશ્ન આ છે કે આવી કટોકટીની પરિસ્થિતિમાં એક જવાબદાર સમાજની શી ભૂમિકા હોય છે?”. હં.. જવાબદાર!?! મિત્રે નકારાત્મકતામાં માથું હલાવીને કહ્યું. જાે તમે પણ પરીસ્થિતિના લક્ષ્યમાં હોત તો કદાચ તમારો પણ આવો જ પ્રતિભાવ હોત.
આ સવાલ ઊભો કરવાનો ઉદ્દેશ્ય એ છે કે આજે આપણા સમાજ અને સમાજમાં રહેલી વ્યક્તિઓ સ્વાર્થ અને લોભ તરફ વધતી જઈ રહી છે, જેના પરિણામે ગેરજવાબદાર, શોષણ અને બેદરકારી ઉદ્ભવે છે. સમાજની આવી સ્થિતિ ભયાનક પરિણામ ઊભું કરે છે. આપણે સરકારની ખોટી વ્યવસ્થા, નીતિની ખામી અને આયોજન પર તો બહુ ચર્ચા કરીએ છીએ પરંતુ વિચારો કે શું ક્યારેક આપણે સામાજિક નૈતિકતાની વાત કરીએ છીએ?!?.વાસ્તવમાં એક સ્વસ્થ અને આદર્શ સમાજની કલ્પના સામાજિક નૈતિકતા વગર કરી જ ન શકાય. સમાજ સંદર્ભમાં સાદી ફિલસૂફી એ છે કે, સમાજમાં જેવા લોકો હોય છે એવો જ સમાજ હોય છે. તેના જ આધારે તે સમાજમાં બદલાવ આવે છે અને તે સમાજના પ્રતિબિંબ સામૂહિકપણે આપણી સમક્ષ વિવિધ રીતે આવે છે. દા.ત. ભારતમાં મુસ્લિમોની મોબલિંચિંગ વધ્યું આ ખબરથી દરેક વિવેકપૂર્ણ વ્યક્તિ આ સમજી લેશે કે આ સમાજમાં ઇસ્લામ વિશે નફરત પેદા કરવામાં આવી રહી છે અથવા એ ઇસ્લામોફોબિક છે, અને તે સમાજ ખૂનામરકી અને લૂંટફાટ તરફ વધી રહ્યું છે. અને બીજી બાજુ જાે કોઇ સમાજમાં ગરીબી, બીમારી અને ગુનો (ક્રાઇમ) વધી રહ્યો છે તો એનો અર્થ આ છે કે તે સમાજમાં સરકાર અને પ્રશાસન કમજાેર અને લાપરવાહ છે.
આ બંને દાખલાઓ એક વસ્તુ સરખી છે અને તે છે માનવી અને તેની નૈતિક્તા. માનવથી સમાજ બને છે અને માનવીય નૈતિક્તાથી સામાજિક નૈતિક્તા ઉદ્ભવે છે. જાે કોઇ સમાજના માનવોમાં નૈતિક્તા ન હોય તો તે સમાજ આપોઆપ નૈતિક્તાથી ખાલી થઇ જશે. અને આ નૈતિકતા ન હોવાના કારણે આપણા સમાજમાં અસંખ્ય ખરાબીઓ ઊભી થઇ છે. આપણી સીમિત નજર માત્ર નીતિ-વ્યવસ્થા અને આયોજનને સુધારવા સુધી સીમિત રહે છે. મીડિયામાં થતી ચર્ચા હોય કે ન્યુઝ પેપરની કોલમો, સંસદથી લઇને ચાની કિટલીઓ સુધી થયેલી ચર્ચાઓ ઉપર જાે તમે વિચાર કરશો તો આમાં તમને માનવ મૂલ્યો અને સામાજિક નૈતિક્તા ઉપર ગંભીરતાથી ચર્ચા ભાગ્યે જ જાેવા મળે છે. આપણે જ્યારે એક નૈતિક મૂલ્ય આધારિત માનવ અને સમાજ માટે ચિંતિત થઇશું ત્યારે ઘણી-બધી સામાજિક બૂરાઇઓ આપોઆપ ખત્મ થઇ જશે. ફક્ત નીતિઓ, વ્યવસ્થા અને કાનૂન બનાવવાથી કંઇ પણ સમાજમાં શાંતિ અને ન્યાય સ્થાપિત થતો નથી, કારણ કે વ્યક્તિ જ વ્યવસ્થાને ચલાવે છે.
આ મુદ્દો ઉઠાવવાનો મારો હેતુ માત્ર એ જ છે કે આપણો સમાજ માનવી અને માનવીય મૂલ્યોને પોતાની ચર્ચાના વિષય બનાવે. આ વિશેની પોતાની બધી જ ખરાબીઓના મૂળભૂત કારણ (Route Cause) માનીને તેના ઉપર ગંભીર થઇને ચિંતન-મનન કરે. જે દિવસે આપણે આ દ્રષ્ટીકોણ ઉપર વિચાર કરવા લાગીશું એક આદર્શ સમાજ તરફ એ આપણું પહેલું પગથિયું હશે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે એ નૈતિક્તા શું છે? તે કેવી રીતે નિર્ધારિત થશે? નૈતિક્તા નિર્ધારિત કરવાનો આધાર શું હશે? આવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ આપણે શોધવાના છે. જાે આપણે વિવેકપૂર્ણ રીતે આ પ્રશ્નોના જવાબ શોધવા માટે તૈયાર છીએ તો ઇશ્વરે આપણી સામે વિવિધ સંસાધનો મૂક્યા છે તેના દ્વારા આપણે પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ છીએ. –•–