Monday, June 24, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપકોરોના મહામારીના સૂક્ષ્મ સંકેતોની સાદી સમજ

કોરોના મહામારીના સૂક્ષ્મ સંકેતોની સાદી સમજ

Palghar lyching – an inhuman hate crime”: Salim Engineer « Jamaat-e-Islami  Hind
Prof. MohammadSaleem Engineer

કોરોના મહામારીનો નજીકના ભવિષ્યમાં અંત આવે એવું જણાતું નથી. સમગ્ર વિશ્વમાં લાખો લોકો આનો ભોગ બન્યા છે. દરરોજ હજારો લોકો મૃત્યુના મુખમાં ધકેલાય છે. આપણે માત્ર એ વાતનો સંતોષ લઈ શકીએ કે ભારતમાં જંગી વસ્તી હોવા છતાં અહીં મૃત્યુ દર પ્રમાણમાં ઓછો રહ્યો છે. આનો શ્રેય આપણી પ્રજા અને સરકાર બન્નેને જાય છે. તેમ છતાં આપણે એ ન ભૂલવું જોઈએ કે આ મહામારીના સંક્રમણનો પડકાર હજુ આપણી સામે મોઢું વકાસી ઊભો જ છે અને લાબા સમય સુધી ઊભો જ રહેશે. આ પરિસ્થિતોનો મુકાબલો કરવા આપણે ઉપલબ્ધ તમામ તાકાત એકત્ર કરી સજ્જતા કેળવવી પડશે. આપણે આ વાયરસની રસી વિકસાવવા અને એના વ્યાપને શક્ય એટલો મર્યાદિત રાખવા મથામણ કરી રહ્યાં છીએ. આમ કરી આપણે કોરાનાના કારણે ખોરવાઈ ગયેલા જનજીવનને પૂર્વવત્‌ બનાવવાનું મુશ્કેલ કામ કરી રહ્યાં છીએ. આ કામ જરૂરી છે એનો ઇન્કાર કરી શકાય એમ નથી. પરંતુ આપણે બે ડગલાં પાછા લઈ કોરોનાની મહામારી ફાટી નીકળવાના કારણોનો તાગ મેળવવાની એક અગત્યની બાબત અંગે પણ ચિંતન-મનન કરવાની જરૂર જણાય છે. આ મહામારી અચાનક આઘાતજનક સ્વરૂપે ફાટી નીકળવાના સંભવિત કારણો શું હોઈ શકે છે અને તેમાં આપણા માટે કોઈ સૂક્ષ્મ સંદેશ રહેલો છે કે કેમ એ જાણવું જરૂરી બને છે.

આ વાયરસની ઉત્પત્તિનું એક મુખ્ય કારણ કુદરતી નિયમોનો આપણા દ્વારા કરાતો સતત અનાદર છે. આની સાથોસાથ આપણે ecological systemના જોખમી અને ભંગુર સંતુલનની કરેલ અવગણના પણ કારણભૂત છે. આના માટે જે ધીરજ અને કાળજી રાખવી જરૂરી હતી તે આપણે રાખી શક્યા નથી. કુદરતી સંસાધનોના ઉપયોગ માટે સંતુલનની જાળવણીનો આદેશ આપણા સર્જનહારે આપ્યો છે. આ સંતુલનનું પ્રમાણ ન જળવાય અને એક નિયત મર્યાદાને ઓળંગી જાય ત્યારે પ્રાકૃતિક શક્તિઓ સ્વાભાવિક રીતે તેની સામે એટલા જ પ્રમાણમાં વિરૂદ્ધ પ્રતિક્રિયા આપે છે. આ કુદરતી પ્રતિક્રિયાનું પરિણામ ભૂકંપ, પૂર, વાવાઝોડા, દુકાળ, તીડના આક્રમણ અને રોગચાળા સ્વરૂપે બહાર આવે છે. આને આપણે પ્રકૃતિ સામે આદરેલા યુદ્ધનું આનુષંગિક નુકસાન- collateral damage પણ કહી શકીએ.

ઉપર્યુક્ત કારણોનો તાગ મેળવવામાં અને તેનો સ્વીકાર કરવામાં તો કોઈ ખાસ મુશ્કેલી પડતી નથી. પરંતુ આવી સામાજિક અને રાજકીય ઉત્પાત સર્જતી ઘટનાઓ પાછળ નૈતિક કારણો પણ રહેલાં હોય છે. આપણે એ બાબતનો ઇન્કાર નથી કરી શકતાં કે આપણી સૃષ્ટિમાં એક નૈતિક શક્તિ પણ મોજૂદ છે જે માનવતાનું સંચાલન કરે છે. વળી આ શક્તિ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે પોતાને વ્યક્ત પણ કરે છે. આપણા સમાજનો એક મોટો વર્ગ એવી શ્રદ્ધા ધરાવે છે કે આ નૈતિક મૂલ્યો અને નૈતિક વ્યવસ્થાઓનું જ્ઞાન સૃષ્ટિના રચયિતા અને પાલનહારે દિવ્ય ગ્રંથો અને પયગંબરો દ્વારા માનવી સુધી પહોંચાડ્યું છે. દૈવી આદેશ આધારિત આ નૈતિક દિશા છોડી જ્યારે આપણે બીજી દિશામાં ચાલવા લાગીએ છીએ તો એના પરિણામે સમાજમાં હિંસા, અન્યાય, અસમાનતા અને અત્યાચારનો વ્યાપ વધી જાય છે. સૃષ્ટિનો સર્જક આ સંજોગોમાં માનવી સમક્ષ લાલબત્તી ધરવા અમુક સંકેતો અને નિશાનીઓ મોકલે છે જેથી આપણે તેની નોંધ લઈ સાબદા થઈએ અને આપણા માથે ઝળુંબી રહેલા જોખમની ગંભીરતા સમજવા સક્રીય બનીએ. એમ કહી શકાય કે આ કુદરતે મુકેલા સ્પીડબ્રેકર છે જે બેફામ ગાડી હંકારતાં વારે છે. કોરોના મહામારી પણ સર્જનહાર દ્વારા માનવજાત માટેનું એક ગૂઢ સિગ્નલ છે જેથી આપણે આપણી રીતભાત સુધારી લઈએ અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ નિયત સીમા અને મર્યાદામાં રહીને કરીએ.

આ અંગે કોઈ એમ દલીલ કરીશ કે અને પ્રશ્ન પણ પૂછી શકે કે આવી ઇકોલોજિકલ આપત્તી ecological disaster અને ઘાતક મહામારીનો ભોગ સમગ્ર વસ્તી શા માટે બને છે. જો આ દૈવી યોજનાના ભાગરૂપે હોય તો આનો ભોગ એ જ લોકો બનવા જોઈએ જેઓ નૈતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરી એની સજાને પાત્ર બન્યા છે. પરંતુ આપણે જોઈએ છીએ કે સદાચારી અને ઈશ્વર ભીરૂ લોકો પણ આ મહામારીનો ભોગ બને છે. આ બાબત અંગે જો ઊંડાણપૂર્વક મનન કરવામાં આવે તો એ પરિણામ ઉપર ચોક્કસ આવશું કે આપણા સર્જનહારને એ પસંદ નથી કે આપણે આસપાસ ફેલાયેલા અન્યાયના મૂક પ્રેક્ષક માત્ર બની રહીએ બલ્કે જ્યારે પણ હિંસા, અત્યાચાર, ક્રુરતા અને લોકોની સતામણી થાય ત્યારે આપણે આપખુદશાહીની સામે ઊભા થવું જોઈએ તથા વગદાર અને શક્તિશાળીઓને દમન કરતાં અટકાવવા જોઈએ. અન્યાય થતો હોય ત્યારે એનો વિરોધ ન કરવો એ તો પરોક્ષ રીતે તેના આચરનારાને દરગુજર કરવા જેવું છે. આ બાબત આપણને તમામ પવિત્ર ગ્રંથો અને પયગંબરોના શિક્ષણમાં મળે છે. તેઓ લોકોને નેકીના કામો કરવા અને બદીના કામોથી અટકાવવાની શીખ આપે છે. આ કામ તેઓ પોતાની ધાર્મિક ફરજ સમજી કરે છે. આમ કોવિડ-૧૯ ઈશ્વરની કોઈ સજા નથી. અલબત્ત એની ચેતવણી અવશ્ય છે.

આજે ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને લઘુમતિઓના શોષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આની સાથોસાથ હિંસા, ભેદભાવ અને અત્યાચાર એટલી હદે સામાન્ય બની ગયાં છે કે એને લોકો ‘સામાન્ય’ અને રોજીંદી ઘટના ગણવા લાગ્યાં છે. સમાજે આવી ઘટનાનો ભોગ બનનારાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા ગુમાવી દીધી છે. હવે આવી ઘટનાઓ અટકાવાતી નથી. બલ્કે હવે તો એને સામાન્ય ગણી વ્યાજબી ઠેરવવામાં આવે છે. આ પરિસ્થિતિ આપણા બારણે ટકોરા મારી રહેલ મોટા જોખમ સામે આપણને ચેતવે છે.

તેથી આ સમય આત્મખોજ, મનન, આકલન અને જીવનશૈલીમાં સુધારો કરવા વિચારણા કરવાનો તથા વ્યક્તિગત અને સામાજિક સ્તરે વર્તનમાં સુધારો કરવાનો છે. આ બાબત સરકારોને પણ એટલી જ લાગુ પડે છે, કારણ કે તમામ લોકોને સલામતી, રક્ષણ, ગરિમા, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય પૂરૂં પાડવાની જવાબદારી તેમની જ છે. જાે આપણે પ્રમાણિક્તા અને હિંમતપૂર્વક આત્મનિરીક્ષણ અને ચિંતન કરીશું તો આપણે એ વાતનો અહેસાસ કરી શકીશું કે આપણે પોતાની જાતને અન્યાય કર્યો છે, પ્રકૃતિનો દુરુપયોગ કર્યો છે અને આપણને મળેલી અગણિત ને’મતો અને સર્જનહારે આપેલા સમૃદ્ધ સંસાધનો માટે ઈશ્વરનો આભાર માનવાને બદલે તેના અપકારનું વલણ દાખવ્યું છે. શા માટે આપણે આ તબક્કે પણ આપણી ભૂલનો એકરાર કરી ભૂલ સુધારી લઈ એણે ચીંધેલો માર્ગ અપનાવી લઈએ , એની તૌબા કરી લઈએ અને દ્રઢ સંકલ્પ કરીએ કે હવે આવી ભૂલ ફરી નહીં કરીએ. અમે પોતાના વર્તન અને અભિગમમાં સુધારો કરીશું. એ વાત સાચી છે કે માનવીએ છેલ્લા સો વર્ષમાં પૃથ્વીને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું નુકસાન અગાઉ ઇતિહાસમાં ક્યારેય નથી પહોંચાડયું. આમ છતાં હવે સમય પાકી ગયો છે કે આપણે જીવન પુસ્તકનું પાનું ફેરવી નવી શરૂઆત કરીએ. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે આ મહામારીના નિહિત સંકેતોને સમજવાની મથામણ કરીશું. અને ઘણું મોડું થઈ જાય એ પહેલાં સાચી દિશા ભણી પ્રયાણ કરવા સંકલ્પ કરીશું. –•–

સાભારઃ shorturl.at/qrtzF


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments