Thursday, November 21, 2024
Homeમનોમથંનમોરબી દુર્ઘટનાઃ અન્ય પરિપ્રેક્ષ્યમાં

મોરબી દુર્ઘટનાઃ અન્ય પરિપ્રેક્ષ્યમાં

ગત દિવસોમાં ગુજરાતનાં મોરબી શહેરમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ખૂબ જ ભયાનક દુર્ઘટના બની. આ અકસ્માતમાં લગભગ ૪૦૦થી વધુ લોકો પ્રભાવિત થયાં, સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા અને અન્ય ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ૩૦ ઓક્ટોબરના રોજ આ હૃદયદ્રાવક ઘટના બની અને થોડી જ વારમાં રાષ્ટ્રીય સમાચારોમાં હેડલાઇન્સ આવવા લાગી, બીજા દિવસે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ અકસ્માતને કવર કર્યો, ત્યાં જ સોશ્યલ મીડિયા પર પણ સતત પ્રક્રિયાઓનો સિલસિલો શરૂ થયો. મીડિયા અને સોશ્યલ મીડિયા ઉપર પ્રક્રિયાઓનો સિલસિલો મોટાભાગે રાજકીય હતો, સત્તા પક્ષ પર સવાલો ઉઠવા લાગ્યા, વહીવટીતંત્રની નિષ્ફળતાઓ પર પણ સવાલો ઉઠ્‌યા, સંવેદનાઓ વ્યક્ત કરવામાં આવી. સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટના પછી જે થાય છે તે બધું જ બન્યું અને બનવું પણ જાેઈતું હતું, કારણ કે આ અકસ્માત પ્રાણીઓ અને રોબોટ્‌સ વચ્ચે નહીં, પરંતુ માનવ સમાજમાં થયો હતો. એક સભાન અને સંવેદનશીલ જીવનાં સમાજમાં બન્યું છે, તેથી મન અને હૃદયમાં ચિંતા પેદા થવી આવશ્યક હતી.

પરંતુ આ સમગ્ર ઘટનામાં સામાજિક-રાજકીય પાસાં સિવાય એક ખૂબ જ મૂળભૂત પાસું પણ છુપાયેલું છે, જે ઘણીવાર અવગણવામાં આવે છે, અથવા તો તે આપણી ચેતનામાં જન્મતું જ નથી. તે છુપાયેલ પાસું મૃત્યુ છે. હા, તમે સાચું જ વાંચ્યું, મેં મૃત્યુ જ લખ્યું છે. હકીકતમાં, આપણું સામાજિક વાતાવરણ એટલું ભૌતિકવાદી બની ગયું છે કે મૃત્યુનો વિચાર આપણી ચેતનામાંથી ખાલી થતો જાય છે. અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણે ફક્ત રાજનૈતિક અને સામાજિક પ્રતિભાવો આપી મનને શાંત કરી લઈએ છીએ. પરંતુ આપણે આ ભૂલી જઇએ છીએ કે ખુદા ન કરે આવાં અકસ્માતો આપણી સાથે પણ થઈ શકે છે. ખુદા કરે આવા અકસ્માતો કોઈની સાથે ન થાય.  પરંતુ મૃત્યુ તો એક અટલ વાસ્તવિકતા છે, જે મને અને આપ બધાંને આવીને જ રહેશે. આ એ બોધપાઠ છે જે હું માનું છું કે દરેક જીવિત અને બુદ્ધિશાળી વ્યક્તિને આવી ઘટનાઓમાંથી સૌપ્રથમ લેવો જાેઈએ. કારણ કે મનુષ્યની સૌથી મોટી સમસ્યા તેના મૃત્યુની સમસ્યા છે. મૃત્યુ શું છે? તે શા માટે આવે છે? મૃત્યુ પછી શું થાય છે? આ એવા પ્રશ્નો છે જે મનુષ્યના મનમાં વારંવાર આવવા જાેઈએ, જેથી કરીને તેઓ તેમના જીવનનો સાચો હેતુ સમજી શકે. કુર્આન મૃત્યુ અને જીવન સંબંધે ફરમાવે છે કે,

‘‘દરેક સજીવે મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે, અને અમે સારી અને ખરાબ પરિસ્થિતિઓમાં મૂકીને તમારા સૌની પરીક્ષા કરી રહ્યા છીએ. છેવટે તમારે અમારા જ તરફ પાછા ફરવાનું છે.’’ (૨૧ઃ૩૫)

પરંતુ માનવીની સ્થિતિ એવી છે કે આ જીવનને એક પરીક્ષા અને નશ્વરતા સમજવાને બદલે તેણે વૈભવી અને ટકાઉ જીવન સમજી લીધું છે. સંસારના આનંદમાં એટલો મગ્ન બની ગયો છે કે મૃત્યુ પછી આવનાર જીવન માટે કોઈ તૈયારી કરી શકતો નથી. કુર્આન આ પરિસ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે,

‘‘તમને લોકોને વધુને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધુને ગફલતમાં નાખી રાખ્યા છે, ત્યાં સુધી કે (આ જ ચિંતામાં) તમે કબરોના કિનારા સુધી પહોંચી જાઓ છો.’’ (૧૦૨ઃ૧,૨)

હકીકતમાં, મૃત્યુની સ્મૃતિ માત્ર મૃત્યુ પછીના જીવન સાથે સંબંધિત નથી, પરંતુ આ સાંસારિક જીવન સાથે પણ ખૂબ ઊંડી છે. વિખ્યાત ઇસ્લામિક વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાન મૃત્યુની વિભાવનાને મનુષ્યો માટે માસ્ટર સ્ટ્રોક તરીકે વર્ણવે છે અને લખે છેઃ

‘‘મૃત્યુનો ખ્યાલ માણસ માટે માસ્ટર સ્ટ્રોક જેવો છે. માસ્ટર સ્ટ્રોક કેરમ બોર્ડ પરની તમામ ગોટીઓને તેમની જગ્યાએથી ખસેડી દે છે. આમ, જાે મૃત્યુનો વિચાર માણસમાં જીવંત હોય, તો તેના મનનાં તમામ ખૂણા હચમચી જાય છે. તેની વિચારસરણી અને તેની ઇચ્છા એક જ સમયે બદલાઈ જાય. તેના જીવનમાં એક ક્રાંતિ આવશે જે તેને એક નવો વ્યક્તિ બનાવશે. મોતથી ગફલત માણસને બેખબર બનાવે છે. તેનાથી ઊલટું મોતનું સ્મરણ માણસને સંપૂર્ણ બાખબર અને સભાન વ્યક્તિ બનાવી દે છે.’’

માણસ વિશેની આ મૂળભૂત અને અસાધારણ હકીકત છે જે તેણે યાદ રાખવી જાેઈએ. મૃત્યુ અને તેના પછીનું જીવન માણસ માટે સૌથી મોટી ચિંતા (Concern) બનવી જાેઈએ, કારણ કે આ ચિંતા જ વ્યક્તિને જીવનની વાસ્તવિકતાથી પરિચિત રાખે છે, આનાથી વ્યક્તિમાં દુષ્ટતાનો ઉપચાર થાય છે અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન મળે છે, અને જ્યારે આ સ્થિતિ સામૂહિક સ્તરે પ્રગટ થાય છે, ત્યારે સમાજમાં ભલાઈ, શાંતિ, દયા, નિઃસ્વાર્થતા અને ત્યાગનો પ્રચાર થાય છે અને અનિષ્ટો નબળા પડવા લાગે છે. જરૂર આ વાતની છે કે આપણે વિશ્વમાં બનતી આવી ઘટનાઓ અને અકસ્માતોને આ પાસાથી પણ ચિંતન-મનન શરૂ કરીએ, આપણી સમીક્ષાઓમાં આ પાઠને પણ સામેલ કરીએ. માનવ સમાજને એવી રીતે શિક્ષણ-પ્રશિક્ષણ કરીએ કે સમાજ બોધપાઠના પાસાઓને તમામ વસ્તુઓમાં પ્રાથમિકતા આપવાનું શરૂ કરે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments