Thursday, June 20, 2024
Homeપયગામઉખુવત કા બયાં હોજા, મુહબ્બત કી ઝબાં હોજા..

ઉખુવત કા બયાં હોજા, મુહબ્બત કી ઝબાં હોજા..

આશરે સો વર્ષ પહેલાં આઝાદીની ચળવળની સાથે સાથે હિન્દુત્વવાદી વિચારકોએ હિંદુ મુસ્લિમ દુશ્મની અને ભેદભાવનું  બીજ વાવ્યું હતું. સંઘે તેના હિંદુ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા ખૂબ વૈચારિક માવજત કરી. તે વિચાર હવે વટવૃક્ષ બની ગયું છે. હિંદુ સમુદાયનું ધ્રુવીકરણ કરવા સાવરકરે એક બાજુ હિન્દુત્વનો શબ્દ અને વિચાર સૌ પ્રથમ રજૂ કર્યો  અને બીજી બાજુ ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં મુસ્લિમ રાજાઓના હુમલાને ખૂબ જ અતિશયોક્તિપૂર્વક અને પક્ષપાતી રીતે રજૂ કર્યા . દાખલા તરીકે તેઓ લખે છે કે મુસલમાન યુદ્ધમાં પુરુષોને કત્લ કરતા હતા અને સ્ત્રીઓને બળજબરીથી મુસલમાન બનાવતા હતા. અને આગળ લખે છે કે “દરેક મુસ્લિમની ધાર્મિક જવાબદારી હતી કે તેઓ હિંદુ સ્ત્રીનું અપહરણ કરી તેની સાથે શારીરિક સંબંધ બનાવે અને બળપૂર્વક મુસલમાન બનાવે કે જેથી તેનો વંશ આગળ વધે. આ મુસલમાનોનું યુદ્ધનું ઝનૂન ન હતું બલ્કે પોતાની જનસંખ્યા વધારવાનું પૂર્વ નિયોજિત ષડ્‌યંત્ર હતું.” આવી ઘણી બાબતો દ્વારા બંને સમુદાયો વચ્ચે ગેરસમજાે ઊભી કરાઈ અને અંતર વધાર્યું.

મુસલમાનોની સૌથી મોટી નિષ્ફળતા એ હતી કે તેઓ સામૂહિક રીતે પોતાના વાણી વ્યવહારથી ઇસ્લામનો સાચો પરિચય ન આપી શક્યા. એક સામાન્ય વસ્તુ યાદ રાખવી જાેઈએ કે જયારે બે ભાઈઓ ઝઘડો કરે છે તો તેમાં કોઈ વિજયી થતો નથી, પરંતુ પ્રેમ હારી જાય છે. તે જ રીતે નફરત અને દ્વેષથી કોઈ સમુદાય વિશેષનો લાભ થવાનો નથી પણ દેશ નબળો પડશે,તે ચોક્કસ છે.

પ્રવર્તમાન દેશની પરિસ્થિતિ બારૂદના ભંડાર જેવી થઈ ગઈ છે. ગેરસમજાે અને ભ્રમણાઓ મોટાપાયે જાેવા મળે છે. જ્યાં સુધી તે દૂર ન થાય દેશમાં શાંતિનો માહોલ શક્ય નથી. સોશ્યલ મીડિયાના આ યુગમાં કોઈ પણ માહિતી ખૂબ જ ઝડપી રીતે પ્રસરી જાય છે અને ભાંગફોડ સર્જે છે. ખોટી માહિતી તથા અપપ્રચારના આધારે મુસ્લિમ સમુદાય વિશે એક નકારાત્મક છબી ઉપસી આવી છે. હવે તેને દૂર કરવાની જવાબદારી મુસ્લિમ સમુદાયની જ છે. કોમવાદી લોકોએ જે ગંદકી ફેલાવી છે, સ્વચ્છ પાણીથી તેને આપણે જ દૂર  કરવી રહી.

ઇસ્લામ તલવારથી ફેલાયો છે, મુસલમાનો પોતાની જનસંખ્યા વધારી આ દેશ પર કબ્જાે કરવા માંગે છે, મુસલમાનો ગંદા અને ઝઘડાળુ હોય છે, તેઓ ચાર પત્ની અને ૨૫ બાળકો કરે છે, તેઓ પોતાની બહેનથી વિવાહ કરે છે, અલ્લાહુ અકબરનો મંત્ર બોલી તેઓ મોઘલ બાદશાહ અકબરના ગુણગાન કરે છે. તેઓ દરેક કાર્ય હિંદુઓથી ઊલટા કરે છે. તેઓ જ્યાં રહે છે ત્યાં ક્યારેય શાંતિ સ્થાપિત થઈ શકતી નથી. મુસલમાનો આતંકવાદ ફેલાવે છે. ધર્મ પરિવર્તન કરાવવા તેમને બહારથી મદદ મળે છે. મુસલમાનોની તીર્થ ભૂમિ અરબ છે, તેથી તેઓ ક્યારેય દેશના વફાદાર થઈ શકતા નથી. મુસલમાનો ગઝ્‌વાએ હિન્દનું ષડ્યંત્ર રચી રહ્યા છે અને પાકિસ્તાન સાથે મળી દેશ પર કબ્જાે કરશે. તેઓ યોજનાબદ્ધ રીતે લવ જિહાદ અને લેન્ડ જિહાદ કરી રહ્યા છે,વગેરે વગેરે. 

અમૃતને ઝેર તરીકે ચીતરવામાં આવી રહ્યું છે કે જેથી પોતાના નિર્ધારિત હિત સાકાર થાય અને મુસલમાનો વધુ ને વધુ કમજાેર બને. નફરતના મદારીઓએ પોતાની મશીનરી, અસત્યનું પ્રસારણ કરવા લગાવી દીધી છે અને તેના ફાયદાઓ પણ મેળવી રહ્યા છે. તેથી આજે રાજનેતાઓની ફેશન બની ગઈ છે કે પોતાની જાતને બીજાથી વધુ ચઢિયાતો હિંદુ દર્શાવવો અથવા મુસ્લિમ વિરોધી સુર અલાપવો. હવે દેશમાં આ ઘૃણાની માનસિકતા જેટલી પ્રબળ બનશે, સમાજમાં કોમી તંગદિલી તેટલી જ વધશે. આ ગેરસમજાે આજની નથી કે ઉપલા સ્તરની નથી. તેના મૂળ ખૂબ ઊંડા છે. ૧૦૦ વર્ષથી એકનો એક પ્રચાર સતત ચાલી રહ્યો છે. ચાર ચાર પેઢી આ કુપ્રચારથી પ્રભાવિત થઈ છે, જેણે હવે માનસિક વિકૃતિનું રૂપ લઈ લીધું છે.

જાે આપણે સાચે જ દેશ ઉપર કોઈ ઉપકાર કરવા માગતા હોઈએ તો એક મહત્ત્વનું કાર્ય આ જ છે કે દેશ બાંધવો સાથે વધુ ને વધુ સંપર્ક વધારીએ. પોતાના ચરિત્ર અને વર્તનથી તેમના મગજમાં રહેલી ખોટી માન્યતાઓને દૂર કરીએ અને ઇસ્લામનો  સાચો સંદેશ તેમના સુધી પહોચાડીએ. મોડું તો થયું છે પણ ઘણું મોડું નથી થયું. ઓછામાં ઓછા ૫૦ વર્ષનું આયોજન કરીએ અને અમે પોતે ઇસ્લામનું વ્યવહારુ ઉદાહરણ બની પ્રત્યક્ષ તેઓને દર્શાવીએ.

ફક્ત ઇસ્લામ વિશેની ગેરસમજાે જ નથી પણ મુસલમાનોની ઘણી બધી સામાજિક બૂરાઈઓ પણ છે, જેની અસરો દૂર કરવી પડશે. પ્રજામાં વૈચારિક અંધકાર અને ભૌતિક્વાદની પરાકાષ્ઠા છે. અંધ શ્રદ્ધા છે અને કુરિવાજાે છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ મનેચ્છાઓના  જાળમાં ફસાયેલી છે. આર્થિક અને રાજનૈતિક કટોકટી છે. નૈતિક અધઃપતન અને જીવન ઉદ્દેશ્યથી વંચિત માનવતાને સાચા માર્ગની જરૂર છે.

આ આપણી માનવીય જવાબદારી પણ છે અને દેશના ગંભીર નાગરિક હોવાના નાતે નાગરિક ફરજ પણ. શક્ય હોય તેટલા પ્લેટફોર્મ ઊભા કરીએ. વાર-તહેવારે એક બીજાના ઘરે જઈએ.મિલન-મુલાકાતના દરેક પ્રસંગને અગ્રતા આપીએ. આજે મુસ્લિમ સમુદાય જે પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો છે તેમાં કોઈ નકારાત્મક પ્રતિક્રિયા આપવાની જરૂર નથી, ન જ નિરાશ થવાની કે ઉગ્ર બનવાની જરૂર છે. કુઆર્નમાં વર્ણવેલ ઘણા કિસ્સાઓ છે કે અલ્લાહે કેવી રીતે કમજાેર સમુદાયને સંસારમાં પ્રાધાન્ય આપ્યું. દુશ્મનો પોતે ઇસ્લામના આવાહક અને રક્ષક બની ગયા.

કુઆર્નના અવતરણ પહેલાંનો આરબ દેશ અને તેના ૨૩ વર્ષ પછીનું અરબસ્તાન જાેઈ લો. અલ્લાહે પાતાળમાં પડેલી એક કોમ ને દુનિયાના આકાશ પર બિરાજમાન કરી દીધી. માત્ર સત્તા પરિવર્તન જ ન થયું બલ્કે સંપૂર્ણ  જીવન પરિવર્તન થઈ ગયું. આટલા ટૂંક સમયમાં આટલી સફળ અને વ્યાપક વૈશ્વિક ક્રાંતિ માનવ ઇતિહાસમાં ક્યારેય નોંધાઈ નથી. 

આપણે અલ્લાહના પ્રકોપની રાહ જાેઈને બેસી રહી શકતા નથી. ન જ કોઈ ચમત્કારના ભરોસે ઘરમાં બેસી રહીએ. થોડા ઘણા જે પણ પ્રયત્નો કરીશું, તેના ફળ જરૂર મળશે. આપણી નવી પેઢીને પ્રશિક્ષિત કરીએ કે ઇસ્લામી જીવન કેવી રીતે જીવી શકાય. સમાજમાં ઇસ્લામ વિરુદ્ધ જે કાંઈ  નકારાત્મક વાતાવરણ ઊભું થયું છે તેને નાબૂદ કરવા ચળવળ ચલાવવી પડશે. આ કાર્ય મુશ્કેલ જરૂર લાગે છે પણ અસંભવ નથી.

અન્યાયની નગરીમાં ન્યાયની સ્થાપના કરવી,ખોટાઓના મહેલોમાં સત્ય ઉચ્ચારણ કરવું, અત્યાચારી સામે ધૈર્યની ચટ્ટાન બની જવું, નફરત સામે પ્રેમનું વહેણ બની જવું,અંધકાર સામે પ્રકાશનો મીનાર બની જવું એ આપણી ધાર્મિક જવાબદારી પણ છે.

નફરતના વાદળો લાંબા સમય સુધી રહી શકતા નથી. અલ્લાહની કૃપાના પડછાયા હંમેશાં આપણી સાથે છે. બસ જરૂર છે, ઇસ્લામનું જ્ઞાન પ્રાપ્ત કરી, કુઆર્ન અને હદીસ પાકથી સંબંધ મજબૂત બનાવીએ. હઝરત મુહમ્મદ ના શિક્ષણથી પોતાના હૃદયને શણગારીએ તથા દેશના વિકાસ અને ઉન્નતિમાં પોતાની ભૂમિકા ભજવીએ. જાે તમે દેશમાં કોમી સૌહાર્દ લાવવા માંગતા હોય કે નફરત અને દ્વેષનું વાતાવરણ નાબૂદ કરવા ઇચ્છતા હોવ, જાે તમે ભૌતિક પ્રગતિ સાધવા માંગતા હોવ કે એક મજબૂત શક્તિ બનવા માંગતા હોવ, દુનિયાના માર્ગદર્શક બનવા માંગતા હોવ કે સત્તાના આકાશમાં ચમકવા માંગતા હોવ, તો તેનો એક ને એકમાત્ર ઉપચાર છે .અને તે એ કે ઇસ્લામના સાચા એમ્બેસેડર બની જાવ. મને આશા છે કે તમો વિપરીત પરિસ્થિતિઓમાંથી અવસરની ક્ષણો ચોરી ભવિષ્યના  સુંદર નિર્માણ માટે ધૈર્યવાન બની મેદાનમાં આવશો.

ગુઝર જા બનકે સૈલે તુંદ રો કોહ વ બ્યાબાં સે
ગુલિસ્તાન રાહ મેં આયેં તો જુએ નગ્મા ખ્વાં હોજા
તેરે ઇલ્મ વ મુહબ્બત કી નહીં હૈ ઇન્તેહા કોઈ
નહીં હૈ તુઝ સે બઢકર સાઝે ફિતરત મેં નવા કોઈ

(અલ્લામા ઇકબાલ રહ.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments