ધર્મના ત્રણ ઉદ્દેશ્ય હોય છે. પ્રથમ ઉદ્દેશ્ય આ છે કે મનુષ્યોને પાશ્વિકતા તથા ઉદ્દંડતાની ગર્તામાંથી કાઢી મનુષ્ય બનાવવા. પછી તેમને પવિત્ર સદાચાર શીખવીને સર્વગુણ સંપન્ન માનવ બનાવવા, અને ત્રીજો આ કે તેમના અંતરમાં ઉચ્ચ ભાવના ઉત્પન્ન કરીને તેમને સદાત્મા બનાવીને પોતાના રબથી મળવા યોગ્ય બનાવવા. મુસ્લિમ વિદ્ધાનોએ પણ ઇસ્લામના આ જ ત્રણ ઉદ્દેશ્ય બતાવ્યા છે. આ ત્રણેય ઉદ્દેશ્યો સંબંધે પવિત્ર કુર્આનમાં જે કંઈ બનાવવામાં આવ્યું છે એ નિમ્નલિખિત છે :
પ્રથમ ઉદ્દેશ્ય : સભ્ય માનવ બનાવવા
(૧) હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! પોતાના ઘર સિવાય બીજાઓના ઘરોમાં પ્રવેશ ન કરો જ્યાં સુધી ઘરવાળાઓની પરવાનગી ન મેળવી લો અને ઘરવાળાઓને સલામ ન કરી લો, આ પદ્ધતિ તમારા માટે વધુ સારી છે. આશા છે કે તમે તેનું ધ્યાન રાખશો. પછી જો ત્યાં કોઈને (હાજર) ન જુઓ તો પ્રવેશ ન કરો જ્યાં સુધી તમને પરવાનગી આપી દેવામાં ન આવે. અને જો તમને કહેવામાં આવે કે પાછા જતા રહો તો પાછા ચાલ્યા જાવ, આ તમારા માટે વધુ શુદ્ધ રીત છે, અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેને ખૂબ જાણે છે. (સૂરઃ નૂર, આયત-૨૭, ૨૮)
(૨) હે નબી ! ઈમાનવાળા પુરુષોને કહો કે નજરો બચાવીને રાખે અને પોતાના ગુપ્તાંગોની રક્ષા કરે, આ તેમના માટે વધારે પવિત્ર રીત છે. જે કંઈ તેઓ કરે છે અલ્લાહને તેની ખબર રહે છે. (સૂરઃ નૂર, આયત-૩૦)
(૩) અને લોકોથી મોઢું ફેરવીને વાત ન કર, અને ન ધરતી પર અકડાઈને ચાલ, હકીકતમાં અલ્લાહ કોઈ સ્વચ્છંદી અને અહંકારી વ્યક્તિને પસંદ નથી કરતો. પોતાની ચાલમાં સંતુલન રાખ, અને પોતાનો અવાજ સહેજ ધીમો રાખ, હકીકતમાં બધા અવાજોથી ખરાબ અવાજ ગધેડાઓનો અવાજ હોય છે.’’ (સૂરઃ લુકમાન, આયત-૧૮, ૧૯)
(૪) નિંદનીય તો તે છે જે બીજાઓ પર અત્યાચાર કરે છે અને ધરતીમાં નાહક અતિરેક કરે છે. આવા લોકો માટે પીડાકારી યાતના છે. (સૂરઃ શૂરા, આયત-૪ર)
બીજો ઉદ્દેશ્ય : માનવને ખરા અર્થોમાં માનવ બનાવવા
(૧) હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! શેતાનના પગલે ન ચાલો. તેનું અનુસરણ જે કોઈ કરશે તો તે તેને અશ્લીલતા અને બૂરાઈનો જ આદેશ આપશે. (સૂરઃ નૂર, આયત-૨૧)
(૨) દરેક મનુષ્યનો શુકન અમે તેના ગળામાં લટકાવી રાખ્યો છે અને કયામત (પુનર્જીવન)ના દિવસે અમે એક લખાણ તેના માટે કાઢીશું જેને તે ઉઘાડા પુસ્તકની જેમ જોશે વાંચ પોતાની કર્મનોંધ, આજે પોતાનો હિસાબ કરવા માટે તું પોતે જ પૂરતો છે. જે કોઈ સન્માર્ગ અપનાવે, તેનું સન્માર્ગે ચાલવું તેના પોતાના માટે જ લાભદાયક છે, અને જે પથભ્રષ્ટ થાય તેની પથભ્રષ્ટતાનું પરિણામ તેના પર જ છે. કોઈ બોજ ઉપાડનાર બીજાનો બોજ નહીં ઉપાડે. (સૂરઃ બની ઇસરાઈલ, આયતો – ૧૩, ૧૪, ૧૫)
(૩) હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! પરસ્પર એકબીજાનો માલ અનુચિત રીતે ન ખાઓ, લેવડ-દેવડ થવી જોઈએ એકબીજાની સંમતિથી, અને પોતે પોતાની હત્યા ન કરો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારા ઉપર મહેરબાન છે. (સૂરઃ નિસા, આયત-૨૯)
(૪) હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! જાણી જોઈને અલ્લાહ અને તેના રસૂલ સાથે વિશ્વાસઘાત ન કરો, પોતાની અમાનતોમાં દ્રોહનું આચરણ ન કરો. (સૂરઃ અન્ફાલ, આયત-૨૭)
(૫) હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે. અલ્લાહનો ડર રાખીને કામ કરતા રહો, જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી પૂરેપૂરો વાકેફ છે. (સૂરઃ માઇદહ, આયત-૮)
(૬) રહ્યા તે લોકો જેઓ અલ્લાહ સાથેના કરારને મજબૂત બાંધી લીધા પછી તોડી નાખે છે, જેઓ તે સંબંધોને કાપી નાખે છે જેને અલ્લાહે જોડવાનો આદેશ આપ્યો છે અને જેઓ ધરતી ઉપર બગાડ ફેલાવે છે, તેઓ ધિક્કારને પાત્ર છે અને તેમના માટે આખિરત (પરલોક)માં ઘણું જ ખરાબ ઠેકાણું છે. (સૂરઃ રઅ્દ, આયત-૨૫)
(૭) ધરતીમાં બગાડ પેદા ન કરો જ્યારે કે તેની સુધારણા થઈ ચૂકી છે અને અલ્લાહને જ પોકારો ડર અને અભિલાષા સાથે, નિઃસંદેહ અલ્લાહની કૃપા સદ્ચરિત્ર લોકોના સમીપ છે. (સૂરઃ આ’રાફ, આયત-૫૬)
(૮) અને (હે મુસલમાનો !) આ લોકો અલ્લાહ સિવાય જેમને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો, ક્યાંક એવું ન થાય કે આ લોકો ર્શિક (અનેકેશ્વરવાદ)થી આગળ વધીને અજ્ઞાનતાના કારણે અલ્લાહને અપશબ્દો કહેવા લાગે. (સૂરઃ અન્આમ, આયત-૧૦૮)
ત્રીજો ઉદ્દેશ્ય : માનવને ઈશ્વર-પ્રિય બનાવવા
(૧) અને તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેના સાથે કોઈને ભાગીદાર ન બનાવો, માતા-પિતા સાથે સારો વ્યવહાર કરો, સગા-સંબંધીઓ અને અનાથો અને જરૂરતમંદ લોકો સાથે સદ્વર્તન દાખવો, અને પાડોશી સગા સાથે, અજાણ્યા પાડોશી સાથે, સાથે બેસનારા સંગાથીઓ અને મુસાફરો સાથે, અને તે દાસ-દાસીઓ સાથે જેઓ તમારા કબજામાં હોય ભલાઈનું વર્તન દાખવો, વિશ્વાસ રાખો કે અલ્લાહ કોઈ એવા માણસને પસંદ નથી કરતો જે પોતાના અહંકારમાં ગળાડૂબ હોય અને પોતાની મોટાઈનું ઘમંડ કરે. (સૂરઃ નિસા, આયત-૩૬)
(ર) ઉપરાંત, આ લોકો પરસ્પર કહે છે કે પોતાના સહધર્મીઓ સિવાય કોઈની વાત ન માનો. હે નબી ! આ લોકોને કહી દો કે, ‘‘ખરેખર માર્ગદર્શન તો અલ્લાહનું જ માર્ગદર્શન છે અને આ તેની જ દેણ છે કે કોઈને તે જ આપી દેવામાં આવે જે ક્યારેક તમને આપવામાં આવ્યું હતું, અથવા એ કે બીજાઓને તમારા રબ સમક્ષ રજૂ કરવા માટે તમારા વિરુધ્ધ મજબૂત દલીલ મળી જાય.’’ હે નબી ! તેમને કહો, ‘‘કૃપા અને બહુમાન અલ્લાહના અધિકારમાં છે, જેને ચાહે આપે. તે વિશાળ દૃષ્ટિવાળો છે અને બધું જ જાણે છે. પોતાની કૃપા માટે જેને ચાહે છે વિશિષ્ટ કરી લે છે અને તે મોટો કૃપાવાન છે.’’ (સૂરઃ આલે ઇમરાન, આયત-૭૩, ૭૪)
(૩) આ ધન અને આ સંતાનો માત્ર દુનિયાના જીવનની એક હંગામી સજાવટ છે. હકીકતમાં તો બાકી રહી જનાર સદ્કાર્યો જ તારા રબના સમીપ પરિણામની દૃષ્ટિએ વધુ સારા છે અને તેનાથી જ સારી આશા રાખી શકાય છે. (સૂરઃ કહફ, આયત-૪૬)
(૪) અલ્લાહ જેને ચાહે છે વિપુલ રોજી આપે છે અને જેને ચાહે છે બાંધી રોજી આપે છે. આ લોકો દુનિયાના જીવનમાં મગ્ન છે, જો કે દુનિયા (આલોક)નું જીવન આખિરત (પરલોક)ના મુકાબલામાં અલ્પ સુખ-સામગ્રી સિવાય કંઈ નથી. (સૂરઃ રઅ્દ, આયત-૨૬)
(૫) નમાઝ કાયમ કરો અને ઝકાત આપો. તમે તમારી આખિરત માટે જે સદ્કાર્ય કમાવીને આગળ મોકલશો, અલ્લાહને ત્યાં તમે તેને મોજૂદ જોશો. જે કંઈ તમે કરો છો, તે બધું અલ્લાહની નજરમાં છે. (સૂરઃ બકરહ, આયત-૧૧૦)
(૬) લોકો ! બચો પોતાના રબના પ્રકોપથી અને ડરો તે દિવસથી જ્યારે કે કોઈ પિતા પોતાના પુત્ર તરફથી બદલો નહીં આપે અને ન કોઈ પુત્ર પોતાના પિતા તરફથી કંઈ બદલો આપનાર હશે. હકીકતમાં અલ્લાહનો વાયદો સાચો છે. તો તમને આ દુનિયા (આલોક)નું જીવન ધોખામાં ન નાખે, અને ન તો ધોખાબાજ (શેતાન) તમને અલ્લાહના મામલામાં ધોખો આપી જાય. (સૂરઃ લુકમાન, આયત-૩૩)
(૭) હે નબી ! પોતાના રબ (માલિક અને પાલનહાર)ના માર્ગ તરફ બોલાવો હિકમત (વિવેક-બદ્ધિ અને તત્ત્વદર્શિતા) અને ઉત્તમ શિખામણ સાથે અને લોકો સાથે ચર્ચા અને સંવાદ કરો એવી રીતે જે શ્રેષ્ઠ હોય. તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકી ગયો છે અને કોણ સન્માર્ગ ઉપર છે. (સૂરઃ નહ્લ, આયત-૧૨૫)
(૮) સાચા ઈમાનવાળા તો તે લોકો છે જેમના હૃદય અલ્લાહનું નામ સાંભળીને ધ્રૂજી ઊઠે છે અને જ્યારે અલ્લાહની આયતો તેમની સામે પઢવામાં આવે છે તો તેમનું ઈમાન વધી જાય છે અને તેઓ પોતાના રબ (માલિક) ઉપર ભરોસો રાખે છે. (સૂરઃ અન્ફાલ, આયત-૨)
(૯) (રહમાન) અત્યંત કરુણામય અલ્લાહના (સાચા) બંદા તેઓ છે જેઓ ધરતી ઉપર નમ્રતાપૂર્વક ચાલે છે અને જાહિલ (અજ્ઞાની) તેમના મોઢે લાગે તો કહી દે છે કે તમને સલામ. (સૂરઃ ફુર્કાન, આયત-૬૩) (૧૦) “એ કે કોઈ બોજ ઉઠાવનાર બીજા કોઈનો બોજ નહીં ઉઠાવે, અને એ કે મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી પરંતુ તે કે, જેના માટે તેણે પ્રયાસ કર્યો છે, અને એ કે તેના પ્રયાસો ટૂંક સમયમાં જ જોવામાં આવશે પછી તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને એ કે છેવટે પહોંચવાનું તારા રબના જ પાસે છે.” (સૂરઃ નજ્મ, આયત-૩૮-૪૨) •••