Monday, February 16, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપએગ્રી ટુ ડિસએગ્રી એ જ લોકશાહી

એગ્રી ટુ ડિસએગ્રી એ જ લોકશાહી

લોકશાહી એટલે ચર્ચાચોરો. જો ચર્ચા ન હોય તો પછી ચોરે ચર્ચા ચાલ્યા કરશે. ચોરે ચર્ચા ચાલે એને તો રોકી શકાતી નથી, પરંતુ વિધાનગૃહોમાં અને સંસદમાં ચર્ચાના બદલે એકબીજાને ભાંડવાનું ચાલ્યા કરે છે. દિવસો ઓછા થતા જાય છે, દિવસોના કલાકો ઘટે છે અને ચર્ચા કરી શકાય એવું ભાગ્યે જ થાય છે.

ચર્ચાનું એક મેનેજમેન્ટ હોય છે. મત-મતાંતર છે, મંતવ્ય જુદા છે એટલે જ ચર્ચાની આવશ્યકતા છે. ચર્ચામાં એકબીજાની સામે બોલવાનું નથી, વારાફરતી બોલવાનું છે. બીજો બોલે તેને સાંભળવાનું છે, પોતાનો વારો આવે ત્યાં સુધી શાંત રહેવાનું છે. આવી વ્યવસ્થા માટે જ ક્લાસમાં મોનિટર અને વિધાનગૃહોમાં સ્પીકર રાખવામાં આવે છે. સ્પીકરને ભાગ્યે જ બોલવાનું હોય છે, એમણે તો બોલવા ઈચ્છનાર હર કોઈને તક પૂરી પાડવાની હોય છે. જે નિયમનું પાલન ન કરવા માંગતા હોય, તેનું નામ દઈને સભાગૃહમાંથી દૂર થવા સંકેત કે આદેશ આપવાનો હોય છે.

સરકારો બદલાય છે પણ સરખી રીતે ચર્ચાઓ થતી નથી. ચર્ચાનું સ્તર ઊંચું આવતું નથી. બંને પક્ષે દોષ છે. વિરોધ પક્ષ પણ જાણે ગૃહ બંધ કરાવવા જ આવ્યો હોય અને સરકારી પક્ષ એવું બને તેની રાહ જોતો હોય, એવો માહોલ ભારતની લોકશાહીમાં નવો નથી.

આખા દેશમાં પવિત્ર મતદાન પછી પ્રતિનિધિઓ બોલતા રહે છે, નાગરિકોને બોલવા દેવાતા નથી. માની લઈએ કે બધાને બોલવું નથી, પણ જેને બોલવું છે એ વર્ગમાંથી જ ફરિયાદ આવે છે કે એમને બોલવા દેવાતા નથી. સરકાર વિરુદ્ધ બોલવું કે તેની મર્યાદા કે દોષ બતાવવા એ તો નાગરિકોની ફરજ છે. અખબારો અને માધ્યમો મૂંગી બહુમતીનો અવાજ બને એ લોકશાહીમાં અપેક્ષિત છે. બધી જ ચર્ચા પ્રક્રિયા ગાળાગાળી વિના કે મારામારી વિના થવી જોઈએ, એટલું જ ઇચ્છનીય હોય છે.

વિધાનગૃહોમાં પ્રશ્નકાળ અને તેના પર પેટા પ્રશ્નોની વ્યવસ્થા એથી જ તો ઊભી કરવામાં આવી છે. નાગરિકોને માહિતીનો અધિકાર તેથી જ આપવામાં આવ્યો છે. જાગૃત નાગરિકોએ યોગ્ય મુદ્દા ઊભા કરવાની ફરજ નિભાવવાની છે. સ્પીકરની માફક સરકારે પણ તટસ્થતા કેળવવાની છે. જે લોકો લખીને પોતાનો મત વ્યક્ત કરે છે, તેના પ્રચાર-પ્રસાર માટેની સગવડો વધારવાની છે. સર્વોચ્ચ અદાલતે સામાન્ય લોકોને સમજાય તેવી સરસ રીતે વારંવાર કહ્યું છે કે, “કુકરની સીટી વાગવા દો, નહીંતર કુકર ફાટશે.” ઘરની બહેનોને જે સમજાય છે તે કદાચ દેશને સમજાતું નથી.

ગાંધી હત્યા પછી સરદાર અને નહેરુ વચ્ચેના મતભેદો અને તે અંગેનો પત્રવ્યવહાર બહાર આવ્યો હતો. બંનેને જાણે સામે બેસીને વાત કરવાનો સમય મળતો નથી, એટલે લખીને એકબીજા પ્રત્યેનો આદર્શ સહકાર અને ભેગા મળીને દેશ માટે કરવાના કામોની વાતો તેઓ એકબીજાને લખ્યા કરે છે. છેક સુધી બંને જણ દેશ માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહ્યા અને ગાંધીનો આદર પાળતા રહ્યા તે આપણે બધાએ જોયું છે.

વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે જુદો મત હોય એ સાવ સ્વાભાવિક વાત છે. એ માટે જ સાથે બેસીને ચર્ચા કરવાની પ્રથા ઊભી થતી હોય છે. ગાંધીએ નાસ્તિક ગોરા સાથે પણ લાંબી ચર્ચા કરી છે જે ઉપલબ્ધ છે. ઈશ્વરના અસ્તિત્વ વિશે આસ્તિક કાર્ડિનલ પોપ અને નાસ્તિક બર્ટ્રાન્ડ રસેલ વચ્ચેની લાંબી ચર્ચા આજે આપણે વાંચીએ છીએ. આંબેડકર અને ગાંધી, ઝીણા અને ગાંધી વચ્ચે લાંબો સમય ચર્ચાઓ ચાલતી જ રહી હતી. અમેરિકન પ્રમુખ કેનેડીએ આંતરરાષ્ટ્રીય ચર્ચાઓના સંદર્ભમાં યોગ્ય રીતે કહ્યું હતું કે, “ચર્ચાથી ડરો નહીં અને ડરીને ચર્ચા કરો નહીં.”

અમર્ત્ય સેને જે પુસ્તક લખ્યું છે તેનું નામ જ છે ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’. ચર્ચાની આપણી ભવ્ય પરંપરાઓનો ગૌરવપૂર્ણ વારસો એમણે ઉદાહરણો સાથે નોંધ્યો છે. તે પછી લોર્ડ ભીખુ પારેખે પણ ‘ડિબેટિંગ ઇન્ડિયા’ પુસ્તક લખીને આ જ વાતને ઘૂંટી છે.

આજે આપણે ચર્ચાથી કેમ દૂર ભાગીએ છીએ એ એક અકળ રહસ્ય છે. જેને કશું છુપાવવાનું નથી એણે ડરવું ન જોઈએ. ચર્ચાથી પરિણામ આવશે જ એની ખાતરી નથી હોતી, પણ તંગ માહોલ એનાથી ચોક્કસ હળવો બને છે. એકબીજાનો મુદ્દો સમજવાની માનસિકતા પ્રગટે છે. આ થાય એટલે દુશ્મનાવટનો બરફ પીગળે છે, ગેરસમજો દૂર થાય છે અને સમસ્યાનું મહત્વનું પાસું જો ધ્યાન બહાર ગયું હોય તો કેન્દ્રમાં આવે છે.

ઘરમાં, સમૂહમાં, વિધાનગૃહોમાં અને આખા દેશમાં ચર્ચાબંધી હોય એવું વાતાવરણ પ્રસરવું ન જોઈએ. અસંમતિ માટે સંમત થવાની ઉદારતા હોવી જોઈએ, એ વિના લોકશાહીનો જયવારો નથી.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments