Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપશું આપણે ખરેખર આઝાદ છીએ?

શું આપણે ખરેખર આઝાદ છીએ?

આજથી આશરે ૭૯ વર્ષ પહેલાં ભારતે અથાગ પરિશ્રમ અને અગણિત બલિદાનો પછી આઝાદી મેળવી હતી. આ આઝાદી આપણને ભીખમાં નહોતી મળી, પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના રાત-દિવસના સંઘર્ષનું પરિણામ હતી. “આઝાદી” માત્ર એક શબ્દ નથી, તેના પોતાના ઘણા ઊંડા અર્થ થાય છે; મુક્તિ, સ્વનિર્ભરતા અને પોતાના નિર્ણયો પોતે લેવાની ક્ષમતા વગેરે.

ભારતની આઝાદીનો ઇતિહાસ ઘણો લાંબો અને સંઘર્ષોથી ભરેલો છે. ૧૭મી સદીમાં અંગ્રેજો વેપાર કરવા આવ્યા, પરંતુ ધીમે-ધીમે તેમણે ભારત પર શાસન કરવાનું શરૂ કરી દીધું. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી તેમનું નિયંત્રણ વધુ મજબૂત બન્યું. ૧૮૫૭માં પ્રથમ મોટો વિદ્રોહ થયો, જેને સ્વાતંત્ર્ય સંગ્રામની પહેલી લડાઈ માનવામાં આવે છે. ત્યારપછી કૉંગ્રેસના માધ્યમથી આ આંદોલન સંગઠિત બન્યું.

૨૦મી સદીમાં મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે આંદોલનને આગળ ધપાવ્યું. સાથે જ સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓએ પણ આઝાદીની લડતને વેગવંતી બનાવી. આખરે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું. આ આઝાદીમાં નેહરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદ જેવા અનેક અગ્રણી નેતાઓનું પણ મોટું યોગદાન રહ્યું.

આઝાદી મળ્યા પછી ભારત એક લોકતાંત્રિક રાષ્ટ્ર બન્યું અને ભારતીય બંધારણ (The Constitution of India) અમલમાં આવ્યું. બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે જે શાસન ચલાવે છે અને દેશમાં વ્યવસ્થા જાળવી રાખે છે. તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે અને સરકારને તેની સત્તાનો દુરુપયોગ કરતાં રોકે છે. એક આદર્શ બંધારણ સમયાનુકૂળ બદલાવ માટે પરિવર્તનશીલ અને દેશના હિત માટે મજબૂત હોય છે. બંધારણ લાગુ થયા બાદ લોકોને સમાનતાના અધિકારો મળ્યા અને દેશ પોતાના નિર્ણયો જાતે લેવા લાગ્યો, જેનાથી રાષ્ટ્રીય એકતા અને વિકાસને પ્રોત્સાહન મળ્યું.

પરંતુ આજે પણ, પૂર્ણ આઝાદી હોવા છતાં ઘણીવાર એવું લાગે છે કે આપણે વાસ્તવિક અર્થમાં આઝાદ નથી. આપણે ખોટી બાબતો સામે ખુલીને બોલી શકતા નથી કે તેને અટકાવી શકતા નથી. સાચી આઝાદીનો અર્થ માત્ર વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવવી એટલો જ નથી, પરંતુ દરેક વ્યક્તિ કોઈપણ ભય વિના પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકે અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે હોવો જોઈએ.

આજે આપણે જોઈએ છીએ કે કથળેલી વ્યવસ્થા, બળાત્કારના કિસ્સા, ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસમાનતા, નબળી માળખાગત સુવિધાઓ, પ્રદૂષણ, લાઠીચાર્જ, પેપર લીક, અસ્તવ્યસ્ત શિક્ષણ પ્રણાલી, અસુરક્ષા અને ગરીબી જેવી સમસ્યાઓ આપણને સાચા અર્થમાં આઝાદ હોવાનો અહેસાસ થવા દેતી નથી. ઘણીવાર એવું લાગે છે કે વ્યવસ્થા એટલી લાચાર અને સંવેદનહીન બની ગઈ છે કે સામાન્ય નાગરિકના અવાજની કોઈ કિંમત જ નથી રહી. જે લોકો પરિવર્તનની વાત કરે છે કે અન્યાય સામે અવાજ ઉઠાવે છે, તેમને દબાવી દેવામાં આવે છે, ઘણીવાર જેલમાં ધકેલી દેવામાં આવે છે, જેનાથી સમાજમાં ભય અને અશાંતિનો માહોલ ઊભો થાય છે.

આજના સમયમાં મુસ્લિમ અને દલિત સમુદાયોને લઈને જે ચિંતાઓ અને મુદ્દાઓ સામે આવે છે, તે માત્ર છૂટીછવાઈ ઘટનાઓ જેવી નથી લાગતી, પરંતુ એક ચોક્કસ વલણ તરફ ઇશારો કરે છે. ક્યાંક નાગરિકતા કાયદાઓ (CAA-NRC) દ્વારા અસુરક્ષાનો માહોલ બને છે, તો ક્યાંક ગૌ-રક્ષાના નામે જૂથ હિંસા (Mob Lynching) જેવી ઘટનાઓ સામે આવે છે. ઘણી જગ્યાએ યોગ્ય અદાલતી પ્રક્રિયા વિના “બુલડોઝર કાર્યવાહી”ને ન્યાય તરીકે રજૂ કરવામાં આવે છે, જેનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે શું કાયદો બધા માટે સમાન છે કે પસંદગીના લોકો માટે અલગ રીતે લાગુ થઈ રહ્યો છે? દલિતોના કિસ્સામાં પણ હાથરસ જેવી ઘટનાઓ, પરંપરાગત કામ કરતા લોકો પર હુમલા અને સતત સામે આવતા જાતિગત અત્યાચારો એ વિચારવા મજબૂર કરે છે કે શું આજે પણ સામાજિક ન્યાય માત્ર કાગળ પર જ સીમિત છે? જો સરકારનો દાવો “સબકા સાથ, સબકા વિકાસ”નો હોય, તો પછી આ સમુદાયોમાં આટલો ભય અને અસુરક્ષા શા માટે અનુભવાય છે? શું અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? અને સૌથી મોટો સવાલ: શું આપણી ન્યાય વ્યવસ્થા ખરેખર નિષ્પક્ષ છે, કે પછી સિસ્ટમમાં કોઈ એવો પૂર્વગ્રહ છે જે નબળા અને વંચિત લોકોને વધુ લાચાર બનાવી રહ્યો છે?

ક્યાંક મુસ્લિમની નેમપ્લેટ જોઈને તેની રોજીરોટી છીનવી લેવાય છે, તો ક્યાંક ટોપી જોઈને જબરદસ્તી નારેબાજી કરાવવામાં આવે છે. જો કોઈ આવા અન્યાયી વલણ સામે અવાજ ઉઠાવે તો તેને લાંબા સમય સુધી જેલમાં ધકેલી દેવાય છે. ઉમર ખાલિદ, શરજીલ ઈમામ કે અન્ય કોઈ મુસ્લિમ વિદ્યાર્થી જેમણે અવાજ ઉઠાવ્યો તેમને જેલમાં મોકલી દેવાયા; જ્યારે તેમની સાથે ઊભેલા કન્હૈયા કુમાર આજે કૉંગ્રેસ પાર્ટીમાં નેતા તરીકે કામ કરી રહ્યા છે. આનાથી એવો સ્પષ્ટ સંકેત મળે છે કે અહીં કોઈ એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિ એ સવાલ ઊભો કરે છે કે દરેક વખતે “મુસ્લિમ જ કેમ?”, દરેક વખતે આવી સ્થિતિમાં મુસલમાન જ કેમ પીસાય છે?

આજે ભારત અનેક સામાજિક, આર્થિક અને વહીવટી પડકારોનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાઓ પાછળ નીતિઓની ખામી, તેમનો યોગ્ય અમલ ન થવો અને ઉત્તરદાયિત્વનો અભાવ જેવાં કારણો સ્પષ્ટ દેખાય છે. દેશ ચલાવવો એ કોઈ સામાન્ય નોકરી નથી કે ૮-૧૦ કલાક સેવા આપી અને કામ પૂરું થઈ ગયું. દેશ ચલાવવો એ નાગરિકો દ્વારા સોંપાયેલી એક મોટી જવાબદારી છે. જો તેમાં પારદર્શિતા અને જવાબદેહી ન હોય, તો તે જવાબદારી રહેતી નથી. દેશ માત્ર નવા પ્રયોગોથી નથી ચાલતો, પરંતુ અનુભવ અને શિક્ષણથી આગળ વધે છે. સરકારની ફરજ છે કે તે ઉત્તમ નીતિઓ બનાવે અને તેનો યોગ્ય અમલ કરે, પરંતુ આ સમસ્યાઓ નિવારવા માટે નાગરિકોની જાગૃતિ, પ્રમાણિકતા અને સહયોગ પણ એટલાં જ અનિવાર્ય છે.

આમ, ભારતની સ્વતંત્રતા એ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તેણે દેશને અધિકારો, તકો અને વિકાસનો માર્ગ આપ્યો છે, પરંતુ સાથે જ અનેક પડકારો આજે પણ અડીખમ છે. જો આઝાદી પછી પણ સામાન્ય નાગરિક ડર, અન્યાય અને અસમાનતા અનુભવતો હોય, તો આપણે આપણી વ્યવસ્થા અને વિચારસરણી બંને પર સવાલ ઉઠાવવાની જરૂર છે. સાચી સ્વતંત્રતા ત્યારે જ ગણાશે જ્યારે દરેક વ્યક્તિ કોઈપણ ભય વિના પોતાની વાત રજૂ કરી શકે, સત્ય માટે અડીખમ ઊભી રહી શકે અને તેને પોતાના તમામ અધિકારો પૂર્ણપણે મળી શકે.

એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા અધિકારો અને ફરજો બંને સમજવાં જોઈએ. આપણે સમજી-વિચારીને મતદાન કરવું જોઈએ અને એવા પ્રતિનિધિઓને ચૂંટવા જોઈએ જે દેશના વાસ્તવિક હિતમાં કાર્ય કરે. યાદ રાખો કે લોકશાહી દેશના નાગરિકો જ તે દેશની કરોડરજ્જુ સમાન હોય છે; તેમની જાગૃતિ અને જવાબદારી જ દેશનું ભવિષ્ય નક્કી કરે છે. પ્રમાણિકતા અને જાગૃતિ સાથે મળીને જ આપણે એક સક્ષમ, ન્યાયી અને બહેતર ભારતનું નિર્માણ કરી શકીએ છીએ.

સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

જય હિંદ!


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments