Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઝકાત દ્વારા જરૂરિયાતમંદને સમૃદ્ધ બનાવો!

ઝકાત દ્વારા જરૂરિયાતમંદને સમૃદ્ધ બનાવો!

ઇસ્લામનો ત્રીજો મૂળભૂત સ્તંભ ઝકાત છે. કુર્આન મજીદની ઘણી આયતોમાં ઈમાન પછી માત્ર બે જ નેક કાર્યોનો ઉલ્લેખ આવ્યો છે: એક નમાઝ અને બીજું ઝકાત. આ એ વાતનો પુરાવો છે કે નમાઝ અને ઝકાત વચ્ચે ઊંડો સંબંધ છે અને એક મુસ્લિમનું ઇસ્લામ આ બંને દ્વારા જ પૂર્ણ થાય છે. પરંતુ આજે આપણા સમાજમાં ‘ઇકામતે સલાત’ (નમાઝ કાયમ કરવા) માટે જેટલી મહેનત થઈ રહી છે, ‘ઈતાએ ઝકાત’ (ઝકાત આપવા) તરફ એટલું ધ્યાન નથી. તેનું એક મોટું કારણ ઝકાતની સામૂહિક વ્યવસ્થા અને તેના વાસ્તવિક હેતુ વિશે પ્રવર્તતી સામાન્ય ગેરસમજ છે:

૧. લોકો ઝકાતને યોગ્ય રીતે સમજતા નથી: ઝકાતના મામલામાં સામાન્ય લોકો અવારનવાર મૂંઝવણ અને અજ્ઞાનતાનો શિકાર બને છે. પરિણામે, કાં તો તેઓ ઝકાત ખોટી રીતે અદા કરે છે, અથવા તો તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે તેઓ આ ફરજ બજાવતા જ નથી.

૨. ઝકાત માત્ર સદકો નથી, એક સામાજિક વ્યવસ્થા છે: મોટાભાગના લોકો ઝકાતને સામાન્ય સદકા કે ખેરાતની જેમ સમજે છે કે બસ કોઈ ગરીબને થોડા પૈસા આપી દીધા અને ફરજ પૂરી થઈ ગઈ. હકીકતમાં ઝકાત માત્ર ખેરાત નથી, પરંતુ તે એક સંપૂર્ણ સામાજિક અને સામૂહિક તંત્ર છે. તેનો હેતુ માત્ર કામચલાઉ મદદ કરવાનો નથી, પરંતુ આપનારના ઈમાનને મજબૂત કરવાનો અને લેનારના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

૩. ખોટી વહેંચણીનું પરિણામ: કુર્આને સ્પષ્ટ કર્યું છે કે ઝકાતના અસલી હકદાર કોણ છે (તેની આઠ શ્રેણીઓ છે). પરંતુ મોટાભાગના લોકો તપાસ કરતા નથી અને કોઈપણ જરૂરિયાતમંદને થોડું અનાજ, કપડાંની જોડી કે મામૂલી રકમ આપીને એમ સમજે છે કે તેમની જવાબદારી પૂરી થઈ ગઈ. તેનું પરિણામ એ આવે છે કે ગરીબ માણસ તે વસ્તુ વાપરી તો લે છે, પણ તેની ગરીબી ખતમ થતી નથી. તે ગરીબનો ગરીબ જ રહે છે કારણ કે તેને એટલી મદદ નથી મળતી કે તે પોતાના પગ પર ઊભો રહી શકે.
સારાંશ એ છે કે ઝકાતનો અસલી હેતુ ગરીબીને જડમૂળથી ખતમ કરવાનો છે, માત્ર ક્ષણિક ભૂખ મટાડવાનો નથી. જો તેને યોગ્ય રીતે એક તંત્ર હેઠળ એકત્રિત અને વિતરિત કરવામાં આવે, તો સમાજમાંથી ગરીબી નાબૂદ થઈ શકે છે અને “ઝકાત લેનારા પણ એક દિવસ ઝકાત આપનારા બની શકે છે”.

ઝકાતના વાસ્તવિક હેતુઓ

મૌલાના સદરૂદ્દીન ઇસ્લાહી (રહ.) ફરમાવે છે કે કુર્આન અને હદીસના અભ્યાસથી માલૂમ પડે છે કે ઝકાતના ત્રણ હેતુઓ છે:

૧. તઝકિયા-એ-નફ્સ (આત્મશુદ્ધિ): ઝકાતનો વાસ્તવિક અને મૂળભૂત હેતુ, જેનો સંબંધ સંપૂર્ણપણે વ્યક્તિના પોતાના અસ્તિત્વ સાથે છે, તે એ છે કે ઝકાત આપનારનું હૃદય દુનિયાના લોભ-લાલચથી પાક રહે અને શુદ્ધ થઈને નેકી તથા તકવા (ઈશપરાયણતા)ના કામો માટે તૈયાર થઈ જાય. કુર્આન મજીદમાં છે: “અને તેનાથઈ દૂર રાખવામાં આવશે તે અત્યંત પરહેજગાર (સંયમી) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.” (સૂરઃઅલ-લૈલ, 17-18)

એક અન્ય સ્થાને નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને સંબોધીને ફરમાવવામાં આવ્યું છે: “હે નબી! તમે તેમના માલમાંથી સદકો (દાન) લઈને તેમને શુદ્ધ કરો..” (સૂરઃતૌબા-103)

૨. ગરીબોની કફાલત (ભરણપોષણ): હવે ઝકાતના ગૌણ હેતુઓ લઈએ. તેમાંથી એક હેતુ એ છે કે મુસ્લિમ સમુદાયના જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં આવે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થતી રહે. નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ફરમાવે છે: “બેશક અલ્લાહએ લોકો પર ઝકાત ફરજ કરી છે જે તેમના ધનિકો પાસેથી લેવામાં આવશે અને તેમના જરૂરિયાતમંદોને આપી દેવામાં આવશે.” (બુખારી, મુસ્લિમ)

૩. દીનની નુસરત (સહાય): ઝકાતનો બીજો ગૌણ હેતુ દીનનું રક્ષણ અને સહાય છે. કુર્આન મજીદ ઝકાતની રકમ કયા લોકો પર અને ક્યાં ખર્ચવી જોઈએ તે જણાવતા કહે છે: “આ સદકાનો માલ તો હકીકતમાં ફકીરો (ગરીબો) અને મિસ્કીનો (નિર્ધનો) માટે છે અને તે લોકો માટે જેઓ સદકા (દાન)ના કામ માટે નિયુક્ત છે, અને તેમના માટે જેમના હૃદય મોહી લેવાનો આશય હોય ઉપરાંત આ સરદનો છોડાવવા અને કરજદારોની સહાય કરવામાં અને અલ્લાહના માર્ગમાં અને મુસાફરની મહેમાનગતિમાં ઉપયોગ કરવા માટે છે. આ અનિવાર્ય કર્તવ્ય છે અલ્લાહ તરફથી અને અલ્લાહ સર્વજ્ઞ તત્ત્વદર્શી અને જોનાર છે.” (સૂરહ અત-તૌબા: ૬૦)

સામૂહિક ઝકાત વ્યવસ્થા: એક વિસરાયેલી હકીકત

કુર્આન અને હદીસમાં ઝકાતનો ખ્યાલ વ્યક્તિગત ખેરાતનો નહીં પણ એક સામૂહિક અને વ્યવસ્થિત તંત્રનો છે. અલ્લાહ તઆલાએ મોમિનના ગુણોમાં ફરમાવ્યું: “હા, જે લોકો ઈમાન લઈ આવે અને સદ્કાર્યો કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત પે, તેમનો બદલો નિઃસંદેહ તેમના રબ પાસે છે અને તેમના માટે કોઈ ભય અને દુઃખની શક્યતા નથી.” (સૂર અલ-બકરહ – ૨૭૭)

કુર્આનની સ્પષ્ટતાઓ બતાવે છે કે કોઈ બિન-મુસ્લિમનું મુસલમાન ગણાવું કલમા-એ-શહાદત પછી પણ બે બાબતો પર નિર્ભર છે: એક એ કે તે નમાઝ કાયમ કરે અને બીજું એ કે તે ઝકાત અદા કરે. “તો જો આ લોકો તૌબા કરી લે અને નમાઝ કાયમ કરે અને ઝકાય આપે તો તમારા દીની-ભાઈ છે, અને જાણવાવાળા લોકો માટે અમે અમારા આદેશો સ્પષ્ટ કરી દઈએ છીએ. ”(સૂર અત-તૌબા – ૧૧)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) ફરમાવે છે: “અમને નમાઝ કાયમ કરવા અને ઝકાત અદા કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. જે ઝકાત અદા નથી કરતો તેની નમાઝ જ કબૂલ થતી નથી.” (અલ-મુઅજમુલ કબીર તબરાની: ૧૦૦૯૫, મજમઉઝ ઝવાઇદ: ૪૩૨૯)

એટલા માટે જ જ્યારે હઝરત અબુબક્ર સિદ્દીક (રઝિ.) ના ખિલાફત કાળમાં કેટલાક લોકોએ ઝકાત આપવાનો ઇનકાર કર્યો, ત્યારે તેમણે તેમની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી અને ફરમાવ્યું: “અલ્લાહના સોગંદ! હું તે લોકો સાથે ચોક્કસ લડીશ, જેઓ નમાઝ અને ઝકાત વચ્ચે ભેદભાવ કરે છે.” (મુસ્લિમ, ભાગ-૧, કિતાબુલ ઈમાન, પાના નં. ૨૦; બુખારી, હદીસ નં. ૧૩૯૯)

અલ્લામા યુસુફ અલ-કરઝાવી લખે છે: “હઝરત અબુબક્રનું ઝકાતનો ઇનકાર કરનારાઓ સામે યુદ્ધ કરવું કદાચ એ દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે કે માનવ ઇતિહાસમાં આ પ્રથમ અવસર હતો કે જ્યારે કોઈ સરકાર કે રાજ્ય સમાજના નબળા વર્ગો અને ગરીબોના હકો અપાવવા માટે યુદ્ધ કરવા તૈયાર થઈ હોય.” (અલ્લામા યુસુફ અલ-કરઝાવી, ફિક્હ-ઉઝ-ઝકાત, પૃષ્ઠ: ૧૧૫)

નબવી યુગમાં ઝકાતની વ્યવસ્થા

નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઝકાતની વસૂલાત માટે વિધિવત એક સામૂહિક તંત્ર સ્થાપ્યું હતું, જેના કેટલાક મહત્વના વિભાગો આ હતા:

૧. ઉમ્માલુસ સદકાત: ઝકાત ઉઘરાવનારા અધિકારીઓ, જેમાં હઝરત ઉમર (રદિ.), હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ (રદિ.) અને હઝરત અમ્ર બિન આસ (રદિ.) જેવા મહાન સહાબીઓ સામેલ હતા.

૨. કાતિબીને સદકાત: હિસાબ-કિતાબના ઈન્ચાર્જ, જેમ કે હઝરત ઝુબેર બિન અવ્વામ (રદિ.).

૩. ખારસીન: બગીચાઓમાં ફળોના ઉત્પાદનનો અંદાજ લગાવનારા નિષ્ણાતો, જેમ કે હઝરત અબ્દુલ્લાહ બિન રવાહા (રદિ.). ખુદ નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પણ એક કુશળ ‘ખરાસ’ (અંદાજકાર) હતા. ગઝવા-એ-તબૂકના પ્રવાસ દરમિયાન આપે એક મુસ્લિમ મહિલાના બગીચાના ઉત્પાદનનો અંદાજ લગાવ્યો હતો, જે બિલકુલ સાચો સાબિત થયો. (બુખારી)

૪. ઉમ્માલ અલલ હિમા: પશુધનના ચરિયાણ પરથી ટેક્સ ઉઘરાવનારા.

ખુલાફા-એ-રાશિદીનનો સુવર્ણ યુગ

હઝરત ઉમર ફારૂક (રદિ.) ના સમયનો આ કિસ્સો ઝકાત વ્યવસ્થાની અસરકારકતા દર્શાવે છે: જ્યારે હઝરત મુઆઝ બિન જબલ (રદિ.)એ યમનથી ઝકાતનો ત્રીજો ભાગ મોકલ્યો, ત્યારે હઝરત ઉમરે કહ્યું કે મેં તમને ઝકાત વસૂલ કરવા નથી મોકલ્યા, પણ ત્યાંના ધનિકો પાસેથી લઈને ત્યાંના ગરીબોમાં વહેંચવા મોકલ્યા હતા. હઝરત મુઆઝે જવાબ આપ્યો કે ત્યાં કોઈ ઝકાત લેનાર મળ્યું જ નહીં. ત્રીજા વર્ષે હઝરત મુઆઝે બધી જ ઝકાત મોકલી આપી અને કહ્યું: “અહીં હવે કોઈ ઝકાત લેનાર બાકી રહ્યું નથી.”

આવી જ સ્થિતિ હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝના સમયમાં પણ પેદા થઈ હતી કે સમાજમાં બધા જ લોકો સમૃદ્ધ થઈ ગયા અને ગરીબીનું કોઈ નામનિશાન ન રહ્યું. (અબુ ઉબૈદ: કિતાબુલ અમવાલ)

ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓનો ખ્યાલ રાખવો એ મુસ્લિમ સમાજની એક સામૂહિક જવાબદારી છે. તેનું એક મોટું કારણ આર્થિક પ્રગતિ તરફની બેદરકારી છે. ડૉ. મુહમ્મદ નજાતુલ્લાહ સિદ્દીકી લખે છે: “નવાઈની વાત એ છે કે એવી કોઈ ચળવળ (તહરીક) નથી ચાલી જેણે સામાન્ય મુસલમાનોને પડકાર્યા હોય કે; મહેનત કરો, સંપત્તિ પેદા કરો, કમાઓ અને તમારી કમાણીનો એક હિસ્સો બચાવીને નફાકારક રોકાણ (Investment) દ્વારા તમારી આવક અને સંપત્તિમાં વધારો કરવાનો પ્રયત્ન કરો. સમગ્ર દેશના સ્તરે મુસલમાનોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમની આર્થિક શક્તિમાં વધારો કરવા માટે કોઈ ચળવળ ચાલી નથી.” (મઆશ, ઇસ્લામ ઔર મુસલમાન, પૃષ્ઠ: ૩૬)

સામૂહિક વ્યવસ્થાનો અભાવ

આપણા દેશમાં ઝકાતની સામૂહિક વ્યવસ્થા નહિવત છે. કેટલીક સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ મોટા પાયે મિલ્લત આના પર અમલ કરી રહી નથી. સામાન્ય રીતે દીની મદરેસાઓના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના જવાબદારો રમઝાન માસમાં ઝકાત વસૂલ કરે છે. આ સિવાય ગરીબોનું એક મોટું ટોળું ધનિકોના મકાનો પર આવીને થોડાક સો રૂપિયા, અનાજ કે કપડાં લઈ જાય છે. આનાથી ઝકાતનો અસલી હેતુ પૂરો થતો નથી, એટલે કે; ઝકાત આપનારનું આત્મશુદ્ધિ (તઝકિયા-એ-નફ્સ), ગરીબીની નાબૂદી, જરૂરિયાતમંદને આત્મનિર્ભર બનાવવો અને દીનનું રક્ષણ તથા સહાય.

જ્યારે સામૂહિક વ્યવસ્થાની વાત આવે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે શું બૈતુલમાલ સ્થાપવા માટે ઇસ્લામી સરકાર હોવી જરૂરી નથી?

ઝકાત એક એવો રુકન (સ્તંભ) છે જેના સિદ્ધાંતો તો સલફ (પૂર્વજો) થી મળે છે પરંતુ આધુનિક પ્રશ્નોના અમલીકરણમાં માર્ગદર્શન ઓછું મળે છે. જેવું કે મૌલાના હાફિઝ સૈયદ અબ્દુલ કબીર ઉમરી ફરમાવે છે: “દીનના જે અન્ય રુકન છે તેને સંબંધિત મસલાઓ (સમસ્યાઓ) માટે સલફ ઉલેમાઓએ નિયમો-સિદ્ધાંતો ઘડ્યા છે. પરંતુ ઝકાત એક એવો રુકન છે કે આ સિલસિલામાં સલફ ઉલેમાના વર્ણવેલા સિદ્ધાંતો તો મળશે પણ અમલીકરણમાં તેમનાથી માર્ગદર્શન બહુ ઓછું મળી શકશે, કારણ કે આધુનિક યુગના પ્રશ્નોની કલ્પના સલફ યુગમાં નહોતી. તેથી આધુનિક યુગના પ્રશ્નોનો ઇસ્લામી ઉકેલ પેશ કરવો અને તેમનો શરીયતનો હુકમ જાણવાની કોશિશ કરવી એ સમયની મહત્વની જરૂરિયાત છે.” (માસિક રાહે એતેદાલ, ઝકાત નંબર, ઓક્ટોબર ૨૦૦૩, પૃષ્ઠ ૮).

સરકારની શરત અને તેનો ઉકેલ

બિન-ઇસ્લામી દેશમાં બૈતુલમાલની સ્થાપના પરના વાંધાનો જવાબ આપતા મૌલાના અબુલ કલામ આઝાદ લખે છે: “જો એમ કહેવામાં આવે કે હિન્દુસ્તાનમાં ઇસ્લામી હકુમત હાજર નથી, તેથી મુસલમાનો મજબૂર થઈ ગયા અને વ્યક્તિગત રીતે ખર્ચ કરવા લાગ્યા તો શરઈ અને અક્લી રીતે આ બહાનું ગ્રાહ્ય નથી. જો ઇસ્લામી હકુમતના અભાવે જુમ્મા ત્યજી દેવામાં આવી નથી, જેની સ્થાપના ઇમામ અને સુલ્તાનની હાજરી પર નિર્ભર હતી, તો ઝકાતની વ્યવસ્થા કેમ ત્યજી દેવામાં આવે? કોણે મુસલમાનોના હાથ આ વાતથી બાંધી દીધા હતા કે પોતાના ઇસ્લામી મામલાઓ માટે એક અમીર પસંદ કરી લે અથવા એક કેન્દ્રીય બૈતુલમાલ પર સહમત થઈ જાય અથવા પોતાની તેવી જ અંજુમનો (સંસ્થાઓ) બનાવી લે, જેવી અંજુમનો અસંખ્ય બિન-જરૂરી વાતો માટે બલ્કે કેટલીક હાલતમાં બીદઅત માટે તેમણે ઠેર-ઠેર બનાવી છે?” (હકીકત-એ-ઝકાત, અલ-હિલાલ બુક એજન્સી, લાહોર, પૃષ્ઠ ૨૯).

મૌલાના અબુલ કલામ આઝાદ આગળ લખે છે: “ઉઠો અને દરેક નગર અને મહોલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકોની એક જમાત બનાવી લો, જે ઝકાતની વસૂલાત અને વ્યવસ્થા કરે અને તેને પૂરી જવાબદારી અને નિયમિતતા સાથે ખર્ચ કરે.” (એજન, પૃષ્ઠ ૧૧).

મુફ્તી કિફાયતુલ્લાહ સાહેબે એક જગ્યાએ લખ્યું છે: “ઝકાત અને ઉશ્ર (ખેતીની ઝકાત) જેવા નાણાકીય ફર્ઝની અનિવાર્યતા જે શરઈ હુકમો અને માનવીય હિતો પર આધારિત છે, તેમનો તકદો એ છે કે ઝકાત-ઉશ્રની અદાયગી અને તેમની વહેંચણીમાં વ્યવસ્થા (તન્ઝીમ)નો પૂર્ણ ખ્યાલ રાખવામાં આવે અને સ્વાભાવિક છે કે વ્યક્તિગત વપરાશમાં વ્યવસ્થાનો અભાવ હોય છે. આ ગુલામીના યુગમાં જે વિખવાદનો યુગ છે, શક્ય સુરત એ જ નજર આવે છે કે ‘અહલે હલ્લો અકદ’ (નિર્ણાયક વ્યક્તિઓ) ની કોઈ જમાત આ કામને પોતાના હાથમાં લે.” (કિફાયતુલ મુફ્તી, ભાગ ૪, પૃષ્ઠ ૨૭૯ / અમીન અહસન ઇસ્લાહી, તૌઝીહાત, લાહોર, ૧૯૬૯, પૃષ્ઠ ૧૪૧).

મૌલાના સદરૂદ્દીન ઇસ્લાહી લખે છે: “મુસ્લિમ વસ્તીઓ જે રીતે પોતાની નમાઝો માટે મસ્જિદની, જમાતની અને ઈમામતની વ્યવસ્થા કરે છે, તેવી જ રીતે પોતાની ઝકાત માટે પણ બૈતુલમાલ કાયમ કરે, જો એવું કરવામાં ન આવ્યું તો આ સામૂહિક ગલતકારી (ભૂલ) ગણાશે.” (ઇસ્લામ: એક નજરમાં, પૃષ્ઠ ૯૨).

અમવાલ-એ-ઝાહિરા અને બાતિનાનો મુદ્દો

કેટલાક વિદ્વાનો (ઉલેમા) ઝકાતના માલને ઝાહિરા (પ્રગટ સંપત્તિ – જેમ કે અનાજ, પશુધન) અને બાતિના (ગુપ્ત સંપત્તિ – જેમ કે સોનું, ચાંદી, વેપારનો સામાન) માં વિભાજિત કરતા જણાવે છે કે, બાતિના માલની વહેંચણી માલિકના સ્વવિવેક પર છોડી દેવી જોઈએ, જેવું હઝરત ઉસ્માન ગની (રદિ.)એ પોતાના કાળમાં કર્યું હતું. હઝરત ઉસ્માન (રદિ.)ના સમયમાં ઇસ્લામી ઉમ્મત ત્રણ ખંડોમાં ફેલાઈ ગઈ હતી અને દૂરના વિસ્તારોમાંથી ઝકાત ઉઘરાવવાનો વહીવટી ખર્ચ તેની આવક કરતા વધી શકે તેમ હતો, તેથી લોકોને પોતે જ ઝકાત વહેંચવાની પરવાનગી આપવામાં આવી હતી. હકીકતમાં, આ પણ સરકાર દ્વારા સંચાલિત વહેંચણીની જ એક વિશિષ્ટ વ્યવસ્થા હતી.

જરૂરિયાતમંદને સમૃદ્ધ બનાવવાની યોજના

દેશમાં ગરીબી નાબૂદી અને ઝકાતની વ્યવસ્થાને તેની અસલી ભાવના સાથે પુનઃસ્થાપિત કરવા માટે એક વ્યાપક અને આયોજનબદ્ધ ચળવળની જરૂર છે. આ સંદર્ભમાં નીચેના દસ મુદ્દાઓ પર અમલીકરણ એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે:

૧. ઝકાત સંબંધિત જાગૃતિ અને નિષ્ણાતોની ભાગીદારી: સૌ પ્રથમ જનતામાં ઝકાતનું મહત્વ અને નબવી યુગ તથા ખિલાફત-એ-રાશિદાના સમયમાં તેની સામૂહિક વ્યવસ્થા વિશે જાગૃતિ લાવવી પડશે. આ તંત્રના સંચાલન માટે માત્ર દીનદાર વ્યક્તિઓ જ નહીં, પરંતુ વ્યાવસાયિક કુશળતા ધરાવતા પુરુષો અને મહિલાઓને પણ સામેલ કરવા પડશે, જેમ કે:

• આધુનિક બાબતોથી વાકેફ ઉલેમા-એ-કરામ; એકાઉન્ટન્ટ્સ અને ઓડિટર્સ (હિસાબ-કિતાબ અને તપાસના નિષ્ણાતો).

• શ્રેષ્ઠ જનસંપર્ક ધરાવતા સામાજિક કાર્યકરો. તેની શરૂઆત દરેક મહોલ્લામાં મસ્જિદના સ્તરથી કરી શકાય છે.

‘એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ’ (AMP) એ ઝકાત વિશે એક સર્વે કર્યો જેમાં આ મહત્વની વાતો સામે આવી:

ઝકાત આપનારાઓની એક મોટી સંખ્યા (૩૦ ટકા) ને ઝકાત અને તેના ફાયદા વિશે કાં તો જ્ઞાન નથી અથવા તેઓ કંઈ કહી શકતા નથી. ૪૦ ટકાથી વધુ લોકો પોતાની ઝકાતનો સાચો હિસાબ લગાવવા વિશે જાણતા જ નહોતા. સર્વેથી એ પણ માલૂમ પડ્યું કે ૭૫ ટકાથી વધુ લોકો પોતાની ઝકાત વ્યક્તિગત રીતે સંબંધીઓ કે સ્થાનિક જરૂરિયાતમંદોને આપે છે, જ્યારે માત્ર ૧૫ ટકા જ તેને વ્યવસ્થિત સંસ્થાઓ જેવી કે બૈતુલમાલ કે બિન-સરકારી સંગઠનોને આપે છે. જોકે, ૭૦ ટકાથી વધુ લોકોએ એ વાત પર સહમતિ દર્શાવી કે ‘સામૂહિક ઝકાત વ્યવસ્થા’ જ શ્રેષ્ઠ રીત છે અને તેને શિક્ષણ તથા આર્થિક સ્વાયત્તતા પર ખર્ચ કરવી જોઈએ.

તેવી જ રીતે ઝકાતના નિસાબ (ન્યૂનતમ રકમ) અંગે પણ સાચી જાગૃતિ નથી, જે ૨૦૦ દિરહામ ચાંદી (૫૯૫ ગ્રામ) અથવા ૨૦ દીનાર સોનું (૮૫ ગ્રામ) છે. (હુજ્જતુલ્લાહિલ બાલિગા, ભાગ-૨, પૃષ્ઠ ૫૦૬).

ઇસ્લામ મુજબ દરેક તે વ્યક્તિ ગરીબ છે જે ‘સાહિબ-એ-નિસાબ’ નથી. શાહ વલીઉલ્લાહ (રહ.) એ નિસાબની હિકમત પર પ્રકાશ પાડતા ફરમાવ્યું છે: “આ એ જરૂરી સંપત્તિ છે જેના દ્વારા એક નાના પરિવારના વર્ષભરના જરૂરી ખર્ચાઓની પૂર્તિ થઈ શકે છે.” (હુજ્જતુલ્લાહિલ બાલિગા, ભાગ-૨, પૃષ્ઠ ૬૬).

૨. નાણાકીય જ્ઞાન અને સંપત્તિનું સર્જન: જનતામાં નાણાકીય સાક્ષરતા (Financial Literacy) ની ભારે અછત છે. સંપત્તિ પેદા કરવા, વ્યવસાયમાં ભાગ લેવા અને નફાકારક રોજગાર અપનાવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. બચત કરવાની અને નફાકારક વ્યવસાયમાં રોકાણ કરવાની આદત કેળવવી પડશે, જેથી ‘આપનારાઓ’ ની એક મજબૂત જમાત તૈયાર કરી શકાય. જન્નતની ખુશખબરી પામનારા ૧૦ મહાન સહાબીઓ (અશરહ મુબશશરહ) માંથી ચાર; હઝરત ઉસ્માન (રદિ.), હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ (રદિ.), હઝરત ઝુબેર બિન અવ્વામ (રદિ.) અને હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ (રદિ.) આજના સમય મુજબ અબજોપતિ હતા.

૩. મદરેસાઓના અભ્યાસક્રમમાં ઝકાતના આધુનિક કોર્સની જરૂરિયાત: ઉલેમા-એ-કિરામે આ ચળવળનું નેતૃત્વ કરવું જોઈએ. આ માટે ઝકાતને એક વિસ્તૃત વિષય તરીકે દીની મદરેસાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવી પડશે અને સામાજિક તથા આર્થિક સર્વેક્ષણ જેવા વ્યવહારુ કાર્ય પણ કરાવવા જોઈએ. ઝકાત વ્યવસ્થા માટે મનોવિજ્ઞાન, જનસંપર્ક, એકાઉન્ટિંગ, ઓડિટ અને નાણાકીય વ્યવસ્થાપનમાં કુશળતા જરૂરી છે. ઇસ્લામિક ફિક્હ એકેડમી જેવી સંસ્થાઓએ વર્લ્ડ ઝકાત કાઉન્સિલના સહયોગથી એક કાર્ય યોજના તૈયાર કરવાની જરૂર છે. આ ઉપરાંત ડૉ. ઉબૈદુલ્લાહની ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એન્ડ ફાઇનાન્સ’ (IIBF) ઝકાત મેનેજમેન્ટ કોર્સનું આયોજન કરે છે જેનો લાભ લેવો જોઈએ.

લેખકનો લેખ ‘મુસ્લિમ ફાઝિલીન અને આર્થિક ક્ષેત્ર’ (તરજુમાનુલ કુરઆન, લાહોર ૨૦૨૧)માં પણ મદરેસાથી સ્નાતક થતા ઉલેમા માટે આજીવિકાની નવી રાહો બતાવવામાં આવી છે, જેમાં ઝકાતની સામૂહિક વ્યવસ્થા મોખરે છે.

૪. મસ્જિદ કાર્યના કેન્દ્ર તરીકે: દરેક મહોલ્લાની મસ્જિદમાં એક સમિતિ (કમિટી) રચવી જોઈએ, જેમાં એક પ્રખર આલિમ, એક નિષ્ણાત ચાર્ટરડ એકાઉન્ટન્ટ અને થોડા સામાજિક કાર્યકરો સામેલ હોય. આ સમિતિ પોતાના વિસ્તારનો સામાજિક-આર્થિક સર્વે કરીને કામ શરૂ કરે. આ પ્રયાસમાં મહિલાઓને પણ સામેલ કરવી જરૂરી છે જેથી તેઓ પરિવારો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરી શકે.

૫. ફાઇનાન્શિયલ ટેકનોલોજી (FinTech) નો ઉપયોગ: નાણાકીય ટેકનોલોજી ઝકાત એકત્રિત કરવા અને વિતરિત કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વાસને મજબૂત કરી શકે છે. આજે દુનિયાભરની સેવાભાવી સંસ્થાઓ ક્રાઉડફંડિંગ (Crowdfunding), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) કે બ્લોકચેન (Blockchain) નો ઉપયોગ ઓડિટના હેતુઓ માટે કરી રહી છે. જો આપણા દેશમાં પણ આ આધુનિક પદ્ધતિને ઝકાતની વ્યવસ્થામાં વાપરવામાં આવે તો એક નવા આર્થિક ઉત્થાનનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. (ICIF ન્યૂઝલેટર, મે ૨૦૨૪, પૃષ્ઠ ૪, ૧૦, ૧૪, ૧૬).

૬. ઝકાત અને નાના ધિરાણ (Microfinance): ઝકાતની રકમનો એક વપરાશ ‘અલ-ગારિમીન’ (દેવાદારો) છે. ડૉ. હમીદુલ્લાહના મતે, હઝરત ઉમર (રદિ.) ના સમયમાં દેવાદારો માટે એક નવી વાત જાણવા મળે છે અને તે સરકારી ખજાનામાંથી લોકોને માત્ર સહાય નહીં પણ લોન (ધિરાણ) આપવી તે છે. આ રીતે હઝરત ઉમરના યુગમાં ઝકાતની રકમથી વ્યાજમુક્ત લોન આપવાનો પુરાવો મળે છે. જો ઝકાતની રકમ નાના ઉદ્યોગકારો અને વેપારીઓને પ્રારંભિક મૂડી પૂરી પાડવા માટે વપરાય તો તેનાથી ગરીબી ક્રમશઃ નાબૂદ થઈ શકે છે અને ઝકાતના હકદાર લોકો થોડા જ વર્ષોમાં ઝકાત આપનારા બની શકે છે.

કેટલાક દેશો, જેમ કે મલેશિયામાં ગરીબોને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે:

• બિન-ઉત્પાદક ગરીબ (Non-Productive Poor): તે લોકો જે વૃદ્ધ, વિધવા, દિવ્યાંગ કે ગંભીર બીમાર છે અને કામ કરવા સક્ષમ નથી. તેમની કાયમી અને સતત મદદ કરવામાં આવે છે.

• ઉત્પાદક ગરીબ (Productive Poor): તે પુરુષો અને મહિલાઓ જે મૂડીના અભાવે વ્યવસાય નથી કરી શકતા, અથવા જેમને હુન્નર શીખવીને આત્મનિર્ભર કરી શકાય છે. તેમની મદદ સતત નથી કરવામાં આવતી, પરંતુ તેમને વ્યવસાય કે સાધનો માટે મોટી રકમ એકસાથે કે હપ્તાવાર આપવામાં આવે છે. આ રીતે ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) ના પ્રોત્સાહન દ્વારા તેમને બહુ જલ્દી ‘ઝકાત લેનાર’ થી ‘ઝકાત આપનાર’ બનાવવાનો પ્રયાસ થાય છે. (Habib Ahmed, Role of Zakah and Awqaf in Poverty Alleviation (Occasional Paper No.8.Islamic Development Bank Group, IRTI, Jeddah, 2004, p.77-82. )

૭. ઝકાત અને બિન-મુસ્લિમ: કુર્આને ઝકાતના વપરાશમાં ‘ફુકરા’ અને ‘મસાકીન’ નો ઉલ્લેખ કર્યો છે. ડૉ. મોહમ્મદ હમીદુલ્લાહના મતે, આમાં તફાવત એ છે કે ફુકરા એટલે ગરીબ મુસ્લિમ અને મસાકીન એટલે ગરીબ બિન-મુસ્લિમ.

પ્રોફેસર અબ્દુલ અઝીમ ઇસ્લાહી લખે છે: “બીજા ખલીફાએ ઝકાતના આઠ વપરાશમાંથી ફુકરા એટલે મુસલમાન અને મસાકીન એટલે અહલે કિતાબ (યહૂદી-ખ્રિસ્તી) લીધા છે.” (અલ્લામા શિબલી નોમાની, અલ-ફારૂક, પૃષ્ઠ ૧૨૮). ડૉ. મોહમ્મદ હમીદુલ્લાહ ઈમામ અબુ યુસુફના પુસ્તક ‘કિતાબુલ ખરાજ’ નો હવાલો આપે છે કે હઝરત ઉમરે મદીનાની ગલીઓમાં એક યહૂદીને ભીખ માંગતા જોયો તો તેનું જઝિયા માફ કરી દીધું અને તેનું દૈનિક ભથ્થું નક્કી કરતા ફરમાવ્યું: “આ અહલે કિતાબના મસાકીનમાંથી છે.” (ખુત્બાત-એ-બહાવલપુર, પૃષ્ઠ ૩૪૧-૩૪૨).

ડૉ. ફઝલુર રહેમાન ફરીદી લખે છે: “ઝકાત માત્ર મુસલમાનો પર જ ખર્ચ કરવામાં નહીં આવે, પરંતુ તે તમામ લોકો પર જે તેના હકદાર છે, ભલે તેમનો અકીદો ગમે તે હોય. કુર્આનની આયતોમાં ઈમાનની શરત લગાડવામાં આવી નથી.” (અદલ કી તલાશ, પૃષ્ઠ ૪૯).

૮. અન્ય દેશોના સફળ અનુભવોનો લાભ: વર્લ્ડ ઝકાત ફોરમમાં લગભગ ૪૦ દેશો સામેલ છે. આપણે તેમના અનુભવોથી શીખવું જોઈએ:

• BAZNAS (ઇન્ડોનેશિયા): આ સંસ્થા સામાજિક, શૈક્ષણિક અને જાહેર આરોગ્યના પ્રોજેક્ટ્સમાં ઝકાતનું રોકાણ કરી રહી છે.

• SENZAF (દક્ષિણ આફ્રિકા): આ સંસ્થા એવા દેશમાં કાર્યરત છે જ્યાં મુસ્લિમો માત્ર ૨-૩ ટકા છે, છતાં તે દાયકાઓથી સફળ છે.

• સેન્ટર ફોર ઝકાત મેનેજમેન્ટ (Center for Zakat Management): આ સંસ્થાનું નેતૃત્વ બે મહિલાઓ કરી રહી છે; ચેરપર્સન ફિરોઝ મોહમ્મદ અને સી.ઈ.ઓ. યાસ્મીના ફ્રાટનિક. આ સંસ્થામાં ૫૨ ટકા મહિલાઓ કાર્યરત છે. તેની સામાજિક ક્ષમતા નિર્માણ અને જનકલ્યાણના કાર્યોની સ્વીકૃતિ રૂપે કેમ્બ્રિજ (Cambridge) અને બ્રિટનની આંતરરાષ્ટ્રીય આર્થિક એડવાઇઝરી દ્વારા આ સંસ્થાને ‘3G’ નો વૈશ્વિક સ્તરનો ‘શ્રેષ્ઠ વહીવટી એવોર્ડ’ આપવામાં આવ્યો છે.

• બાંગ્લાદેશ: અહીં ઝકાતની વ્યવસ્થા ગ્રામીણ વિકાસ અને બાળકોના શિક્ષણમાં અસરકારક પરિણામો આપી રહી છે.

૯. ઝકાત અને પાયાના વિકાસના લક્ષ્યો (SDG): સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ૨૦૧૫-૨૦૩૦ માટે ‘ટકાઉ વિકાસના લક્ષ્યો’ (Sustainable Development Goals) નક્કી કર્યા છે, જેમાં ગરીબી નાબૂદી, ભૂખમરો નાબૂદ કરવો, બહેતર આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ વગેરે સામેલ છે.

આ એક રસપ્રદ બાબત છે કે ઝકાતની ઇસ્લામી વ્યવસ્થા ૧૪૦૦ વર્ષ પહેલાં જ આ તમામ ઉદ્દેશ્યોને પોતાની અંદર સમાવી ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ની એક પેટા સંસ્થાએ પણ ઇન્ડોનેશિયાની ઝકાત સંસ્થા સાથે મળીને તૈયાર કરેલી એક યોજનામાં એ સ્વીકાર્યું છે કે ઇસ્લામનો ઝકાતનો ફર્ઝ સંપત્તિને ધનિકો પાસેથી જરૂરિયાતમંદો તરફ સ્થાનાંતરિત કરવાનું સૌથી અસરકારક માધ્યમ છે અને તેમાં ‘ટકાઉ વિકાસના લક્ષ્યો’ (SDG) ની સફળતાની અપાર સંભાવનાઓ રહેલી છે. (એચ. અબ્દુલ રકીબ, ‘યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ હિલ્ફુલ ફુઝુલ’, માસિક રાહે એતેદાલ, એપ્રિલ ૨૦૨૩, પૃષ્ઠ ૧૯)

સારાંશ એ છે કે ઝકાત માત્ર એક વ્યક્તિગત ઈબાદત નથી પરંતુ એક સામૂહિક, આર્થિક અને સામાજિક વ્યવસ્થા છે. તેનો હેતુ માત્ર ભૂખ મટાડવાનો નથી, બલ્કે ગરીબીને જડમૂળથી ઉખેડી નાખવી અને એક એવો સમાજ સ્થાપિત કરવો છે જ્યાં સંપત્તિ માત્ર અમીરો વચ્ચે જ ન ફરે, પરંતુ સમાજની દરેક વ્યક્તિ આર્થિક રીતે આત્મનિર્ભર હોય.

સૈયદ સાદતુલ્લાહ હુસૈની લખે છે: “જરૂરિયાત એ વાતની છે કે સામૂહિક ઝકાત વ્યવસ્થાની સ્થાપનાને વિધિવત એક ચળવળનું સ્વરૂપ આપવામાં આવે. આ વ્યવસ્થા શરૂઆતમાં ગામ, કસબા કે શહેરના સ્તરે કાયમ કરી શકાય છે. સામૂહિક ઝકાત વ્યવસ્થાની આ સંસ્થાઓ આયોજનબદ્ધ રીતે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક સહાય તેમજ યુવાનોને ટેકનિકલ અને વ્યાપારિક તાલીમ આપી શકે છે જેથી તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે.” (નઝમ-એ-ઝકાત અને હિન્દુસ્તાનમાં સામાજિક પ્રગતિ, ૨૦૧૮, પૃષ્ઠ ૨૦)

મૌલાના અબુલ કલામ આઝાદે આ જરૂરિયાતને આ રીતે વર્ણવી હતી: “જો મુસલમાનો આજે બીજું કંઈ ન કરે, માત્ર ઝકાતનો મામલો જ કુર્આની અહકામ મુજબ સુધારી લે, તો કોઈ પણ ખચકાટ વિના દાવો કરી શકાય છે કે તેમની તમામ સામૂહિક મુશ્કેલીઓ અને મુસીબતોનો ઉકેલ આપોઆપ મળી જશે. પરંતુ મુસીબત એ છે કે મુસલમાનોએ કાં તો કુરઆની અહકામનું પાલન કરવાનું સાવ છોડી દીધું છે અથવા જો અમલ કરી રહ્યા છે તો એવી રીતે કે વાસ્તવમાં તે અમલ નથી.” (હકીકત-એ-ઝકાત, લાહોર, પૃષ્ઠ ૨૬)

આ સમયની મહત્વની જરૂરિયાત છે કે મુસ્લિમ સમુદાયના પુરુષો અને મહિલાઓ, ઉલેમા-એ-કરામ, સામાજિક કાર્યકરો અને બૌદ્ધિકો પોતાની ઉચ્ચ યોગ્યતાઓ સાથે સામૂહિક ઝકાત વ્યવસ્થાના આ મહાન તંત્રને કાયમ કરવા માટે વિશેષ ધ્યાન આપે, જેથી થોડા વર્ષોમાં આપણે આયોજનબદ્ધ રીતે એક સંતુલિત અને સમૃદ્ધ ઇસ્લામી સમાજની રચના કરી શકીએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments