Homeઓપન સ્પેસમાનવતાનો મહેકતો 'ચમન': હિન્દુ પરિવારે મુસ્લિમ વડીલના જનાજાને ખભો આપ્યો

માનવતાનો મહેકતો ‘ચમન’: હિન્દુ પરિવારે મુસ્લિમ વડીલના જનાજાને ખભો આપ્યો

ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના મારહરા નગરમાં 75 વર્ષીય ચમન મિયાં રહેતા હતા. તેમનું સમગ્ર જીવન શારદા સક્સેનાના પરિવારની છત્રછાયામાં વીત્યું. ચમન મિયાં જ્યારે માત્ર દસ વર્ષના હતા, ત્યારથી જ શારદા સક્સેનાએ તેમને પોતાની પાસે રાખી તેમનો ઉછેર કર્યો હતો; આ રીતે તેઓ સક્સેના પરિવારનું એક અવિભાજ્ય અંગ બની ગયા હતા. શારદા સક્સેનાના અવસાન બાદ તેમના પુત્ર ડૉ. વિમલચંદ્ર સક્સેનાએ પણ ચમન મિયાંને એ જ આદર અને સ્થાન આપ્યું જે તેમના પિતાના સમયમાં હતું.

વર્ષ 2018માં ડૉ. વિમલ સક્સેનાનું અવસાન થયું, ત્યારબાદ શારદા સક્સેનાના પૌત્ર ડૉ. સુબોધ સક્સેનાએ આ પરંપરા જાળવી રાખી. સુબોધે પણ ચમન મિયાંને પરિવારના વડીલ તરીકે પૂરતું સન્માન આપ્યું. ગત બુધવારે સક્સેના પરિવારના આ વયોવૃદ્ધ સભ્યએ તે જ ઘરમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહી. જોકે, હવે વિદાય લેનાર સ્વજનને ‘તેમના’ ધર્મ અનુસાર દફનાવવાના (સુપુર્દે ખાક કરવાના) હતા. સક્સેના પરિવારે પૂરી નિષ્ઠાથી તમામ અંતિમ વિધિઓ પૂર્ણ કરી અને ભીની આંખે ચમન મિયાંને તેમની અંતિમ સફર પર વિદાય આપી.

ઝુહરની નમાઝ બાદ ચમન મિયાંના જનાઝાની નમાઝ પઢવામાં આવી. જેમાં સક્સેના પરિવારના ડૉ. સુબોધ, અમિત અને સુમિત સક્સેનાની સાથે મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં જોડાયા. નમાઝ પછી સક્સેના પરિવારના સભ્યોએ જ ચમન મિયાંના જનાજાને પોતાના ખભા પર ઉઠાવીને કબ્રસ્તાન પહોંચાડ્યો. જ્યારે ચમન મિયાંને સુપુર્દે ખાક કરવામાં આવ્યા, ત્યારે ડૉ. સુબોધ સક્સેનાએ તેમના મોટા પુત્ર તરીકેની ફરજ નિભાવતા કબરમાં સૌ પ્રથમ માટી આપી, ત્યારબાદ અન્ય લોકોએ માટી નાખી. તેમની આ અંતિમયાત્રામાં સેંકડો હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને માનવતાના દર્શન કરાવ્યા.

ચમન મિયાં જે પરિવારમાં 66 વર્ષ રહ્યા, તે સક્સેના પરિવારે પોતાની નૈતિક ફરજ પૂરી નિષ્ઠાથી અદા કરી. આ માત્ર એક પરિવારની જવાબદારી નહોતી, પરંતુ માનવતાની સાચી ઓળખ હતી. આપણો અસલી સમાજ આવો જ છે. રાજકારણ ભલે ભય અને વિભાજનની રેખાઓ ખેંચવા માંગતું હોય, પરંતુ સક્સેના પરિવાર જેવા ઉમદા લોકોએ જ આ દેશને આજે પણ ‘ચમન’ (બગીચો) બનાવી રાખ્યો છે.

ઇન્સાનિયત ઝ઼િદાબાદ ✨

સૌજન્ય: ફેસબુક


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments