Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપશ્રેષ્ઠ ભારત કે ભેદ ભારત? પ્રશ્ન આંબેડકરનો

શ્રેષ્ઠ ભારત કે ભેદ ભારત? પ્રશ્ન આંબેડકરનો

ક્યારેક એવું લાગે છે કે ગાંધી કરતાં આંબેડકરની ઉજવણીઓ દિવસે દિવસે ઉત્સાહથી ને ક્યારેક વધુ ઉન્માદથી થાય છે. ગાંધી કરતાં આંબેડકર ઉંમરમાં ભલે બે દાયકા પાછળ હતા પરંતુ એમનું પ્રદાન ઓછું નથી.

આધુનિક ભારતના ઘડવૈયાઓમાં આપણે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ, ટાગોર જેવા અનેકને ગણતા હોઈએ તેમાં આંબેડકરનું નામ પણ સાથોસાથ મુકાવું જોઈએ. રામચંદ્ર ગુહા સહિત ઘણા લેખકોએ ભારતના ઘડવૈયાઓ વિશે પુસ્તકો લખ્યાં છે. ભારત સરકારે પણ આવી એક આખી શ્રેણી પ્રગટ કરેલી છે. એ આપણો વારસો છે જે ભૂલવા જેવો નથી.

આંબેડકર એમના સમયમાં સૌથી વધુ ડિગ્રીઓ ધરાવનાર અભ્યાસી હતા. એમના અભ્યાસમાં આપણે જાણીએ છીએ તેમ કોલ્હાપુરના શાહુ મહારાજ અને વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું બહુ મોટું યોગદાન છે. આંબેડકર લંડનમાં ભણ્યા છે, અમેરિકામાં ભણ્યા છે અને જર્મનીમાં પણ ભણ્યા છે. તેમણે વકીલાત પણ કરી છે અને કાયદાની કોલેજ મુંબઈમાં સ્થાપી છે.

તે સમયે જે અંત્યજો, અછૂતો, દલિતો અને તે પછી શિડ્યુલ્ડ કાસ્ટ્સ તરીકે જે ઓળખાયા તે બહુજન સમાજ માટે આંબેડકરે અત્યંત પાયાનું કામ કર્યું પરિણામે તે વર્ગના અતિપ્રિય અને કહોને કે પૂજનીય બની ગયા. દાંડીકૂચ અને ગોળમેજી પરિષદો પહેલાં આંબેડકરે ચવદાર તળાવમાંથી પાણી પી શકાય તે માટે મહાડ સત્યાગ્રહ કરેલો અને એક બ્રાહ્મણ મિત્રને સાથે રાખીને જ્ઞાતિનું મહિમામંડન કરનાર ગ્રંથ મનુસ્મૃતિનું દહન કરેલું.

આ ન ગમે તેવી વાત છે. પુસ્તકો વાંચવા માટે હોય છે. એનો અભ્યાસ કરી આગળ વધવા માટે હોય છે. વળી આંબેડકર જેવા પુસ્તકપ્રેમી દુનિયાએ કદાચ બીજા જોયા નથી. યુવાન વયથી ભૂખ્યા રહીને એમણે પુસ્તકો વસાવ્યાં હતાં. પુસ્તકો રાખવા માટે ઘર નાનું પડ્યું તો બીજું મકાન ખરીદ્યું હતું. જીવની જેમ એ પુસ્તકોને સાચવતા હતા. કપરાકાળમાં પુસ્તકોના બદલે લાખો રૂપિયા મળે તેમ હતા તે તેમણે જતું કર્યું હતું. આવો માણસ પુસ્તક બાળે તે સમજાય તેમ નથી અને સ્વીકારાય તેમ પણ નથી. કારણ એ હતું કે આંબેડકરને જ્ઞાતિનો ઉચ્છેદ કરવો હતો. જ્ઞાતિવાદી માનસિકતા દૂર કરવી હતી. અસ્પૃશ્યતા અને ઊંચનીચના ભેદભાવ જ્યાંથી ઊભા થતા હતા એ મૂળિયાં ખોદી કાઢવાં હતાં. મનુસ્મૃતિ આ આખી વિચારણામાં એક પ્રતીક હતું. આંબેડકરે જાહેરમાં તેનું પ્રતીકરૂપે દહન કર્યું. જોકે મારા જેવા પુસ્તક પ્રેમીઓ પુસ્તકદહનને કદી કબૂલ નહીં રાખે. પુસ્તકનો વિરોધ બીજું પુસ્તક લખીને જ કરાય એ પુસ્તકની દુનિયાનો વણલખ્યો નિયમ છે.

મૂળ મુદ્દા પર આવીએ તો ગાંધી અને આંબેડકર બંનેનો ઉદ્દેશ એક અને તે અસ્પૃશ્યતા નિવારણનો અને દલિતોના ઉદ્ધારનો. બંનેના રસ્તા તદ્દન જુદા તેને કારણે જ બંને એકબીજા સાથે ટકરાતા રહ્યા. આજે આપણને સમજાય છે કે બંને એકબીજાના પૂરક હતા. બંને માર્ગોની જરૂર છે. સમાંતરે તે ચાલ્યા જ કરે છે. છતાં કઠોર વાસ્તવિકતા એ છે કે હજુ એકવીસમી સદીનું આધુનિક ભારત કર્મશીલ માર્ટિન મેકવાન કહે છે તેમ ‘ભેદ ભારત’ જ રહ્યું છે, એક ભારત કે અભેદ ભારત પૂરેપૂરું બની શક્યું નથી.

નવા નવા અભ્યાસો રોજે રોજ થતા રહે છે. આંબેડકરના જીવન-કાર્ય વિશે પુષ્કળ પ્રમાણમાં લખાતું રહે છે. કેટલાક લેખકો ગાંધી અને આંબેડકર જાણે એકબીજાના દુશ્મન હોય એવી વિપરીત છાપ ઊભી થાય એવા અભ્યાસો રજૂ કરે છે. જે લોકો ઊંડો અભ્યાસ કરી શકતા નથી તે ક્યારેક આવું બધું સ્વીકારી પણ લેતા હોય છે.

અરુણ શૌરી આંબેડકરને અંગ્રેજોના પીઠ્ઠુ તરીકે ચિતરે છે તો વળી, અરુંધતી રોય ગાંધીને વર્ણાશ્રમધર્મના ટેકેદાર અને તેથી દલિતોના વિરોધી તરીકે ચિતરે છે. એકાંગી વલણો અને આત્યંતિક અભ્યાસો મુશ્કેલીઓ ઊભી કરે છે. આંબેડકર જીવનના છેલ્લા મહિનાઓમાં બૌદ્ધધર્મ તરફ વળ્યા એ ગૌતમ બુદ્ધનો મધ્યમ માર્ગ એકંદરે સાચો ઠરે છે.

દેશના ઘડવૈયા એ ગણાય જે દેશને આગળ લઈ જવા ઇચ્છતા હોય. એ માટે પ્રયત્ન કરતા હોય, ભલે તેમાં કોઈને સફળતા મળે કોઈને નિષ્ફળતા મળે. સરકાર નહિ પરંતુ સમાજ અગત્યનો છે. તે સમયનો કોંગ્રેસ પક્ષ નહિ પણ દેશ મહત્ત્વનો છે. આવી વિચારણાને કારણે આંબેડકર અંગ્રેજ સરકારની કાઉન્સિલમાં જોડાય છે. ગાંધી આંબેડકરને પ્રધાનમંડળમાં લેવડાવે છે એ નહેરુને કહે છે કે ‘આઝાદી કોંગ્રેસને નથી મળી, ભારત દેશને મળી છે.’ આંબેડકર બંધારણના ઘડવૈયા બને છે. એમની પ્રતિમામાં એમના હાથમાં જે પુસ્તક છે તે બંધારણ જ હોય એ જરૂરી નથી. આંબેડકર તો પહેલેથી પુસ્તકપ્રેમી રહ્યા છે.

આંબેડકરે જીવનમાં નીચલા વર્ગના હોવાને કારણે જે વેઠ્યું તે અન્ય પેઢીઓને વેઠવાનું ન આવે એ માટે કામ કરે છે. એ માટે જે કોઈનો સહયોગ મળે તે લેવામાં એમને કોઈ વાંધો વિરોધ નથી. એમનું જીવન એ ઉદ્દેશને સમર્પિત છે. ગાંધી કે કોંગ્રેસ પર એમણે કાયમી ચોકડી નથી મારી. તેથી જ તો પ્રધાનમંડળમાં અને બંધારણસભામાં તેઓ જોડાય છે.

હૃદય પરિવર્તન અને પ્રાયશ્ચિત એ ગાંધીનો માર્ગ છે. સામાજિક ન્યાય માટે કાયદો એ કદાચ આંબેડકરનો માર્ગ છે. આમ છતાં કાયદા માત્રથી સમાજ સુધારા થઈ શકતા નથી. કાયદાને કારણે તે ટકતા નથી એવું આજે આપણને સમજાય છે. અત્યાચાર વિરોધી કાયદો છે, અનામત માટેની જોગવાઈ છે, તેમ છતાં સમરસ સમાજની રચના થતી નથી. સનાતન પરંપરા અને અદ્વૈતનું તત્ત્વજ્ઞાન હોવા છતાં શ્રમિકવર્ગ અને સફાઈકામ કરનાર વર્ગ પ્રત્યે તુચ્છકારભર્યું વલણ આપણે ત્યાં લગભગ કાયમી બની ગયું છે. શિક્ષણ અને સમજથી થોડો ફેર પડ્યો છે પણ પૂરો ફેર પડતો નથી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં જે આખરી ભાષણ કર્યું તેમાં તેમણે ભાઈચારાની તરફેણ કરી એના પર ભાર મૂક્યો છે. સ્વતંત્રતા-સમાનતા-બંધુતા એ માત્ર ફ્રેંચ ક્રાંતિના કે પશ્ચિમી સંસ્કૃતિનાં મૂલ્યો નથી પરંતુ બુદ્ધ અને કબીર દ્વારા પ્રબોધાયેલા મૂલ્યો છે. બંધુતા નહિ હોય તો સ્વતંત્રતા અને સમાનતાનો કોઈ મતલબ નથી. રાજકીય લોકશાહી નહિ, પણ સામાજિક લોકશાહી આંબેડકરને મન મહામૂલ્યવાન હતી. ગાંધીએ પણ તેથી જ આઝાદીની સાથોસાથ રચનાત્મક કાર્યક્રમો ઉપર અને બુનિયાદી તાલીમ ઉપર વધુ ભાર મૂક્યો હતો.

ડૉ. આંબેડકરને યાદ કરીને આપણે વાચન અને અભ્યાસ ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભાઈચારો કેળવવાની જરૂર છે. સમાનતા માટે સંઘર્ષ કરવાની જરૂર છે. પોતાના સાથી કાર્યકરોથી આંબેડકરને પણ સદાય અસંતોષ રહ્યો હતો. તે બદલ તેમણે કડવા વેણ પ્રગટ કરેલાં છે. એટલે આંબેડકરી વિચારધારાને નિષ્ઠાવાન કાર્યકરોની આજે ખૂબ જરૂર છે. આંબેડકરની સ્મૃતિ માત્ર એક વર્ગ કે સમૂહની ન બની રહે પરંતુ વ્યાપક સમાજની બને એ પહેલી શરત છે. આશા રાખીએ કે શરૂ થતા નવા વર્ષમાં દલિતો પર વધુ એક પણ અત્યાચાર નહીં થાય.

અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, તેની સાથે તંત્રી મંડળ સહમત હોય તે જરૂરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments