વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિશ્વને એક અજાણ્યા ડરથી પરિચિત કરાવવામાં આવ્યું અને તેને એક અનિવાર્ય આપત્તિની જેમ રજૂ કરવામાં આવ્યું — વસ્તી વિસ્ફોટ (Population Explosion). એવું કહેવામાં આવ્યું કે જો વસ્તી આ જ ગતિએ વધતી રહેશે તો પૃથ્વીના સંસાધનો ખૂટી જશે, અન્ન સંકટ ઊભું થશે, ભૂખમરો અને રોગચાળો ફેલાશે તથા માનવ સભ્યતા વિનાશના આરે પહોંચી જશે.
શાળાઓ, યુનિવર્સિટીઓ, આંતરરાષ્ટ્રીય પરિષદો અને મીડિયા ચર્ચાઓમાં આ વિચાર વારંવાર એટલો દોહરાવવામાં આવ્યો કે દુનિયાની સૌથી મોટી સમસ્યા “વધતી વસ્તી” છે. પરંતુ લગભગ અડધી સદી પછી હવે એ પ્રશ્ન ગંભીરતાથી પૂછવામાં આવી રહ્યો છે કે, શું તે ડર વાસ્તવિક હતો કે પછી તે રાજકારણ, અર્થશાસ્ત્ર અને વૈશ્વિક સત્તા-સંતુલન સાથે જોડાયેલી એક ” ઉપજાવી કાઢેલી વાર્તા (નેરેટિવ)” હતી?
આજે, ૨૦૨૬માં જ્યારે આપણે વિશ્વની સ્થિતિ જોઈએ છીએ, ત્યારે જોવા મળે છે કે વસ્તી વધવા છતાં દુનિયા ન તો મોટા પાયે દુષ્કાળથી બરબાદ થઈ, ન તો અન્ન ઉત્પાદન ઓછું પડ્યું અને ન તો તે સર્વનાશ થયો, જેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તેનાથી વિપરીત, તબીબી, કૃષિ ટેકનોલોજી, પરિવહન અને ઉત્પાદન ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો. સમસ્યા ખતમ નથી થઈ, પરંતુ તેનું કારણ અલગ નીકળ્યું — તે સંસાધનોની અછત કરતાં સંસાધનોની અસમાન વહેંચણી, આર્થિક અન્યાય અને રાજકીય પ્રાથમિકતાઓની સમસ્યા તરીકે સામે આવી.
માલ્થસનો સિદ્ધાંત અને ડરની શરૂઆત
અઢારમી સદીમાં થોમસ રોબર્ટ માલ્થસે (Thomas Robert Malthus) એવો સિદ્ધાંત રજૂ કર્યો હતો કે વસ્તી ભૌમિતિક ગતિએ વધે છે, જ્યારે અન્ન ઉત્પાદન પ્રમાણમાં ધીમી ગતિએ વધે છે. તેથી એક સમય એવો આવશે જ્યારે ભૂખમરો, રોગચાળો અને યુદ્ધ માનવ સમાજને સંતુલિત કરવા માટે અનિવાર્ય બની જશે. આ વિચાર પછીના વર્ષોમાં પશ્ચિમી વસ્તી વિમર્શનો પાયો બની ગયો.
વર્ષ ૧૯ ૬૮માં આવેલી પોલ આર. એહરલિચનું પુસ્તક “ધ પોપ્યુલેશન બોમ્બ” (The Population Bomb) એ આ ડરને સામાન્ય લોકોમાં વધુ ભયાનક સ્વરૂપે ફેલાવી દીધો. પુસ્તકમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં કરોડો લોકો ભૂખમરાથી મરશે અને કેટલાય દેશોની સામાજિક વ્યવસ્થા પડી ભાંગશે. આંકડાઓ અનુસાર, વિકાસશીલ દેશોના આશરે ૨૦ લાખ લોકો આ દાયકામાં ભૂખમરાનો ભોગ બન્યા, જ્યારે અમેરિકા જેવા મૂડીવાદી દેશોએ આ ભૂખમરા દરમિયાન મોંઘા ભાવે અનાજ વેચીને અઢળક કમાણી કરી.
વર્ષ ૧૯૬૦ના દાયકામાં ભારત સહિત કેટલાય દેશોમાં હરિત ક્રાંતિ આવી. ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતા બિયારણો, ખાતરો, સિંચાઈ અને આધુનિક કૃષિ ટેકનોલોજીએ અન્ન ઉત્પાદનને કેટલાય ગણું વધારી દીધું. ભારત, જેને ક્યારેક દુષ્કાળગ્રસ્ત અને “વસ્તીના બોજ હેઠળ દબાયેલો” દેશ કહેવામાં આવતો હતો, તે આજે દુનિયાના સૌથી મોટા અન્ન ઉત્પાદકોમાં સામેલ છે.
‘ખાદ્ય અને કૃષિ સંગઠન’ (FAO) ના આંકડા દર્શાવે છે કે છેલ્લા છ દાયકામાં વૈશ્વિક અન્ન ઉત્પાદન વસ્તી વૃદ્ધિ કરતાં વધુ ઝડપથી વધ્યું છે. વર્ષ ૧૯૬૧માં વિશ્વની વસ્તી લગભગ ૩.૧ અબજ હતી, જે આજે ૮ અબજથી વધુ થઈ ચૂકી છે, જ્યારે આ જ સમયગાળામાં વૈશ્વિક અનાજ ઉત્પાદન લગભગ ૯૦ કરોડ ટનથી વધીને ૨.૮ અબજ ટનથી વધુ થઈ ગયું છે. FAO અને સંયુક્ત રાષ્ટ્રના અહેવાલો અનુસાર, દુનિયામાં ઉત્પાદિત થતો ખોરાક સૈદ્ધાંતિક રીતે ૧૦ અબજથી વધુ લોકોની જરૂરિયાતો પૂરી કરી શકે તેમ છે. તેમ છતાં, દર વર્ષે લગભગ ૧.૩ અબજ ટન ખોરાક બગાડ અથવા નષ્ટ થઈ જાય છે, જ્યારે ૭૦ થી ૮૦ કરોડ લોકો કુપોષણ અને ભૂખનો સામનો કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વાસ્તવિક સંકટ વસ્તી વૃદ્ધિનું છે જ નહીં, પરંતુ સંકટ એ છે કે સંસાધનોની વહેંચણી અને આર્થિક વ્યવસ્થા બંને અન્યાયી છે.
વસ્તી નિયંત્રણ: વૈશ્વિક નીતિ અને તેની અસર
વીસમી સદીના બીજા ભાગમાં વસ્તી નિયંત્રણ માત્ર સામાજિક ચર્ચા ન રહેતાં વૈશ્વિક નીતિનો એક ભાગ બની ગયું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN), વર્લ્ડ બેંક અને અસંખ્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ “પરિવાર નિયોજન” અથવા પરિવારને નાનો રાખવાની બાબતને વિકાસ સાથે જોડી દીધી. વિકાસશીલ દેશોને એવો સંદેશ આપવામાં આવ્યો કે ગરીબીનું મુખ્ય કારણ તેમની વધતી વસ્તી છે. પરિણામે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં મોટા પાયે વસ્તી નિયંત્રણ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા.
ભારતમાં આનું સૌથી વિવાદાસ્પદ ઉદાહરણ કટોકટી (૧૯૭૫-૭૭) દરમિયાન સામે આવ્યું. તત્કાલીન સરકાર દ્વારા મોટા પાયે નસબંધી અભિયાન ચલાવવામાં આવ્યું. કેટલીક જગ્યાએ લોકો પર દબાણ કરવામાં આવ્યું, ગરીબ વર્ગોને નિશાન બનાવવામાં આવ્યા અને વહીવટી લક્ષ્યાંકો પૂરા કરવા માટે માનવાધિકારોની અવગણના કરવામાં આવી. આજે પણ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં તેને એક કાળો અધ્યાય માનવામાં આવે છે.
જે નીતિઓને “આધુનિક વિકાસ”ના નામે લાગુ કરવામાં આવી, તે કેટલીકવાર માનવ ગરિમા અને વ્યક્તિગત સ્વતંત્રતાની વિરુદ્ધ ગઈ. વિવેચકોનું માનવું છે કે આ વાસ્તવમાં કેટલાક વિકસિત દેશો દ્વારા વસ્તી પર નિયંત્રણના માધ્યમથી દુનિયાની અર્થવ્યવસ્થા પર નિયંત્રણ મેળવવાની યોજનાનો એક ભાગ હતો.
ચીનની ‘વન ચાઇલ્ડ પોલિસી’ની નિષ્ફળતા: એક ચેતવણી
વર્ષ ૧૯૭૯માં લાગુ કરવામાં આવેલી ચીનની “વન ચાઇલ્ડ પોલિસી”ને ક્યારેક વસ્તી નિયંત્રણનું આદર્શ મોડેલ ગણાવવામાં આવતું હતું. પરંતુ તેના પરિણામો અત્યંત ખતરનાક આવ્યા:
બળજબરીપૂર્વક ગર્ભપાત અને નસબંધી કરવામાં આવી.
જાતિ પ્રમાણ (લિંગાનુપાત) બગડી ગયું, કારણ કે પુત્રની ચાહનાના કારણે કન્યા ભ્રૂણ હત્યા વધી.
વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી.
યુવા વસ્તી ઘટવા લાગી, જેનાથી શ્રમિકો (કામદારો)ની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો.
આજે ચીન એ જ સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે જેને ક્યારેક વિકસિત દેશોની સમસ્યા માનવામાં આવતી હતી — વૃદ્ધ થતી વસ્તી. ચીન હવે લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં ‘થ્રી ચાઇલ્ડ પોલિસી’ (ત્રણ સંતાનની નીતિ) પણ લાગુ કરી ચૂક્યું છે.
જાપાન અને યુરોપ: ઘટતી વસ્તીનું સંકટ
જાપાન, ઇટાલી અને કેટલાય યુરોપીય દેશોમાં જન્મદર, રિપ્લેસમેન્ટ લેવલ (૨.૧ જન્મ પ્રતિ મહિલા) કરતાં ઘણો નીચે જતો રહ્યો છે. જાપાનમાં સ્થિતિ એટલી ગંભીર છે કે દર વર્ષે ત્યાંની વસ્તી લાખોની સંખ્યામાં ઘટી રહી છે. ગામડાં ખાલી થઈ રહ્યાં છે, શાળાઓ બંધ થઈ રહી છે અને વૃદ્ધોની સંભાળ લેવી એ એક મોટો પડકાર બની ગયો છે.
યુરોપના કેટલાય દેશોમાં સરકારો હવે વધુ બાળકો પેદા કરવા પર આર્થિક પ્રોત્સાહન આપી રહી છે. આ એ જ યુરોપ છે જેણે ક્યારેક વિકાસશીલ દેશોને “વસ્તી નિયંત્રણ”ના પાઠ ભણાવ્યા હતા. હવે ત્યાં વધુ સંતાન ધરાવનારાઓને સુવિધાઓ આપવામાં આવી રહી છે.
ભારતમાં વસ્તીનું કોમીકરણ (સાંપ્રદાયીકરણ)
ભારતમાં વસ્તીનો પ્રશ્ન ધીમે-ધીમે રાજકીય અને કોમી રંગ પકડી ચૂક્યો છે. ચૂંટણી ભાષણો, ટીવી ડિબેટ્સ અને સોશિયલ મીડિયા અભિયાનોમાં વારંવાર એવો પ્રચાર કરવામાં આવે છે કે દેશમાં “વસ્તી વિસ્ફોટ” થઈ રહ્યો છે અને તેના માટે ખાસ કરીને મુસ્લિમો જવાબદાર છે.
પરંતુ તથ્યો આ દાવાથી બિલકુલ ઉલટા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) ના આંકડા દર્શાવે છે કે ભારતમાં તમામ સમુદાયોનો જન્મદર સતત ઘટ્યો છે:
NFHS-1 (1992-93): અનુસાર ભારતનો કુલ પ્રજનન દર (TFR – Total Fertility Rate) ૩.૪ હતો.
મુસ્લિમ TFR: ૧૯૯૨-૯૩ના ૪.૪૧ થી ઘટીને ૨૦૧૯-૨૧માં ૨.૩૬ થઈ ગયો, એટલે કે ૪૬.૫% નો ઘટાડો.
હિન્દુ TFR: ૩.૩ થી ઘટીને ૧.૯૪ થયો, એટલે કે ૪૧.૨% નો ઘટાડો.
SRS (સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ) 2024: અનુસાર ભારતનો કુલ TFR હવે ૧.૯ છે, એટલે કે ૪૪.૧% નો ઘટાડો. આ રિપ્લેસમેન્ટ લેવલ ૨.૧ થી પણ નીચે છે.
આ આંકડાઓમાં સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા ત્રણ દાયકામાં જન્મદરમાં સૌથી ઝડપી ઘટાડો મુસ્લિમ સમુદાયમાં નોંધાયો છે. જો “વસ્તી વિસ્ફોટ” નો અર્થ સતત વધતો અને અનિયંત્રિત જન્મદર હોય, તો ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે ભારત તે દિશામાં નહીં પરંતુ વસ્તી સ્થિરીકરણ (Population Stabilization) ની દિશામાં આગળ વધી રહ્યું છે.
ધર્મ નહીં, શિક્ષણ અને આર્થિક સ્થિતિ નિર્ણાયક પરિબળો:
નિષ્ણાતો સતત જણાવતા આવ્યા છે કે જન્મદરનો સંબંધ ધર્મ કરતાં વધુ શિક્ષણ, આવક, આરોગ્ય સુવિધાઓ અને મહિલાઓની સામાજિક સ્થિતિ સાથે હોય છે. કેરળ આનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં મુસ્લિમ સમુદાયનો જન્મદર ઉત્તર ભારતના કેટલાય રાજ્યો કરતાં ઓછો છે. કારણ એ છે કે ત્યાં શિક્ષણનું સ્તર વધુ સારું છે, આરોગ્ય સુવિધાઓ વધુ ઉપલબ્ધ છે અને મહિલાઓની સામાજિક ભાગીદારી વધારે છે.
તેથી એવું કહેવું કે “કોઈ ખાસ ધર્મ” વસ્તી વધારાનું કારણ છે, તે માત્ર તથ્યની દ્રષ્ટિએ ખોટું જ નથી, પરંતુ સામાજિક રીતે પણ ખતરનાક છે.
ડરની રાજનીતિ અને મીડિયાની ભૂમિકા
વસ્તીનો પ્રશ્ન જ્યારે રાજકીય હથિયાર બની જાય છે, ત્યારે તેનો ઉદ્દેશ્ય સમસ્યાનો ઉકેલ લાવવાનો નહીં પણ ડર ઊભો કરવાનો હોય છે. “ડેમોગ્રાફિક ખતરો”, “પોપ્યુલેશન જેહાદ” અને “વસ્તી અસંતુલન” જેવા શબ્દો મીડિયા અને સોશિયલ મીડિયામાં વારંવાર દોહરાવવામાં આવે છે. આ શબ્દોનો હેતુ સ્પષ્ટપણે બહુમતી સમાજમાં અસુરક્ષાની ભાવના પેદા કરવાનો છે.
આ નીતિથી એક તરફ વાસ્તવિક આર્થિક સમસ્યાઓ પરથી ધ્યાન હટી જાય છે, તો બીજી તરફ સમુદાયો વચ્ચે અવિશ્વાસ અને પરિણામે મતોનું ધ્રુવીકરણ થાય છે. જ્યારે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર જવાબ આપવો મુશ્કેલ બની જાય છે, ત્યારે વસ્તીનો ડર એક અનુકૂળ રાજકીય સાધન બની જાય છે.
ઇસ્લામિક દ્રષ્ટિકોણ: સંતુલન, જવાબદારી અને માનવીય ગરિમા
ઇસ્લામ વસ્તીને માત્ર એક સંખ્યા, બોજ કે આર્થિક સમસ્યા તરીકે નથી જોતો, પરંતુ તેને માનવીય ક્ષમતા, સામાજિક શક્તિ અને અલ્લાહની એક અમાનત (ધરોહર) તરીકે જુએ છે. કુરાન મનુષ્યને પૃથ્વી પર “ખલીફા” એટલે કે જવાબદાર પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે. તેથી ઇસ્લામિક દ્રષ્ટિકોણમાં વસ્તી મૂળભૂત રીતે કોઈ સમસ્યા જ નથી.
કુર્આન કહે છે: “અને તમારી સંતાનની ગરીબીના ડરથી હત્યા ન કરો; અમે તેમને પણ રોજી આપીએ છીએ અને તમને પણ.” (કુરાન, ૧૭:૩૧)
આ આયત તે માનસિકતાની ટીકા કરે છે જે આર્થિક ડરના કારણે મનુષ્યના અસ્તિત્વને જ સમસ્યા માનવા લાગે છે. ઇસ્લામ એ શિક્ષણ આપે છે કે આજીવિકાનો વાસ્તવિક સ્ત્રોત અલ્લાહ છે. દરેક નવી વ્યક્તિ સમાજ માટે શ્રમ, પ્રતિભા, સર્જનાત્મકતા અને સામાજિક ઉર્જાનો સંભવિત સ્ત્રોત છે.
ઇસ્લામ માત્ર સંતાનની હત્યા કરતા જ નથી રોકતો, પરંતુ જવાબદાર પરિવાર, ઉત્તમ ઉછેર, શિક્ષણ, નૈતિક તાલીમ અને સામાજિક જવાબદારી પર પણ સમાન રીતે ભાર મૂકે છે. બાળકોનો યોગ્ય ઉછેર, તેમના અધિકારોનું રક્ષણ અને તેમને એક સ્વસ્થ, શિક્ષિત અને જવાબદાર નાગરિક બનાવવા તે ઇસ્લામિક શિક્ષણનો મહત્વનો ઉદ્દેશ્ય છે.
મૌલાના સૈયદ અબુલ આલા મૌદૂદીએ પોતાના પુસ્તક ‘બર્થ કંટ્રોલ’ માં લખ્યું છે કે, આધુનિક દુનિયાએ ઘણીવાર ગરીબી, આર્થિક શોષણ અને સંસાધનોની અન્યાયી વહેંચણી જેવી વાસ્તવિક સમસ્યાઓને છુપાવીને વસ્તીને જ મૂળ સમસ્યા તરીકે રજૂ કરી છે, જેના ગંભીર પરિણામો સામે આવ્યા છે. તેમની દલીલ હતી કે દુનિયામાં ભૂખ અને અભાવનું કારણ લોકોની સંખ્યા નથી, પરંતુ ઉત્પાદન અને સંપત્તિનો મોટો હિસ્સો કેટલાક વ્યક્તિઓ, વર્ગો અને દેશોના હાથમાં કેન્દ્રિત થઈ જવો, તે છે. તેઓ લખે છે કે જ્યારે સમાજમાં આર્થિક ન્યાય ખતમ થઈ જાય અને સંસાધનોની વહેંચણી અસંતુલિત હોય, ત્યારે વસ્તીને દોષ આપવો એ વાસ્તવિક સમસ્યા પરથી ધ્યાન ભટકાવવા સમાન છે.
વાસ્તવિક સંકટ: વસ્તી નહીં, અસમાનતા
જો દુનિયાની સૌથી મોટી સમસ્યા માત્ર વસ્તી જ હોત, તો પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતા વિકસિત દેશો પર્યાવરણીય સંકટ અને સંસાધનોના અતિશય શોષણના સૌથી મોટા કારણો ન હોત. વાસ્તવિકતા એ છે કે દુનિયાની કુલ વસ્તીનો એક નાનકડો હિસ્સો વૈશ્વિક સંસાધનોનો અપ્રમાણસર વપરાશ કરે છે, જ્યારે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) અને પર્યાવરણીય નુકસાનમાં ગરીબ દેશોની વસ્તી કરતાં વધુ ભૂમિકા વપરાશ-પ્રધાન આર્થિક મોડેલની છે. તેથી સમસ્યા માત્ર લોકોની સંખ્યાની નથી, પરંતુ સંસાધનોની અસમાન વહેંચણી અને આર્થિક અન્યાયની છે.
વીસમી સદીમાં જે “વસ્તી વિસ્ફોટ” ને માનવ સભ્યતા માટે સૌથી મોટો ખતરો ગણાવવામાં આવ્યો હતો, આજે તે જ ચર્ચા કેટલાય દેશોમાં ઉલટાઈ ગઈ છે. યુરોપ, જાપાન અને ચીન જેવા દેશો ઘટતા જન્મદર, વૃદ્ધ થતી વસ્તી અને શ્રમિકોની અછતથી ચિંતિત છે. વસ્તીની અસર એ વાત પર નિર્ભર કરે છે કે સમાજ પોતાના માનવ સંસાધનો, અર્થવ્યવસ્થા અને સામાજિક ન્યાયને કઈ રીતે વ્યવસ્થિત કરે છે.
ભારતમાં આ પ્રશ્નને જે રીતે કોમી રંગ આપી દેવામાં આવ્યો છે, તે વિશેષ ચિંતાનો વિષય છે. જ્યારે આંકડા દર્શાવે છે કે તમામ સમુદાયોમાં જન્મદર સતત ઘટી રહ્યો છે અને મુસ્લિમ સમુદાયમાં આ ઘટાડો સૌથી ઝડપી રહ્યો છે, છતાં પણ “વસ્તી વિષયક ખતરા” (ડેમોગ્રાફિક ખતરા) નો ડર ઊભો કરવામાં આવે છે. આ ડર અવારનવાર વાસ્તવિક સમસ્યાઓ — બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, આર્થિક અસમાનતા અને સંસાધનોની અન્યાયી વહેંચણી પરથી ધ્યાન હટાવવાનો એક પ્રયાસ છે.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મનુષ્યને માત્ર એક વધારાની “સંખ્યા” અથવા “બોજ” તરીકે જોવામાં આવ્યો, ત્યારે માનવ-ગરિમાને નુકસાન પહોંચ્યું છે. આજે ડર અને પૂર્વાગ્રહથી મુક્ત, તથ્ય આધારિત અને માનવીય દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત છે. વસ્તીના પ્રશ્નનો ઉકેલ સંખ્યા ઘટાડવામાં નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અને સમાન તકો સુનિશ્ચિત કરવામાં રહેલો છે. લોકશાહી સમાજમાં જવાબદાર ચર્ચા એ જ છે, જે મનુષ્યને સમસ્યા નહીં, પણ સંભાવના તરીકે જુએ.
- સ્ત્રોત અને સંદર્ભ:
- આંતરરાષ્ટ્રીય અહેવાલો: United Nations Population Division, World Bank Population Data, UNFPA Reports
- ભારતીય સ્ત્રોત: National Family Health Survey (NFHS), Registrar General of India
- પુસ્તકો: The Population Bomb, Birth Control, An Essay on the Principle of Population
(નોંધ: મૂળ આર્ટિકલ માસિક પત્રિકા ‘કાંતિ’, જુલાઈ-૨૦૨૬ માં પ્રકાશિત થયો હતો.)
