કોઈ પણ સમાજના પરિવર્તનમાં શિક્ષણ પ્રણાલીની ભૂમિકા મહત્વની છે. શિક્ષણ માત્ર સૂચના ટ્રાન્સફર કરવાનું નામ નથી, ન જ મૂલ્યો ભણાવવાનું નામ છે; બલ્કે મૂલ્યોનું વ્યક્તિગત જીવન અને સમાજમાં રૂપાંતર કરવાનું નામ છે. મૌલાના મૌદુદી (રહ.) એ લખ્યું હતું કે કોઈ પણ શિક્ષણ વ્યવસ્થા તટસ્થ હોતી નથી, તે કોઈ ને કોઈ સંસ્કૃતિની સેવક હોય છે. આ વાત પોતાના સ્થાને બિલકુલ સત્ય છે. કોઈ પણ કાર્યનો ઉદ્દેશ્ય નિર્ધારિત હોય તો રૂપરેખા તે મુજબ નક્કી થાય છે. શિક્ષણ પ્રણાલીનું જે લક્ષ્ય હશે તેવા જ વિદ્યાર્થીઓ એટલે કે ભવિષ્યના નાગરિકો તૈયાર થશે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: મેકોલેની શિક્ષણ નીતિ
દાખલા તરીકે, અંગ્રેજોના શાસનકાળમાં એવા લોકોની જરૂર ઊભી થઈ જે બ્રિટિશ સરકાર અને ભારતની જનતા વચ્ચે સેતુનું કામ કરી શકે. ઈ.સ. 1835માં થોમસ બી. મેકોલેએ તે ઉદ્દેશ્યને પૂર્ણ કરવા એક નીતિ રજૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એવો શિક્ષિત વર્ગ તૈયાર કરવાનો હતો, જે અંગ્રેજી ભાષા અને પશ્ચિમી જ્ઞાનથી પરિચિત હોય અને સરકાર તથા જનતા વચ્ચે અનુવાદક અથવા મધ્યસ્થી તરીકે કાર્ય કરી શકે. તેણે સ્પષ્ટ રીતે લખ્યું હતું કે:
“A class of persons Indian in blood and colour, but English in tastes, in opinions, in morals and in intellect.”
એટલે કે એવા ભારતીયોનો એક વર્ગ તૈયાર કરવો, જે શરીર અને જન્મથી ભારતીય હોય, પરંતુ તેમના વિચારો, માન્યતાઓ, જીવનશૈલી, નૈતિકતા અને માનસિકતા અંગ્રેજો જેવી હોય. સ્વતંત્રતા પહેલાં સુધી કેટલાક ગૌણ ફેરફારો સાથે આવી નીતિઓ ઘડાતી અને અમલમાં મુકાતી રહી.
સ્વતંત્રતા પછીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ
સ્વતંત્રતા પછી પણ આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ બનાવવામાં આવી, જેમાં શિક્ષણને રાષ્ટ્રીય વિકાસ, સામાજિક પરિવર્તન અને માનવ ઘડતરના મુખ્ય સાધન તરીકે સ્વીકારવામાં આવ્યું. આ દિશામાં ભારત સરકારે વર્ષ 1968 અને 1986માં જે નીતિઓ જાહેર કરી તેમનો મુખ્ય હેતુ શિક્ષણ વ્યવસ્થાને સમયની જરૂરિયાતો અનુસાર વધુ ગુણવત્તાયુક્ત, સર્વસમાવેશી અને અસરકારક બનાવવાનો રહ્યો છે.
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (1968): આ નીતિનું મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતા, સમાન શૈક્ષણિક તક, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આર્થિક સંપન્નતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ હતો.
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (1986): આ નીતિએ શિક્ષણમાં સમાનતા, સામાજિક ન્યાય, સ્ત્રી શિક્ષણ, રોજગાર, વંચિત વર્ગોનું સશક્તિકરણ અને સર્વવ્યાપી પ્રાથમિક શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો.
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020): આ નીતિની વિશેષતા એ છે કે તેણે શિક્ષણને માત્ર જ્ઞાનપ્રાપ્તિ કે રોજગાર સુધી મર્યાદિત ન રાખતાં બાળકના સર્વાંગી વિકાસ (Holistic Development), પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારશક્તિ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને જીવનમૂલ્યોના સંવર્ધન પર ભાર મૂક્યો છે.
વર્તમાન પરિસ્થિતિ અને પડકારો
અત્યાર સુધીની નીતિઓનું વિશ્લેષણ કરવામાં આવે તો તેઓ પોતાના લક્ષ્યમાં આંશિક રીતે સફળ દેખાય છે. એકંદરે આપણી શિક્ષણ પ્રણાલી સંવેદનહીન અને બિનજવાબદાર નાગરિકો તૈયાર કરી રહી છે. મેકોલેએ જે નીતિ બનાવી હતી તે જ અમલમાં મુકાતી દેખાઈ રહી છે, કેમ કે આપણે બૌદ્ધિક મજૂર, પશ્ચિમી સંસ્કૃતિના નકલખોર (અનુકરણ કરનારા) અને અંગ્રેજી ભાષા પર ગૌરવ લેનારા લોકો તૈયાર કરી રહ્યા છીએ.
NEP 2020 તબક્કાવાર રીતે અમલમાં મુકાઈ રહી છે. કેટલીક વસ્તુઓથી મતભેદ હોઈ શકે, પણ તેમાં બાળકના ‘હોલિસ્ટિક ડેવલપમેન્ટ’ (સર્વાંગી વિકાસ) પર ભાર મૂકવામાં આવ્યો છે જે એક સારી બાબત છે; પરંતુ જોવાનું એ રહ્યું કે પ્રવર્તમાન ભૌતિકતાવાદી યુગમાં તે પોતાના ઉદ્દેશ્યોમાં કેટલી સફળ થાય છે.
હોલિસ્ટિક ડેવલપમેન્ટ: પાંચ મુખ્ય મૂલ્યો
હોલિસ્ટિક ડેવલપમેન્ટ અંતર્ગત પાંચ પ્રકારના મૂલ્યોનું સિંચન કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે:
- નૈતિક અને ચારિત્ર્યલક્ષી મૂલ્યો: સત્ય, પ્રામાણિકતા, અહિંસા, ક્ષમા, સહિષ્ણુતા, શિસ્ત, નિષ્કામ કર્મ, કરુણા અને દયા.
- માનવીય મૂલ્યો: સહાનુભૂતિ, બીજાઓ પ્રત્યે આદર, સૌજન્ય, સેવા ભાવના, વડીલો અને સ્ત્રીઓ પ્રત્યે આદર, માનવ ગૌરવ અને સમાનતા.
- બંધારણીય મૂલ્યો: સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, લોકશાહી ભાવના, બંધુત્વ, સર્વસમાવેશકતા, જવાબદારી, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા.
- સામાજિક મૂલ્યો: સામાજિક જવાબદારી, જાહેર સંપત્તિનો આદર, સ્વચ્છતા, શાંતિ, સહકાર, ટીમવર્ક અને સમાજસેવા.
- બૌદ્ધિક અને વૈજ્ઞાનિક મૂલ્યો: વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ, વિવેચનાત્મક વિચારશક્તિ, સર્જનાત્મકતા, સત્યની શોધ અને પુરાવા આધારિત વિચાર વગેરે.
આદર્શ શિક્ષણશૈલી અને ‘તઝકિયા’ની ભૂમિકા
એક બાજુ આ મૂલ્યોનું બાળકોમાં આંતરિકરણ કરવામાં આવશે એટલે કે તેમને માત્ર ભણાવવાને બદલે કેળવવામાં આવશે. બીજી બાજુ બાળકનો સર્વાંગી વિકાસ માતા-પિતા અને શિક્ષકોના યોગ્ય પ્રશિક્ષણની માગ કરે છે. આ મૂલ્યોના વિકાસમાં ધર્મની ભૂમિકા મહત્વનો ભાગ ભજવી શકે છે. આ સંદર્ભમાં કુરઆનમાં વર્ણવેલા મૂલ્યો અને એક આદર્શ શિક્ષક તરીકે હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ની શિક્ષણશૈલી પ્રસ્તુત કરી શકાય છે.
કુરઆન આપણને શિક્ષકની જવાબદારી જણાવતા કહે છે:
“જેવી રીતે (તમને આ વસ્તુથી સફળતા મળી કે) અમે તમારી વચ્ચે સ્વયં તમારામાંથી એક રસૂલ (પયગંબર) મોકલ્યો, જે તમને અમારી આયતો સંભળાવે છે, તમારા જીવનને શુદ્ધ (તઝકિયા) કરે છે, તમને ગ્રંથ અને તત્ત્વદર્શિતા (સમજ, વિવેકબુદ્ધિ) નું શિક્ષણ આપે છે, અને તમને એ વાતો શીખવાડે છે જે તમે જાણતા ન હતા.” (સૂરઃ અલ-બકરહ: 151)
‘તઝકિયા’ એટલે વ્યક્તિમાં રહેલા નૈતિક અવગુણો, વૈચારિક પદભ્રષ્ટતા, સ્વચ્છંદતા, મૂલ્યવિહીનતા વગેરેથી પાક (પવિત્ર) કરી તેમનામાં ઇમાન, ઇચ્છિત આધ્યાત્મિક, બૌદ્ધિક, બંધારણીય, સામાજિક અને નૈતિક સદ્ગુણોનું આત્મસાત કરી ઉચ્ચતમ કક્ષા સુધી લઈ જવાનું નામ છે.
ઉપસંહાર
એક આદર્શ સમાજની પ્રસ્થાપનામાં એક સફળ શિક્ષક તરીકે આપ (સ.અ.વ.) નું ઉદાહરણ સમગ્ર સમાજ માટે અનુકરણીય છે. આપે કહ્યું હતું કે:
“મને શિક્ષક (મુઅલ્લીમ) બનાવીને મોકલવામાં આવ્યો છે.”
આપે નિર્ધારિત કરેલ ધ્યેય અને આપે અપનાવેલ પદ્ધતિથી હોલિસ્ટિક ડેવલપમેન્ટનું સ્વપ્ન સાર્થક કરી શકાય છે. જવાબદાર નાગરિક અને નૈતિકતાપૂર્ણ માનવો તૈયાર કરવાનો આ એક જ અસરકારક કાર્યક્રમ છે; અન્યથા પાછલી નીતિઓની જેમ આ નીતિ પણ ‘શોભાના ગાંઠિયો’ બની રહેશે.
લેખ સૌજન્યઃ “શાહીન” સાપ્તાહિક
