ભારત દેશ શ્રદ્ધા અને માનવતા પર આધારિત દેશ છે. અહીં ધાર્મિક હોવું એ પ્રતિષ્ઠા, ગર્વ અને આદરને આમંત્રિત કરે છે, જ્યારે અધાર્મિક હોવું એ સમાજે નહીં સ્વીકારેલ વ્યવસ્થા સમાન છે. એમ તો ધર્મ વ્યક્તિની વ્યક્તિગત બાબત છે તેમ બંધારણમાં લખેલું હોવા છતાં ધર્મ વ્યક્તિના સમગ્ર જીવનમાં વ્યાપેલ છે, તે સર્વોપરી છે, અને સર્વસ્વીકૃત છે.
પરંતુ ધીરેધીરે દેશમાં આધુનિકતાએ છેલ્લા કેટલાક વર્ષોથી પગપેસારો કર્યો છે. હકીકતમાં પશ્ચિમી દેશોના મોભા અને વૈશ્વિક સ્તરે તેમની અસરને જાેતાં તેનાથી અહીંના ભણેલા અને બુદ્ધિજીવીઓ પ્રભાવિત છે. ધર્મને બુદ્ધિજીવીઓ એક અફીણ માત્ર ગણે છે, અને ધાર્મિક લોકોને જૂનવાણી તેમજ નવીનતા અને આધુનિકતાના વિરોધીઓ તરીકે માને છે. આવી માનસિકતા ધરાવતા લોકો હવે દેશમાં ઉંચા હોદ્દાઓ પર બિરાજમાન થઈ ગયા છે જે પોતાની માનસિકતા અને વિચારધારા મુજબ કાયદાઓ ઘડે છે અને દેશને એ જ ‘વિકસિત દેશો’ તરફ જવા પ્રયત્ન કરી રહ્યા હોય તેમ કાયદાઓને અમલીરૂપ આપી રહ્યા છે.
તાજેતરમાં સર્વોચ્ચ અદાલતમાં ત્રણ જજાેની બેંચે એક અવિવાહિત મહિલાના ગર્ભપાતને લઈ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જે આધુનિક વિચારધારા પર આધારિત છે. અવિવાહિત મહિલા જે વ્યક્તિ સાથે જાતીય સંબંધો ધરાવતી હતી તેને સંબંધોના પરિણામે ગર્ભ રહી ગયો. ગર્ભ રહી જતાં પુરુષે મહિલા સાથે સંબંધો તોડી નાખ્યા. હવે અવિવાહિત મહિલા બાળકને જન્મ આપે અને તેને રાખે અને તેનો ઉછેર કરે અને સમાજ તેનો સ્વીકાર કરે, હજી ભારતીય સમાજ એટલો તો ‘આધુનિક’ નથી થયો. આ ખયાલ કદાચ મહિલાને પણ હશે. તેથી તેણે ગર્ભપાત માટે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા. સર્વોચ્ચ અદાલતના ત્રણ આધુનિક અને પ્રગતિશીલ જજાેની બેંચે ર૯ સપ્ટેમ્બરે એક ચોંકાવનારો ચુકાદો સંભળાવ્યો છે કે વિવાહિત અને અવિવાહિત મહિલાઓ ર૪ અઠવાડિયા સુધીની ગર્ભાવસ્થામાં ગર્ભપાત કરાવી શકે છે ! કોર્ટે નોંધ્યું છે કે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચે કોઈ ભેદ ન હોવો જાેઈએ. ગર્ભપાત માટે અપરિણીત મહિલાની સહમતીથી થયેલા સંબંધનો પણ સમાવેશ કરવો જાેઈએ.
ર૦ર૧માં મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એકટ (એમટીપી)માં સુધારો થયો હતો જેમાં સગીર, બળાત્કાર પીડિત અને માનસિક વિકલાંગ મહિલાઓ અને વિકલાંગ ભ્રૂણ ધરાવતી મહિલાઓનો સમાવેશ થાય છે. કોર્ટના આ ચુકાદાથી દેશમાં કેટલાક ‘આધુનિક’ પરિવર્તનો આવશે. જેમ કે
(૧) સહમતીથી થયેલા જાતીય સંબંધોને વ્યભિચારજહેવામાં આવે છે. આવા સંબંધો દેશમાં કયારેય સ્વીકૃત ન’હોતા, પરંતુ તેનો સ્વીકાાર કરવામાં આવ્યો એટલે કે વ્યભિચારને કાયદાકીય સમર્થન પ્રાપ્ત થઈ ગયું. હવે આવા અનૈતિક સંબંધો (કે જેને બહુમતી લોકો અનૈતિક ગણે છે) વધારે પ્રમાણમાં બંધાશે. ગર્ભ રહી જવાને કારણે સામાજિક બદનામી અને કાયદાકીય રીતે તેનો નિકાલ શકય ન’હોતો, જે હવે શકય બની ગયો છે. તેથી વ્યભિચારને ખૂબ વેગ મળશે અને સમાજ નિર્લજ્જતાની પરાકાષ્ઠાએ પહોંચશે.
(ર) ગર્ભને રપ અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકવાની મંજૂરીને કારણે લિંગ ગુણોત્તર પર માઠી અરસ થશે. ગર્ભનો લિંગ ર૦ અઠવાડિયામાં જાણી શકાય છે. તેથી વિવાહિત લોકો પરીક્ષણ કરાવી તેનો નિકાલ કરશે. ભારતમાં છોકરા પ્રત્યે લોકોનું આકર્ષણ હોવાને કારણે છોકરીઓનો જન્મદર ઘટશે.
આમ આ ચુકાદો જાેઈએ તો ધાર્મિક અને સામાજિક વલણ ધરાવતા લોકો કે જેઓ વ્યભિચાર અને ગર્ભપાતને ગુનો ગણે છે, તેઓ સમાજ માટે વધુ ચિંતિત અને દુઃખી થશે. આ ચુકાદાની દુરોગામી અસરો ખૂબ જ ખતરનાક અને ભયાવહ હશે. જ્યારે લગ્ન વગર તમામ જાતીય સુખ માણી શકાતું હોય અને બાળકોની જવાબદારી પણ ઉઠાવાની ન થતી હોય તો સામાજિક એકમ (દામ્પત્ય જીવન) પડી ભાંગશે જે દેશની પ્રગતિને અવરોધશે.
(લેખ સાભારઃ ‘શાહીન’ સાપ્તાહિક) –•–