Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસવચનપાલનના બે જ્વલંત દૃષ્ટાંતો

વચનપાલનના બે જ્વલંત દૃષ્ટાંતો

અલ્લાહના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.ના મક્કાના જીવનનો એક પ્રેરક પ્રસંગ છે.

એક વખત મક્કા શહેરની બહાર અલ્લાહના રસૂલ સ.અ.વ. પોતાના એક ઓળખીતા વેપારી ઝૈદ સાથે વેપાર બાબતે વાતચીત કરી રહ્યા હતા. ઝૈદને અચાનક કોઈ કામ યાદ આવી જતાં તેણે ઊઠવું પડ્યું. જતાં જતાં તેણે કહ્યું : આપ અહીં જ રોકાવ હું થોડીવારમાં પાછો આવું છું, પછી આપણે આ વેપાર અંગે વાતચીત પૂરી કરી લઈશું.

આપ સ.અ.વ. ઝૈદની રાહ જાેતાં ત્યાં જ બેસી રહ્યા. ઝૈદ તો ઘરે જઈને ભૂલી ગયો કે હું કોઈને વાયદો કરીને આવ્યો છું. અને કોઈ મારી રાહ જાેઈને બેસ્યા હશે. ત્રણ દિવસ પછી ઝૈદને પોતાનો વાયદો યાદ આવ્યો. તે દોડતો દોડતો તે જગ્યાએ પહોંચ્યો તો જબરદસ્ત આશ્ચર્ય સાથે શું જુએ છે કે આપ સ.અ.વ. તો એ રીતે જ બેસીને તેની રાહ જાેઈ રહ્યા છે. હવે તે શું બોલે ? તેના તો માનવામાં જ ન’હોતું આવ્યું કે કોઈના વચનપાલનની આટલી ચરમસીમા હોય!!

પરંતુ અલ્લાહના રસૂલ સ.અ.વ. તેની સામે ગુસ્સાનો કોઈ ઇઝતહાર ન કર્યો માત્ર એટલું જ કહ્યું કે, ‘‘હે ઝૈદ! તમે મને ખૂબ તકલીફ આપી…’’ કેવું અદ્‌ભૂત વચનપાલન ! શું વિશ્વ ઇતિહાસ આના જેવું ઉદાહરણ પૂરૂં પાડી શકે તેમ છે ?

———————————

પ્રાચીન ઈરાની પ્રદેશમાં આવેલ શાપૂર શહેરને ઇસ્લામી લશ્કરે ઘેરી લીધું હતું. ઘેરો લાંબો થતો જઈ રહ્યો હતો. કિલ્લો જીતાઈ ન’હોતો રહ્યો. વિજય-પરાજયનો કોઈ નિર્ણય નથી થઈ રહ્યો. એક દિવસ ઇસ્લામી સૈન્ય એ જાેઈને નવાઈ પામી ગયું કે શહેરના લોકો કિલ્લાના દરવાજા ખોલીને બહાર આવી ગયા છે અને પોતાના દૈનિક કામોમાં નચિંત થઈને વ્યસ્ત થઈ ગયા છે અને તેમના ઉપર લડાઈના કોઈ ચિહ્નો કે અસર દેખાતી જ નથી. જ્યારે કે સામે ઇસ્લામી લશ્કર ઊભું છે. શહેરના લોકોથી પૂછ-પરછ કરી તો જાણવા મળ્યું કે અમે જિઝયા (રક્ષા કર) આપવાની શરતે રક્ષણ પ્રાપ્ત કરી લીધું છે. બધા આશ્ચર્યમાં પડી જાય છે કે આ લોકોને આ રક્ષણ કોણે આપી દીધું. તપાસ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે એક ગુલામે લોકોને ખાનગી રીતે જિઝયો લેવાની શરતે રક્ષણનો કાગળ લઈ આપ્યો છે. મુસલમાનોના સેનાપતિ મૂસાઅસ્અરી રદિ.એ કહ્યું કે ઃ ‘‘એક સામાન્ય ગુલામની પોતાની મરજી કે મત સ્વીકાર્ય નથી હોઈ શકતો અને ન તેણે આપેલી પરવાનગી આપણા માટે બંધનકર્તા હોઈ શકે.’’

પરંતુ શહેરવાસીઓનું કહેવું હતું કે અમે તો ગુલામ વિષે કંઈ જાણતા નથી, અમને તો મુસલમાન લશ્કરના એક વ્યક્તિએ રક્ષણની લેખિત બાંહેધરી આપી દીધી છે જેથી અમે તો આ હુમલાથી સુરક્ષા પ્રાપ્ત કરી લીધી છે.

છેવટે તે સમયના ખલીફા હઝરત ઉમર રદિ.ને આ ઉદ્‌ભેવેલી પરિસ્થિતિની જાણ પત્ર દ્વારા કરવામાં આવી જેથી તેમના તરફથી માર્ગદર્શન મળી રહે કે હવે શું કરવાનું ?

હઝરત ઉમર રદિ.એ સેનાપતિને જવાબ લખ્યો, ‘‘ મુસલમાનનો ગુલામ પણ મુસલમાન જ છે. જાે કોઈ ગુલામે નગરવાસીઓને રક્ષણનું વચન આપી દીધું છે તો તે તમામ મુસલમાનો તરફથી છે, અને તેમને બંધનકર્તા છે એટલે હવે કોઈ મુસલમાનને તેનો વિરોધ કરવાનો હક પ્રાપ્ત નથી.’’

શું આજના સત્તાધીશો પોતાના સૈનિકની વાત તો ઘણી દૂર, પોતાના સેનાપતિના આપેલા વચનનું પણ પાલન કરે ખરા ?

–•–


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments