Friday, March 29, 2024
Homeઓપન સ્પેસઅધોગતિ તથા ગુમરાહીનું કારણ : કુર્આનથી અંતર

અધોગતિ તથા ગુમરાહીનું કારણ : કુર્આનથી અંતર

બુશરા શહાબુદ્દીન અન્સારી

કુર્આનને નહીં સમજવાના કારણે મુસ્લિમ ઉમ્મતમાં એક એવી ટ્રેજડી સર્જાઈ છે કે જેણે ઉમ્મતના વજૂદ અને અસ્તિત્વને જ ભયમાં મૂકી દીધા છે. જ્યારે કે દુનિયામાં ઇજ્જત, ઉચ્ચતા અને સફળતા-જીતનો, જે વાયદો અલ્લાહે આપણાથી કર્યો છે તે કુર્આનને મજબૂતીથી પકડવા અને તેના પર અમલ-આચરણ કરવાની શરત સાથે છે.

અલ્લાહતઆલાનો ઇર્શાદ છે :

‘‘જે મારા ‘ઝિક્ર’ (શિખામણના સબક)થી મોઢું ફેરવશે તેના માટે દુનિયામાં જીવન તંગ હશે, અને કયામતના દિવસે અમે તેને આંધળો ઉઠાવીશું.’’ (સૂર : તાહા, આયત-૧ર૪)

કુર્આનમજીદના ઉતરાણનો હેતુ જ આ છે કે આપણે ચિંતન સાથે તિલાવત કરીએ.

‘‘શું આ લોકોએ કુર્આન ઉપર વિચાર કર્યો નથી, કે આમના દિલો ઉપર તાળા લાગેલા છે ?’’ (સૂર : મુહમ્મદ, આયત-ર૩)

આયતમાં જે ‘‘તદબ્બુર’’નો શબ્દ આવ્યો છે તેનો અર્થ છે કે કુર્આનપાકની આયતો, શબ્દો, અર્થ, ઉતરાણકાળ, આદેશો તથા દૃષ્ટાંતો સૃષ્ટિના છૂપા રહસ્યોમાં ચિંતન-મનન કરવું.

હવે પ્રશ્ન આ ઉદ્‌ભવે છે કે કેટલાક નિમ્નકક્ષાના તથા ઓછી બુદ્ધિના લોકો આ પ્રશ્ન કરે છે કે શું સમજ્યા વિના કુર્આનને પઢવાથી સવાબ-પુણ્ય મળે છે? રસૂલુલ્લાહ સ.અ.વ.નું  ફરમાન (કથન) છે : ‘‘જે વ્યક્તિ અલ્લાહના ગ્રંથ (કુર્આન)માંથી એક અક્ષર પઢે તેને તેના લીધે એક નેકી મળે છે, અને એ નેકી દસ નેકીઓ સમાન થઈ જાય છે. હું આ નથી કહેતો કે ‘‘અલિફ-લામ-મીમ’’ એક અક્ષર છે, બલ્કે ‘અલિફ’ એક અક્ષર છે, ‘લામ’ એક અક્ષર છે, અને ‘મીમ’ એક અક્ષર છે.’’ (તિર્મિઝી)

પરંતુ કુર્આનને સમજીને પઢનારા અને સમજ્યા વિના પઢનારા લોકોમાં મોટો તફાવત હોય છે. જાે તમે બન્ને લોકની સફળતા અને જીત મેળવવા ચાહો છો તો એ જ રીત, એ જ દૃષ્ટિકોણ અપનાવવો પડશે જે સહાબાએ કિરામ રદિ.એ અપનાવ્યો હતો.

અબૂ અબ્દુર્રહમાન વર્ણવે છે કે અમારાથી અસ્હાબે રસૂલ સ.અ.વ.માંથી એ લોકોએ વર્ણવ્યું, જેઓ અમને કુર્આન શીખવાડતા હતા, કે તેઓ રસૂલે અકરમ સ.અ.વ.થી ૧૦ (દસ) આયતો પઢવાનું શીખતા; પછી બીજી ૧૦ (દસ) આયતો ત્યાં સુધી શીખતા નહીં કે જ્યાં સુધી પ્રથમ ૧૦ આયતો સમજીને તેમના પર અમલ કરી ન લેતા. આવી રીતે અમે ઇલ્મ (જ્ઞાન) તથા અમલ (આચરણ) બન્ને શીખી લીધા.’’

માનનીય વાચકો ! કુર્આનમજીદ જ દીને-ઇસ્લામનો અસલ આધાર સ્તંભ  (મૂળ-બુન્યાદ) છે. આ જ એ ગ્રંથ છે કે જેમાં દુનિયાવાળાઓ માટે ઉપદેશ (શિખામણ) અને હિદાયત છે. તડપતા દિલોની ફરિયાદ અને કણસતી રૂહોનો ઇલાજ છે. આ જ એ ગ્રંથ છે જેને રબ્બુલ-આલમીન (સમગ્ર સૃષ્ટિઓના રબ-માલિક)ની વાણી અને સંદેશ કહેવામાં આવે છે, જેની આયતો જ્યારે સહાબાએ કિરામ રદિ.ના કાનોથી ટકરાઈ તો તેમના દિલોની દુનિયા બદલાઈ ગઈ. જ્યારે તેની આયતો પર સહાબા રદિ.એ અમલ કરવાનું શરૂ કર્યું તો આ જ આરબના બદ્દુ (ગ્રામીણ) કહેવાતા લોકો ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમની વાદીઓ (ઘાટીઓ)માં ફેલાઈ ગયા, અને દુનિયાના શાસક બની ગયા, અને માનવ-વિચારો તથા દૃષ્ટિકોણો તેમજ મન-મસ્તિષ્કમાં હલચલ મચાવી દીધી.

વિચારવાની વાત આ છે કે જે ગ્રંથ મુહમ્મદે અરબી સ.અ.વ. ઉપર નાઝિલ (અવતરિત) થયો, એ જ ગ્રંથ સહાબાએ કિરામ રદિ. સુધી પહોંચ્યો હતો અને તેના પર અમલ કરીને તેઓ સફળ થયા હતા, એ જ ગ્રંથ જેમનો તેમ આપણી પાસે પણ મૌજૂદ છે; તો પછી અંતે શું કારણ છે કે આપણા પૂર્વજાે પણ આ જ કુઆર્ન પઢીને દુનિયા પર શાસન કરી રહ્યા હતા અને આજે આપણી પાસે એ જ કુઆર્ન હોવા છતાં આપણે દુનિયાની ગુલામી કરી રહ્યા છીએ, અને દુનિયાના ન્યાય તથા ઇન્સાફના મહોતાજ પણ છીએ.

આપણે કુઆર્ન તો પઢીએ છીએ પરંતુ અલ્લાહની સાથે અન્યને પણ ભાગીદાર ઠેરવીએ છીએ. કુર્આન તો પઢીએ છીએ અને સાથે જ મોઢેથી જૂઠી-ખોટી વાતો પણ કરીએ છીએ. કુર્આન તો પઢીએ છીએ અને હરામ કામોનું આચરણ પણ કરીએ છીએ. ટૂંકમાં આ કે એ દરેક કામ કરીએ છીએ જે અલ્લાહની અવજ્ઞામાં સામેલ છે.

કારણ જાે કોઈ છે તો તે ફક્ત આ કે આપણે કુર્આનને સમજીને પઢ્યું જ નથી. જાે આપણે આપણી વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં મહાન તથા ઉચ્ચ જીવનનું ચલણ પ્રચલિત કરવા ઇચ્છીએ છીએ, અને પોતાની અધોગતિ તથા પતનને ઇજ્જત તથા મોભામાં બદલવા ઇચ્છીએ છીએ તો આપણે કુર્આનની તરફ પલટવું જાેઈએ, પાછા ફરવું જાેઈએ, નહિતર કયામતના દિવસે રસૂલુલ્લાહ સ.અ.વ. આપણા વિષે ફરિયાદ કરશેઃ

‘‘હે મારા રબ, મારી કોમના લોકોએ આ કુર્આનને મજાકનું લક્ષ્ય બનાવી લીધું હતું.’’ (સૂર : ફુર્કાન, આયત-૩૦)

આથી ઉચ્ચ સ્થાન મેળવવા માટે અને ગુમરાહ કરનારા પ્રોપેગન્ડા અને શેતાની વસવસાઓથી દૂર રહેવા-બચવા માટે આજે જરૂરત આ વાતની છે કે સહાબાએ કિરામ રદિ.ની જેમ આપણે પણ કુર્આનને પહેલાં શીખીએ, પઢીએ, તેના અર્થ તથા ભાવાર્થને સમજીએ અને આયતોમાં વર્ણવાયેલ બાબતો પર ઇચ્છિત સ્વરૂપમાં આચરણ કરીએ. નહિતર ક્યાંક એવું ન થાય કે આવતી કાલે કયામતના દિવસે પસ્તાવો થાય કે કાશ! અમે કુર્આનને સમજ્યું હોત અને તેના મુજબ આચરણ કર્યું હોત.

અલ્લાહતઆલાથી દુઆ છે કે તમામ મુસલમાનોને કુર્આન તથા સુન્નતને સમજવાની સાથો સાથ તેમને પોતાના અમલી જીવનમાં લાગુ કરવાની તૌફીક (સૌભાગ્ય) એનાયત ફરમાવે. (આમીન). –•–


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments