Thursday, June 20, 2024
Homeસમાચારઅલ્લાહના નુસખા ઝકાતની સામૂહિક વ્યવસ્થા દ્વારા જ મુસ્લિમોની ગરીબી નાબૂદ થઈ શકે...

અલ્લાહના નુસખા ઝકાતની સામૂહિક વ્યવસ્થા દ્વારા જ મુસ્લિમોની ગરીબી નાબૂદ થઈ શકે છે: ઝકાત સેન્ટરના રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ જબ્બાર સિદ્દિકી

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ સાંજે ફૂરાત હોટલ અહમદાબાદના સભા ગૃહમાં ઝકાત સેન્ટર અહમદાબાદની સામાન્ય પરિચયા સભા જમાઅતે ઇસ્લામી હિંદના મર્કઝી સેક્રેટરી જનાબ અબ્દુલ જબ્બાર સિદ્દીકી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.પ્રારંભિક કુર્આનની તઝ્કીરમાં જમાઅતે ઇસ્લામી ગુજરાતના પ્રમુખ ડો. સલીમ પટીવાલા સાહેબે સૂર: લૈલની અંતિમ આયત સમજાવતા કહ્યું કે આ સૂર:માં બે પ્રકારના વ્યક્તિત્વનું વર્ણન કરવામાં આવ્યું છે, એક એ વ્યક્તિ જે સમાજને કઈંક આપનાર છે, તે અલ્લાહથી ડરનાર, દરેક સાચી વાતને સ્વીકારનાર છે બીજી બાજુ એક વ્યક્તિ છે જે કંજૂસ, સ્વાર્થીઅને બેદરકાર છે, કોઈ પણ સાચી વાતને સ્વીકારતો નથી. આપવાવાળું વ્યક્તિત્વ જ સમાજની ધરોહર છે. અને પછી તે વ્યક્તિ સમાજને ઓછું વત્તું જે કઈ આપે છે તે કોઈ સ્વાર્થ ખાતર નહીં પણ માત્ર પોતાના અલ્લાહને ખુશ કરવા આપે છે.

“ખુદા ને આજ તક ઉસ કૌમ કી હાલત નહીં બદલી, ન હો જિસકો એહસાસ ખુદ અપની હાલત કે બદલને કા” ના શબ્દો સાથે ઝકાત સેન્ટર અહમદાબાદના પ્રમુખ રિટાયર્ડ IPS ઓફિસર મકબૂલ અનારવાલા સાહેબે ઝકાત સેન્ટર અહમદાબાદની પરિચય સભાના પ્રારંભમાં જણાવ્યું કે આપણે મુસ્લિમ સમુદાય તરીકે ક્યાં ઊભા છીએ, આપણી પરિસ્થિતિ ઉપર વિચાર મંથન કરવાની જરૂર છે, અને ક્યાં પહોંચવાનું છે તેના વિષે વિચારવું અને તેનું આયોજન કરવાની જરૂર છે. ગરીબી સૌથી મોટું કારણ છે શિક્ષણ, સ્વાસ્થય અને વિકાસને અવરોધવાનું, જેની પાસે સંપત્તિ છે અખૂટ છે પૈસા ક્યાં ખર્ચવા તેની ખબર નથી, જેની પાસે નથી તેને ચિંતા છે સાંજે શું ખાઈશું. આ સમસ્યાનો ઉકેલ છે ઝકાત, જ્યાં સુધી ઝકાતની વ્યવસ્થા હતી. ત્યાં સુધી આ સમસ્યા ન હતી. એક પરિસ્થિતિ તો એવી હતી કે ઝકાત લેનાર કોઈ હતું નહીં. નમાઝ રોઝાની જેમ ઝકાત પણ અનિવાર્ય એટલે કે ફર્જ છે. જેનો અર્થ તઝકીયા પવિત્ર કરવું અને વિકાસ કરવાનો છે. ગરીબીને કારણે મહિલા પોતાનું સ્ત્રીત્વ વેચી દેવા માટે લાચાર અને મજબૂર બને છે. એક અંદાજ મુજબ ભારતમાં 40,000 કરોડ રૂપિયાની ઝકાત વહેંચવામાં આવે છે. તેને રચનાત્મક કાર્યો જેમકે યુનિવર્સિટી, હોસ્પિટલ કે રોજગાર ઊભો કરવામાં વાપરી શકાય તેની ઉપર વિચારવાની જરૂર છે. જો ઝકાતની વ્યવસ્થા સામૂહિક હોય તો તેનું સારું પરિણામ મળી શકે છે. ઝકાત સેન્ટરમાં જે શહેરમાંથી ઝકાત વસૂલ કરવામાં આવશે ત્યાંજ તેને વહેંચવામાં આવશે. ઝકાતને ચાર વિભાગમાં વહેંચાવમાં આવશે., કૌશલ્ય ધરાવતા લોકોને રોજગાર આપવામાં, વિકલાંગ અને અશક્ત લોકોની મદદ, ગરીબ બાળકોના શિક્ષણમાં, આકસ્મિક રિઝર્વ ફંડ દર્દીઓની સહાયમાં. સમગ્ર વ્યવસ્થા પારદર્શી રહશે.

ઝકાત સેન્ટર અહમદબાદના જનરલ સેક્રેટરી વાસીફ હુસૈન શેખે જણાવ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીયનેતૃત્વનો વિચાર અને મિશન છે ઝકાત સેન્ટર.મિશન અને વિઝન આ છે કે ઉમ્મત લેનાર નહીં આપનાર બની જાય. ઇસ્લામે તેને ઈબાદત જેવી સુંદર કલ્પના આપી છે. જેનાથી આત્મા અને સંપત્તિ બંને પવિત્ર થઈ જાય છે. દેશના 20 શહેરોમાં ઝકાત સેન્ટર કાર્યરત છે. સાથેજ તેમણે અહમદાબાદનો રિપોર્ટ પણ પ્રસ્તુત કર્યો, વિડીયો દ્વારા પણ ઝકાત સેન્ટરની સમજૂતી આપવામાં આવી.

ઝકાત સેન્ટરના રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ જબ્બાર સિદ્દિકી સાહેબે અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું કે ઇસ્લામે ઈબાદતને સામૂહિક રીતે અદા કરવાનો આદેશ આપ્યો છે, જેને આપણે બદલી ના શકીએ, આપણી ઈચ્છા અનિચ્છાનો પ્રશ્ન નથી. ઝકાતની વ્યવસ્થાને પુનઃ કાર્યાન્વિત કરવી વર્તમાન સામેની તાતી જરૂરિયાત છે. જ્યાં સુધી મુસ્લિમ શાસન હતું ત્યાં સુધી વ્યવસ્થા હતી શાસનની સાથે વ્યવસ્થા પણ સમાપ્ત થઈ ગઈ. જે રીતે નમાઝ માટે મસ્જિદની વ્યવસ્થા છે કે જેના વગર નમાઝની વ્યવસ્થાની કલ્પના પણ ન કરી શકાય. તેજ રીતે ઝકાત માટે વ્યવસ્થા ઊભી કરવી પડે. ઝકાત અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવેલ ગરીબી નાબૂદીનુ શ્રેષ્ઠ માધ્યમ છે. ઝકાત આપનાર કોમળ હ્રદયનો અને અલ્લાહથી ડરવા વાળો હોય છે. જ્યારે વ્યાજ ખાનાર કઠણ હ્રદયનો અને અલ્લાહની પરવા કરવા વાળો નથી હોતો. ઝકાતની વ્યવસ્થા ઉપરથી નીચે એટલે કે શ્રીમંત થી ગરીબ સુધી આવે છે, જ્યારે વ્યાજની વ્યવસ્થા નીચેથી ઉપર એટલે કે ગરીબથી શ્રીમંત સુધી જાય છે. ઇસ્લામે એટલે જ ઝકાતને ફર્જ અને વ્યાજને હરામ ઠેરવ્યું છે. ઝકાત દાન ધર્માદા નથી ફર્જ છે. કોણ આપશે કોણ લેશે બધુ નિશ્ચિત છે. 1942 માં મૌલાના અબ્દુલ કલામ આઝાદે કહ્યું હતું કે ઝકાતની વ્યવસ્થાથી મુસ્લિમોની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. અમે અલ્લાહનો આભાર માનીએ છીએ કે તેણે આ કાર્યને માટે અમને પસંદ કર્યા.

દેશમાં ગરીબી તીવ્રતાથી ફેલાઈ રહી છે. રાષ્ટ્રીય ગરીબી રેખા કરતાં મુસ્લિમોની ગરીબી રેખાનું પ્રમાણ ખુબજ નીચું છે. જે સરકારની કરામત અને મુસ્લિમોની ગફલતનુ પરિણામ છે. હેન્ડલૂમ પાવરલૂમમાં ક્યારે બદલાઈ ગયું ખબર જ ના પડી. ગરીબીને કારણે વ્યક્તિનું માત્ર શારીરિક વજન ઓછું નથી થતું. તેનું સ્વાસ્થ્ય, ચારિત્ર્ય, ભવિષ્ય અને દીને ઇસ્લામ બધુંજ પ્રભાવિત થાય છે. ગરીબી ખરા ખોટા બધાજ માર્ગ અપનાવવા માટે મજબૂર કરે છે પછી તે ઘર વાપસી જ કેમ ના હોય. વેચવા માટે કઈ ના મળે તો દીન વેચી દે છે. અલ્લાહ એ એક વસ્તીને તબાહ કરવાનો ફેંસલો કર્યો ફરિસ્તાઓ એ કહ્યું ત્યાં કેટલાંક સારા લોકો પણ છે, અલ્લાહ એ કહ્યું ત્યાંથીજ શરૂ કરો કારણકે તેમણે વસ્તીને સુધારવા માટે કઈ કર્યું નહીં. અમે આ કાર્યને માટે દેશના મોટા અર્થ શાસ્ત્રીઓને મળ્યા તેમણે કહ્યું ગરીબી ક્યાંથી આવે છે તે અમને ખબર છે પણ કેવી રીતે જાય છે તેની અમને ખબર નથી. ગરીબીનુ આયુષ્ય માત્ર 8 વર્ષનું હોય છે. જો કોઈ તેને પોતાની ઉપર લાદી લે તો પછી ગરીબી તેને છોડતી નથી. ગરીબી ઈમાનને કારણે નથી, તે આપણાં પોતાના યોગદાનને કારણે છે. ઝકાતની સામૂહિક વ્યવસ્થા કરવી અતિઆવશ્યક છે. ઝકાત સેન્ટર કોઈ પણ મસ્લક કે ફિરકાનુ નથી,સમગ્ર મુસ્લિમોનું છે. અમે તુર્કી, મલેશિયાના મોડેલનુ અધ્યયન કર્યું, સંશોધન પછી અમે સૌથી એડવાન્સ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં પારદર્શિતાની સાથે સ્થાનિકથી લઈને કેન્દ્રીય સ્તરે દેખરેખની સુંદર વ્યવસ્થા છે. અહમદાબાદના લોકો વ્યાપારી માનસિકતા ધરાવે છે આર્થિક સધ્ધરતા પણ છે. તે અમને બતાવે કે ઝકાત સેન્ટર ના વિકાસ દ્વારા ગરીબી મુક્ત સમાજ કેવી બનાવી શકાય. અલ્લાહના નુસખાને ધરતી ઉપર ઉતારીને બતાવે. ઇસ્લામમાં આજે પણ શક્તિ છે જરૂર તેની ઉપર આચરણ કરવાની છે. ઝકાત અલ્લાહની ઈબાદત છે તેને ઈબાદત તરીકે અદા કરવામાં આવે તો અલ્લાહની મદદ ચોક્કસ આવશે.

ઓપન સેશનમાં શ્રોતાઓએ ઝકાત સેન્ટર સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા જેના તેમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યા. ઈસરાઇલ મન્સૂરી સાહેબની આભારવિધિ સાથે સભા પૂરી થઈ, સમગ્ર સભાનું સફળ સંચાલન ડો. શાહિદ મલેક કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments