મે ૨૦૨૬માં જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતની એક ટિપ્પણીમાં બેરોજગાર યુવાનોને “કોકરોચ” કહીને સંબોધવામાં આવ્યા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ વ્યંગ્ય થોડા જ અઠવાડિયામાં એક રાષ્ટ્રીય આંદોલનમાં બદલાઈ જશે. પુણેના એક ૩૦ વર્ષીય રાજકીય સંચાર વ્યૂહરચનાકાર અભિજીત દીપકેએ આ અપમાનના જવાબમાં “કોકરોચ જનતા પાર્ટી” ની શરૂઆત કરી, જે બેરોજગારી, પરીક્ષાના કૌભાંડો અને રાજકીય જવાબદારી પર આધારિત એક વ્યંગાત્મક મંચ તરીકે ઉભરી આવી. થોડા જ અઠવાડિયામાં તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ભાજપ કરતાં પણ વધી ગયા અને સીએનએન (CNN), અલ જઝીરા તથા સીબીસી (CBC) જેવા આંતરરાષ્ટ્રીય મીડિયા ગૃહોએ તેને ભારતના “જેન-ઝી પ્રોટેસ્ટ” (Gen Z Protest) ની શરૂઆત ગણાવી.
પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ખરેખર પહેલું જેન ઝી આંદોલન છે? જે લોકોએ ૨૦૧૯-૨૦માં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC વિરુદ્ધ જામિયા, એએમયુ (AMU) અને શાહીન બાગના રસ્તાઓ પર પોતાની જુવાની દાવ પર લગાવી હતી, તેઓ કયા પ્રકારનું આંદોલન કરી રહ્યા હતા? આ જ સવાલ આજે ઘણા લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે અને બંને આંદોલનોની તુલના થઈ રહી છે, પરંતુ આ તુલનાને તથ્યોના પ્રકાશમાં જોવી જરૂરી છે.
“પહેલું” જેન-ઝી આંદોલન:-
કોઈ એક શબ્દના આધારે ભારતમાં થતા આવેલા આંદોલનોનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. સત્ય એ છે કે “જેન-ઝી પ્રોટેસ્ટ” શબ્દ મુખ્યત્વે ૨૦૨૪ પછી એક વૈશ્વિક શ્રેણી તરીકે સામે આવ્યો જ્યારે જુલાઈમાં બાંગ્લાદેશમાં વિદ્રોહ થયો. ત્યારબાદ નેપાળ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ આ જ પ્રકારના આંદોલનો સામે આવ્યા. અહીં એ નોંધવું યોગ્ય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા સીજેપીને “ભારતનું પહેલું જેન-ઝી પ્રોટેસ્ટ” કહે છે, ત્યારે વાસ્તવમાં તેનો અર્થ એ કાઢવો જોઈએ કે આ આંદોલન ૨૦૨૦ પછીના આંદોલનોના માળખામાં ફિટ બેસનારું પહેલું ભારતીય આંદોલન છે, કારણ કે તે સોશિયલ મીડિયામાંથી ઉદ્ભવ્યું છે, મીમ-સંસ્કૃતિ (meme culture) થી ભરપૂર છે, અને કોઈ પરંપરાગત પક્ષના માળખા બહાર ઊભેલું આંદોલન છે.
પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે ૨૦૧૯ના આંદોલનને, જે ભારતના યુવાનો દ્વારા જ કરવામાં આવ્યું હતું, તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દેવાય. આ આંદોલનનું પોતાનું મહત્વ છે; જામિયા, એએમયુ, જેએનયુ (JNU) જેવા કેમ્પસ તેના કેન્દ્રો બન્યા; શાહીન બાગની મહિલાઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ સુધીના તમામ તેમાં સામેલ થયા. પરંતુ તેને “જેન-ઝી” નું ટેગ ન મળ્યું. તેની પાછળનું કારણ સ્પષ્ટ છે કે ત્યાં સુધી આ શબ્દ ભારતીય મીડિયાની શબ્દાવલીમાં હતો જ નહીં. પરંતુ તેનો અર્થ એ બિલકુલ ન લેવો જોઈએ કે તે આંદોલન અસ્તિત્વમાં નહોતું કે તેનું મહત્વ ઓછું હતું. આ તફાવત “તથ્ય” નો નથી, પરંતુ “નામકરણ” અને “સ્મૃતિ” નો છે અને આ જ સમજવું જરૂરી છે.
પોલીસ અને રાજ્યની ભૂમિકા
૨૦૧૯-૨૦ના આંદોલન દરમિયાન ડિસેમ્બર ૨૦૧૯માં જામિયા કેમ્પસમાં થયેલી પોલીસ કાર્યવાહી, ફેબ્રુઆરી ૨૦૨૦ના ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણોમાં ૫૩ મોતો અને સેંકડો ધરપકડો – આ બધું ઇતિહાસમાં નોંધાયેલું છે. તેની સરખામણીમાં સીજેપીના પ્રદર્શનોમાં અત્યાર સુધી તે સ્તરની શેરી-હિંસા સામે આવી નથી.
પરંતુ એનો અર્થ એ નથી કે રાજ્યે સીજેપીને ખુલ્લી છૂટ આપી દીધી છે. પાર્ટી બન્યાના અઠવાડિયાની અંદર જ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે “રાષ્ટ્રીય સુરક્ષા” નો હવાલો આપીને તેના X (ટ્વિટર) એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો. લખનઉની એક અદાલતમાં “રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ” નો હવાલો આપીને જાહેર હિતની અરજી (PIL) દાખલ થઈ. સીજેપીના અધ્યક્ષ દીપકેએ પોતે જણાવ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે અને એક કેન્દ્રીય મંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું કે તેમના મોટાભાગના ફોલોઅર્સ પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે તફાવત “વધારે” અને “ઓછા” દમનનો નથી, પરંતુ દમનના બદલાયેલા સાધનોનો છે. રસ્તાની લાઠીની જગ્યાએ સર્વર પર રોક લગાવી દેવી, ખુલ્લા રમખાણોની જગ્યાએ કાનૂની અરજીઓ. તેમ છતાં આ તફાવત નોંધવા જેવો છે: જે આંદોલન કોઈ ધાર્મિક ઓળખ સાથે નહીં, પરંતુ એક સમાન “યુવા-બેરોજગાર” ઓળખ સાથે જોડાયેલું છે, તેને અત્યાર સુધી પ્રત્યક્ષ શારીરિક હિંસાનો સામનો કરવો પડ્યો નથી; જ્યારે CAA આંદોલન દરમિયાન મુસ્લિમ બહુલ વિસ્તારોમાં હિંસા સૌથી વધુ થઈ હતી.
નેતૃત્વનું ચિત્ર
સીજેપીના નેતૃત્વને લઈને એક એવી ધારણા બની છે કે આ આંદોલનનું નેતૃત્વ કરનારા લોકો ઉચ્ચ) વર્ગ સાથે સંબંધ ધરાવે છે, પરંતુ એવું કહેવું અયોગ્ય ગણાશે કારણ કે ખુદ સીજેપીના વડાએ એ વાત સ્વીકારી છે કે તેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે. આ તથ્ય આખી વાર્તાને થોડી ગૂંચવી નાખે છે. એક તરફ એ સાચું છે કે સીજેપી પોતાને ધર્મ, જાતિ અને લિંગથી ઉપર રાખવાનો દાવો કરે છે અને તેના સમર્થકોમાં શહેરી મધ્યમ વર્ગની મોટી સંખ્યા છે. ખરો તફાવત ઓળખ કે વર્ગમાં નથી પરંતુ ઓળખની પ્રકૃતિમાં છે: CAA-NRC આંદોલનને મુખ્યત્વે એક ધાર્મિક લઘુમતી-કેન્દ્રિત આંદોલન તરીકે જોવામાં આવ્યું, જ્યારે સીજેપીને એક ધર્મનિરપેક્ષ, સર્વસમાવેશી “યુવા વિરુદ્ધ સત્તા” આંદોલન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે અને આ જ માળખું દર્શાવે છે કે તેને મુખ્યધારામાં સ્વીકૃતિ સરળતાથી શા માટે મળી રહી છે.
ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને વિદ્યાર્થી એકતાનું દમન:-
એ નોંધવું જરૂરી છે કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવા વિદ્યાર્થીઓ, જેઓ CAA-વિરોધી આંદોલનના અગ્રણી વિદ્યાર્થી ચહેરા હતા, તેઓ ફેબ્રુઆરી ૨૦૨૦ના દિલ્હી રમખાણો સાથે જોડાયેલા યુએપીએ (UAPA) ના “મોટી સાઝિશ” ના કેસમાં હજી પણ જેલમાં કેદ છે. જાન્યુઆરી ૨૦૨૬માં સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફરીથી ફગાવી દીધી, જ્યારે આ જ કેસ સાથે જોડાયેલા અન્ય લોકોને (ગુલ્ફિશા ફાતિમા, મીરાન હૈદર, શિફા-ઉર-રહેમાન સહિત) મુક્ત કરવાનો આદેશ આપ્યો. એટલે કે ટ્રાયલ (મુકદ્દમો) પૂરો થયા વિના બંને લગભગ છ વર્ષથી જેલમાં છે; નીચલી અદાલતમાં તેમની નવી જામીન અરજી પર જુલાઈ ૨૦૨૬માં સુનાવણી થવાની છે.
આ એક વિડંબના છે કે સીજેપી, જે શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી અને વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરે છે, તે જાહેર રૂપે ઉમર ખાલિદનું નામ લેવાથી બચતી રહી છે. જ્યારે પત્રકારોએ સીજેપીના પ્રવક્તા સૌરવ દાસને આ અંગે પૂછ્યું, ત્યારે તેમણે પણ એમ કહીને વાત ટાળી દીધી કે આંદોલન માત્ર “શિક્ષણ” ના એક મુદ્દા પર કેન્દ્રિત છે અને બીજા વિષયો તેની એકતાને વહેંચી શકે છે. ‘ધ ક્વિન્ટ’ માં પ્રકાશિત એક ટિપ્પણીમાં આ મૌનને “વિશેષાધિકારની રાજનીતિ” કહેવામાં આવ્યું અને એવો તર્ક આપવામાં આવ્યો કે જે વ્યક્તિએ કેમ્પસ-રાજનીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની કિંમત વર્ષો સુધી જેલમાં ચૂકવી, તેનું નામ લેવાથી બચવું એ પણ એક પ્રકારની પસંદગી જ છે. આ આલોચના સીજેપીની અંદરથી નહીં પરંતુ એવા સ્થળોએથી આવી છે જે વિદ્યાર્થી-રાજનીતિ અને શિક્ષણના અધિકારોની વાત કરતા રહ્યા છે, તેથી આને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે.
મીડિયાની ભૂમિકા
ભારતમાં મોટાભાગની મીડિયા ચેનલો પર સરકાર વિરોધી આંદોલનોને દેશવિરોધી આંદોલનનું નામ આપી દેવામાં આવે છે, પછી ભલે તે CAA આંદોલન હોય કે પછી CJP આંદોલન. CJP આંદોલનને જ્યાં મુખ્યધારાની સ્વીકૃતિ, હાસ્ય અને મીમ-સંસ્કૃતિના સહારે રાષ્ટ્રીય ચર્ચાનો હિસ્સો બનાવવામાં આવ્યું, ત્યાં જ CAA-વિરોધી આંદોલન અને તેના નેતાઓને વારંવાર “રાષ્ટ્ર-વિરોધી”, “ટુકડે-ટુકડે ગેંગ” જેવા શબ્દો સાથે જોડવામાં આવ્યા. આ તફાવત તથ્યાત્મક રીતે નોંધાયેલો છે; તેની પાછળનું કારણ ભલે કોમી ઓળખ હોય, રાજકીય વાતાવરણમાં આવેલો બદલાવ હોય કે આંદોલનની પ્રસ્તુતિ શૈલી હોય, તે ભારતના લોકશાહી પર સવાલ ઊભા કરે છે.
નિષ્કર્ષ
કોકરોચ જનતા પાર્ટીનું ઉભરવું એ ભારતના યુવા-અસંતોષની એક સાચી અને મહત્વપૂર્ણ અભિવ્યક્તિ છે અને તેને મહત્વહીન ગણાવવી ખોટી હશે. પરંતુ તેને “ભારતનું પહેલું જેન-ઝી પ્રોટેસ્ટ” કહેવું, એ જણાવ્યા વિના કે છ વર્ષ પહેલાં એક અન્ય પેઢી પોતાની નાગરિકતા અને પોતાના ભવિષ્ય માટે રસ્તા પર ઉતરી હતી અને તેના કેટલાય ચહેરા આજે પણ જેલની દીવાલો પાછળ છે અને આજે પણ સત્યની સાથે તથા અન્યાય વિરૂદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, તે અયોગ્ય ગણાશે.
એટલે કે, સાચો પ્રશ્ન એ નથી કે ‘કયું આંદોલન પહેલું જેન ઝી આંદોલન હતું’, તેના બદલે એ હોવો જોઈએ કે આપણે એ આંદોલનોને કેવી રીતે યાદ રાખીએ જેમણે ભારતના નાગરિકોને પોતાની ઓળખ ટકાવી રાખવા માટે સરકારની ભ્રષ્ટ નીતિઓ સામે લડવાનું શીખવ્યું. પ્રશ્ન એ હોવો જોઈએ કે આપણે કયા આંદોલનોને યાદ રાખવા જોઈએ, કોને ભૂલી જવા જોઈએ, અને કેમ?
- લે.: અક્સા, રાજનીતિશાસ્ત્રની વિદ્યાર્થિની, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ
(તંત્રી નોંધ: આ લેખિકાના પોતાના અંગત વિચારો છે. પ્રકાશન તેનાથી સહમત હોય તે જરૂરી નથી)
