વિશ્વ જળ દિવસ વિશેષ
વર્ષ ૨૦૦૫માં નેસ્લે કંપનીના તત્કાલીન સીઇઓ પીટર બ્રાબેક લેટમાથે એ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘વી ફીડ ધ વર્લ્ડ’ માં સાક્ષાત્કાર આપતાં કહ્યું હતું કે પાણીને મૂળભૂત માનવાધિકાર સ્વીકારવાનો વિચાર એક અતિવાદ છે અને કોઇ પણ ખાદ્યપદાર્થ ની જેમ તેની પણ બજાર કિંમત હોવી જોઇએ.
આ મોટા કોર્પોરેટ વડાનું આ વિધાન સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વિવિધ સામાજિક સંગઠનોના મંતવ્યથી વિરુદ્ધ છે. પાણી સંબંધિત અધિકારો પર કાર્યરત સ્વયંસેવક સંસ્થા ‘ડિગ-ડીપ’ ના સંસ્થાપક જ્યોર્જ મેક્ગ્રા એ બ્રાબેકના આ વિધાન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કોર્પોરેટ નું વિધાન અમાનવીય છે અને તે ૮૦ કરોડ લોકોની વિરુદ્ધ છે જે જીવનનિર્વાહ માટે અનિવાર્ય પાણીના જથ્થાથી વંચિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વિધાન એવા સમયમાં આવ્યું છે જ્યારે નેસ્લે પર અનેક ગરીબ સમૂહોને પાણી થી વંચિત રાખવાના આરોપો બહાર આવ્યા છે.
આ ચર્ચાના લગભગ એક દશક પછી ૨૦૧૫ માં બોતલબંધ પાણીનો વિશ્વભરમાં વેપાર ૧૮૫ અબજ ડોલર પહોંચી ગયો હતો. જુલાઇ-૨૦૧૮ના રિસર્ચ એન્ડ માર્કેટના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૩ સુધી આ આંકડો ૪૦૩ અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. જેમાં સૌથી વધુ ઉપભોગ એશિયાઇ દેશોમાં છે, જે લગભગ ૩૩% છે. યુરોપ ૨૮% સાથે દ્વિતિય ક્રમાંકે છે અને બાકીના ભાગનો વપરાશ વિશ્વના અન્ય વિસ્તારોમાં છે.
એશિયાઇ દેશોમાં પણ ભારત અને ચીન મોખરે છે. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં બોતલબંધ પાણીના વપરાશમાં ૧૮-૨૦% નો વધારો થયો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે તેના મુખ્ય કારણોમાં વસતિ વધારો ઉપરાંત સરકારની સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાની નાકામીના લીધે ખાનગી કંપનીઓની એન્ટ્રી જવાબદાર છે. જેમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરની ખાનગી કંપનીઓનો ભાગ ૬૦% છે, જ્યારે બાકીનો ૪૦% હિસ્સો બહુરાષ્ટ્રીય કંપનીઓનો છે. તેની સાથે જ પ્લાસ્ટિકની બોતલો ના નિર્માણમાં પણ ભારે તેજી આવી છે.
વાસ્તવિક્તા એ છે કે માનવસમાજની સૌથી મૂળભૂત જરૂરિયાતને આજે નૈસર્ગિક સ્રોતો પર અધિકાર ધરાવતા લોકોએ બજારની ચીજવસ્તુ બનાવી છે. અને પીવાનું ચોખ્ખું પાણી એ દરેક માનવીનો મૂળભૂત અધિકાર હતો તેમાંથી આજે બહુરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની ખાનગી કંપનીઓએ અબજો ડોલરનો વેપાર રળે છે.
Kindly Support us with Donations, Valuable Suggestions and Duas