Friday, December 13, 2024
Homeઓપન સ્પેસકિસાનોની સમસ્યાઓ અને જવાહરલાલ નેહરુ

કિસાનોની સમસ્યાઓ અને જવાહરલાલ નેહરુ

આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલા ખેડૂતોમાં અંગ્રેજ સરકારના કૃષિ કાયદાઓ વિરુધ બેચેની હતી.એ વખતે જવાહરલાલ નેહરુ ઇંગ્લેન્ડથી ભણીને નવા નવા રાજકારણમાં પ્રવેશ્યા હતા.કિસાનોની સમસ્યાઓ બાબતે અને એ માટે એમણે કેવી રીતે મદદ કરી હતી એનો ઉલ્લેખ નેહરુએ પોતાની આત્મકથામાં વર્ણન કર્યું છે-એ ટૂંકમાં જોઈએ.

“અલ્હાબાદના… આ સમય દરમિયાન હું કિસાન હિલચાલમાં સંડોવાયો.આ સંબંધ પાછળના વર્ષોમાં વધ્યો અને મારી માનસિક વૃત્તિ ઉપર એની બહુ અસર થઈ…..૧૯૨૦ના જૂન મહિનાના આરંભમાં કિસાનો પરતાપગઢ જિલ્લાનાં ગામડાઓમાંથી અલ્હાબાદ ૫૦ માઈલ ચાલતા આવ્યા,એવા હેતુથી કે ત્યાંના જાણીતા કાર્યકર્તાઓનું ધ્યાન તેમની દયાજનક સ્થિતિ તરફ ખેંચાય…..કેટલાક મિત્રોને લઈને હું તેમને મળવા ગયો.તાલુકદારોના પીસી નાખે એવા કરોની અને અમાનુષ વર્તનની તેમણે અમને વાતો કરી અને જણાવ્યું કે,સ્થિતિ હવે સાવ અસહ્ય થઈ ગઈ છે.તેમણે અમને વીનવીને એમ પણ કહ્યું કે,અમારી સાથે ચાલો અને તપાસ કરો અને તાલુકદારોના રોષથી અમને બચાવો….એક બે દિવસમાં મેં તેમને ત્યાં જવાનું વચન આપ્યું.

કેટલાક સાથીઓને લઈને હું ત્યાં ગયો અને રેલવે કે પાકી સડકથી બહુ દૂરનાં ગામડાઓમાં અમે ત્રણ દિવસ કાઢ્યા.આ મુલાકાતથી મારી આંખ ઊઘડી ગઈ.તમામ ગામડાઓમાં ઉત્સાહનો પાર ન હતો અને તેમનામાં કંઇક વીજળિક ચેતન આવ્યું હતું…..”

પછી આસપાસના ગામડાઓમાંથી જનમેદની એમને મળવા આવે છે –એમનામાં ઉત્સાહ જાગે છે અને નવી આશાનો સંચાર થાય છે –એનું વર્ણન કરે છે.પછી આગળ લખે છે –

“….. તેમણે અમને પ્રેમથી નવરાવ્યા..કળિયુગમાંથી સતયુગ તરફ તેમને લઇ જનારા ભોમિયા હોઈએ તેમ પ્રેમાળ અને આશાભરી આંખે તેઓ અમને જોઈ રહ્યા.તેમનું દુઃખ અને તેમની ઊભરાતી કૃતજ્ઞતા જોઇને મારી શરમ અને દુઃખનો પાર ન રહ્યો-શરમ મારા એશઆરામી અને નચિંત જીવન માટે તેમજ આપણા આ અર્ધનગ્ન લાખો ભાંડુઓના દુઃખનો વિચાર કર્યા વિના ચાલતાં આપણા રાજકાજ માટે;દુઃખ હિંદુસ્તાનની આ અધોગતિ અને ભયાનક દારિદ્ર માટે.મારી આંખ ઊઘડી અને ભારતમાતાનું નવું ચિત્ર મારી આગળ ખૂલવા લાગ્યું – વસ્ત્રહીન,અન્ન્હીન,દલિત અને અત્યંત પીડિત ભારતમાતાનું…

તેમના દુઃખની અસંખ્ય કહાણી –તેમના ઉપર લદાતા જતા કચરી નાંખતા ગણોતના બોજા;અનેક પ્રકારના બેકાયદા કરો;જમીન ઉપરથી અને માટીનાં ઝુંપડામાંથી નીકળવાની નોટિસો અને માર;તેમની ઉપર ગીધની માફક ચોમેરથી તૂટી પડતા જમીનદારના ગુમાસ્તાઓ,વ્યાજખાઉ નાણા ધીરનારાઓ અને પોલીસ;આખો દિવસ મજૂરી કરવાને અંતે તેમણે પેદા કરેલું જાય બીજાના પેટમાં અને તેમના પોતાના કપાળમાં લાત અને ગાળો અને ભૂખમરો-આ બધી કહાણી મેં સાંભળી.ત્યાં હાજર રહેનારાઓમાંના ઘણાઓ તો એવા હતા કે જેમને જમીનદારોએ જમીન ઉપરથી કાઢ્યા હતા,જેમની પાસે ન રહેવાનું ઘર હતું ન સીમમાં ખેતર હતું.જમીન ફળદ્રુપ પણ તેનીઉપર કરનો બોજો ભયાનક,ખેતરો અતિશય નાનાં અને તેમાં પણ અનેક ભાગીદારો.આ જમીનની ભૂખનો લાભ લઈને જમીનદારો અનેક લાગત લગાન (બેકાયદા કરો) નાંખીને તેમને ચૂસતા ,કારણ કાયદા પ્રમાણે અમૂક ગણોતથી વધારે તેઓ લઇ શકતા નહોતા.ખેડ્નારની પાસે બીજો કોઈ ઉપાય નહોતો એટલે શાહુકારની પાસે નાણા વ્યાજે લેતો જાય,અને જમીનદારને ભરતો જાય,અને પછી કરજ ન ભરી શકે અને મહેસૂલ ન દઈ શકે એટલે જમીન ખુએ,ઘર ખુએ,ઢોરઢાંખર ખુએ અને નાગો ભૂખ્યો થઈને બેસે.”

આ અહેવાલ વાંચીને લાગે છે કે ૧૦૦ વર્ષ પહેલાં પણ ખેડૂતોની સ્થિતિ તો આજના જેવી જ હતી.એમને લૂંટનારા લોકોના રૂપ બદલાયા છે પણ સમસ્યાઓ તો એ જ છે.

નેહરુ એ પછી રામચંદ્ર નામના ખેડૂત આગેવાનની વાત કરે છે કે એણે અયોધ્યા અને એની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં કેવી રીતે જાગૃતિ લાવી હતી.

“આ પરિસ્થિતિમાંથી ખેડૂતોની મોટી હિલચાલનો ભારે ભડકો સળગે એમાં શી નવાઈ?નવાઈ તો મને એ હતી કે શહેરમાંથી કશી મદદ વિના કે રાજદ્વારી પુરુષોના કે બીજા કાર્યકર્તાઓના એમાં ભાગ લીધા વિના આખી હિલચાલ આપોઆપ ઊભી થઈ.મહાસભાથી એ સાવ સ્વતંત્ર હતી,અને અસહકારની સાથે એને કશો સંબંધ ન હતો…આ કિસાન હિલચાલ વિષે શહેરોમાં કશી જ ખબર નહોતી એથી વળી મને વધારે આશ્ચર્ય થયું.છાપાઓમાં એને વિષે એક લીટી પણ નહોતી આવતી;તમને ખેડૂતોની અને ગામડાંઓની કશી પરવા નહોતી.આપણે જનસમૂહ થી કેટલા અલગ રહેતા હતા અને આપણા બનાવેલા સંકુચિત જગતમાં જ રહીને કામ કરતા હતા એ સત્ય વિષે મારી આંખ અપૂર્વ રીતે ઉઘડી ગઈ.”

એ વખતે ટીવી નહોતા તેથી ન્યુઝ ચેનલો પણ ન હતી.પ્રિન્ટ મીડિયા હતું. એ વખતે પણ મોટા ભાગના અખબારો ને ખેડૂતોની કોઈ પરવા નહોતી –એ આશ્ચર્ય જનક લાગે છે.આજનું ગોદી મીડિયા એ સમયના પ્રિન્ટ મિડીયાથી ક્યાં અલગ છે?એક બે ચેનલોને બાદ કરતા આજનું માસ મીડિયા કિસાનોની સમસ્યાઓ,એમની લડત ,એમની યાતનાઓ-હદ તો એ છે કે ૫૮ ખેડૂતો માર્યા ગયા એમના માટે પણ કોઈ સહાનૂભૂતિ નથી બતાવી.સરકાર અને મીડિયાની આવી નિષ્ઠૂરતા ભારતના ઇતિહાસમાં કદાચ જ જોવામાં આવી હશે!.

એ પછી નેહરુએ ખેડૂતોની સાથે ખાતાં ,તેમનાં માટીનાં ઝુંપડામાં રહેતા,કલાકોના કલાક સુધી તેમની વાતો કરતા અને અનેક નાની મોટી સભાઓ આગળ ભાષણ આપતા એક ગામથી બીજા ગામ ભટકતા – એ બધી બાબતોનું વર્ણન કર્યું છે.નેહરુ ખેડૂતોની સામે બોલતા ગભરાતા હતા,પરંતુ પોતાની વાત મક્કમતાથી કહેતા –અને એ રીતે એમની વકતૃત્વ કળા ખીલી એવું સ્વીકારે છે.૧૯૨૧મા બારે માસ એમણે ગામડાઓની મુલાકાત ચાલુ રાખી હતી.એ પછી અસહકારનું આંદોલન વેગ પકડતા એમનું કાર્યક્ષેત્ર વધ્યું અને એમની જવાબદારીઓ પણ વધી,પરંતુ તેઓ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા.

કિસાનોની સમસ્યાઓની તલસ્પર્શી જાણકારી નેહરુને હતી એટલે જ  દેશના પ્રથમ વડાપ્રધાન બનતા એમણે કૃષિ અને કિસાનો માટે ઘણા પગલાં લીધા હતાં.

૧૯૪૭મા દેશ આઝાદ થયો ત્યારે ૮૦% થી વધુ વસ્તી ગામડાઓમાં વસ્તી હતી અને મુખ્યત્વે ખેતી પર નભતી હતી.કૃષિ ઉપજ બહુ ઓછી હતી-માત્ર ૫ કરોડ ટન.પાક નો બધો આધાર વરસાદ પર રહેતો.વરસાદ સારું થાય તો અનાજ ઉગે-જો દુકાળ પડે તો કશું ન થાય.દેશના કેટલાક પ્રદેશોમાં મધ્ય યુગની સામંતશાહી પ્રથા હજી ચલણમાં હતી.સાધનો ટાંચા હતા.વીજળી નહોતી.નહેરો નું નેટવર્ક ખૂબ માર્યાદિત હતું.ઉપરથી ૧૯૪૩મા પડેલા દુકાળે ૩૦ લાખ લોકોને ભરખી લીધા હતા.દેશની સ્વતંત્રતા વખતે પડેલા ભાગલાને લીધે નિરાશ્રીતો ની સમસ્યા પણ હતી,અનાજ ઓછું હતું,ફુગાવો વધારે હતો.સ્વાભાવિક રીતે જ પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને નવા જોરથી ઊભી કરવાનો મોટો પડકાર હતો.

રશિયાથી પ્રભાવિત નેહરુએ રશિયાની જેમજ પંચવર્ષીય યોજનાઓ લાગુ પાડી. ૨૩૭૮ કરોડના કુલ બજેટની પ્રથમ પંચવર્ષીય યોજના ૧૯૫૧મા લાગુ થઇ.આ યોજનામાં કૃષિ અને કૃષિકારોને પ્રાથમિકતા આપતા સરકારે કૃષિ,સિંચાઈ,ઉર્જા અને ભૂ-વિહીન ખેડૂતોના સ્થાપન માટે કુલ બજેટના ૪૮.૭૦ % રકમ ફાળવી હતી.પાણી છે તો ખેતી છે-પાણી છે તો જીવન છે એ વાત સારી રીતે સમજતા નેહરુએ પાણીના સંગ્રહ માટે ભાખરા નાગલ ,હીરાકુંડ,અને નાગાર્જુન સાગર જેવા મોટા બંધો બંધાવ્યા.કૃષિ ઉત્પાદન વધારવા રીસર્ચ સેન્ટર જરૂરી હોય છે.નેહરુ સરકારે ૧૯૫૪મા ખડગપુર IITમાં કૃષિ ઈજનેરી વિભાગ અને પંતનગર,લુધિયાના ,જબલપુર,ઉદેપુર અને કોઇમ્બતુર માં કૃષિ ઈજનેરી કોલેજોની સ્થાપના કરી.પરિણામે પ્રથમ પંચવર્ષીય યોજનામાં અન્ન ઉત્પાદનમાં ૧૭% નો અને બીજી પંચવર્ષીય યોજનામાં ૧૬% નો વધારો થયો.૧૯૬૪મા પાકના લઘુત્તમ ટેકાના ભાવની પદ્ધતિ લાગુ કરી.

આ હતું નેહરુનું વિઝન અને ખેડૂતો માટેના કાર્યો.


લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી.

Kindly Support us with Donations, Valuable Suggestions and Duas

9510008614

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments