બાંસવાડા રાજસ્થાનની ચૂંટણી સભામાં મોદી સાહેબ સાચે જ રંગમાં આવી ગયા અને જાહેર કર્યું કે કોંગ્રેસ પ્રજાની સંપત્તિ લઈ લેશે અને તેને મુસ્લિમોમાં, જેઓ ઘૂસપેઠિયા અને વધુ બાળકો પેદા કરવાવાળા છે તેમને વહેંચી દેશે. અર્બન નકસલ ફ્રેઝનો પણ તેઓએ અહીં ઉપયોગ કર્યો. અહીં આપણા સાહેબ વડાપ્રધાન ઓછા અને ચૂંટણી પ્રચારક વધુ હોવાનો જે રોલ તેઓ ૨૦૧૪થી સતત કરી રહ્યા છે અને અગાઉ ૨૦૦૧ થી ૨૦૧૩ સુધી મુખ્યમંત્રી કાળમાં ગુજરાતમાં પણ આ જ રોલ તેઓ કરી ચૂક્યા છે, ત્યારે તેમના બેફામ ઉચ્ચારણો તંત્ર તથા પ્રજા બંને માટે કોઈ નવી-નવાઈની વાત નથી. અગાઉ પણ તેઓ “એક સમુદાય જે ચાર પત્નીઓ તથા ૨૫ બાળકો પેદા કરે છે અને જે પહેરવેશથી જ ઓળખાઈ જાય છે” જેવા ઉચ્ચારણ કરી ચૂક્યા છે. ભલેને રવિશકુમારો ગાંધીજીની પોતડીના પહેરવેશના ઉદાહરણ આપી પ્રજાના શિક્ષણનું કાર્ય કરવાની મથામણ કરતા રહે, આપણા સાહેબ તો સુપેરે પ્રજાને કઈ રીતે અફીણ પીવડાવવું તે જાણે જ છે. ઇસ્લામોફોબિયા તેમના માટે હાથવગું સાધન છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ આનો ભરપૂર ઉપયોગ કરી ચૂક્યા છે. તે સિવાયની બીજી ચૂંટણીમાં પણ તેઓ આ આરએસએસના અમોઘ શસ્ત્રને વાપરતા જરા પણ અચકાતા નથી. બલ્કે એમ કહેવું અતિશયોક્તિભર્યું નહીં હોય કે ભાજપ અને આરએસએસનો ટ્રેડમાર્ક જ ઇસ્લામોફોબિયા છે. હાલની કેન્દ્ર સરકારે ૨૦૨૨માં હેટ સ્પીચ કોમ્બેટ પ્રિવેન્શન એન્ડ પનિશમેન્ટ બિલ દાખલ કર્યું છે, જે રાજસભામાં પડેલું છે, તે મુજબ ધિક્કાર અને તિરસ્કારવાળા ભાષણ પર ૩ વર્ષ સુધી સજાની જાેગવાઈ છે. હવે આ બિલને ધ્યાને ન લઈએ તો પણ ભારતીય દંડ સંહિતામાં હેટ સ્પીચ માટે પૂરતી જાેગવાઈ છે જ. પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના આટલા તોફાન પછી પણ ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન હજુ શાંત બેઠું છે અને અભ્યાસ કરી રહ્યું છે તેમ જણાવે છે. હાલના મુખ્ય ઇલેક્શન કમિશનર રાજીવકુમારની ચૂંટણીની જાહેરાત વખતની સ્પીચ જાેશો તો એ સમજાશે કે તેઓ કેટલા કડક કાર્યવાહી હેટ સ્પીચ સામે કરવા જઈ રહ્યા છે. હવે, જ્યારે આટલી સ્પષ્ટ ધિક્કાર ભરી વાણી ખુદ વડાપ્રધાન જાહેરમાં ઓકી રહ્યા હોય ત્યારે, ચાર દિવસ બાદ પણ, આ લખાઈ રહ્યું છે, ત્યારે તેઓ શેની રાહ જાેઈ રહ્યા છે તે પ્રજાને સમજમાં આવતું નથી. સૌને એ વાત યાદ છે જ કે રાહુલ ગાંધીએ કોઈ ચૂંટણી સભામાં જ બધા ચોરની અટક મોદી હોવાની રજૂઆત કરેલ. આ બાબતે ધારાસભ્ય પુર્નેશ મોદીએ સુરતમાં કેસ કરેલ અને આપણી ગુજરાતની નીચલી કોર્ટ તો ઠીક, પરંતુ હાઇકોર્ટે પણ તેમને મહત્તમ બે વર્ષની સજા કરી અને લોકસભાનું સભ્યપદ પણ છીનવી લીધું. એ તો છેક સર્વોચ્ચ અદાલતે રોક લગાવી સભ્યપદ પરત અપાવ્યું ત્યારે મામલો થાળે પડ્યો. હવે જાે આની સરખામણી મોદી સાહેબના ભાષણ સાથે કરીએ તો તાત્કાલિક જ તેઓને પદચ્યુત કરવાનો કેસ બને છે એ સ્પષ્ટ રીતે સમજાઈ જાય તેવું છે. જાે એક મોદી નામની અટક વાળી નાની સરખી લઘુમતી બાબતે કોર્ટ આટલી સેન્સિટીવ હોય તો આટલા મોટા દેશની આટલી મોટી લઘુમતી બાબતે, સર્વોચ્ચ વડા આપણા દેશના વડાપ્રધાન ખુદ જે ગંદી ભાષાનો ઉપયોગ કરે છે તેને કેમનું ચલાવી લેવાય? જાે કે મોદી સાહેબને પાછળથી આ બાબતનો ખ્યાલ આવતાં અલીગઢની સભામાં તેઓએ મુસલમાનનો ઉલ્લેખ ટાળ્યો. ૧૯મી એપ્રિલના પહેલા તબક્કાના મતદાનમાં ઓછું મતદાન થતાં વડાપ્રધાન ચિંતામાં આવી ગયા અને ટેકેદારોને પાનો ચડાવવા એમના સાચા અસલી સંઘી અંદાજમાં મુસલમાનોને ગાળો કાઢવાનું અને લપેટવાનું ચાલુ કરી દીધું, એવું સ્પષ્ટ રાજકીય નિરીક્ષકોનું માનવું છે. હવે ૨૦૦૬માં મનમોહનસિંઘ જે બોલ્યા હતા તે બધું જ મીડિયા તથા સોશિયલ મીડિયામાં જાેઈ-ચકાસાઈ રહ્યું છે. તેમના તે વખતના ભાષણને જાેતાં સમજતાં આ વાત સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે કે તેઓનો ઉદ્દેશ જે લોકો વંચિત છે તેમનો સ્વાભાવિક રીતે સંસાધનો ઉપર પહેલો હક છે તે બતાવવાનો હતો. સાચર કમિટીના અહેવાલ મુજબ મુસલમાનો સાચે જ તેના પહેલા હકદાર બને છે એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. અને ૨૦૦૬ના નિવેદન બાદ ૨૦૧૪ના મોદી આરોહણ સુધી આઠ વર્ષ તેઓ વડાપ્રધાન હતા જ અને કોઈ સંપત્તિ લુંટાવી નથી તે સૌને ખબર જ છે. આવા જૂઠાણા ચૂંટણી સમયે ચલાવવા માટે ભાજપ આઈટી સેલ whatsapp યુનિવર્સિટીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે અને તેને રોકવા વાળું કોઈ તંત્ર છે જ નહીં તે સ્પષ્ટ દેખાય છે. સરકારી સંસ્થાઓ સીબીઆઈ, ઇડી, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ જેવી અનેક સંસ્થાઓનો દુરુપયોગ ન તો પ્રજાને ખટકે છે ન તો મીડિયા તેને સાચા સંદર્ભમાં મૂકી પ્રજાને સાચું ચિત્ર બતાવે છે. ગોદી મીડિયાનો ભરપૂર ઉપયોગ ચૂંટણી સમયે સરકારી વાજિંત્ર તરીકે થઈ રહ્યો છે. ન્યાય તંત્ર પણ ધીમું અને સિલેક્ટિવ જણાય છે તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. સરકાર કાનૂનનો પોતાના પક્ષે ભરપૂર લાભ ઉઠાવી રહી છે અને વિપક્ષને જેલમાં ધકેલી ચૂંટણી એક તરફી બનાવી રહી છે. ખુદ ચૂંટણી પંચના વડા લેવલ પ્લેઇંગ ફિલ્ડની વાત કરે છે, પરંતુ સ્પષ્ટ રીતે સરકારનો પંજાે બધે ફેલાયેલો અને અસર કરતો દેખાઈ રહ્યો છે. વિપક્ષને સમાન તક તો બાજુએ રહી, મામૂલી તક પણ મળી રહી નથી. બે મુખ્યમંત્રી જેલમાં છે અને સૌથી મોટા કોંગ્રેસ પક્ષનાં ખાતાં ફ્રિઝ કર્યા છે.
સૂરતમાં કોંગ્રેસ ઉમેદવાર જાેડે તેના સમર્થક સાક્ષીઓ સહિત ડીલ કરી, અપક્ષોને ખરીદી, ઐતિહાસિક હેરાફેરી થકી ભજપનો ઉમેદવાર બિનહરીફ વિજયી જાહેર થાય છે. પ્રજા કાં તો ભક્ત બનીને કાં તો લાચાર બનીને આ તમાશો જાેઈ રહી છે. ૪૦૦ પારનો નારો અતિશયોક્તિ વાળો ખુદ મોદી સાહેબને તથા ભાજપને લાગતાં, હવે નેરેટિવ બદલાઈ રહ્યો છે. દરેક તબક્કે ફક્ત કોંગ્રેસ ઉપર ઘા કરવાની મોદી સાહેબની વિશિષ્ટ લાચારી તેમને બેફામ બનાવી રહી છે. કોંગ્રેસ સીપીએમ તથા હજારો નાગરિકોએ ચૂંટણી પંચને એક્શન લેવા માટે રજૂઆત કરી છે. પરંતુ બાંસવાડા ધિક્કાર ભાષણ ઉપર કોઈ કાર્યવાહી થઈ રહી નથી. ચૂંટણીનો બીજાે તબક્કો ૨૬ એપ્રિલના રોજ છે અને સાત તબક્કામાં ચૂંટણી પૂર્ણ થવાની છે, ત્યારે નાગરિકની અપેક્ષા નિષ્પક્ષ ચૂંટણી પંચની છે. અને મોદી સાહેબની સામે ચૂંટણી પંચનું વલણ તેની તટસ્થતા નક્કી કરી આપશે કે કેમ તે જાેવું રહ્યું.
સેમ પિત્રોડા જેઓ રાજીવ ગાંધીના તથા હાલમાં રાહુલ ગાંધીના પણ સલાહકાર છે, તેઓએ એક નિવેદન આપ્યું કે માલદારોની સંપત્તિ ૧૦ બીલિયન ડોલર કે ઘણી વધારે હોય તો તેને અમેરિકન કાયદા મુજબ પ્રજામાં વહેંચી દેવા માટે અહીંયા પણ વિચારણા થવી જાેઈએ. કોંગ્રેસે જાે કે આને તેમનું અંગત મંતવ્ય જણાવ્યું છે અને પોતાની જાતને અળગી કરી દીધી છે, પરંતુ આ કાનૂનના ઉલ્લેખ સામે મોદી સાહેબ “જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી” ડાયલોગ બોલી કોંગ્રેસ પ્રજાની સંપત્તિ તેમના મૃત્યુ બાદ પણ લૂંટી લેશે તેમ જણાવી ઉશ્કેરી રહ્યા છે. અદાણી-અંબાણીની સંપત્તિમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને દેશમાં માલેતુજારો અને વંચિતો (have અને have-nots) વચ્ચેની જે ખાઈ બેફામ રીતે વધી રહી છે તેને રોકવા માટે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી જે પ્રયાસ કરી રહ્યા છે, તેમાં આ મુદ્દો સાચે જ ખૂબ મહત્ત્વનો છે. કોંગ્રેસ તમારી મહેનતની કમાયેલી સંપત્તિ લૂંટી લેશે, બહેનોના મંગલસૂત્ર ઝૂંટવી લેશે તેવા અક્ષેપો કરી ટેકેદારોમાં જુસ્સો પ્રેરવા અને પ્રજાને ગેરમાર્ગે દોરવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વિપક્ષે સાથે મળી એવો નેરેટિવ સેટ કરવો પડશે કે જેથી સરકારને તથા ભાજપને ખુલાસા કરવા પડે. જ્યાં સુધી વિપક્ષો એજન્ડા સેટ કરવાનું પોતાના હાથમાં નહીં લે, નેરેટિવ એટલે કે કથાનક પોતે ઊભું નહીં કરે અને મીડિયાનો સાચી દિશા નો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી મોદીને પડકાર આપવો આ ચૂંટણીમાં પણ આસાન નહીં હોય, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.