લે. તબાના નૂરી
દરેક માનવીમાં વત્તા-ઓછા અંશે અહંકારની ભાવના અવશ્ય હોય છે. જેનામાં અહંકાર ન હોય તે સાધારણ મનુષ્ય નથી હોઈ શકતો. અહંકારના બળવત્તર હોવાની સ્થિતિમાં જીવન જટિલ અને કષ્ટમય બની જાય છે. અહંકારના ચક્રવ્યૂહને તોડવો સરળ નથી. સ્વયંને સર્વશ્રેષ્ઠ અને બીજાઓને તુચ્છ સમજવાની મનોવૃત્તિ મનુષ્યને અહંકારી બનાવી દે છે. જ્યારે મનમાં અહંકાર આવવા લાગે છે તો અહંકારના પાછળ કેટલાય એવા વિચારો આપમેળે જ આવી જાય છે જે આપણને પતન ભણી લઈ જાય છે. અહંકાર વિકૃત મનનું બીજ છે, જેના ફળ અત્યંત દુઃખદ,કડવા અને ખતરનાક હોય છે.
પોતાની વાત પર અડગ રહેવું, પોતાને સાચા પુરવાર કરવું, ભૂલ કર્યા પછી પણ તેને સ્વીકારવી નહીં, ખોટા પગલા માટે હંમેશાં અન્યોને જ જવાબદાર ઠેરવવા, હું જ સાચો કે ખરો છું એ ભ્રમ પેદા થઈ જવો, મારો કેવી રીતે લાભ થાય, મને કેવી રીતે ફાયદો થાય, આ બધા પ્રારંભિક અહંકારના લક્ષણ છે, જે પાછળથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે.
આથી જ તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનથી સંબંધિત વિદ્વાનો આને સંપૂર્ણપણે ખોટું ઠેરવે છે અને પોતાની બુદ્ધિ-વિવેકથી આ ખોટી ભાવનાને ત્યજવાની સલાહ આપે છે. તત્ત્વ-ચિંતકોનું માનવું એમ છે કે જ્યારે અહંકાર શક્તિશાળી બની જાય છે, ત્યારે તે મનુષ્યની ચેતનાને અંધકારના પડની જેમ ઘેરવા લાગે છે.
શરૂઆતમાં તો આ ભાવાવેશ આપણા વશમાં હોય છે, પરંતુ સમય પસાર થવાની સાથે એ એટલો શક્તિશાળી બની જાય છે કે આપણે તેના સેવક બની જઈએ છીએ. આપણા તમામ કાર્યો અહંકારપણાથી પ્રેરિત થવા લાગે છે. ધન, પદ-પ્રતિષ્ઠા અને યશ પામીને આપણે અસંતુષ્ટ-અતૃપ્ત રહી જઈએ છીએ. અહંકારનો વણ-ઇચ્છયો પ્રભાવ આ છે કે લોકો તમને ના-પસંદ કરવા લાગે છે. તે એટલે સુધી કે લોકો તમારાથી ડરવા પણ લાગે છે. આ વસ્તુ તમારૂં સન્માન છીનવી લે છે.
આપણે વારંવાર આ જ સાંભળીએ છીએ કે આ અહંકારનો ત્યાગ કરો. મહાપુરુષો દ્વારા પણ હંમેશાં આ જ વાત કેમ દોહરાવવામાં આવે છે કે અહંકાર આપણને વિનાશ તરફ લઈ જાય છે. વિભિન્ન ધર્મ-ગ્રંથો પણ આપણને અહંકારથી દૂર રહેવાનું શિક્ષણ આપે છે. પરંતુ પ્રશ્ન ઉદ્ભવે છે કે ખરેખર આ અહંકારનો જન્મ કેવી રીતે થાય છે? અહંકાર આવે છે કયાંથી? પ્રશ્ન આ પણ ઉદ્ભવે છે કે આનાથી મુક્તિનો માર્ગ શું છે?
જાણકારોનું માનવું છે કે અહંકાર મનનો એક વિકાર-વિકૃતિ છે કે જે મનુષ્યના મનમાં આપમેળે જ ઉપજે છે. હું તમારા કરતાં બહેતર (વધારે સારો) છું, હું વધારે પૈસા કમાઉં છું, મારૂં ઘર મોટું છે, મારામાં બુદ્ધિમત્તા વધારે છે, હું વધારે ફર્યો છું – વધારે પ્રવાસ ખેડ્યો છે, મારામાં શક્તિ વધારે છે, વધારે સ્વાદિષ્ટ ભોજન બનાવું છું.. આ યાદી બહુ લાંબી છે. શ્રેષ્ઠતાની આ ભાવના સમગ્ર અભિમાન અને અહંકારનું મૂળ છે.
અહંકારના ચક્રવ્યૂહને તોડવા માટે સૌથી પહેલાં સાચા મનથી નમ્રતા, સમર્પણ અને ત્યાગની સીડી પર પગ મૂકવો આવશ્યક છે. અહંકારથી છુટકારો મેળવવાનું સૌથી મોટું યંત્ર છે મૃત્યુ-બોધ. આપણે જે સુંદર શરીર, દુન્યવી ઉપલબ્ધિ અને પદ-પ્રતિષ્ઠા ઉપર ઘમંડ (કે અનુમાન) કરીએ છીએ એ તમામ ક્ષણભંગુર છે. તેમ છતાં તેમને પામવા માટે આપણે ખોટા કે બૂરા કામો કરવાથી ચૂકતા નથી, પરંતુ જ્યારે આપણી અંદર આ અંતરજ્ઞાન જાગી જાય છે કે મૃત્યુ જ જીવન-યાત્રાનો અંતિમ પડાવ છે, તો અહંકારની ભાવના વિલુપ્ત થઈ જાય છે.
અહંકારનો રોગ બહારની આંખોથી નહીં, બલ્કે અંતર્મનની આંખોથી જાેઈ શકાય છે. આથી આપણા માટે પોતાના સચેત પ્રયાસથી અહંકારની નિરર્થકતાને સમજતાં તેને ત્યજ્વો ખૂબ જ જરૂરી છે. ત્યજતા પહેલાં તેની નિરર્થકતાને સમજવી પડશે.
અહંકાર કે ઘમંડથી બચવાનો એક બીજો ઉપાય છે.. ઈશ્વરને યાદ કરવા. આપણે દરેક સમયે આ યાદ રાખવું જોઈએ કે ઈશ્વર બધું જ જુએ છે. તે એટલે સુધી કે વ્યક્તિના મનમાં શું છે તેને પણ તે જુએ અને જાણે છે. ધર્મનો જન્મ જ ત્યારે થાય છે કે જ્યારે અહંકાર વિલીન થવા લાગે. ધાર્મિકતા માટે બિન અહંકારિતા અતિઆવશ્યક છે. અહંકારી કે ઘમંડી વ્યક્તિ ક્યારેય ધાર્મિક નથી હોઈ શકતી. ધાર્મિક હોવાનો આડંબર-પાખંડ કરી શકે છે.
બિન-અહંકારી થયા વિના ઉચ્ચ પદો પર બેસેલ વ્યક્તિ લોકહિતની વાતો તો કરશે, પરંતુ લોકહિત ક્યારેય નહીં કરે. લોકહિત તેનાથી જ થઈ શકે છે કે જે બિન-અહંકારી હોય.
અહંકાર આપણને આસ્થિકતાના ગુણોને પ્રાપ્ત કરવાથી રોકે છે. ઘમંડી માણસ ન તો વિનમ્ર હોઈ શકે છે અને ન જ એ ઈર્ષાથી બચી શકે છે. એ સલાહ માનવાથી ઇન્કાર કરી દે છે. અને મોટે ભાગે પોતાના ક્રોધ કે ગુસ્સાને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે.
ધર્મગ્રંથોમાં અહંકારના દુષ્પરિણામોથી લોકોને ચેતવવામાં આવ્યા છે. પવિત્ર કુર્આનમાં કહેવામાં આવ્યું છેઃ
“કહેવામાં આવશે, દાખલ થઈ જાવ જહન્નમના દરવાજાઓમાં, અહીં તમારે હવે સદૈવ રહેવાનું છે, ખૂબ જ ખરાબ ઠેકાણું છે આ, અહંકારીઓ માટે.” (૩૯:૭૨)
કુર્આનમાં વિવિધ સ્થળોએ ખૂબ જ સ્પષ્ટરૂપથી કહેવામાં આવ્યું છે કે મનુષ્યે અહંકારથી દૂર રહેવું જોઈએ.
“જમીનમાં છાતી કાઢીને ન ચાલો, તમે ન જમીનને ફાડી શકો છો, ન તો પર્વતોની ઊંચાઈએ પહોંચી શકો છો.” (૧૭:૩૭)
કુર્આનમાં એક અન્ય સ્થળે કહેવામાં આવ્યું છેઃ
“અને લોકોથી મોઢું ફેરવીને વાત ન કર, અને ન ધરતી પર અકડાઈને ચાલ, હકીકતમાં અલ્લાહ કોઈ સ્વચ્છંદી અને અહંકારી વ્યક્તિને પસંદ નથી કરતો.” (૩૧:૧૮)
નિઃશંક ઈશ્વર કોઈ અહંકારી વ્યક્તિને પસંદ નથી કરતો. આથી એક આસ્થિક પોતાના ચરિત્રથી અહંકારના લક્ષણોને દૂર કરવાનો પ્રયાસ કરે છે. તે હંમેશાં પોતાના વ્યવહાર પ્રત્યે સચેત રહે છે. જ્યારે વ્યક્તિનો અહંકાર દૂર થઈ જાય છે તો તે પોતાના સુવિચારોની સાથે આત્માના ઊંડાણોની યાત્રા પર નીકળી પડે છે, અને એ જ અનંત શાંતિનો માર્ગ છે આપણે સૌએ પોતાના જીવનમાં અભિમાન અને અહંકારના બદલે દયા અને કરૂણા લાવવી જોઈએ. આપણે પોતાની અંદર છુપાયેલ અહંકારના અંધકારને દૂર કરવાના સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ, કે જેથી આપણું આલોક અને પરલોક બંને ઉજ્જવળ થઈ શકે. •••
(લેખિકા ઓસ્ટ્રેલિયામાં રહેતી અપ્રવાસી ભારતીય છે.)