માણસ જ્યારથી આ દુનિયામાં આવ્યો છે, ત્યારથી જ એક પાયાનો પ્રશ્ન તેના મનમાં છે કે હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો છું ? મારો જન્મદાતા-સર્જનહાર કોણ છે ? મૃત્યુ પછી હું ક્યાં જવાનો છું ? આ એ પાયાના પ્રશ્નો છે કે જેમના પર માણસ લાંબા સમયથી ચિંતન-મનન કરતો રહ્યો છે. આ પ્રશ્નોના ખરા ઉત્તર મેળવી લીધા પછી જીવન સફળ છે કે નિષ્ફળ તે જાણી શકાય છે. આનાથી વિશ્વદૃષ્ટિ વિકસિત થાય છે. અર્થાત્ મનુષ્ય, જગત અને ઈશ્વરની વચ્ચે શું સંબંધ છે. મનુષ્ય જ્યારે આને સમજે છે તો તે મુજબ તેનું જીવન ઢળે છે.
એક વિચાર આ છે કે મનુષ્ય સ્વતંત્ર છે, પોતાની મરજીનો માલિક છે. તેને બનાવનાર કોઈ નથી. જ્યારે તેની પાસે શક્તિ આવે છે તો કહે છે કે હું જ સૌથી મોટો છું, પરિણામ સ્વરૂપ એ બડાઈ હાંકવા લાગે છે. ઘમંડ તથા અહંકાર કરવા લગે છે. ઈશ્વરથી વિદ્રોહ કરવા લાગે છે. મનુષ્યોને પોતાનો દાસ બનાવી લે છે અને ચાહે છે કે લોકો તેને પૂજનીય માને. તે લોકો પર અત્યાચાર કરે છે અને ધરતી પર બગાડ ફેલાવી દે છે. કેમકે તેને પેદા કરનાર (સર્જનહાર) કોઈ નથી, આથી તે કોઈના નિર્દેશોનું પાલન કરવા માટે બંધાયેલો નથી. મૃત્યુ પછી તેને ક્યાંય જવાનું નથી અને કોઈની સામે તે ઉત્તરદાયી નથી. આથી તેની જેવી મરજી તેવું જીવન તે વિતાવે છે.
બીજું દૃષ્ટિકરણ આ છે કે મનુષ્ય પોતાની જાતને ખૂબ જ કમજાેર અને તુચ્છ સમજે છે. તેની સામે જ્યારે આ જગતની મોટી મોટી વસ્તુઓ આવે છે, અથવા નાની વસ્તુઓ પણ કે જેમનાથી તેને લાભ કે હાનિ પહોંચતી હોય, તેમની સામે તે સાષ્ટાંગ પ્રણામ કરવા લાગી જાય છે. તેમનાથી ડરી જાય છે. ભયભીત થઈ જાય છે. સૂર્ય, ચંદ્ર, તારા (ગ્રહ), નદી, પર્વત, સાપ, વીંછી અથવા કોઈ અન્ય વસ્તુ હોય તેમની સામે તે ઝૂકી જાય છે.
પ્રથમ દૃષ્ટિકોણ જે છે તેના પરિણામે મનુષ્ય દુનિયામાં લૂંટફાટ મચાવે છે. જ્યારે બીજું જે દૃષ્ટિકોણ છે જેમાં માણસ સંસારને ત્યાગી દે છે, હંમેશાં ભયમાં રહે છે. અનિશ્ચિતતા અને અસુરક્ષા તેના પર છવાયેલી રહે છે, તે દ્વિધાનો ભોગ બને છે. તેની સામે કોઈ માર્ગ નિશ્ચિત નથી હોતો. તે આ વાતમાં પોતાને સુરક્ષિત સમજે છે કે તે દુનિયાથી અલિપ્ત થઈ જાય. જંગલો અને ગુફાઓમાં જઈને જીવન વ્યતીત કરી લે.
આ બન્ને દૃષ્ટિકોણોની વચ્ચે ઇસ્લામનું દૃષ્ટિકોણ છે, અને ઇસ્લામ આપણને આ જણાવે છે કે ઈશ્વરે આપણને પેદા કર્યા છે. તમે સ્વચ્છંદ, નિરંકુશ કે મનમૌજી નથી. તેણે તમને એક હેતુ કે ધ્યેય સાથે પેદા કર્યા છે, અને આથી તમારા માટે નિયમ-કાનૂન નક્કી કર્યા છે. તેણે તમને સ્વતંત્રતા આપી, પરંતુ તેમાં તમારા માટે આ પરીક્ષા છે કે તમે પોતાના પાલનહારને ઓળખો છો કે પછી ઇન્કાર કરો છો ? તેના શિક્ષણનો સ્વીકાર કરો છો કે પછી તેનાથી વિદ્રોહ કરો છો ? મનુષ્યો સાથે સદ્વર્તન કરો છો કે પછી તેમના પર અત્યાચાર ગુજારો છો ? સમાજમાં શાંતિ સ્થાપિત કરો છો અથવા બગાડ પેદા કરો છો ? તે એક દિવસ તમારાથી આ અંગે જવાબ માગશે અને તમારાથી હિસાબ લેશે.
આકાશ અને ધરતીમાં જે કંઈ પણ દેખાય છે અને જે દેખાતું નથી, એટલે કે જે વસ્તુઓ આપણી પહોંચથી હજી ઘણી દૂર છે, બધી જ ઈશ્વરે પેદા કરી છે. સૂર્ય, ચંદ્ર અને તારા-ગ્રહોને ઈશ્વરે એક નિયમને આધીન કરી દીધા છે. જે ગ્રહપથ પર તેમને ઘુમાવી દેવામાં આવ્યા તેનાથી બહાર તે નથી નીકળી શકતા, જેને ઈશ્વરે આગળ વધારી દીધા તે રોકાઈ નથી શકતા, જેને તેણે રોકી દીધા તે આગળ નથી વધી શકતા.
વિચિત્ર વાત છે કે જે પોતે કોઈના ગુલામ હોય તમે તેને ઈશ્વર કેવી રીતે બનાવી શકો છો ? આ સૂર્ય, ચંદ્ર, નદીઓ અને પર્વત તમારા પૂજનીય નથી. આ બધા તમારા માટે નિયત કરવામાં આવ્યા છે. ઈશ્વર આ જગતની પોતાની નિશાનીઓ પર મનુષ્ય ચિંતન-મનન કરવાનું આમંત્રણ આપે છે.
પરંતુ અફસોસ આ છે કે ઈશ્વરને ઓળખવા અને તેને પામવાના જે ત્રણ મુખ્ય સંકેત ચિહ્ન છે, વર્તમાન શિક્ષણ વ્યવસ્થાએ ત્યાં કેટલીક અન્ય વસ્તુઓને સ્થાપિત કરી દીધી. જેમકે પ્રથમ આ જગત, બીજું સ્વયં મનુષ્યનું અસ્તિત્વ. મનુષ્ય જાે આમના સૃજન ઉપર વિચાર કરે છે તો જુએ છે કે આમને બનાવવા અને આમને સંતુલિત રાખનાર કોઈ મૌજૂદ છે, પરંતુ વર્તમાન શિક્ષણ-વ્યવસ્થામાં ઈશ્વરના આ સંકેત ચિહ્નોને બિગબૈંગ અને ડાર્વિનવાદ કે વિકાસવાદ જેવા સિદ્ધાંતોથી બદલી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ વિકાસવાદના સમર્થક આજ સુધી આ બતાવવામાં અસમર્થ છે કે એ પ્રથમ માનવ-કોશિકા કે એ પદાર્થ ક્યાંથી આવ્યો જેની ક્રમશઃ ઉન્નતિના પરિણામરૂપે આ વર્તમાનજગત અને મનુષ્ય અસ્તિત્વમાં આવ્યા.
ઈશ્વરને ઓળખવાનો ત્રીજાે સંકેત ચિહ્ન છે તે આ છે કે ઈશ્વરે મનુષ્યની અંદર ‘ઝમીર’ (અંતરાત્માનો અવાજ)ને રાખ્યો. અંગ્રેજીમાં જેને ‘ઇનર વોઇસ ઓફ ગોડ’ કહેવામાં આવે છે. મનુષ્ય જ્યારે કંઈ ખરૂં કરે છે તો અંદરથી આ અવાજ આવે છે કે આ ખરૂં છે. જ્યારે તે ખોટું કરે છે તો એ ‘ઝમીર’ (અંતરાત્મા) દ્વારા અંદરથી તેને ટોકવામાં (ઠપકો આપવામાં) આવે છે અને બતાવવામાં આવે છે કે આ ખરૂં નથી.
આને પણ લોકોએ બદલી નાખ્યું અને કહ્યું કે નૈતિકતા સ્વયં પોતાનામાં કોઈ અટલ વસ્તુ નથી, બલ્કે સાપેક્ષ પ્રભાવ છે. માનવ-સમાજ જેમ-જેમ પ્રગતિ સાધે છે. તેમ-તેમ નૈતિકતામાં પણ પરિવર્તન આવે છે. આનો કોઈ અટલ નિયમ-કાયદો મૌજૂદ નથી.
આ એ ત્રણ સંકેત-ચિહ્ન છે કે જ્યાં મનુષ્ય ઈશ્વરને શોધી શકે છે, પરંતુ વર્તમાન શિક્ષણ-વ્યવસ્થાએ આ ત્રણેયને કહેવાતા વિભિન્ન વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી બદલી નાખવા પ્રયાસ કર્યો.
સમાજના ભણેલા-ગણેલા લોકોએ કુઆર્નના પ્રકાશમાં એકેશ્વરવાદનું અધ્યયન કરવું જાેઈએ, કેમકે કુઆર્નનું દૃષ્ટિકોણ તાર્કિક અને વૈજ્ઞાનિક છે. કુઆર્ન માનવોની પ્રકૃતિને આકર્ષિત કરે. આનાથી જ્યાં પણ ઈશ્વરનો ઇન્કાર છે ત્યાં અમે તાર્કિક ઢબે આ પુરવાર કરી શકીએ છીએ કે ઈશ્વર મૌજૂદ છે. દુનિયામાં બગાડ પેદા ન થાય, અને તે અમન તથા શાંતિનું પારણું બને આથી કુઆર્નના સંદેશને આમ (પ્રચલિત) કરવો છે. •••