લે. હસ્સાન બિન અબ્દુલ ગફ્ફાર
આજે આપણે જે વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની આસપાસ અછડતી નજર નાખીએ છીએ તો દરેક બાજુ હવાની (વાતાવરણીય), જમીનની અને જળની ગંદકીની સમસ્યા છવાયેલી દેખાય છે. ફેક્ટ્રીઓમાંથી નીકળનાર ધુમાડો, કચરાના ઢગલા, નદીઓ તથા રસ્તાઓના કિનારે અને અન્ય ગમે ત્યાં ફેંકવામાં આવેલ ગંદકી અને ધુમાડો છોડતી ગાડીઓ વિ આ બધી એવી બાબતો અને કારણો છે જેમણે વાતાવરણના સ્વરૂપને બગાડી મૂક્યો છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણા જીવનનો આધાર હવા, પાણી અને ખોરાક પર છે. આ ત્રણેયમાં નાનું સરખું પણ અસંતુલન, ફેરફાર અને અસાવધાની આપણા સહુના જીવન છીનવી શકે છે. અહીં ઉલ્લેખિત ત્રણેય વસ્તુઓ અને તેમના સ્વરૂપ તથા વાસ્તવિકતા બદલી નાખનારી ખતરનાક વસ્તુઓ ઉપર ટૂંકમાં પ્રકાશ પાડવામાં આવી રહ્યું છે.
પાણી (જળ) અને હવા માનવ-જીવન જ નહીં બલ્કે સમગ્ર સૃષ્ટિના સર્જનહારની પેદા કરેલ ને’મતોમાંથી મહાન ને’મતો છે. માનવ સર્જનથી લઈને સૃષ્ટિના સર્જન સુધી તમામ વસ્તુઓમાં પાણી (જળ) અને હવાની ….. દેખાય છે. કુર્આનમજીદમાં અલ્લાહ ફરમાવે છે :
“અને પાણી વડે દરેક સજીવ વસ્તુ પેદા કરી ? શું તેઓ (અમારી આ પેદા કરવાની શક્તિને) નથી સ્વીકારતા ?” (સૂરઃ અંબિયા, આયત-૩૦)
ખોરાકનો સંબંધ ફક્ત સ્વાસ્થ્યથી જ નથી, બલ્કે દરેક જીવધારીનું જીવન આનાથી જ જોડાયેલ છે. આથી જ અલ્લાહતઆલાએ દરેક પ્રકારના પવિત્ર ખોરાકને ઠેરવ્યો છે. પરંતુ પાછલા કેટલાક દાયકાઓમાં માનવીએ પ્રકૃતિ અને કુદરતી વ્યવસ્થામાં છેડછાડ-ચેડાં અને દખલગીરી કરીને માનવતાના અસ્તિત્વને પડકારી દીધો છે. ખેતી-વાડી, જંગલો, નદીઓ, તળાવો અને જીવનના અન્ય સંસાધનોની અસલિયતને પોતાની નાદાની અને નિમ્ન-કક્ષાની માનસિકતાના લીધે નષ્ટ કરી દીધી છે. જે ખેતી-વાડીમાં જે માનવ-ખોરાક ઉગાડવામાં આવે છે, તેમની ઓછા સમયમાં વધુથી વધુ પેદાશ અને વધુમાં વધુ આવક માટે તેમનામાં ઢગલાબંધ રાસાયણિક પદાર્થો ભેળવવામાં આવે છે. વધારે નફાની લાલચમાં એવા રસાયણો (Chemicals)થી ઊગનારા અનાજ અને અન્ય ફળ તથા શાકભાજીઓ માનવજીવન માટે અત્યંત ઘાતક હોય છે. નદીઓ અને તળાવોના કાંઠાઓને કચરા અને વિવિધ પ્રકારની ગંદકીઓથી ભરી દેવામાં આવે છે જેના લીધે જળ-પ્રદૂષણમાં વધારો થતો જઈ રહ્યો છે, અને નદીઓની પહોળાઈ દિન-પ્રતિદિન સંકોચાતી જઈ રહી છે. રાસાયણિક તથા ઔદ્યોગિક નિષ્કાષન અને કેટલીક જગ્યાએ કારખાનાઓનું ક્રુડ ઓઇલ (વપરાયેલું તેલ) પણ એ જ નદીઓમાં સ્હેજેય ડર્યા વિના નાખી દેવામાં આવે છે. કચરો, મળ, ગંદકીઓ અને નાળા તથા ઔદ્યોગિકનિષ્કાષનના મોટાપ્રમાણથી વરસાદમાં પાણીની સાથે તે જ વ્હેણ-પ્રવાહમાં આ બધું મળીને નદીના સ્વચ્છ પાણીને દૂષિત કરીને તેને વધુ ઝેરી બનાવી દે છે, જેના કારણે એ નદીઓના પાણીમાં ઓક્સિજનની કમી થઈ જાય છે.
આ ખરાબ અને ગંદી વસ્તુઓથી ઍમોનિયમ સાઇનાઇડ, ક્રૉમેટ અને નેપ્થિયન જેવા ઝેરી પદાર્થોની હાનિકારક તથા ઘાતક અસરો માનવો, પ્રાણીઓ અને ઘણી બધી પાણીની વનસ્પતિઓ પર પડે છે. આવા દૂષિત પાણીમાં પેદા થનારી વનસ્પતિઓ કલોરિનની કમીના કારણે નષ્ટ થવા લાગે છે, જેના લીધે માનવોની સાથો સાથ માછલીઓ અને પાણીમાં રહેલા અન્ય પ્રકારના ખોરાક નષ્ટ થઈ જાય છે. માછલીઓ પણ આવા પાણીમાં રહેતાં રહેતાં ઝેરી થઈ જાય છે. આ માછલીઓને માણસ ખોરાકરૂપે ઉપયોગમાં લે છે જેમાં કુદરતી રીતે મૌજૂદ પ્રોટીનથી જે ફાયદો થતો તે નુકસાનમાં બદલાઈ જાય છે. પાણીના પ્રદૂષણના લીધે જાત જાતના ઝેરી કીડા-મંકોડા અને કીટાણુઓ પેદા થઈ જાય છે, જે પાણીને ખતરનાક હદ સુધી ઝેરી બનાવી દે છે. પરિણામ સ્વરૂપે માણસ માટે રક્તપિત્ત, કેન્સર, કમળા અને કોલેરા જેવા અનેક ઘાતક રોગોથી પ્રભાવિત થવાનો ભય વધી જાય છે. એ જ પાણીથી ખેતીનું સીંચન પણ કરવામાં આવે છે. આથી અનાજ અને અન્ય ફળ-ફળાદિ તથા શાકભાજીઓમાં પણ ખતરનાક જંતુઓ ભળી જાય છે જે માનવી અને પ્રાણી બન્ને માટે હાનિકારક હોય છે. કેટલાક સંશોધનોમાં આ રહસ્પોદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે કે ઈ.સ. ૨૦૫૦ સુધી લગભગ ૧.૮ અબજ માણસોને પાણીની અછતનો સામનો કરવો પડશે જેનું દર્દનાક દૃશ્ય, ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં જ આપણા દેશમાં અત્યારથી જ દેખાવા લાગ્યું છે. ગામડાના મોટી સંખ્યાના લોકો કેટ-કેટલાય માઇલો દૂરથી તેમની મૂળભૂત જીવન-જરૂરિયાતો માટે મુશ્કેલીથી પાણી લાવે છે.
વાયુ પ્રદૂષણ :
ધરતી પર સૈકાઓથી વસતો માનવી હવે પોતાના માટે પોતે જ વિનાશની તૈયારીઓ કરી રહ્યો છે. પોતાના વિવિધ ફાયદાઓ ખાતર એવા સાધનોનો બેદરકારીથી ઉપયોગ કરી રહ્યો છે જે આપણા સાફ-સુથરા વાતાવરણને ઝડપથી દૂષિત કરી વાતાવરણને પ્રભાવિત કરી રહ્યા છે. ફેક્ટ્રીઓ, ભઠ્ઠાઓ, પરિવહન સાધનો, ઘરેલુ આગવાળા ચૂલા કે જેમાં લાકડા અને કોલસાનો ઉપયોગ થતો હોય, થી નીકળનારા ધુમાડા, એવી જ રીતે એ પાવર-હાઉસ કે જે કોલસાથી ચાલે છે અને જે મોટા પ્રમાણમાં ધુમાડો છોડે છે, પર્યાવરણ અને વાતાવરણને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યા છે. કચરાના ઢગલાઓથી ઉછરતા જંતુઓ, નાળા તથા તળાવોથી નીકળનારા હાનિકારક બાષ્પ હવામાં શોષાઈને શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થઈ જાય છે. તેમના લીધે માનવ-સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ, ચામડીના રોગો, અને પેટના રોગોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પર્યાવરણના પ્રદૂષણના લીધે શરીરનો એવો કોઈ અવયવ-અંગ નથી જે પ્રભાવિત ન થઈ રહ્યો હોય. તે એટલે સુધી કે માનવીની કિડનીઓ, ફેફસાં અને દૃષ્ટિ સુદ્ધાં પ્રભાવિત થઈ રહ્યા છે. મનુષ્યો ઉપરાંત પ્રાણીઓ પણ બીમાર થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે વાયુ પ્રદૂષણ દર વર્ષે ૫૦ લાખથી વધુ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે. ફક્ત ચીનમાં દરરોજ ૪ હજાર (લગભગ ૧૫ લાખ વાર્ષિક) લોકો સૌથી ખરાબ વાયુ પ્રદૂષણના લીધે મોતનું કોળિયું બની જાય છે. આ યાદીમાં ૧૧ લાખ મૃત્યુ સાથે ભારત બીજા ક્રમે મૌજૂદ છે.
પ્રદૂષણના પ્રમાણમાં વધારો કરનારા ખતરનાક સાધનોમાં પ્લાસ્ટિક (Polythene) સૌથી અગ્ર ક્રમે છે જે સૌથી વધુ વપરાશમાં પણ છે. ભારતની “સૌથી પવિત્ર નદી” ગંગામાં દર વર્ષે લગભગ ૧.ર અબજ ટન પ્લાસ્ટિક તથા અન્ય ગંદકી ઠાલવવામાં આવે છે. આ વિચિત્ર તથા અફસોસનાક સર્વેક્ષણ પણ સામે આવ્યું છે કે ભારત એ ૪ દેશોમાંથી એક છે કે જ્યાં સૌથી વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ છે. ભારતના રાષ્ટ્રીય પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડનો ઈ.સ. ૨૦૧૫ના અહેવાલ મુજબ દેશના ૬૦ મોટા શહેરોમાં દરરોજ ૨૬ હજાર ટન પ્લાસ્ટિક પર આધારિત ગંદકી-પ્રદૂષણ પેદા થાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક અહેવાલ મુજબ જો પ્લાસ્ટિકના પ્રદૂષણની આ જ સ્થિતિ રહી તો ઈ.સ. ૨૦૨૫ સુધી સમુદ્રોમાં માછલીઓની સરખામણીમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હશે.
જંગલોનું છેદન : જંગલોના બે હિસાબ છેદનનો કારોબાર ખૂબ જ ધામધૂમથી ચાલુ છે. જોતાજોતામાં જંગલો નષ્ટ કરવામાં આવી રહ્યા છે. આ છેદનના પરિણામે જ્યાં તોફાની પૂરમાં વધારો થઈ રહ્યો છે ત્યાં જ ઓક્સિજન વિવિધ પ્રકારના મેવા અને ફળ-ફળાદિમાં ઘટાડો અને ખામી થઈ રહી છે. પ્રાણીઓ પણ ઝડપથી પોતાના શરણ-સ્થળોથી વંચિત થઈ રહ્યા છે, જેના લીધે ઘણી વખત ખુદ માણસને જ ભારે નુકસાન ઉઠાવવું પડે છે.
સામાન્ય ગંદકી : સફાઈ-સુથરાઈ અને સ્વચ્છ વાતાવરણ તો આમેય સીધી પ્રકૃતિના માનવ-જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. ઇસ્લામ ધર્મે પણ આના પર ઘણો ભાર મૂકયો છે. આને અડધો ઈમાન ઠેરવ્યો છે. લોકો શારીરિક સફાઈ-સુથરાઈનું પાલન તો જરૂર કરે છે, અથવા કરવા ચાહે છે, પરંતુ ફક્ત આ જ પૂરતું નથી. સફાઈ-સ્વચ્છતામાં શરીરના બાહ્ય તથા આંતરિક (અંતર-મન)ની સાથે જ ઘર, મહોલ્લા, માર્ગો, જાહેર સ્થળો, હોસ્ટેલના રૂમ, બાથરૂમ અને ટોયલેટની સાફ-સફાઈ (સ્વચ્છતા)નું પાલન પણ અનિવાર્ય છે. પાણીથી દ્વેષ રાખનારા (કંટાળનારા) કેટલાક લોકો તો જાહેર સ્થળો તથા ટૉયળેટને એટલી હદે ગંદા રાખતા હોય છે કે જેનું વર્ણન કરતાં પણ શરમ આવે છે. સ્વચ્છતાથી બેદરકારી વાતાવરણની પવિત્રતાને પ્રભાવિત કરે છે. પાન, તંબાકુ અને સિગારેટ પીવી (ધુમ્રપાન) પણ વાતાવરણને ઝેરી બનાવવામાં પોતાની ભૂમિકા ભજવે છે. વર્તમાન સમયમાં જ્યારથી ફાસ્ટ ફુડ અને હોટલોના ભોજનની પરંપરા વધી છે, ત્યારથી એક નવી ખરાબીએ જન્મ લીધો છે, જેનું નામ ખાણી-પીણીનો વેડફાટ-બગાડ છે. હવે તો “અડધું ખાવ, અડધું ફેંકો” જાણે કે ફેશન બની ગયું છે.
ઇસ્લામનું સિક્ષણ : સફાઈ-સુથરાઈનું પાલન આપણી નૈતિક અને સામાજિક ફરજ તો છે જ, બલ્કે એક મુસલમાનની હૈસિયતથી એક ઇસ્લામી ફરજ (કર્તવ્ય) પણ છે. ઇસ્લામે એક તરફ સફાઈ-સુથરાઈને અડધો ઈમાન ઠેરવ્યો છે તો બીજી તરફ ગંદકી ફેલાવવા અને ખાવા-પીવાની વસ્તુઓમાં બગાડ તથા વેડફાટથી પણ મનાઈ ફરમાવી છે. તે એટલે સુધી કે વૃક્ષારોપણ બાહ્ય રીતે મામૂલી દેખાતા મામલામાં પણ સ્પષ્ટ આદેશો આપ્યા છે. ‘પાણી’ કે જેમાં અસ્તિત્વમાં તમામ સૃષ્ટિનું અસ્તિત્વ તથા સુરક્ષા છુપાયેલ છે, અલ્લાહતઆલા તેના વિશે ઇર્શાદ ફરમાવે છે કે : ક્યારેય તમે આંખો ખોલીને જોયું, આ પાણી જે તમે પીઓ છો, તેને તમે વાદળોમાંથી વરસાવ્યું છે કે એના વરસાવનાર અમે છીએ ? અમે ઇચ્છીએ તો એને ખૂબ જ ખારું બનાવીને મૂકી દઈએ, પછી કેમ તમે આભારી થતા નથી ? (સૂરઃ વાકિઅહ, આયત – ૬૮,૬૯,૭૦)
કુર્આનમાં આ ઉપરાંત કેટલીક અન્ય જગ્યાએ પણ અલ્લાહતઆલાએ પાણીના મહત્ત્વ અને લાભ વિષે ઇર્શાદ ફરમાવ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે અલ્લાહતઆલાએ પાણીમાં જીવનની અસર રાખી છે. આથી પાણી પર ફક્ત માનવીનો જ અધિકાર નથી બલ્કે જેટલો માનવીનો અધિકાર છે તેટલો જ અન્ય સૃષ્ટિનો પણ અધિકાર છે. જો માનવી પોતાની જરૂરતથી વધુ પાણી ખર્ચ કરશે-વાપરશે તો તેને બગાડ કહેવામાં આવશે, અને બગાડ ઇસ્લમમાં પસંદપાત્ર નથી. જેમ કે આ આયતમાં અલ્લાહતઆલાએ સ્પષ્ટપણે ઇર્શાદ ફરમાવ્યું છે : હે આદમની સંતાન ! દરેક બંદગી (ઉપાસના) વખતે પોતાની સાજ-સજ્જા (સંપૂર્ણ સારા પોશાક)થી આભૂષિત રહો અને ખાઓ-પીઓ અને હદથી આગળ ન વધો. અલ્લાહ હદથી આગળ વધી જનારાઓને પસંદ કરતો નથી. (સૂરઃ આ’રાફ આયત-૩૧)
બગાડથી જ્યાં સૃજનને નુકસાન પહોંચે છે ત્યાં જ કુદરતી વ્યવસ્થામાં પણ બગાડ પેદા થાય છે કે જેનાથી ધરતીની વ્યવસ્થામાં બગાડ પેદા થાય છે જ્યારે કે આ પ્રકારના બગાડની ઇસ્લામમાં કોઈ ગુંજાયશ નથી. આના જ વિષે કુઆર્નમજીદમાં અલ્લાહતઆલાએ પોતાના ખાસ અંદાજમાં માનવીને ચેતવ્યો છે કે એ ધરતીને બરબાદ કરીને પોતે પણ અને બીજાઓને પણ તેના લાભોથી વંચિત ન કરે ફરમાવ્યું : અને મદ્યનવાળાઓ તરફ અમે તેમના ભાઈ શુઐબને મોકલ્યો. તેણે કહ્યું, ‘‘હે મારી કોમના ભાઈઓ ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઉપાસ્ય નથી, તમારા પાસે તમારા રબનું સ્પષ્ટ માર્ગદર્શન આવી ગયું છે, આથી તોલ અને માપ પૂરેપૂરા ભરો, લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, અને ધરતી ઉપર બગાડ પેદા ન કરો જ્યારે કે તેની સુધારણા થઈ ચૂકી છે, આમાં જ તમારી ભલાઈ છે જો તમે હકીકતમાં ઈમાનવાળા છો. (સૂરઃ આ’રાફ, આયત-૮૫)
‘ફસાદ’ (બગાડ) એક વિસ્તૃત અર્થ ધરાવતો શબ્દ છે. વાસ્તવમાં શબ્દકોષમાં ‘ફસાદ’નો અર્થ છે કોઈ વસ્તુનું પોતાની સીધી (સાચી, ખરી) સ્થિતિથી બદલાઈને ખરાબ સ્થિતિ પર આવી જવું અને મધ્યમ-માર્ગ (સંતુલન)થી નીકળી જવું. આનો વિરોધાર્થી અર્થ ‘ઇસ્લાહ’ છે. પાણીમાં અલ્લાહતઆલાએ સ્વાસ્થ્ય અને જીવન-અસ્તિત્વનો ગુણ મૂક્યો છે. જો માણસ તંદુરસ્ત છે તો તે દીન અને દુનિયાના તમામ કાર્યોને ખૂબ જ સારી રીતે અદા કરી શકે છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યું : “બે ને’મતો એવી છે કે જેમના વિષે ઘણા લોકો બેદરકારી દાખવે છે. “સ્વાસ્થ્ય અને ફુરસદ.” (બુખારી). ઇસ્લામની નજરમાં પાણીનું કેટલી હદે મહત્ત્વ છે તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે નમાઝો માટે જે વુઝૂ કરવામાં આવે છે અને તેમાં જે પાણી વાપરવામાં આવે છે ઇસ્લામે તેની ઉપર પણ નજર રાખી છે. નમાઝ પઢનારા અલ્લાહના બંદાઓને હુકમ આપવામાં આવ્યો છે કે વુઝૂ તો કરો, પરંતુ વ્યય ન કરો. ઇસ્લામે માનવ-સ્વાસ્થ્યને દૃષ્ટિ સમક્ષ રાખતાં પાણીના મહત્ત્વને કેવી કેવી રીતે લોકોના મન-મસ્તિષ્કમાં ઉજાગર કર્યા એનો અંદાજો આ રીતે કરો કે આપ સ.અ.વ.એ રોકાયેલા (સ્થગિત) પાણી અને વ્હેતા પાણી બન્નેમાં પેશાબ કરવાથી મનાઈ ફરમાવી. જો કે વ્હેતા પાણીમાં થોડી ઘણી નાપાકીથી તેની પવિત્રતા (સ્વચ્છતા) પ્રભાવિત નથી થતી, પરંતુ તે દૂષિત થઈ જાય છે. આ પ્રદૂષણ એ સમયે ઓર વધી શકે છે કે જ્યારે લોકો વ્હેતા પાણીમાં પેશાબ વિ. કરવાને પોતાની ટેવ બનાવી લે. પેશાબ પર બીજી-અન્ય નાપાકીઓ અને મળ વિ.નો પણ અંદાજો લગાવી શકાય છે. ઇસ્લામે પાણીના રક્ષણને મોટું મહત્ત્વ આપ્યું છે. સૂઈને ઊઠ્યા પછી હાથને ધોયા વિના વાસણમાં હાથ નાખવાની મનાઈ છે. (સહીહ મુસ્લિમ, હદીસ નં. ૪૪૫). વાસણમાં શ્વાસ લઈને પાણી પીવું પણ મના ફરમાવેલ છે. (સહીહ અલ બુખારી, હદીસ નં. ૧૫૩). કેમ કે શ્વાસ દ્વારા જંતુઓ પાણીના વાસણમાં દાખલ થઈ શકે છે, જેનાથી બચેલ-વધેલું પાણી પણ દૂષિત થઈ શકે છે. જો કોઈ અન્ય તેનો ઉપયોગ કરે-પીવે તો પેટના રોગ થઈ શકે છે. હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિ. રસૂલુલ્લાહ સ.અ.વ.નું આ પવિત્ર કથન નોંધે છે કે : “પાણીનું વાસણ ઢાંકી દીધા કરો, અને મશકનું મોઢું બાંધી દીધા કરો.” (સહીહ મુસ્લિમ, હદીસ નં. ૫૩૬૪) રસૂલે અકરમ સ.અ.વ.એ પાણીના રક્ષણ અંગે એક ઉચ્ચ નમૂનો રજૂ ફરમાવ્યો છે. આથી આપ સ.અ.વ. એક “મુદ”ના પ્રમાણ જેટલા પાણીથી વુઝૂ ફરમાવી લેતા હતા, અને એક “સાઅ” જેટલા પાણીથી “ગુસ્લ” (સ્નાન) ફરમાવી લેતા હતા.
આવી જ રીતે છોડ અને વૃક્ષારોપણનો પ્રશ્ન છે. કુદરતની વ્યવસ્થા જ એવી છે કે તેમાં માનવ-જીવન માટે વૃક્ષોના અસ્તિત્વને અનિવાર્ય અને જરૂરી ઠેરવી દેવામાં આવ્યું છે માણસ જીવિત રહેવા માટે જે શ્વાસ (ઓક્સિજન) લે છે તે વૃક્ષોથી જ હાસલ કરવામાં આવે છે. આ જ કારણથી એ વૃક્ષો અને છોડવાઓને તબાહ અને બરબાદ કરવાથી ઇસ્લામે સખ્તાઈથી રોક્યા છે. એ લોકો કે જેઓ દુનિયામાં “ફસાદ” (બગાડ) ફેલાવે છે, ખેતી અને માનવ-વંશને તબાહ કરે છે. તેમની વખોડણી કરતાં અલ્લાહતઆલા ઇર્શાદ ફરમાવે છે કે : જ્યારે તેને સત્તા મળી જાય છે તો ધરતી ઉપર તેની સમગ્ર દોડધામ એટલા માટે હોય છે કે બગાડ ફેલાવે, ખેતીઓને ઉજાડી નાખે અને માનવવંશને તબાહ કરે – જો કે અલ્લાહ (જેને તે સાક્ષી ઠેરવતો હતો) બગાડને કદાપિ પસંદ કરતો નથી. (સૂરઃ બકરહ, આયત-૨૦૫)
યુદ્ધની સ્થિતિમાં કે જેમાં ખૂબ જ અફડા-તફડીનું માહોલ હોય છે, ભલા બીજા કાર્યો ક્યારે વિશ્વાસપાત્ર હોઈ શકે છે. પરંતુ એ સ્થિતિમાં પણ ઇસ્લામે વૃક્ષો અને છોડવાઓ તેમજ ખેતોને કાપવાથી અને બાળવાથી મના ફરમાવ્યા છે. ઇસ્લામના પૈગમ્બરે પણ આની તરફ ધ્યાન દોરતાં ઇર્શાદ ફરમાવ્યું : “જો તમારામાંથી કોઈને કયામત બિલકુલ સામે દેખાય અને તેના હાથમાં એક છોડ હોય તો તેને ઉગાડ્યા વિના ન મરે.” (સહીહ અલ જામેઅ, હદીસ નં. ૧૪૨૪) •••