Friday, December 13, 2024
Homeસમાચારશાહીન કોવિડ ટાસ્ક ફોર્સ પર બનેલી એક હ્રદયસ્પર્શી ઘટના

શાહીન કોવિડ ટાસ્ક ફોર્સ પર બનેલી એક હ્રદયસ્પર્શી ઘટના

મોડી રાતના ૪:૦૬નો સમય..ટાસ્ક ફોર્સના સાથીઓએ થોડી વાર પહેલાં જ પથારી પકડી હતી. અને ફોનની રીંગ રણકી..બીજા છેડેથી પરેશાનીભર્યો અવાજ આવ્યો. શાહીન ફોર્સથી બોલો? હકારાત્મક જવાબ મળતા તેમણે પોતાના કોરોના સંક્રમિત ગંભીર સ્વજનની જાન બચાવવા હોસ્પિટલ બેડની પૂછપરછ કરી. અમારા ૪૫ વર્ષના દર્દી રમેશભાઇ પરમાર (નામ બદલેલ છે)ની કોરોનાના કારણે હાલત ગંભીર થઇ ગઇ છે અને ઓક્સિજન લેવલ ૪૦-૪૫ થઇ ગયું છે. અમે મોડાસાના બાજુના ગામમાંથી આવ્યા છે અને બે હોસ્પિટલ ફરીને ત્રીજી હોસ્પિટલ ઊભ્યા છીએ. અહીં પ્રાથમિક સારવાર તરીકે ઓક્સિજન લગાવ્યા પછી અમે બીજા એક કોવિડ સેન્ટરમાં પૂછવા ગયા ત્યાંથી અમને તમારો નંબર મળ્યો છે. તમે જેટલું જલ્દી બને તેટલું ઝડપથી ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાવી આપો, પ્લીઝ..શાહીનના કાર્યકરોએ દર્દીની વિગતો લઇ અલગ અલગ હોસ્પિટલ્સમાં બેડ માટેની તપાસ શરૂ કરી. અંતે મેઘરેજની એક હોસ્પિટલમાં બેડ અને બાઇપેપ મળશે તેવી ખાતરી કરી દર્દીના સગાને જાણ કરી. હવે દર્દીના સગા ખાનગી ગાડીમાં આવ્યા હતા અને મોડાસાથી મેઘરેજ ઓક્સિજન સપોર્ટ વગર જઇ શકાય તેમ નહતું. ફરીથી શાહીન પર ફોન આવતા શાહીનના વોલન્ટીયરે તાત્કાલિક ઓક્સિજન બોટલ સાથેની એમ્બ્યુલન્સ બોલાવી અને તે પોતે પણ દર્દી જે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેતા હતા ત્યાં પહોંચી ગયા. વોલન્ટીયરે પોતાનો પરિચય આપતા દર્દીના સગા ગળગળા થઇ ગયા અને કહેવા લાગ્યા આટલી મોડી રાત્રે ઘણી જગ્યાએથી અમને બરાબર જવાબ પણ નહતા મળતા અને તમે આટલી મદદ કર્યા પછી રૂબરૂ પણ આવી ગયા. અંતે દર્દીને એમ્બ્યલન્સમાં મેઘરેજ શિફ્ટ કર્યા. પરંતુ હોસ્પિટલથી ફરીથી સગાનો ફોન આવ્યો અને કહ્યું કે કોઇક કારણસર દાખલ થવાનાં વિલંબ થઇ રહ્યો છે. વોલન્ટીયરે હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું કે દર્દીનું હોસ્પિટલ પહોંચતા સુધીમાં મૃત્યુ થઇ ગયું છે. વોલન્ટીયરને સગાને સીધો ફોન કરવાની હિંમત ના થતા એમ્બ્યુન્સના ડ્રાઇવરને ફોન લગાવીને સમાચારની ખાતરી કરી. ડ્રાઇવરે દર્દીના સગાને ફોન આપ્યો, તેણે રડતાં રડતાં વોલન્ટીયરનો ખૂબ જ આભાર માન્યો અને ઘણી દુઆઓ આપતા આપતા કહ્યું કે તમે તમારા બધા જ પ્રયત્નો કરી છૂટ્યા પરંતુ દર્દીના ભાગ્યમાં વધુ જીવન નહતું લખાયેલું કદાચ..વોલન્ટીયરને પોતાનું કામ પ્રમાણિકતા સાથે કરવાનો સંતોષ તો હતો પણ દર્દીની જાન ન બચી તેનું ઘણું દુ:ખ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments