✍️ ડૉ. કૌસર ઈન્દોરી
હિજાબ દિવસ વિશેષ
આજનો દિવસ વિશ્વમાં ‘હિજાબ દિવસ’ તરીકે મનાવવમાં આવે છે. હિજાબ એટલે પરદો અને તેના જેવા જ કેટલા શબ્દો જેવા કે, ઓટ, સતર, આડ, ઘુંઘટ, નકાબ ઔર બુર્કા જેવા શબ્દો આપણે જાણીએ છીએ. એક સ્વસ્થ સમાજ બનાવવા માટે તેમાં રહેલા લોકોની સકારાત્મક વિચારધારા અને નૈતિક મૂલ્યો જરૂરી છે અને જ્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાંથી નૈતિકમૂલ્યો જેવા કે શર્મ, લજ્જા, પાયમાલ થઈ રહ્યા હોય અને નિલૅજ્જતા ફેલાઈ રહી હોય ત્યારે હિજાબ તેને રોકવાનું એકમાત્ર સાધન છે. હિજાબનો ઉદ્દેશ્ય સ્ત્રીઓને સુરક્ષાની સાથે સ્વતંત્રતા આપવાનો છે. સ્ત્રીઓ અને પુરૂષોના જાહેરમાં થતા મેલ-મિલાપ અમુક મર્યાદાઓ આપીને તેમના વચ્ચે પ્રવર્તતી અરાજકતાને રોકવાનો છે.
આપણે સમાજમાં બે ઉદાહરણો જોઈએ. જેમાં એક જગ્યાએ કુટુંબ કે સમાજની સુરક્ષા માટે સ્ત્રીઓને ઘરમાં બંધ કરી તેમને તેમના હક્કોથી વંચિત રાખવામાં આવે છે, અને બીજી બાજુ જ્યાં સુરક્ષાને માથે મુકી એટલી સ્વતંત્રતા આપી દેવામાં આવે છે કે સ્ત્રીઓ અને પુરુષોને કોઈ મર્યાદા લાગુ પડતી નથી. આના પરિણામે સમાજમાં સતામણી, છેતરપીંડી, બાળાત્કાર જેવા દુષણો વધતાં જાય છે. આ બંને સ્થિતિ સ્વીકાર્ય નથી. હિજાબ સ્ત્રીઓને પોતાની મર્યાદામાં રહી તેમને સુરક્ષા આપી તેમને સમાજમાં ગૌરવભર્યુ સ્થાન આપે છે. હિજાબ ફક્ત એક પહેરવેશ નથી પણ એક મજબૂત વ્યક્તિત્વની નિશાની છે.
(લેખિકા ગર્લ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ગુજરાતના પ્રમુખ છે)