એચ.બી.એસ. હોસ્પિટલની મુલાકાત : એક ઝલક
રાસાયણિક તત્વોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. અને જ્યારે યોગ્ય વાતાવરણ મળે છે, તો તે તુરંત પ્રગટે છે. કઈંક એવું જ માનવોનું પણ છે. જેઓ પોતાની સુખાકારીની પરવા કર્યા વગર મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં મોખરે હોય છે તેમનું નેતૃત્વ મજબૂત હોય છે. જેમ કે નાગરિકત્વ વિરોધી કાયદા વિધેયક વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન દેશભરમાં જે રીતે નવા નેતૃત્વનો ઉદભવ થયો, કૈંક તેવી જ રીતે કોવિડ-19ના રોગચાળા અને લોકડાઉનથી કેટલાક નવા નેતૃત્વને પ્રોત્સાહન મળ્યું. તેમાંથી એક ઉડીને આંખે વળગે તેવું, અનુકરણીય અને અગ્રણી નામ ડો. મુહમ્મદ તાહા મતીન નું છે. તે એચબીએસ (HBS) હોસ્પિટલ બેંગ્લોરના મેનેજિંગ ડિરેક્ટર છે.
મારા ખૂબ જુના મિત્ર, કર્ણાટકના જમાઅતે ઇસ્લામી હિંદના સચિવ, મૌલાના અબ્દુલ ગફ્ફાર હામિદ ઉમરીની તબિયતની પૃચ્છા માટે મેં બેંગ્લોરની એચબીએસ હોસ્પિટલની મુલાકાત લીધી. માથાથી પગ સુધીની રક્ષણાત્મક પીપીઇ કીટ પહેરવી જરૂરી હતી, તેથી મેં તે પહેરીજ લીધી. લિફ્ટની પાસે ઊભા રહીને મેં ડોકટરો અને નર્સોનું અવલોકન કર્યું. કીટ પહેરી હોવાથી ઓળખ તો થઈ ન શકી. પરંતુ થોડી મથામણ પછી મેં ડો. તાહા મતીનને ઓળખી જ લીધા. તેઓ આ “નોટ ફોર પ્રોફિટ” (Not for Profit) હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર (MD) છે. તાજેતરમાં આ હોસ્પિટલ ખાસ કોવિડના દર્દીઓ માટે ફાળવી દીધી છે. તેઓ મુખ્ય નિયામક તરીકે દર્દીઓની ખાસ મુલાકાતે આવ્યા હતા. તેઓએ મને તેમની સાથે કરી દીધો . સઘન સંભાળ એકમ ICUમાં પ્રવેશતા જ એક વિચિત્ર સન્નાટાનો એહસાસ થયો . દર્દીઓના મોં અને નાક ઉપર ઓક્સિજન માસ્ક અને પાઈપો લાગેલી હતી અને માથા પર મોનીટર્સની બીપ-બીપની ધીમી અવાજોએ હૃદયમાં ગભરાટનાનું તાંડવ ઉભું કરી દીધું. આજે મેં ડો. મતિન સાહેબને એક નવા જ અવતારમાં જોયા. દરેક દર્દીને સલામ કરતા, તેઓને તેમના નામોથી પોકારતા, પરિસ્થિતિ વિષે પૃચ્છા કરતા, કેટલાક મનોરંજક અને રમુજી ટુચકાઓ પણ શેર કરતા જેથી બિમારીનો ભાર ઓછો થાય અને વાતારવણની બોઝિલતા ઓછી થાય. ફાઇલ પર એક આછી નજર નાંખી, ખૂબ ઝડપથી દર્દીની સ્થિતિ પારખી પ્રિસ્ક્રિપ્શન લખતા. દર્દીમાં જતાં જતાં આશાનો સંચાર વ્યક્ત કરતાં કે થોડી તકલીફ સહન કરી લો, બસ જલ્દીથી સ્વસ્થ થઈ જશો, ઇન્શાઅલ્લાહ. દસ લોકોના સ્ટાફ સાથે સમગ્ર હોસ્પિટલમાં ફરતાં રહ્યા. ડો.સાહેબની મુલાકાત દરમિયાન મેં દર્દીઓના ચહેરા પર આશાના તેજસ્વી સંકેતો જોયા.
નિરીક્ષણ પૂર્ણ કર્યા પછી, તેઓ મને તેમની ઓફિસમાં લઈ ગયા. અમે લાંબા સમય સુધી વાતો કરી. મેં દર્દીઓ માટે તેમની તડપ પણ જોઇ. હોસ્પિટલના ધીમા, નબળા આળસુ અને ટાઇમ પાસ કર્મચારીઓને તેઓએ ઠપકો પણ આપ્યો. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં 250 કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. એ પણ અનુભવ્યું કે સરકાર અને અન્ય સહાય એજન્સીઓ ડો. સાહેબની સેવાઓથી પ્રભાવિત છે અને તેની કદર પણ કરે છે. તે સમાજમાં એક મસીહા સ્વરૂપે ઉભરી આવ્યા છે. ભંડોળ આપતી એજન્સીઓએ HBS હોસ્પિટલને અન્ય પ્રતિષ્ઠિત હોસ્પીટલ ઉપર પ્રાધાન્ય આપ્યું છે. એચ.બી.એસ. હોસ્પિટલ સુવિધાઓ અને સેવાઓની બાબતમાં શ્રેષ્ઠ ગણવામાં આવી છે. એ પણ જાણવા મળ્યું કે હોસ્પિટલો માટે ઘડવામાં આવેલ રૂપરેખામાં તેમની સલાહને પ્રાધાન્ય આપવામાં આવે છે. મને એ જાણીને પણ સુખદ આશ્ચર્ય થયું કે આ દરમિયાન તેઓએ ચાળીસ લોકોને આ ક્ષેત્રમાં કામ કરવા માટે રોજગારી પણ આપી.
ડો.સાહેબની માનવતાની આ સેવા જોઈને મારું હૃદય આનંદવિભોર થઈ ગયું. માશાઅલ્લાહ!! આપના નેતૃત્વની કુશળતાને ચાર-ચાંદ લાગી ગયા. ચોતરફ આપની વાહવાહી છે. માનવતા માટે હૃદયની પીડા અને વેદના એ જ આપને પોતાની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કર્યા. સમાજના દરેક વર્ગમાં આપે ઊંડી છાપ છોડી છે. લોકો ઘણી વાર ચિંતિત હોય છે કે મોટી યોજનાઓ અને સંસ્થાઓ પ્રસ્થાપિત કરવા જરૂરી ભન્ડોળ ક્યાંથી પ્રાપ્ત કરશું? પરંતુ ડો. સાહેબનો અલ્લાહ પરનો વિશ્વાસ અને તેમનો અનુભવ દર્શાવે છે કે દાન તો સામે ચાલીને આવે છે અને ચરણોમાં આળોટે છે. ઘણા બધા ગરીબ દર્દીઓ સ્વસ્થ થાય છે અને ઘરે પાછા આવે છે અને તેમના બીલ તો ક્રાઉડફંડિંગ અને પરોપકારી લોકો દ્વારા ચૂકવવામાં આવે છે.
સ્વાર્થના આ યુગમાં નિસ્વાર્થ રીતે મનુષ્યની સેવા કરનારા લોકો સાચે જ લોટમાં મીઠા જેવા છે. ડો. સાહેબે એટલું જ નહીં કે આ કાર્યમાં પોતાની જાતને સંપૂર્ણ લગાવી દીધી છે, પરંતુ સાથે જ તેઓ માનવતાવાદી પેરામેડિક્સની નવી ખેપનો વિકાસ પણ કરી રહ્યા છે. સાચો લીડર તે જ છે જે પોતાની સાથે સાથે બીજા નેતૃત્વને પણ ઊભારે છે.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં નેતૃત્વ અને નેતૃત્વ નિર્માણ શું છે, તેના અભ્યાસમાં જેને રૂચિ હોય તે ડો. મુહમ્મદ તાહા મતીન અને તેમની એચ.બી.એસ. હોસ્પિટલનો અભ્યાસ અવશ્ય કરે.
ઉર્દુથી ગુજરાતી અનુવાદ: રાશિદહુસૈન