ISISના કારણે વિશ્વભરમાં ઇસ્લામની છબી બગાડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેની સામે જમાઅતે ઇસ્લામી હિન્દએ વૈચારિત લડતનો આરંભ કર્યો છે. ઇસ્લામમાં જિહાદ અને ખિલાફતની શું પરિકલ્પના છે તે વિશે જમાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સઆદતુલ્લાહ હુસૈની એક ખાનગી ચેનલ સાથેની ચર્ચામાં માહિતી આપે છે. તેમની સાથેથા સાક્ષાત્કારના કેટલાક અંશો યુવાસાથીના વાચકમિત્રો માટે રજૂ કરવામાં આવી રહ્યા છે.
પ્રશ્ન: જૂન ૨૦૧૪માં ISIS દ્વારા વૈશ્વિક સ્તરની ખિલાફતની ઘોષણા કરવામાં આવી છે. ISIS શું છે? તે અમારા શ્રોતા મિત્રોને જણાવશો?
ઉત્તર: ISIS અથવા દાઈશ જેવા ખાનગી સમુહો વિશે કંઇ પણ ચોક્કસપણે કહેવું ઘણંુ મુશ્કેલ છે. માહિતીના વિવિધ સ્ત્રોતો પરથી જાણવા મળે છે કે ISIS એ અલકાયદાના ગર્ભમાંથી પેદા થયેલું એક સમુહ છે. તે પોતાની કાર્યપ્રણાલીમાં સખત ઘાતકી છે. તેના અત્યાર સુધીના કારનામાઓનો ચિતાર કાઢવામાં આવે તો સીરીયામાં તે બશરઅલ અસદના દમનની સામે સંઘર્ષ કરી રહેલ ઇસ્લામી ચળવળો, સમુહો સાથે સીધી લડાઈમાં હોય તેવું જણાઈ રહ્યું છે. ISIS તેમના ઠેકાણાઓ એક પછી એક જીતી રહી છે. આની વિરુદ્ધ ઇઝરાયલ સામે તેનું કોઈ પગલું લેવાયું હોય તેમ જણાતું નથી. આ ઉપરાંત તેઓ હમાસને નિશાનો બનાવી રહ્યા છે. આમ સરવાળે તેઓ મુસલમાનો અને ઇસ્લામી ચળવળોને આયોજનબદ્ધ રીતે નુકસાન પહોચાડી રહ્યા છેે તે સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ISIS ઇસ્લામ દુશ્મન તાકતોના હાથે નિયંત્રિત થઈ રહ્યું હોય તેની નિશાનીઓ આખે ઉડીને વડગી રહી છે. વળી ISIS ઉદયનો સમય જોઇએ તો તે તેવા સમયે થયો જ્યારે અરબ રાષ્ટ્રોમાં નવી ક્રાંતિએ પોતાની મોજ પાથરવાની શરૃઆત કરી દીધી હતી અને ઇસ્લામ વિશે અને ઇસ્લામી ચળવળો માટે વિશ્વભરમાંથી શુભ સંકેતો મળી રહ્યા હતા.
પ્રશ્ન : ISIS પોતાને મુજાહિદીની સમુહ ગણાવે છે, શું આપ જણાવશો કે ઇસ્લામમાં જિહાદની કેવી પરિકલ્પના છે?
ઉત્તર: આ વાત તો નક્કી છે કે ઇસ્લામમાં જિહાદનો આદેશ બીજી ઇબાદતોની જેમ કરવામાં આવ્યો છે. જિહાદનો અર્થ સંઘર્ષ થાય છે. આ જ કારણે જે જિહાદના જુદાજુદા સ્વરૃપો હોઈ શકે તેમાં જિહાદ બિનનફ્સ અર્થાત્ પોતાની મનેચ્છાઓ સામે સંઘર્ષ, જિહાદ બિલકલમ અર્થાત્ લેખન દ્વારા સંઘર્ષ, અને જિહાદ બિલલિસાન અર્થાત્ પોતાની વાચાવડ સંઘર્ષ જેવા શાંત ઉપાયો મોજૂદ છે. એક મુસલમાનેે સામાન્ય સંજોગોમાં આવી જ શાંત રીતો અપનાવીને જ્યાં પણ અન્યાય દેખાય તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ અને પોતાના સંઘર્ષનો પરિચય આપવો જોઈએ.
પરંતુ ખાસ સંજોગોમાં જેમ ખ્રિસ્તી ધર્મમાં, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અને બીજા ધર્મો તથા વિચારસરણીઓમાં જંગ માટે અનુમતી આપવામાં આવી છે તે જ રીતે ઇસ્લામે પણ જિહાદ બિસ-સૈફ અર્થાત્ કિતાલ અર્થાત્ તલવાર અને હથિયાર વડે જંગ કરવાની પરવાનગી આપી છે. પરંતુ આના માટે ઇસ્લામે સખત શરતો રાખી છે. ઇસ્લામમાં જંગ માટેના કાયદાઓ તો સંયુક્ત રાષ્ટ્ર્ના કાયદાઓ કરતા પણ વધારે કઠિન છે. ઇસ્લામે જંગોની યથાર્તતા માટે જે કાયદાઓ આપ્યા છે ISIS તેનું ઉઘાડાપણે હનન કરે છે. અને તેની ખુનામરકીને હરગિઝ ઇસ્લામી ગણાવી શકાય નહીં. તે માત્ર મુસલમાનો અને ઇસ્લામનો નહીં પરંતુ સમગ્ર માનવજાતનો દુશ્મન હોય તેમ વર્તન કરી રહ્યું છે.
પ્રશ્ન : મુસલમાનો માટે જંગોની પરવાનગી કેવા સંજોગોમાં આપવામાં આવી છે?
ઉત્તરઃ એક સ્થિતિ તો તે છે જ્યારે દુશ્મન તમારા ઉપર હુમલો કરીને તમારી જમીન પચાવી પાડી રહ્યો હોય ત્યારે સ્વબચાવમાં તલવાર વડે જંગ લડી શકાય છે. એક બીજી પરવાનગી ત્યારે આપવામાં આવી છે જ્યારે અન્યાય અને અતિશ્યોક્તિની તમામ સીમાઓ પાર થઈ ગઈ હોય અને અન્યાયને દૂર કરવા માટે કોઈપણ શાંત તરકીબ બાકી ન રહી હોય. ત્રીજું સ્વરૃપ તે છે જ્યારે બે રાજ્યો વચ્ચે કોઈ સમજૂતી થઈ હોય અને ઉલંઘન કરવામાં આવે અને બીજી કોઈ અહિંસક રીત બાકી ન રહી હોય. આ ઉપરાંત જ્યારે બુનિયાદી માનવીય સ્વતંત્રતા પર તરાપ મરાતી હોય તેવા વિશેષ સંજોગોમાં જંગ કરવા માટે ઇસ્લામની અંદર શક્યતાઓ રહેલી છે. પરંતુ આ તમામ સંજોગોમાં પણ અનુમતી ત્યારે જ આપવામાં આવી છે જ્યારે બીજો કોઈ શાંત અથવા અહિંસક માર્ગ શેષ ન રહ્યો હોય. બીજી મહત્ત્વની બાબત છે કે જંગ કરવાની પરવાનગી માત્ર ઇસ્લામી રાજ્યની છે. નહીં કે કેટલાક સ્વઘોષિત લડવૈયાઓ અથવા સમુહોને. સીરીયા, ઇરાક અને પેલેસ્ટાઈનમાં આવા રાષ્ટ્રીય પરિબળો મોજૂદ છે અને તેમની હાજરીમાં ISISની આ લડાઈને કદાપી યોગ્ય ગણાવી શકાય નહીં.
પ્રશ્ન: તમે જે શરતો ગણાવી શું તેના પ્રકાશમાં પેલેસ્ટાઈનની લડાઈને તમે યોગ્ય ગણશો?
ઉત્તર : પેલેસ્ટાઈનની સ્થિતિ સાવ જુદી છે. પેલેસ્ટાઈન ૧૯૪૮માં એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું અને બહારથી આવીને તેમની સામે લડાઈઓ કરીને તેમની જમીનો પચાવી પાડવામાં આવી. આની સામે તેઓએ આયોજનબદ્ધ સંઘર્ષ જારી રાખ્યો છે. તેમને રાષ્ટ્ર તરીકેની માન્યતા હવે મંજૂર થઈ હશે પરંતુ પહેલાથી તેઓના પ્રતિનિધિઓ વિશ્વભરમાં સ્વિકૃત હતા. તેમની લડાઈને માત્ર દુનિયાભરના મુસ્લિમ રાષ્ટ્રો જ નહીં પણ વિશ્વના બીજા દેશો પણ યોગ્ય માને છે. પરંતુ ISIS ના મામલામાં વાત સાવ ભિન્ન છે.
પ્રશ્ન: ખિલાફતની ધારણામાં વિશ્વાસ રાખનાર લોકો કહી શકે કે એકવાર ખિલાફતની સ્થાપના થઈ જાય ત્યારે દુનિયાભરના મુસલમાનોએ ખિલાફતમાં કોઈ કમીઓ શોધવાને બદલે તેનું સંપૂર્ણ સમર્થન કરવું જોઈએ. આપ શું માનો છો?
ઉત્તર: પ્રથમ વાત તો એ છે કે તેમની ખિલાફત કઈ રીતે સ્થાપિત થઈ. શું કોઈપણ ૫ કે ૧૦ માણસો કહી દે કે ખિલાફતની સ્થાપના થઈ ગઈ તો શું તેમ થઈ જશે? શું દુનિયાભરના મુસલમાનોએ તેમનું અનુકરણ કરવું જરૂરી બની જશે? સ્પષ્ટ છે કે આ બાબત ન તો શરીઅતથી સાબિત થાય તેમ છે અને ન તો સામાન્ય સમજણમાં આવે તેવી બાબત છે. ખિલાફત તો મુસલમાનોની સર્વસંમતીથી અથવા તેમની બહુમતીની ઇચ્છાથી સ્થાપિત થઈ શકે છે. ISIS માં મુસલમાનોની સર્વસંમતિ તો તેમને રદ કરવામાં સ્થપાઈ છે. આમ તેમનું ખિલાફતનું એલાન પાયા વિહોણો છે. ISIS તો એક ફિત્નો અને બુરાઈ ફેલાવનાર શેતાની સમુહ છે.
પ્રશ્ન: આ સમુહ જે રીતે લોકોના માથા કલમ કરે છે, સ્ત્રીઓને ગુલામ બનાવે છે અને લોકોને બાળી નાખે છે તેના વિશે આપ શું કહેશો?
ઉત્તર: તેમના આ કૃત્યો જ દર્શાવી રહ્યા છે કે તેઓ કેટલા ગુમરાહ છે. અલ્લાહના પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ. દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, બાળકોને ન મારો, વૃદ્ધો પર હાથ ઉગામો નહીં, કોઈને આગમાં બાળશો નહીં. આ બધા કથનો જંગોના સંદર્ભમાં કહેવામાં આવ્યા છે. આપ સ.અ.વ. પછી પણ તેમના સહાબાઓ અને તેમના અનુયાયીઓ દ્વારા આ શરતોનો ચુસ્તપણે પાલન કરવામાં આવ્યો છે. જે પણ લડાઈ થશે તેવા લોકો સામે થશે જેમણે હથિયાર ઉગામ્યા હોય. આમ નાગરિકો જેઓ પોતાના ઘરે અથવા ધર્મ સ્થળોમાં હોય તેમને નુકસાન પહોંચાડવાની મનાઈ કરવામાં આવી છે. આપ સ.અ.વ. દ્વારા કુવાના પાણીમાં ઝેર નાખવા માટે પણ મનાઈનો હુકમ અપાયો છે. આ જ સિદ્ધાંતો દ્વારા ઝેરીલી વાયુઓ માટે પણ આ જ હુકમોની પાબંદી આવે છે. દેખીતી રીતે જે સમુહને ઇસ્લામના શિક્ષણ સાથે કોઈ લેવાદેવા ન હોય તેે જ સામાન્ય નાગરિકોને દુઃખ આપે, અગવળ પેદા કરે અને તેમના જાનમાલને નુકસાન પહોંચે તેવા કાર્યો કરી શકે.
પ્રશ્ન: ISIS દ્વારા જન્નત અને હુરો મેળવવા જેવા ઇનામોની વાત કરવામાં આવે છે. તેનાથી ઘણાં યુવાનો તેમની તરફ આકર્ષાય છે. આવા યુવાનો સામે શું વલણ રાખવું જોઈએ?
ઉત્તર: તે વાત તો સાચી છે કે અલ્લાહના માર્ગમાં જેઓ સંઘર્ષ કરીને ગાઝી થાય અથવા શહીદ થાય તેમના માટે જન્નતમાં શ્રેષ્ઠ ઇનામોની ખુશખબરી આપવામાં આવી છે. પરંતુ આ બદલો તેઓ માટે છે જેઓ એવી જંગો લડી રહ્યા છે જે ફકત અલ્લાહના માર્ગમાં હોય કોઈ પર જુલમ કરવા માટે ન હોય. અલ્લાહ તઆલા જ્યાં મુજાહિદો માટે જન્નતની બશારત આપે છે તેના ધરતી પર ફસાદ ફેલાવનારા લોકોને જહન્નતની યાત્નાઓથી પણ ચેતવે છે. અલ્લાહ પાક કુઆર્નમાં કહે છે કે, જેઓએ તમારા સામે જંગ આદરી છે તેમની સામે જંગ કરો પણ અતિશ્યોક્તિ ન કરો અને અલ્લાહ અતિશ્યોક્તિ કરનારાઓને પસંદ નથી કરતો. ખુદાની લાનત છે કે એ લોકો પર જેઓ તેના સીધા માર્ગને રોકવા માંગે છે અને તેમાં વાંકાપણું નાંખવા ઇચ્છે છે. તે લોકોનો હુકમ હરગિઝ ન માનો જેઓ પોતાની જાયઝ હદોને ઓળંગી ગયા હોય. આ ઉપરાંત કુઆર્નમાં અને આપ સ.અ.વ.ની હદીસોમાં ઠેકઠેકાણે હદથી વધી જનારા અને લોકો પર જુલમ કરનારાઓ માટે ચેતવણી આપવામાં આવી છે. આપણા યુવાનો સામે આપણે કુઆર્ન અને હદીસનું સાચું શિક્ષણ લાવવું જોઈએ. જેથી કરીને ફિત્નો અને ફસાદ ફેલાવનારા સમુહો તેમને ખોટા માર્ગે ચીંધી ન જાય.
સઆદતુલ્લાહ સાહેબનો આ ઇન્ટરવ્યુ યુ.ટયુબ પર ઉપલબ્ધ છે. યુવાસાથીના આવતા અંકમાં ઇન્શાઅલ્લાહ આ સાક્ષાત્કારનો બીજો હિસ્સો રજૂ કરીશું.