રમઝાન સંદેશ – 13
કુર્આન સ્પષ્ટ રીતે કહે છે કે ઇન્કાર કરવાવાળા પાસે કોઈ પાકી પાયાની દલીલ નથી કે મૃત્યુ પછીના જીવનનો ઇન્કાર કરે. એમનો આ ઇન્કાર માત્ર અટકળો ઉપર આધારિત છે.
“આ લોકો કહે છે કે જીવન માત્ર આ જ અમારું દુનિયાનું જીવન છે અને કાળચક્ર સિવાય કોઈ વસ્તુ નથી જે અમારો નાશ કરતી હોય. હકીકતમાં આ બાબતમાં આમની પાસે કોઈ જ્ઞાન નથી. આ લોકો માત્ર અટકળો ના આધારે આ વાતો કરે છે. અને જ્યારે અમારી સ્પષ્ટ આયતો આમને સંભળાવવામાં આવે છે તો આમની પાસે આ સિવાય કોઈ દલીલ હોતી નથી કે ઉઠાવીને લઈ આવો અમારા બાપ-દાદાઓને જા તમે સાચા છો.” (સૂરઃ જાસિયા : ૨૪-૨૫)
ખાતરીપૂર્વક ખુદા બધા જ મરેલાઓને ઉઠાવશે પરંતુ ખુદાની દરેક વસ્તુ વિશે પોતાની યોજના હોય છે. એક દિવસ આવશે જ્યારે સંપૂર્ણ સૃષ્ટિનો નાશ થશે અને બધા લોકોને ફરીથી જીવિત કરી ખુદાની સામે રજૂ કરવામાં આવશે. એ દિવસ એ જીવનનો પ્રથમ દિવસ હશે, જે શાશ્વત છે, ક્યારેય ખતમ નહીં થાય અને એ જ દિવસે માણસોને એમના કર્મો અનુસાર સજા અથવા ઇનામ મળશે.
મૃત્યુ પછીના જીવન વિશે કુર્આનના સ્પષ્ટીકરણથી જણાય છે કે માણસના નૈતિક બોધની આ માંગ છે. સત્ય તો આ છે કે જા મૃત્યુ પછીનું જીવન ન હોય તો ખુદામાં આસ્થા પણ પ્રસંગથી વિપરીત વાત જણાય છે અથવા તો એક વ્યક્તિ ખુદામાં આસ્થા રાખે પણ છે તો આવો ખુદા અનિવાર્યપણે અન્યાય કરી રહ્યો હશે, દુનિયાના કોઈ પણ મામલે એનો કોઈ સંબંધ બાકી ન રહે, જેણે માણસને જન્મ તો આપી દીધો અને એના ભવિષ્યથી એનો કોઈ સંબંધ ન હોય, ખરેખર ખુદા ન્યાય કરવાવાળો છે. તે એ અત્યાચારીઓને સજા અવશ્ય આપશે, જેમના ગુનાઓ અનેક છે જેમણે અસંખ્ય નિર્દોષ લોકોની હત્યા કરી છે, સમાજમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે, અગણિત લોકોને પોતાની મનમાની સેવા કરવા લાચાર કરી દીધા છે. અહીં માણસનું જીવન ઘણું ટૂંકું છે, પોતે આ દુનિયા પણ નાશ થઈ જવાની છે, બૂરા કાર્યો પર અથવા સારા કાર્યો પર ભરપૂર સજા અથવા ઇનામ આપવું અહીં સંભવ નથી.
કુર્આન તો બહુ ભાર આપીને કહે છે કે બદલાના દિવસ (કયામતના દિવસ)નું આવવું અત્યંત આવશ્યક છે, જ્યારે ખુદા દરેકના વિશે, ભલે એની મરજી અનુસાર થયો હોય કે ન થયો હોય, ફેંસલો કરશે.
“ઇન્કાર કરનારાઓ કહે છે શું વાત છે કે કયામત અમારી ઉપર આવતી નથી ! કહો, “સોગંદ છે મારા પરવરદિગારના જે છૂપી વસ્તુઓનો જાણકાર છે, તે તમારી ઉપર આવીને રહેશે. તેનાથી રજભાર કોઈ વસ્તુ ન આકાશોમાં છુપાયેલી છે ન ધરતીમાં રજકણથી મોટી અને ન તો તેનાથી નાની. બધું જ એક સ્પષ્ટ પુસ્તકોમાં લખેલું છે” અને આ કયામત એટલા માટે આવશે કે અલ્લાહ એ લોકોને વળતર આપે જેઓ ઈમાન લાવ્યા છે અને સદ્કાર્યો કરતા રહ્યા છે. તેમના માટે માફી છે અને માનભરી રોજી. અને જે લોકોએ અમારી આયતોને નીચી દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, તેમના માટે સૌથી ખરાબ પ્રકારની પીડાકારક સજા છે.” (સૂરઃ સબા : ૩-૪)
રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)