Tuesday, December 10, 2024
Homeસમાચારઆઈસીયુ વોર્ડ શરૂ કરવા સ્થાનિક યુવાનોએ ₹ 60 લાખ ભેગા કર્યા

આઈસીયુ વોર્ડ શરૂ કરવા સ્થાનિક યુવાનોએ ₹ 60 લાખ ભેગા કર્યા

અહમદાબાદ પૂર્વ વિસ્તારમાં કોરોના કહેર વચ્ચે માનવતાની મહેક

કોરોનાની લહેર ભારે હાલાકી મચાવી રહી છે. કેસોની સંખ્યા એટલી વધી રહી છે કે હોસ્પિટલોમાં પથારી મેળવવા માટે દર્દીઓના સગાને રઝળપાટ કરવા પડે છે. મોટા ભાગના હોસ્પિટલો ઓક્સિજન અને આઇસીયુ ઉપલબ્ધ કરાવી શકવાની સ્થિતિમાં દેખાઈ રહ્યા નથી. એવામાં અહમદાબાદના પૂર્વ વિસ્તારનાં સ્થિત અલ અમીન ગરીબ નવાઝ જનરલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આઈસીયુની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે ગોમતીપુર, રખિયાલ અને બાપુનગરના જાગૃત સેવાભાગી યુવાનો દ્વારા ડોનેશન એકઠું કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ઝુંબેશમાં નબીઉલ્લાહ ખાન પઠાણ, અફસરખાન પઠાણ, અમજદ ખાન પઠાણ, અમજદ હુસૈન, સાજિદઅલી સૈયદ, ઇમરાન શેખ, ઝિયાઉદ્દીન આઝમી, અઝહર રાઠોડ અને વિસ્તારના બીજા જાગૃત યુવાઓ સાથે મળીને સખીસંપન્ન લોકો પાસેથી દાન મેળવવાની ઝુંબેશ શરૂ કરી હતી. અને ધીરે ધીરે લોકો જોડાતા ગયા સહયોગ આપતા ગયા અને 15-20 દિવસમાં જ 60 લાખની જંગી રકમ હોસ્પિટલના ટ્રસ્ટીઓને સુપ્રત કરવામાં આવી છે.

લબ્બૈક ફાઉન્ડેશનના અધ્યક્ષ નબીઉલ્લાહ ખાન પઠાણે જણાવ્યું હતું કે, “કોરોના મહામારીમાં સમગ્ર માનવતા પરેશાન છે, લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે, પોતાના પ્રિય કુટુંબી જનોના જીવ બચાવવા માટે વલખાં મારી રહ્યાં છે. દવાઓ-ઇન્જેકશનો માટે, ઓક્સિજનો માટે, હોસ્પિટલોમાં પથારી માટે આમતેમ ફરી રહ્યા છે. આ પરેશાનીને દૂર કરવા માટે અમારા પૂર્વ વિસ્તારના હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે અમારા તરફથી આ નમ્ર પ્રયાસ છે. અમારા આ આઈસીયુ બનાવવાના અભિયાનમાં લોકોએ અમારી અપેક્ષા કરતાં ખુબજ વધારે સહયોગ આપ્યો છે. અત્યાર સુધી રૂ. 60 લાખ જેટલી સહાય મળી ચુકી છે જે હોસ્પિટલમાં જમા કરાવી દેવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ આઇસીયુ ખૂબ જલ્દીથી શરૂ કરી દેવામાં આવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લબ્બૈક ફાઉન્ડેશન દ્વારા લગભગ 500 જેટલી રાશન કિટ વિસ્તારના ગરીબ, વંચિત અને વિધવા મહિલાઓને વહેંચવામાં આવી છે.

અલ-અમીન હોસ્પિટલના ટ્રસ્ટી ડો. ઇલ્યાસ શેખએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, “નહીં નફો નહીં નુકસાનના આશયથી 20 વર્ષથી વધુ સમયથી હોસ્પિટલ કાર્યરત્ છે. જેનો ગોમતીપુર, રખિયાલ અને બાપુનગરના ગરીબ અને જરૂરિયાતમંદો લાભ ઉઠાવી રહ્યા છે. આઈસીયુની સુવિધા માટે વિસ્તારના જાગૃત યુવાનોએ ઝુંબેશ ચલાવીને દાન ભેગું કર્યું છે. આ રકમથી હવે હોસ્પિટલમાં 2 થી 3 વેન્ટિલેટરવાળા બેડ સહિત કુલ 14 આઈસીયુ બેડની સુવિધા ટુંક સમયમાં શરૂ કરાશે.”


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments