ઘણીવાર, સ્વતંત્રતા અને નૈતિકતાને એકબીજાના વિરોધી સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સ્વતંત્ર વિચારસરણી ધરાવતી વ્યક્તિ નૈતિક હોઈ શકતી નથી અને નૈતિક વ્યક્તિ સ્વતંત્ર વિચાર કરી શકતી નથી. આ ખરેખર “સ્વતંત્રતા” અને “નૈતિકતા” બંનેની ખોટી સમજનું પરિણામ છે. સ્વતંત્રતા શું છે? રાજકારણશાસ્ત્રમાં, આ પ્રશ્નનો સીધો જવાબ આપવામાં આવે છે કે વ્યક્તિ પર બાહ્ય પ્રતિબંધ ન હોવો એ જ સ્વતંત્રતા છે. જો કોઈ વ્યક્તિ પર બાહ્ય નિયંત્રણ અથવા દબાણ ન હોય, અને તે વ્યક્તિ કોઈ પણ ઉપર આધાર રાખ્યા વિના ર્નિણયો લઈ શકે અને સ્વાયત્ત રીતે વર્તન કરી શકે, તો તે વ્યક્તિને સ્વતંત્ર ગણવામાં આવશે.
પ્રતિબંધોનો અભાવ સ્વતંત્રતાનું ફક્ત એક પાસું છે. સ્વતંત્રતાનો અર્થ વ્યક્તિની ક્ષમતાઓનો વિસ્તાર કરવો અને તેની અંદરની સંભાવનાઓને વિકસાવવાનો પણ છે. આ પ્રકારે, સ્વતંત્રતા એવી સ્થિતિ છે જેમાં લોકો પોતાની રચનાત્મકતા અને ક્ષમતાઓને વિકસાવી શકે છે. આ રીતે, સ્વતંત્રતા એક સન્માનજનક જીવન માટે અત્યંત આવશ્યક છે.
સમાજમાં રહેતી કોઈ પણ વ્યક્તિ દરેક પ્રકારના પ્રતિબંધોની સંપૂર્ણ ગેરહાજરીની અપેક્ષા કેવી રીતે કરી શકે છે? આવી સ્થિતિમાં, એ સમજવું મહત્ત્વપૂર્ણ બની જાય છે કે કયા પ્રતિબંધો ન્યાયી છે અને કયા નહીં. કયા સ્વીકાર્ય છે અને કયા દૂર કરવા જોઈએ. આ બધું નક્કી કરવા માટે આધાર બનતા આદર્શો અને મૂલ્યો કયા હશે? ધર્મ થકી આપણને નૈતિક મૂલ્યોની જરૂર કેમ છે તે આ જ આદર્શો, સિદ્ધાંતો, નિયમો અને પ્રતિબંધો દ્વારા નક્કી કરવામાં આવે છે.
આપણને નૈતિક મૂલ્યોની જરૂર કેમ છે?
સિદ્ધાંતો, નિયમો અને પ્રતિબંધોના અભાવમાં માનવ સંબંધોમાં જે બગાડ પેદા થશે, તેનાથી માનવ સમાજ અવ્યવસ્થાની ગર્તામાં પહોંચી જશે. લોકોમાં મહત્ત્વાકાંક્ષાનો ટકરાવ સામાન્ય બાબત છે. પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે સીમિત સંસાધનો માટે લોકો દિવસ-રાત સ્પર્ધા કરે છે. સમાજમાં અસંમતિ ઊભરવાના ઘણા કારણો હોઈ શકે છે. આપણે આપણી આસપાસ નાના-મોટા કારણોસર લડવા માટે તૈયાર લોકોને જોઈએ છીએ. શહેરોમાં કાર પાર્કિંગને લઈને ઝઘડા, ગામમાં ગલી- મહોલ્લા અને જમીન જાગીર વિગેરે માટે થતા ઝઘડા આના ઉદાહરણો છે.
આપણે આ દુનિયામાં કેટલીક જરૂરિયાતો અને ઇચ્છાઓથી બંધાયેલા છીએ. આ ઇચ્છાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં જો નિયમો અને સિદ્ધાંતોના કોઈ સમૂહ (set)નું પાલન ન કરવામાં આવે, તો કોઈ પણ કિંમતે યેનકેન પ્રકારે જરૂરિયાતો અને ઇચ્છાઓને પૂર્ણ કરવું જીવનનું લક્ષ્ય બની જાય, તો સમાજને કોઈ તબાહીથી બચાવી શકાય નહીં. તથાકથિત સ્વતંત્રતાના ગગનભેદી નારાઓ સાથે તો એવી અવ્યવસ્થા જન્મ લેશે કે માનવ સમાજમાં વાસ્તવિક સ્વતંત્રતા માટે લોકો તરસી જશે.
આજે આમ જ થઈ રહ્યું છે. સ્વતંત્રતાના વિકૃત નારાઓના સહારે પોતાની કુંઠિત ઇચ્છાઓની પૂર્તિ માટે એક સમૂહ કોઈ પણ મૂલ્ય અને પ્રતિબંધને સ્વીકારવા તૈયાર નથી, જેના પરિણામે સમાજ સ્વચ્છંદતા, ર્નિલજ્જતા, અશ્લીલતાથી લથપથ થઈ રહ્યો છે. મનેચ્છાઓની ‘ગુલામી’ને આઝાદી કહેવામાં આવી રહી છે. ખાસ કરીને યુવા આ ભ્રમમાં ફસાય છે. તે એવું સમજે છે કે નૈતિક મૂલ્યોથી ‘પિંડ છોડાવીને’ એ સ્વતંત્ર થઈ રહ્યો છે. ‘મારૂં જીવન, મારી મરજી’જેવા નારાઓએ યુવાનોને ક્યાંયના નથી છોડ્યા. યુવા પેઢી માનસિક તણાવ, અસ્થિરતા, એકલતાપણું અને અવસાદનો શિકાર બની રહી છે, જેના કારણે યુવાઓની સકારાત્મક ઉર્જા અને રચનાત્મકતા દાવ પર લાગી ગઈ છે.
સાર આ છે કે નૈતિકતા, સ્વતંત્રતાનો પાયો છે. નૈતિકતા વિના વાસ્તવિક સ્વતંત્રતા શક્ય નથી. જરૂરી નિયમો અને જરૂરી પ્રતિબંધોને બાજુએ મૂકી માત્ર ઇચ્છાઓની ગુલામી, બજારની દાસતા અને રીતિ-રિવાજોનું અંધાનુકરણ કોઈપણ રીતે આઝાદી કહી શકાય નહીં. આપણે આઝાદી અને સ્વચ્છંદતા એટલેકે મનમાની વચ્ચેના ભેદને સમજવો પડશે.
અહીં મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે નૈતિક મૂલ્યો ક્યાંથી મેળવવા જોઈએ?
આ પ્રશ્નના જવાબમાં કાંટ જેવા વિચારકો પણ એક સર્વશક્તિમાન શક્તિની ‘આવશ્યકતા’ને સ્વીકારે છે. ધર્મનો તો મૂળભૂત પ્રશ્ન જ ઈશ્વરની ધારણા પર ટકેલો છે. એક સર્વશક્તિમાન ઈશ્વરની સત્તાને સ્વીકાર્યા વિના કોઈ નૈતિક માનદંડ અને મૂલ્ય ટકાઉ ન હોઈ શકે. જો હું કહું કે નૈતિકતા માટે ઈશ્વરની સત્તાને સ્વીકારવી જરૂરી છે તો મારો અર્થ એ નથી કે નાસ્તિક ક્યારેય નૈતિક માનદંડોને ઓળખતા અને સ્વીકારતા નથી. હા, આ ચોક્કસ છે કે એક નાસ્તિક, નિરપેક્ષ નૈતિક સિદ્ધાંતોમાં વિશ્વાસ કરવા માટે પૂરતું કારણ આપી શકતો નથી. અને જ્યારે લોકો કોઈ પણ ન્યાયી કારણ વિના નૈતિક સિદ્ધાંતોને સ્વીકારે છે, ત્યારે તેઓ તેની ઉપર તેની સરખામણીમાં નબળી પકડ ધરાવેછે, જેઓ નૈતિક મૂલ્યોને તર્કસંગત આધારે સ્વીકારે છે. મારૂં એવું પણ મંતવ્ય નથી કે જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ ધરાવે છે તેઓ નૈતિક રીતે પરિપૂર્ણ છે, પરંતુ, હા તેઓ તાર્કિક રીતે નૈતિક છે. •••