મનુષ્યના ચરિત્રનું નિર્માણ દુનિયાનું સૌથી નાજુક અને ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, પરંતુ આની સાથે ખૂબ જરૂરી અને ઘણું મહત્ત્વનું પણ છે. માનવતા જ્યાં સુધી નૈતિકતાના ઉચ્ચ આદર્શો તથા સિદ્ધાંતો પર સ્થાપિત ન થઈ જાય ત્યાં સુધી સભ્યતાને સારા માર્ગો પર વિકસિત કરવી શક્ય નથી. આજે આપણે ફસાદ તથા બગાડના જે સર્વવ્યાપી કાળનો સામનો કરી રહ્યા છીએ અને જેના સુખ-ચેન નષ્ટ કરનારા ફિત્નાઓ આપણા ઘરોના સીમિત વાતાવરણથી લઈને સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સંસ્થા સુધી દરેક સ્થાને તણખા વેરી રહ્યા છે, તેમનાથી છુટકારાનો કોઈ માર્ગ આના સિવાય અન્ય નથી કે મનુષ્યનું ચરિત્ર, વિચાર-સમજ, અવધારણાઓ તથા આસ્થાઓથી લઈને તેની રાજકીય, સામાજિક અને આર્થિક ગતિવિધિઓ સુદ્ધાંમાં મૌલિક તથા ક્રાંતિકારી પરિવર્તન પેદા થાય.. અને આદમના સંતાન ભૌતિકવાદી ચરિત્રથી મુક્તિ મેળવીને ઈશ્વરવાદી ચરિત્રને અપનાવે અને સંવેદનશીલ લોકો એક પછી એક આ અંધકારમય સમયમાં જાણે તેઓ પ્રકાશના કિરણો હોય તેમ ઊભા થાય.
એક રાષ્ટ્રની હેસિયતથી, આપણે પોતે એક નૈતિક ક્રાંતિના મોટા જરૂરતમંદ છીએ. આપણા સમાજમાં અગણિત નૈતિક રોગ બહુ મોટાપાયે ફેલાયેલા છે. આપણે ત્યાં વ્યક્તિગત અને કૌટુંબિક સામાજિક તથા સામૂહિક, કાર્યાલય સંબંધિત અને કારોબારી તથા રાજકીય અને રાષ્ટ્રીય જીવનના તમામ ક્ષેત્રોમાં નૈતિક બગાડનું ઝેર ફેલાયેલું છે. આ ઝેરની અસરો કંઈ છુપાયેલી નથી, બલ્કે અનેક રીતે પ્રગટ તથા સ્પષ્ટ છે. વ્યક્તિઓ સારા સિદ્ધાંતો, સારી પરંપરાઓ અને નૈતિક મૂલ્યોથી ખાલી થતી જઈ રહી છે. આ નૈતિક પતન દરેક પ્રકારના વિકાસમાં અવરોધરૂપ બનતું જઈ રહ્યું છે. અને આ જ કારણે આપણી તમામ શક્તિઓ અને ક્ષમતાઓ નષ્ટ થતી જઈ રહી છે. જીવનનો એક નવો યુગ શરૂ કરવા માટે આપણું પ્રથમ પગલું એ જ હોઈ શકે છે કે આપણી અંદર એક નૈતિક ક્રાંતિ આવે.
મનુષ્યોમાં નૈતિક ક્રાંતિ ફકત બાહ્ય ઉપાયો તથા પ્રયાસોથી જ પેદા નથી કરી શકાતી, ફકત કાયદા-કાનૂન અને નિયમ, બોર્ડ અને કમિશન, કાર્યાલય તથા સંસ્થાઓ, ડરાવવા-ધમકાવવાના પ્રયત્નો, અદાલતો તથા જેલ, દંડ તથા સજાઓ માણસને સારો નથી બનાવી શકતા. નૈતિક ક્રાંતિ હંમેશાં માણસની અંદર શરૂ થાય છે. જ્યાં સુધી કોઈ નવી વિચારધારા તેના મન-મસ્તિષ્કમાં બરાબર બેસી ન જાય, કોઈ ધ્યેય તેને અંદરથી પ્રેરણા ન આપે, જ્યાં સુધી સ્વયં તેને આ અહેસાસ ન થઈ જાય કે વર્તમાન સ્થિતિ એક ખોટી સ્થિતિ છે, અને જ્યાં સુધી તે એ ખોટી સ્થિતિમાંથી નીકળીને સારી સ્થિતિ સુધી પહોંચવા માટે સ્વેચ્છાએ કામ લેવા ન માંગે ત્યાં સુધી કોઈ મોટું નૈતિક પરિવર્તન આવી શકતું નથી. માનવીના અંતઃકરણમાં જ્યાં સુધી પોતાનો જ દીપ રોશન નથી થઈ જતો ત્યાં સુધી બહારના સૂર્ય અને ચંદ્ર તેને અંધારાઓથી છુટકારો નથી અપાવી શકતા.
ઇસ્લામ પોતાની વ્યાપક સામાજિક ક્રાંતિની શરૂઆત આ જ પ્રકારની નૈતિક ક્રાંતિથી કરે છે. તે માણસના ચરિત્રમાં પાયાની તબ્દીલી પેદા કરવાનું આમંત્રણ આપે છે. આ જ હેતુથી તે એક-એક વ્યક્તિની અંદરની શક્તિઓ અને ક્ષમતાઓને જગાવે છે. તે માણસને ઈમાન જેવી તાકતથી માલા-માલ કરે છે. તે ઈશ-પ્રેમ અને ઈશ-ભય જેવા રખેવાળ તેની અંદર બેસાડે છે. તે અંતરાત્મા જેવો ગાઢ સલાહકાર તેની સાથે લગાવે છે અને ઈશ્વરે મોકલેલા જ્ઞાનની મશાલ તેના હાથમાં પકડાવે છે, જે ખરા અને ખોટા વચ્ચેનું અંતર તેના પર સ્પષ્ટ કરે છે. તે તેની અંદર એક એવું સાહસ જગાવે છે કે જે તેને નેકી અને ભલાઈના માર્ગ પર નિરંતર એક એક કદમ આગળ વધારતો રહે છે. આજે આપણને અને આપણી સમગ્ર દુનિયાને ઇસ્લામની અપેક્ષિત ક્રાંતિની જરૂરત છે.
વ્યક્તિને પોતાના વ્યક્તિત્વને બનાવવા-શણગારવા માટે ખરા અને સાચા કે ભલા વાતાવરણની ખૂબ જ જરૂરત છે અને સામૂહિક વાતાવરણમાં એકલા કોઈ માણસના પોતાના વ્યક્તિત્વની સુધારણા તથા નિર્માણ માટે પ્રયત્નો કરવા, એક એવી મુશ્કેલ પરીક્ષા છે, જેનો વિચાર જ હૃદય કંપાવી દે છે, પરંતુ આમ છતાં આ હકીકત પોતાના સ્થાને તદ્દન ખરી છે કે ઈશ્વર તરફથી તેના પ્રત્યે દરેક વ્યક્તિ પોતાનો જવાબદાર પોતે જ છે. દરેક વ્યક્તિએ પોતાના વિષે પોતે જ જવાબ આપવાનો છે.
દરેક વ્યક્તિથી તેની શક્તિ અને ક્ષમતાઓ વિષે તેના ચરિત્ર તથા આચરણ વિષે અલગ અલગ સવાલ-જવાબ થવાના છે કે તેણે તેની સુરક્ષામાં ક્યા દરજ્જાની ચોકસાઈ દાખવી? તેના ઉપયોગમાં ક્યાં સુધી સાવચેતી અને સમજ-બૂઝથી કામ લીધું અને તેની વૃદ્ધિ માટે કયા કયા સંભવિત ઉપાય કર્યા? ત્યાં તો દરેક વ્યક્તિએ ઈશ્વરની અદાલતમાં એ સમય સુધી પોતાના પગો પર ઊભા રહેવું પડશે કે જ્યાં સુધી તે હિસાબ આપી ન દે કે તેણે પોતાની ઉંમર કયા હેતુઓ માટે અને કયા કયા કામ માટે ખપાવી? તેણે પોતાની જવાનીનો ખજાનો કઈ ઝુબેશમાં ખર્ચ કર્યો? તેણે કઈ રીતે કમાવ્યું અને પોતાની કમાણીને કયા માર્ગમાં ખર્ચ કરી?
સત્યની જેટલી પણ જાણકારી તથા પોતાની જવાબદારીઓ અને દાયિત્ત્વો તથા હલાલ (વેધ) અને હરામ (અવેધ)નું જેટલું પણ જ્ઞાન તેને પ્રાપ્ત થઈ શક્યું, તે મુજબ અમલ કરવામાં ક્યાં સુધી સક્રિયતા દાખવી? પોતાની જવાબદારીઓના આ બોજામાં એ કોઈ બીજાને પોતાનો સાથી ન બનાવી શકે. તેને મિત્રો તથા સગાં-સંબંધીઓ તેની સાથે ઊભા રહીને એ ક્ષણે તેની મુસીબતમાં કોઈ મદદ નહીં કરે.
“કોઈ બોજ ઉઠાવનાર કોઈ બીજાનો બોજ ઉઠાવશે નહીં.” (કુર્આન, ૩૯:૭)
આ વાતની પૂરી શક્યતા છે કે નકારાત્મક વાતાવરણના કારણે એક વ્યક્તિને ઈશ્વરની અદાલતમાં હિસાબ-કિતાબના સમયે કંઈક છૂટ મળે અને જબરદસ્તીની આ રુકાવટો તથા પોતાના વશની બહારની મુશ્કેલીઓથી ઘેરાઈને એ લાચાર થઈ જતો રહ્યો હોય, તેનું તેને બોનસ આપવામાં આવે, પરંતુ વિપરીત વાતાવરણથી લડવાની પોતાની જવાબદારીથી એ કોઈ પણ સ્થિતિમાં છૂટી નથી શકતો. અંતે એ પવિત્ર સામૂહિક વ્યવસ્થા, એક સાફ-સુથરા સમાજ અને એક સાનુકૂળ વાતાવરણ પૂરૂં પાડવું પણ તો સ્વયં વ્યક્તિની જ પોતાની જવાબદારી છે, અને આ હેતુને પામવા માટે પ્રયાસની શરૂઆત એક વ્યક્તિની જ આગેવાનીથી થાય છે.
હવે જો વ્યક્તિ પર બુન્યાદી અને આરંભિક જવાબદારી મૂકવામાં આવી ન હોય તો એક પ્રતિકૂળ વાતાવરણ લોકો માટે એક હંમેશનું બહાનું તથા કારણ બની જશે. આ ચક્કર ફરી ક્યાંથી તૂટી જ નથી શકતું. આ જ કારણ છે કે ઈશ્વરના પૈગંબરો તરફથી આપવામાં આવનાર સુધારણાના શિક્ષણમાં સૌ પ્રથમ અને મૂળભૂત રીતે વ્યક્તિને જ સંબોધિત કરવામાં આવે છે. તેનો પ્રથમ સંદેશ “કૂ અન્ ફુસકુમ” (બચાવો સ્વયં પોતાની જાતને)નો સંદેશ છે. ઈશ્વરની સમગ્ર વ્યવસ્થાનો હેતુ આ છે કે આપણે સ્વયં પોતાના માટે, પોતાની અંદર જ એક “મુરબ્બી” (સુધારણા કરનાર) અને “મુઝક્કી” (શણગારનાર) ઉપલબ્ધ કરાવીએ. આપણે બહારથી મળનાર મદદ ઉપર પણ ર્નિભર છીએ અને જ્ઞાન પ્રાપ્ત કરવા તથા પોતાના કર્મોને સુધારવાના કાર્યમાં બાહ્ય મદદ આપણા માટે ખૂબ જ આવશ્યક પણ છે, અને ખૂબ જ લાભપ્રદ પણ. પરંતુ પોતાના વ્યક્તિત્વના સાચા નિર્માતા આપણે પોતે છીએ, અને પોતાની સુધારણા માટે સૌથી વધારે સ્વયં પોતાની જ મદદની જરૂરત છે. •••
લે. નઈમ સિદ્દીકી