Friday, December 13, 2024
Homeપયગામરાષ્ટ્રવાદ, લોકશાહી અને માનવીય અભિગમ

રાષ્ટ્રવાદ, લોકશાહી અને માનવીય અભિગમ

એક સમય હતો જ્યારે એક સ્થળેથી બીજે જવા માટે ઘણો સમય લાગતો હતો. પરંતુ વિજ્ઞાનના આધારે ટેકનોલોજીની પ્રગતિએ આ અંતરને ઘણું ઓછું કરી દીધું છે. વૈશ્વિકરણના લીધે સમગ્ર વિશ્વ સમેટાઈને એક ગામડાં જેવું થઈ ગયું છે. અને એનાથી આગળ વધીને આંગળીના ટેરવે આવી ગયું છે. ઇન્ટરનેટની દુનિયામાં કોઈ સીમાંકન નથી. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વિશ્વના એક છેડાથી બીજા છેડાની વ્યક્તિને મળવું, વિચારોનું આદાન-પ્રદાન કરવું શક્ય અને સરળ બની ગયું છે. જો ફેસબુકને એક દેશનો દરજ્જો આપવામાં આવે તો વિશ્વની એક તૃતીયાંશ આબાદી ધરાવતો સૌથી મોટો દેશ બની જાય. જો લોકમાનસિકતાને સાચી દિશા આપવામાં આવે તો એક વિશ્વની પરિકલ્પના શક્ય બની શકે છે. આમ તો ધર્મોમાં વૈશ્વિક બંધુત્વનો વિચાર કઈંક ને કંઈક અંશે જોવા મળે છે. કુર્આન ‘સમગ્ર માનવજાતને ‘એક આદમની સંતાન’ કહે છે તો શાસ્ત્રો ‘વસુદેવ કુટુમ્બકમ’નું સૂત્ર આપે છે. વ્યવસ્થાની રીતે કોઈ કર્મભૂમિ હોઈ શકે જે એક જુદા દેશ તરીકેની ઓળખ ધરાવતો હોય પરંતુ માનવતાની રીતે આપણે બધા એક જ ડાળના પંખીઓ છીએ. સોશ્યલ મીડિયાએ સીમાવિહીન વર્ચ્યુઅલ દુનિયાનું નિર્માણ કર્યું છે.સભ્યતાની આ પ્રગતિએ એક માનવ સમાજની પરિકલ્પના વધુ દૃઢ બનાવી છે અને આ જ વિચાર ઉપર ભાર મૂકવામાં આવે તો ઉપરના સૂત્રોને સાર્થક કરી શકાય. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે રાષ્ટ્રવાદના સંકુચિત વિચારથી ઉપર ઊઠી સમગ્ર માનવતાને એક નજરથી જોવામાં આવે. રાષ્ટ્રવાદ વિશે ગાંધીજીના વિચાર જાણવા જેવા છે. તેમણે કહ્યું હતું કે ‘તેથી રાષ્ટ્રવાદ માટે મારો પ્રેમ અથવા રાષ્ટ્રવાદની મારી કલ્પના આ છે કે મારો દેશ સ્વતંત્ર હોય,પરંતુ જો જરૂર જણાય તો માનવતાને જીવંત રાખવા સંપૂર્ણ દેશ મરી જાય.’ આ લખવાનો સારાંશ આટલો જ કે રાષ્ટ્રવાદને વિશ્વ નિષ્ઠા આધીન નિયંત્રણમાં રાખવો પડશે.

સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ધર્મનો ફાળો નગણ્ય નથી. અને જનઘડતરમાં પણ નૈતિકતાએ સુંદર ભાગ ભજવ્યો છે, આ નૈતિકતાના મૂળ પણ કયાંક ને કયાંક ધર્મ સાથે જોડાયેલા છે. આપણો દેશ પ્રગતિના પંથે ચાલી રહ્યો છે અને તેનું સૌભાગ્ય છે કે અહી વિવિધ સંસ્કૃતિઓનો સંગમ જોવા મળે છે. તેનું પરિણામ એ હોવું જોઈતું હતું કે ટેકનોલોજીના વિકાસ સાથે નૈતિક મૂલ્યો પણ વધવા જોઈતા હતા. પરંતુ અનાયાસે તેનાથી વિપરીત થયું. આ વિપરીત વલણ ૨૧મી સદીના માણસને શોભતું નથી. કોઈ પણ સંસ્કૃતિના કેટલાક નૈતિક મૂલ્યો હોય છે. જો એ મૂલ્યો ન સચવાય તો સંસ્કૃતિ બાકી જ ક્યાં રહે છે? અને જો સંસ્કૃતિ મરી પરવારે તો ધર્મ પણ કલંકિત થાય છે.

ઇતિહાસ ઉપાડીને જોઈ લો જ્યારે કોઈ પણ સંસ્કૃતિ ન્યાય અને નૈતિકતાના મૂલ્યોને ત્યજી દે છે ત્યારે અલ્લાહ તેને લાંબા સમય સુધી બાકી રાખતો નથી. થોડુંક ઊભા રહીને વિચાર કરો કે ઇતિહાસમાં કેટલીક ભવ્ય સંસ્કૃતિઓ હતી એ શા કારણે નાબૂદ થઈ ગઈ. આપણે મિસ્રમાં ફિરઔનોને જોયા, યૂનાની શાસકો આવ્યા, ગ્રીક સંસ્કૃતિ સમાપ્ત થઈ,મુસ્લિમ રાજાઓ થઈ ગયા, આપણે ત્યાં હડપ્પા સંસ્કૃતિ જેવી કેટલીક પ્રાચીન સંસ્કૃતિઓ હતી. પરંતુ તે માત્ર ઇતિહાસ બનીને રહી ગઈ. કળા અને સાહિત્યમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગમે તેટલી પ્રગતિ કરો પરંતુ તે માનવીય મૂલ્યોના જતન વગર પાંગળી છે. કુઆર્નમાં કેટલીક વસ્તીઓનો ઉલ્લેખ બોધગ્રહણ કરવા માટે કરવામાં આવ્યો છે. દા. ત.

“કેટલીય ગુનેગાર વસ્તીઓ છે જે અમે નષ્ટ કરી છે અને આજે તે બધી પોતાની છતો પર ઊંધી પડી છે, કેટલાય કૂવાઓ અવાવરાં અને કેટલાય મહેલો ખંડેર બનેલા છે.” (સૂરઃ હજ્જ, આયત – ૪૫)

“કેટલીય વસ્તીઓ છે જે અત્યાચારી હતી, મેં તેમને પહેલાં મહેતલ આપી, પછી ઝડપી લીધા, અને સૌને પાછા તો મારા જ પાસે આવવાનું છે.” (સૂરઃ હજ્જ, આયત – ૪૮)

“હે પયગંબર ! કેટલીય વસ્તીઓ એવી પસાર થઈ ગઈ છે જે તમારી તે વસ્તી કરતાં અધિક શક્તિશાળી હતી જેણે તમને કાઢી મૂક્યા છે. તેમને અમે એવી રીતે નષ્ટ કરી દીધા કે કોઈ તેમને બચાવનાર ન હતું.”(સૂરઃ મુહમ્મદ આયત – ૧૩)

પોતાના આચાર વિચાર ઉપર ચિંતનનું આમંત્રણ આપતાં ખૂબ જ આશ્ચર્ય સાથે અલ્લાહ ફરમાવે છેઃ
“શું આ લોકો ધરતી ઉપર હર્યા-ફર્યા નથી કે તેમના હૃદય સમજનારા અને તેમના કાન સાંભળનારા હોત ? હકીકત એ છે કે આંખો આંધળી નથી હોતી, પરંતુ તે હૃદય આંધળા બની જાય છે જે છાતીઓમાં છે.” (સૂરઃહજ્જ, આયત – ૪૬)

આ આયતો ઉપરથી એમ કહી શકાય કે જો શાસક વર્ગ જુલ્મ અને અત્યાચાર કરે, અન્યાયી અને અશ્લીલ હોય, અશિષ્ટ અને અનૈતિક હોય તો પૃથ્વી તેમને લાંબા સમય સુધી સહન કરી શકતી નથી. કોઈ સમૂહમાં આ મૂલ્યોનું ર્નિબળ થવું તેમના અંતને નોતરે છે.

આજે સમગ્ર વિશ્વમાં આટલી પ્રગતિ છતાં જે ખૂનામરકી છે, જે અસહિષ્ણુતા અને અસમાનતા છે, જે હિંસા અને અન્યાય છે તે ચરમ સીમાએ છે. જો આપણે વૈશ્વિક શાંતિના ઇચ્છુક હોઈએ તો ઘર્ષણની પરિસ્થિતિને ‘ના’ કહેવું પડશે. નાની મોટી ક્ષતિઓને નજર અંદાજ કરવી પડશે. અને સહઅસ્તિત્વને વધુ સુંદર બનાવવા માટે મેલ-મિલાપ તથા એકમેકને અનુકૂળ (adjustment) થવાના વિચારને સાર્થક કરવો પડશે. એકબીજા સાથે સારી એવી લેવડ-દેવડ કરવી પડશે. અહંકાર કોઈ પણ પ્રકારનો હોય તે અંતે નુકસાનકારક છે. શારીરિક અથવા ભૌતિક જીવન માટે આધ્યત્મિક અથવા નૈતિક મૂલ્યોનું વિનિમય ન કરવું જોઈએ. યાદ રાખવું જોઈએ કે નૈતિક દુર્ગુણો જ્યારે મરી પરવરે છે ત્યારે માનવતા ખીલે ઊઠે છે. ધર્મ માત્ર અલ્લાહ (ઈશ્વર)ને જાણવાનું નામ નથી પણ માનવતાને પામવાનું નામ પણ છે. જો તમારી અંદર માનવીય મૂલ્યો જ બાકી ન રહે અને ધર્મનું આવરણ બાકી રહે છે તો પણ તેનો જુસ્સો અને ઉલ્લાસ (spirit) તો બાકી રહેતો નથી.

માનવીય અભિગમ અને આપણું બંધારણ
આપણા બંધારણમાં આપણે આપણી જાતને આંતરરાષ્ટ્રીય સહયોગ અને શાંતિ માટે બાંધી લીધી છે. તેમાં ભૌગોલિક, રાજકીય, આર્થિક કે સાંસ્કૃતિક કોઈ પણ પ્રકારનું વિભાજન નથી. સહકારની ભાવનાને રાષ્ટ્રની સીમાથી રાષ્ટ્રોના દરેક જૂથ સુધી લઈ જવાની છે. લોકશાહીનો અર્થ ટોળશાહી નથી, ન જ બહુમતીવાદ છે બલ્કે છેવાડાની વ્યક્તિના અધિકારોની રક્ષા અને વિરોધીને માન આપવું એ છે. આપણે કોઈ પણ વિચારધારા અપનાવીએ અને તેને સાચી માનીને બીજાઓને તે દ્રષ્ટિકોણ સાથે સંમત થવા માટે સમજાવીએ. પરંતુ બીજી વિચારધારા કે અસંમતિને દેશ નિકાલ ન આપી શકીએ. લોકશાહી એ હિંસાનો માર્ગ કે અરાજકતાની વ્યવસ્થા નથી બલ્કે વાતચીત વાર્તાલાપ,ચર્ચા, સંકલન અને સંવાદની વ્યવસ્થા છે.

કમનસીબે,અત્યારે વિશ્વ બે વર્ગોમાં વહેંચાયેલું છે. તેથી જ આપણને ભવિષ્ય માટે ખૂબ જ ભય લાગે છે. એક અદ્રશ્ય સંકટનો ડર આપણને ચિંતિત કર્યા કરે છે. અને આ ડર આપમેળે ઊભો થયો નથી બલ્કે ઊભો કરવામાં આવ્યો છે. લોકશાહી વ્યવસ્થામાં બહુમતિનો પ્રભાવ વધવાથી લઘુમતિઓમાં victimhood (પીડિતપણા)ની ભાવના ઊભી થાય તે સામાન્ય છે. પરંતુ જો બહુમતી સમાજમાં આ માનસિકતા ઉત્પન્ન થાય તો તે ખૂબ ભયાવહ છે. બહુમતી સમાજમાં આ માનસિકતા જેટલી મજબૂત બનશે લઘુમતીઓનું તુષ્ટિકરણ એટલું જ વધશે, તેમના પ્રત્યે તિરસ્કારની લાગણી ઊભી થશે, પીડિત હોવા છતાં તેમને ક્રૂર તરીકે ચીતરવામાં આવશે. કોઈ તેમના માટે ન્યાયની વાત કરે તો તેને નાહિંમત કરવામાં આવશે. તેઓ પોતાના મૂળભૂત અધિકારો માટે આવાજ ઉઠાવશે તો તેમને પોતાના ભવિષ્ય માટે ખતરો ગણવામાં આવશે. આ પરિસ્થિતિ કોઈ પણ સમાજ અને દેશ માટે આત્મહત્યાના માર્ગે જવા જેવી છે. દુર્ભાગ્યે આજે પરિસ્થિતિ આવી જ બની રહી છે.

આપણે પ્રગતિ અને વિકાસના માપદંડો નક્કી કરવા પડશે.. શું તે માત્ર ભૌતિક પ્રગતિ અને સત્તા ગ્રહણ કરવું હશે કે માનવ સમાજ પ્રત્યે ન્યાય આધારિત બંધુત્વનો અભિગમ. એક વિનાશનો માર્ગ છે. બીજો વિકાસનો હાઇવે. દેશ માત્ર શસ્ત્રોથી શક્તિશાળી બનતો નથી બલ્કે સમગ્ર માનવ સમાજની તે કેટલી કાળજી રાખે છે તેનાથી બને છે.

જો આપણે વિશ્વ સમાજ પ્રત્યે ઉચ્ચ વફાદારી કેળવી શકીએ, તો માનવ ઇતિહાસનો સૌથી મહાન યુગ આપણી મુઠ્ઠીમાં અને પહોંચમાં હશે. આ માટે જરૂરી છે કે આપણે માણસની અંદર રહેલી આત્માની શક્તિને ફરીથી શોધી કાઢીએ અને આપણા હેતુઓનું પુનઃ અર્થઘટન કરીએ. જો લોકશાહી ટકાવી રાખવી હોય તો તેને ફરીથી તેના મૂલ્યો ઉપર ઊભી કરવી પડશે.

સીમાભક્તિ, આર્થિક અસમાનતા અને સ્વાર્થના જે આવરણ આપણે ઓઢી રાખ્યા છે તેને ત્યજવા પડશે. દેશ કે સમાજ ક્યારેય સામાન્ય માણસોના હસ્તે વિનાશ પામતો નથી પરંતુ સમૃદ્ધ લોકો દ્વારા પામે છે. કેમકે સમૃદ્ધિ અહંકાર અને ભયને પોષણ આપે છે. સમૃધ્ધિ અને સત્તા છીનવાઈ જવાનો ભય તેમનાથી એવાં કૃત્યો કરાવડાવે છે કે એક શૈતાન પણ તે કરતા અચકાય..

સંસ્કૃતિઓ માત્ર એ હદે જ ટકી શકશે જ્યાં સુધી તેઓ આ મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારશે. આપણું કર્તવ્ય છે કે આપણે સંપૂર્ણ ન્યાયના પરીપેક્ષ્યમાં મૂલ્યોનું જતન કરવા પ્રયત્ન કરીએ. દુષ્ટને ત્યારે જ હરાવી શકાય છે જ્યારે આપણે તેને નમ્રતા સાથે સારો જવાબ આપીશું. જેમકે કુઆર્ન કહે છે, “બૂરાઈને ભલાઈથી દૂર કરો.” અંધકારના રોદણા રડવાથી કોઈ ફાયદો થશે નહીં. અંધકાર દૂર થાય તે માટે આપણે પ્રકાશ વધારવો પડશે તેને ફેલાવવો પડશે. •••

નશેમન પર નશેમન ઇસ તરહ તામીર કરતા જા..
કે બિજલી ગિરતે ગિરતે આપ ખુદ બેઝાર હો જાય..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments